ફિલ્મો કે સિરીઝ કરતાં વધારે રોકાણ છતાં ઓટીટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પાછળ દોડે છે. એના થકી હરીફો નવા દર્શકો અંકે કરવા તેઓ લડી રહ્યાં છે. ગણતરી એવી કે એકવાર દર્શકો ઓટીટી સાથે સંકળાય એટલે એમને મનોરંજનના બીજા વિકલ્પો તરફ વાળીને વિકસવું આસાન થાય છે

નજીકના ભૂતકાળની વાત છે. રિલાયન્સની કંપની વાયાકોમ ૧૮એ જિયો માટે રૂ. ૨૦,૫૦૦ કરોડ ચૂકવીને આઈપીએલ સ્ટ્રીમિંગના અધિકાર ખરીદ્યા હતા. પછી બીજા રૂ. ૪૫૦ કરોડ ચૂકવીને કંપનીએ ફૂટબોલ વર્લ્ડ કપના સ્ટ્રીમિંગના અધિકારો મેળવ્યા. એ ટુર્નામેન્ટ જિયો સિનેમા પર વિનામૂલ્યે સ્ટ્રીમ કરવામાં આવી. રમતગમતની શક્તિશાળી અને લોકપ્રિય ટુર્નામેન્ટ્સ માટે ચૂકવવામાં આવતી આવી રકમ ઘણાને ગંજાવર લાગી શકે છે. ૧૯૦૦ના દાયકામાં સેટેલાઇટ ચેનલ્સના આગમન સાથે પ્રસારણના અધિકારોની કિંમત કૂદકે ને ભૂસકે વધતી રહી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ્સ ઉમેરાયાં એટલે વાત ક્યાંની ક્યાં પહોંચી છે. જિયોએ, રિલાયન્સની રણનીતિ અનુસાર આ ક્ષેત્રમાં પણ ધડાકા બોલાવ્યા છે. એકલું જિયો નહીં, અન્ય કંપનીઓ પણ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સના અધિકાર મેળવવાની કટ્ટર સ્પર્ધામાં છે. આ પણ, એમ કહીએ તો ચાલે, કે શરૂઆત છે.

૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપને ઓનલાઇન જોનારા દર્શકોની સંખ્યા અઢી અબજથી વધારે હતી. ફીફાની મેચ ઓનલાઇન જોનારા દર્શકો ૧.૧૫ અબજથી વધુ હતા. હમણાં વિમેન પ્રીમિયર લીગ ચાલી રહી છે. વાયાકોમ ૧૮એ એના અધિકાર પણ પાંચ વરસ માટે મેળવ્યા. એ માટે કંપનીએ રૂ. ૯૫૧ કરોડ ચૂકવ્યા. એના દર્શકોની સંખ્યા પુરુષોની આઈપીએલ કે ફીફા જેટલી કદાચ ના થાય, પણ કંપનીનું રોકાણ લાંબા ગાળાનું છે. સવાલ એકઝાટકે કરોડો દર્શકોને ખેંચી લાવવાનો છે.

ફિલ્મ કે વેબ સિરીઝને એકઝાટકે કરોડોની સંખ્યામાં દર્શકો લાવી શકે નહીં. આવા વિકલ્પ ઓટીટીની પ્રગતિની એક બાજુ છે. સ્પોર્ટ્સ એની બીજી અને ગણતરીપૂર્વકની બાજુ છે. સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સના સ્ટ્રીમિંગ અધિકારો મોંઘા પડે તો પણ ઓટીટી પ્લેટફોર્મ્સને એમાં સખત રસ પડે છે. એવું શા માટે એ જરા સમજી લઈએ.

સૌપ્રથમ, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ અને ફિલ્મો, વેબ સિરીઝ વચ્ચે ફરક છે. ઓટીટીની ફિલ્મો કાં સિનેમાના પડદાથી પ્લેટફોર્મ પર આવે કાં એનું નિર્માણ એક્સક્લુઝિવલી કોઈક પ્લેટફોર્મ પોતાના માટે કરાવે. વેબ સિરીઝનું નિર્માણ દરેક ઓટીટી પોતાની નીતિ અનુસાર કરે. એક નીતિ એવી પણ છે કે એક દેશ કે ભાષાની વેબ સિરીઝ અન્ય દેશ કે ભાષા માટે એક ઓટીટી પ્લેટફોર્મ પાસેથી બીજું હસ્તગત કરે. આ સિવાય ડોક્યુમેન્ટરીઝ, શોર્ટ ફિલ્મ્સ, ગીતો વગેરે પણ છે. અત્યારે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ વર્સીસ ફિલ્મો અને વેબ સિરીઝની વાત કરીએ.

ફિલ્મો અને સિરીઝની અમુક ખાસિયતો સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સમાં નથી. પહેલાં બન્ને પ્રકારનાં મનોરંજનને દર્શકો રિલીઝ વખતે અને પછી થોડાં અઠવાડિયાં સુધી ભરપૂર માણે છે. દાખલા તરીકે, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ઓટીટી પર થોડાં અઠવાડિયાં સુધી મોસ્ટ વોચ્ડ ફિલ્મ રહી. મતલબ લગાતાર અમુક દિવસો સુધી ખાસ્સી જોવાઈ. ‘મની હાઇસ્ટ’ કે ‘ફેમિલી મેન’ જેવી સિરીઝ પણ રિલીઝ પછી એક સમયગાળા સુધી દર્શકોને આકર્ષતી રહી. પ્રારંભિક દિવસો અને અઠવાડિયાં પછી પણ આ બધું જોવાય પણ દર્શકોની સંખ્યા ખાસ્સી ઘટી જાય.

સ્પોર્ટ્સનો મામલો અલગ છે. એને મહત્તમ દર્શકો મેચના લાઇવ સ્ટ્રીમિંગમાં મળે છે. આઈપીએલ અને ફીફા જેવી ટુર્નામેન્ટ્સ, વખતે દર્શકોની સંખ્યાના આંકડા હદ વટાવી જાય છે. મેચ પતે પછી નામના દર્શકો એ પાછી જુએ છે, સિવાય કે કોઈક મેચ યાદગાર બને. સ્પોર્ટ્સ ટુર્નામેન્ટના સ્ટ્રીમિંગના અધિકાર માટે થતું રોકાણ ફિલ્મ કે સિરીઝના રોકાણ કરતાં વધારે હોય છે. ભારત પૂરતું આ બિલકુલ સાચું છે, કેમ કે આપણે ત્યાં હજી અમેરિકાની જેમ અકલ્પનીય બજેટવાળી વેબ સિરીઝ બનતી નથી.

ઓટીટીનો વિકાસ બે મોરચે થવો જોઈએ. એક મોરચો છે મેળવેલા દર્શકોને સતત નવું પીરસતા રહીને તેમને જાળવી રાખવા. બીજો છે નવા દર્શકો આકર્ષવા. મોબાઇલના સબસ્ક્રિપ્શન સાથે સસ્તામાં મળતાં ઓટીટી પ્લેટફોર્મ્સ પાછળનું પ્રયોજન આવું જ છે. સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ નવા દર્શકો સૌથી સહેલાઈથી ખેંચી લાવે છે. ડિઝની હોટસ્ટારે ભારતમાં પોતાનું સ્થાન ભૂતકાળમાં હસ્તગત કરેલા આઈપીએલ સ્ટ્રીમિંગના અધિકારથી પ્રસ્થાપિત કર્યું છે. માત્ર મેચ જોવા માટે પ્લેટફોર્મનું લવાજમ ભરનારા ધીમેધીમે એના કાયમી ગ્રાહક થયા છે. આ પ્લેટફોર્મ પાસે ૩૦ કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ છે. એમાંના મોટી સંખ્યાના આવ્યા આઈપીએલને લીઘે.

સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સનું સૌથી અગત્યનું કામ નવા દર્શકો મેળવવાનું છે. જિયો સિનેમા પર આઈપીએલ અને ફીફા સ્ટ્રીમ થવાની અસર જાણી લો. સૌના હાથમાં જિયોનું કનેક્શન હોવા છતાં, હજી ગયા વરસ સુધી, જિયો સિનેમા ઓટીટી તરીકે કોઈ ખાસ મહત્ત્વ નહોતું  લાગતું. પછી બે ટુર્નામેન્ટ શું સ્ટ્રીમ થઈ, જિયો સિનેમા સડસડાટ આગળ વધી ગયું. છોગામાં ફૂટબોલ વર્લ્ડ કપ વખતે કંપનીએ જિયો કનેક્શન નહીં ધરાવતા લોકોને પણ જિયો સિનેમા ડાઉનલોડ કરવા દઈ ટુર્નામેન્ટ માણવા દીધી. પરિણામે, ગૂગલ પ્લે સ્ટોરથી સૌથી વધુ ડાઉનલોડ થનારા ઓટીટી પ્લેટફોર્મ તરીકે એણે બાજી મારી.

સ્પોટર્સ ટુર્નામેન્ટ કલાકો સુધી દર્શકોને ઓટીટી સામે ખોડાયેલા રાખે છે. ફિલ્મ કે સિરીઝ આવું કરી ના શકે. એમને દર્શકે વચ્ચે પડતી મૂકી શકે છે. મેચ દરમિયાન ઓટીટી પ્રત્યે દર્શકોની વફાદારી રહે છે. એના લીધે જાહેરાતો પણ રંગ રાખે છે. ક્રિકેટ તો એવી રમત જેમાં નિર્ણાયક ઓવર્સને બાદ કરતાં આખી મેચ દરમિયાન સતત જાહેરાતો આવી શકે. એના લીધે ઓટીટીને આવક પણ ગજબ થાય. મુદ્દે, જૂના દર્શકો જાળવવા અને નવા હસ્તગત કરવા ક્રિકેટ કે અન્ય રમતની લાઇવ મેચ પરફેક્ટ હથિયાર સાબિત થાય છે.

ઓટીટીના માંધાતાઓ આ વાત જાણે છે. તેથી તેઓ આપણી ક્રિકેટ મેચ કે ફીફાની ગેમ નહીં, પણ અન્ય ટુર્નામેન્ટ્સ પણ સ્ટ્રીમ કરવાના અધિકારો પાછળ દોડી રહ્યા છે. એમેઝોન પ્રાઇમે ગયા વરસે ભારત અને ન્યુ ઝીલેન્ડની સિરીઝ એટલે જ સ્ટ્રીમ કરી. એટલે જ સોની ટેનિસની ઓસ્ટ્રેલિયા ઓપનનું સ્ટ્રીમિંગ કરી રહ્યું છે. વિશ્વ ધમાલિયું થઈ રહ્યું છે ત્યારે, અને લોકો ટીવી જેવી પારિવારિક સ્ક્રીનથી મોબાઇલ જેવી પર્સનલ સ્ક્રીન તરફ વળ્યા છે ત્યારે, ઓટીટી પર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સનું સ્ટ્રીમિંગ અનેકગણું સ્પર્ધાત્મક થયું છે.

ફિલ્મો કે સિરીઝ નિષ્ફળ જાય તો દર્શકોનો દુકાળ પડે છે. એકવાર નેગેટિવ રિવ્યુ આવે તે પત્યું. વત્તા, કોઈ ફિલ્મ કે સિરીઝથી દર્શકોની સંખ્યા હનુમાન કૂદકો મારી શકતી નથી. સ્પોર્ટ્સના રસિયા તો મેચ જુએ જ. ટુર્નામેન્ટ આગળ વધે એમ દર્શકોની સંખ્યા પણ વધે જ. દરેક અગત્યની ટુર્નામેન્ટ અને મેચ નવા દર્શકોને લવાજમ ભરવા મજબૂર કરે જ. અત્યાર સુધીનો રેકોર્ડ એવું સિદ્ધ કરે છે. એટલ તો સ્પોર્ટ્સનો દબદબો સૌથી જુદો છે. એક વાર નવા ગ્રાહક લવાજમ ભરે પછી પૈસા વસૂલવા અન્ચ કાર્યક્રમો પણ માણે. એમ કરતાં કરતાં તેઓ પ્લેટફોર્મના બંધાણી થઈ જાય. જિયોએ ફૂટબોલ વર્લ્ડ કપ મફતમાં બતાવ્યો ત્યારે અપરંપાર લોકો જોડાયા. એનાથી એમના મોબાઇલમાં જિયો સિનેમાએ ઘર બનાવ્યું. એમાંનો દર ત્રીજો ગ્રાહક હવે નિયમિતપણે જિયો સિનેમા વાપરે છે.

ફિલ્મો કે સિરીઝ નોખી કે ખર્ચાળ હોય તો પણ એ એકદમ યુનિક ક્યારેય ના હોઈ શકે. રમતની દરેક મેચ અલગ જ હોય છે. આ યુનિકનેસ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સને ઇમ્પોર્ટન્ટ બનાવે છે. એના લીધે દર્શકોની ઉત્કંઠા ઓસરતી નથી. એક છેલ્લી વાત, ફિલ્મ કે સિરીઝના પ્રમોશન માટે ઓટીટીએ તગડો ખર્ચ કરવા સાથે સખત મહેનત કરવી પડે છે. સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સમાં એવી જવાબદારી એમના માથે ઓછી હોય છે. આ પરિબળોને લીધે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટસના સ્ટ્રીમિંગ અધિકારોની બજાર સતત ઉકળતી રહી અને આગળ પણ રહેવાની છે. તમે પણ એકાદ ટુર્નામેન્ટ માટે ક્યારેક એકાદ ઓટીટી ડાઉનલોડ કરીને એના નિયમિત યુઝર બન્યા હશો. નથી બન્યા તો ગમે ત્યારે બની જાવ એ લગભગ પાકું જાણજો.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 10 માર્ચ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/10-03-2023/6

 

Share: