પડદે દેખાતાં દૃશ્યો માત્ર જોવાનાં નહીં, પણ જીવવાના અને જાતે અનુભવવાનાં થઈ જાય એ દિવસો દૂર નથી. વિડીયો ગેમમાં જેમ રમનાર ગેમમાં સર્જાયેલી દુનિયા જાતે ઘમરોળે છે એમ ઓટીટીના શોઝમાં પણ થઈ શકવાનું છે. મેચ કે મ્યુઝિક કોન્સર્ટ જોવા મોંઘી ટિકિટ લઈ સ્ટેડિયમમાં જઈ જેવો આનંદ ના માણી શકાય એવો મેટાવર્સથી ઘેરબેઠા માણી શકાશે…
ધારો કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. આપણું સ્ટેડિયમ ભલે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય, પણ છેવટે એની દર્શકો સમાવવાની એક હદ છે. મેચના મહિનાઓ પહેલાં એની ટિકિટ ચપોચપ વેચાઈ જવાથી અનેક હરખપદુડા દર્શકો બળાપો કાઢી રહ્યા છે કે હું રહી ગયો (કે રહી ગઈ)! આ દર્શકોને જો પહેલી હરોળની કે વીઆઈપી બોક્સની ટિકિટ મળી જાય, તો?
એ શક્ય થવામાં કદાચ ઝાઝો સમય નહીં લાગે. એટલું જ નહીં, મેચ જોવા દર્શકે સ્ટેડિયમ સુધી લાંબા પણ નહીં થવું પડે. ઘેરબેઠા, પોતાની આંખો સમક્ષ રાખેલી કે આંખો પર પહેરેલી સ્ક્રીન પર કે ટીવી પર એ મેચ બિલકુલ એવી રીતે માણી શકશે જેવી રીતે માણી શકાય સ્ટેડિયમમાં. એ શક્ય કરશે ઓટીટી પ્લેટફોર્મ્સ અને મેટાવર્સનું મિલન. માત્ર એ શું કામ, આ મિલન મનોરંજન અને જાહેરાતની દુનિયાનું કલેવર પણ સમૂળગું બદલાવી નાખે એવી એમાં તાકાત હશે.
પહેલાં મેટાવર્સ શબ્દને સમજી લઈએ જે આજકાલ બહુ વપરાય છે. ૧૯૯૨ની નીલ સ્ટિફન્સનની એક સાયન્સ ફિક્શન નોવેલ નામે ‘સ્નો ક્રેશ’ આવી હતી. એમાં મેટાવર્સ શબ્દ પહેલીવાર વપરાયો હતો. એ શબ્દ બન્યો હતો મેટા શબ્દ અને યુનિવર્સમાંના વર્સને ભેગા કરીને. મેટાના બે અર્થ થાય, એક છે કોઈ સ્થિતિ કે પરિવર્તન સંબંધિત, અને બીજો અર્થ છે, ઉચ્ચતર કે વિશાળ. યુનિવર્સ એટલે વિશ્વ. મેટાવર્સ, ઇન શોર્ટ, એટલે એક કાલ્પનિક વિશ્વ. એમાં સ્થળ અને પદાર્થ સર્જવામાં આવે છે. એની સાથે વ્યક્તિ ટેકનોલોજીની મદદથી એક શરીર કે અવતાર ધારણ કરીને એકરસ થાય છે. મોબાઇલ અને ઇન્ટરનેટ વાપરતાં વાપરતાં હવે અવતાર એટલે શું એનાથી લગભગ સૌ પરિચિત થઈ ગયા છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંગમથી અવતાર ધારણ કરીને વ્યક્તિ અનેક કાલ્પનિક વિશ્વોમાં વિહરી શકશે. સાથે, પેલી મેચ જેમાં ટિકિટ ના મળી એનો આનંદ પણ માણી શકશે.
મેટાવર્સને વધુ સરળતાથી સમજવા માટે એકાદ વિડીયો ગેમ યાદ કરો, જેમાં રમનાર એક પાત્ર હોય છે. એના જેવા ઘણા લોકો સમાંતરે એ ગેમ રમતા હોય છે. બધા એકમેક સાથે વાત પણ કરે, પોતાના દાવ પણ ખેલે અને હારે કે જીતે. સૌનો એક અવતાર હોય અને સૌનું એક વ્યક્તિત્વ હોય. વીસેક વરસ પહેલાં સેકન્ડ લાઇફ નામની કંપનીએ આ દિશામાં પ્રથમ વાર કશુંક નવું અને નોંધનીય કર્યું હતું. એ કંપની આજે પણ સક્રિય છે.
મેટાવર્સની મદદથી તો વ્યક્તિ સદેહે મેચ માણવા કરતાં વધુ આનંદ માણી શકશે, કારણ કે એ ધારે એ એન્ગલથી મેચ જોઈ શકે છે, ધારે એ સીટ પર બેસી શકે છે. મેચ શું કામ, લાઇવ કોન્સર્ટ પણ જોઈ શકે છે. જિયો સિનેમાએ હાલમાં જે મેચના પ્રસારણ કર્યા એમાં વિવિધ કેમેરાથી મેચ જોવાની સગવડ હતી, વિવિધ ભાષામાં કોમેન્ટરી પણ હતી. એને ઓટીટીના ભવિષ્ય તરીકે કલ્પી શકાય છે. બીજા એક-બે ઓટીટી પર એવા શો પણ આવ્યા છે જેમાં દર્શકને વાર્તા કેવી રીતે આગળ વધારવી એ ઠરાવવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. યાદ કરો, ‘બ્લેક મિરર’ વેબ શોના છોગા હેઠળ રિલીઝ થયેલી ‘બેન્ડરસ્નેચ’ નામની ઇન્ટરેક્ટિવ ફિલ્મ, જેમાં તમે રિમોટ દ્વારા જે વિકલ્પ પસંદ કરો તે પ્રમાણે વાર્તા આગળ વધતી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ફિક્સ્ડ નહીં, દર્શકની અપેક્ષાનુસાર બદલાતી સ્ટોરી.
વાત કરીએ મેટાવર્સથી ઓટીટીનો આનંદ કેવી રીતે અનેકગણો વધશે, ઓટીટી ચલાવનારાની આવક કેવી રીતે વધશે એની. એપલ કંપની હવે વિઝન પ્રો નામનું હેડસેટ લાન્ચ કરવાની તૈયારીમાં છે. એ પણ આ વધતા આનંદની દિશામાં એક પગલું છે. એના થકી એવી રીતે ડિજિટલ કોન્ટેન્ટ માણી શકાશે જે રીતે ક્યારેય કોઈએ માણ્યું નથી. એની વધુ વાત પછી ક્યારેક. મેટાવર્સને લીધે ઓટીટીનું કોન્ટેન્ટ ફ્લેટ નહીં પણ ૧૮૦ કે ૩૬૦ ડિગ્રીમાં માણી શકાશે. ‘શોલે’ જોતા હોઈએ અને ગબ્બર પહાડ પર ઊભો રહી, ‘તેરા ક્યા હોગા કાલિયા?’ પૂછે તો દર્શક એનો મૂક સાક્ષી બની શકશે. જાણે કે એ ગબ્બરની આસપાસ ઊભો રહીને તાલ જોઈ રહ્યો હોય.
મેટાવર્સ આપણી સ્ક્રીન પર દેખાતી મેચ, કોન્સર્ટ, ફિલ્મ, સિરીઝ, સિરિયલ કે ડોક્યુમેન્ટરી સહિતના દરેક કોન્ટેન્ટને જીવંત કરી દેશે. એ સાથે મેકર્સે પણ ફિલ્મમેકિંગની સ્ટાઇલ બદલવી પડશે. ફ્લેટ શૂટિંગ માટે વપરાતા કેમેરાનું સ્થાન ૩૬૦ ડિગ્રી શૂટ કરી શકતા કેમેરા લઈ લેશે. એક જ પ્રવાહમાં લખાતી વાર્તાનું સ્થાન એકથી વધુ પ્રવાહ ધરાવતી વાર્તા લઈ લેશે. જાહેરાતો સુધ્ધાં એવી થશે કે નકરી વાહવાહ સાંભળવાને બદલે જોનાર વ્યક્તિ પ્રોડક્ટને વધુ ઊંડાણથી સમજી અને અનુભવી પણ શકશે.
માત્ર નવાં સર્જનોમાં નહીં, મેટાવર્સને લીધે જૂનાં સર્જનોમાં પણ નવો પ્રાણ ફુંકાશે. દાખલા તરીકે, જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો કલરમાં આવી, સાઉન્ડ ડોલ્બીમાં ફેરવાઈ ગયો એમ પહેલાંનાં સર્જનોને પણ આ નવી ટેકનોલોજી વધુ દમદાર બનાવી શકશે. કલ્પના, કળા અને ટેકનોલોજીના ત્રિવેણી સંગમથી મેટાવર્સને લીધે ઓટીટી જાણે નવો અવતાર ધારણ કરશે.
દક્ષિણ ભારતીય ભાષાના એક અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ‘આહા’એ મેટાવર્સમાં ઝંપલાવવાની ઘોષણા છેક માર્ચમાં કરી હતી. એ માટે એણે આખું એક અલાયદું પ્લેટફોર્મ પણ લાન્ચ કર્યું છે. એના બે લોકપ્રિય શો ‘તેલુગુ ઇન્ડિયન આઇડોલ’ અને ‘અનસ્ટોપેબલ’માં દર્શકો મનપસંદ અવતાર ધારણ કરીને સેટ પર જઈ શકે, સ્પર્ધકોને મળી શકે અને તેમની સાથે ગોઠડી માંડી શકે એવા ફીચર્સ ‘આહા’ લાવવાનું છે. મુદ્દે, સ્ક્રીન સામે ખોડાઈને, મૂક પ્રેક્ષક તરીકે શો જોવા કરતાં ક્યાંય વધારે એન્ગેજિંગ ધોરણે શોઝ માણવાના દિવસો હવે દૂર નથી.
મનોરંજન અને ઓટીટી એકબીજાનાં અવિભાજ્ય અંગ બન્યાં ત્યારે જે શક્યતાઓ કોઈએ કદાચ વિચારી નહોતી એ બધી હવે સાકાર થવાને છે. ફિલ્મોમાં એક સમયે થ્રી-ડી ટેકનોલોજીથી પ્રગતિ થઈ હતી. એ પણ આપણને ઓહો લાગતી હતી. ઓટીટીની દુનિયા એને ક્યાંય પાછળ મૂકી દે એટલી જીવંત અને વાસ્તવિક થવાને છે. માત્ર માણવાની નહીં, ઓટીટીનું મનોરંજન બહુ જલદી અનુભવવાની ચીજ પણ બની જશે. સવાલ બસ સમયનો છે.
Leave a Comment