ટેક્નોલોજીનો આવિષ્કાર કરનારને પણ પૂછશું કે એ ક્યાં જઈને અટકશે, તોએ પણ માથું ખંજવાળતા વિચાર કરશે કે જવાબ શું આપવો. ઇન્ટરનેટના આગમનથી હમણાં સુધી થયેલી ટેક્નોલોજીની પ્રગતિ ચક્કર ખવડાવી દેનારી છે. આપણે આ હદે ઓનલાઇન હશું એ વિચારવું થોડા સમય પહેલાં અશક્ય હતું. ઓનલાઇન વિશ્વમાં સ્વાદથી સારવાર અને વાતથી વિવાદ બધું ઓનલાઇન થાય છે.
‘સ્ટારલિન્ક’ નામની એલન મસ્કની કંપની અને દૂરદર્શનના ઓટીટી પ્લેટફોર્મ ‘વેવ્ઝ’ની વાત કરીએ. સ્ટારલિન્કની ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં આવશે ત્યારની વાત ત્યારે. એની ડિરેક્ટ ટુ મોબાઇલ સેવાની વાત કરીએ. એ છે ઇન્ટરનેટ વિના મોબાઇલ જેવા સાધન પર ઉપલબ્ધ થતા કોન્ટેન્ટની સેવા. એને એફએમ રેડિયો સાથે સરખાવી શકાય. રેડિયોમાં સિગ્નલ પકડવા માટે પોતાનું એન્ટેના હોય છે. ડિરેક્ટ ટુ મોબાઇલ કે ડીટુએમથી મોબાઇલ, કોમ્પ્યુટર કે ટેલિવિઝન સીધા એને જોઈતું કોન્ટેન્ટ હવામાંથી હસ્તગત કરે છે. એના સુધી સિગ્નલ પહોંચાડવા કોઈ ટાવરની જરૂર પડતી નથી. આપણે હમણાં જે રીતે આ સાધનો પર કોન્ટેન્ટ મેળવીએ છીએ એમાં વાયર્ડ નેટવર્કની જરૂર પડે છે. દેશભરમાં એ માટે વિવિધ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર કેબલના નેટવર્કનાં જાળાં પાથર્યાં છે. ડીટુએમ માટે એવી માથાકૂટની જરૂર નથી. એના માટે ઊંચે આકાશમાં સેટેલાઇટ્સ અદ્રશ્યપણે કામ કરી રહ્યાં છે.
બે ટેક્નોલોજીનો સૌથી મોટો ફરક ડેટાના નોનસ્ટોપ પ્રવાહનો છે. મોબાઇલમાં વારંવાર સિગ્નલ ગાયબ થતાં રહે છે. ભલે કંપનીઓ ફાઇવજીનાં બણગાં ફૂંકે પણ હકીકત એ કે કનેક્ટિવિટી તૂટી જવાની સ્થિતિ નવી નથી. ડીટુએમમાં એવું થવાનો અવકાશ નથી. એટલે એની વિશ્વસનીયતા અને ઉપયોગિતા વધુ છે. ક્યાંક પ્રાકૃતિક કે અન્ય દુર્ઘટના થાય, મોબાઇલનાં સિગ્ન્લ્સને અહીંથી તહીં ફંગોળતા અને મોકલતા ટાવર્સ ધ્વસ્ત થઈ જાય ત્યારે ડેટા નેટવર્ક નકામું થઈ જાય છે. સેટેલાઇટ એ કામગીરી કરે ત્યારે ડેટાનો અસ્ખલિત પ્રવાહ અટકવાની શક્યતા નથી. આકાશમાં ધરતી જેવા ઉધામાં નથી થતા. આ સેવા હર હાલમાં કામઢી રહે છે.
વિશ્વમાં આ સેવામાં મસ્કની કંપનીએ હરણફાળ ભરી છે. આપણા દેશમાં પણ કામ થયું છે. ગયા વરસે એની વિગતો સરકારે રજૂ કરી હતી. આઈઆઈટી કાનપુર અને સાંખ્યા લૅબ્સ નામની કંપનીએ મળીને એ મોરચે સારી પ્રગતિ સાધી છે. એ અંતર્ગત દેશનાં 19 શહેરમાં પ્રસાર ભારતીના ભૂમિગત નેટવર્કનો ઉપયોગ કરીને ડીટુએમ લૉન્ચ કરવાની તૈયારી થઈ ગઈ છે. સરકાર એ માટે લેન્ડ ટુ મોબાઇલ રેડિયો સિસ્ટમ એટલે એલએમઆરએસ નામે ઓળખાતી રેડિયો ક્મ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરશે.
હવે વાત કરીએ પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝની. એન્ડ્રોઇટ અને આઈઓએસ બેઉ પ્લેફોર્મ માટે લૉન્ચ થનારી આ ઓટીટી સેવા ઘણી વાતે ક્રાંતિકારી પુરવાર થઈ શકે છે. ખાસ કરીને મહાનગરો સિવાયનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં. એમાં હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી સહિત અગિયાર ભાષાઓમાં મનોરંજન છે. વેવ્ઝ પર વિડિયો ઓન ડિમાન્ડ, ફ્રી ટુ પ્લે ગેમ્સ, 65 લાઇવ ચેનલ્સ, ટીવી સ્ટ્રીમિંગ, રેડિયો સ્ટ્રીમિંગ, ઉપરાંત શોપિંગની સુવિધા છે. ઘણું કોન્ટેન્ટ મફત છે. પેઇડ કોન્ટેન્ટ માટે વરસના માત્ર રૂ. 999 ભરવાના છે. એ સિવાયના પ્લાન્સમાં ઓછા કોન્ટેન્ટ માટે ઓછા પૈસાનો, માસિક અને ત્રિમાસિક વિકલ્પ છે. એક નહીં, બે અથવા ચાર ડિવાઇસ પર એક કનેક્શન કામ કરશે. વેવ્ઝની પોતીકી વેબસાઇટ છે. એમાં મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરી શકાય છે.
અહીં એ નોંધવું રહ્યું કે પ્રસાર ભારતી પહેલેથી ફ્રી ડિશની સેવા પૂરી પાડે છે. એમાં એકવાર (ત્રણેક હજાર) ખર્ચીને સેંકડો વિનામૂલ્ય ટીવી ચેનલ્સ જોવાની સગવડ છે. વેવ્ઝના આગમનથી અંતરિયાળ વિસ્તારના દર્શકો માટે સોંઘા ભાવે મનોરંજન મેળવવું આસાન થશે. જોકે કેબલ ઓપરેટર્સ ચિંતામાં મુકાઈ ગયા છે. એમનો દાવો છે કે વેવ્ઝને કારણે એમના પેટ પર લાત પડશે. લોકો કેબલ કનેક્શન લેવાને બદલે વેવ્ઝનું લવાજમ લેવું પસંદ કરશે. મહાનગરોમાંથી કેબલ ઓપરેટર્સનો એકડો આમ પણ ક્યારનો ભુંસાઈ ગયો છે અથવા રહ્યો છે. વેપાર માટે તેઓ નાનાં શહેરો અને ગામડાંઓ પર નભે છે કારણ ત્યાં હજી એરટેલ, ટાટા, જિયો જેવી સેવાઓની, એમની કિંમતને કારણે મોટી ઘૂસણખોરી થઈ નથી.
દર્શકો કેબલથી શિફ્ટ થઈને ઓટીટી પ્લેટફોર્મ પર જાય એનો અર્થ કેબલ ઓપરેટર્સનું નુકસાન. કેબલ ઓપરેટર્સનો મત એવો છે કે વેવ્ઝે એના પ્લેટફોર્મ પર ટીવી ચેનલ્સ આપી એ કાયદાકીય રીતે બરાબર નથી. એમના મતે સૂચના અને પ્રસારણ મંત્રાલયની ટીવી ચેનલ્સના ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકાથી વિરુદ્ધ વેવ્ઝની આ સેવા છે.
આપણે જે ટીવી ચેન્લ્સ જોઈએ છે એને ટેક્નિકલી લિનિયર ટીવી ચેનલ્સ કહે છે. સરળ શબ્દોમાં અર્થ એવો કે પહેલેથી તૈયાર કાર્યક્રમોને નિયત સમયે જોવાની એ સુવિધા પૂરી પાડે છે. એમેઝોન, પ્રાઇમ વિડિયો કે ઝી સિનેમા ચેનલ્સ નથી. એમાં કોન્ટેનટ પહેલેથી અપલોડેડ હોય છે. જે દર્શક, જ્યારે જે જોવા ચાહે જોઈ શકે છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મના આ ફરકને ચાતરીને વેવ્ઝ પર બેઉ ઓપ્શન્સ, પ્રિલોડેડ શોઝ અને ટીવી ચેનલ્સ પણ, ઉપલબ્ધ છે એ કેબલ ઓપરેટર્સને ખટકે છે. જોકે વેવ્ઝ પર દેશની સૌથી અગ્રણી ટીવી ચેનલ્સ હજી નથી. એ દ્રષ્ટિએ વેવ્ઝ ઘણા દર્શકો માટે યોગ્ય વિકલ્પ ના પણ બને. સ્ટાર, સોની, ઝી વગેરે જોવાથી ટેવાયેલા છે તેમના માટે વેવ્ઝ હમણાં તો નથી.
છતાં, ડિરેક્ટ ટુ મોબાઇલ કે સેટેલાઇટ કનેક્ટિવિટી અને પ્રસાર ભારતીનું ઓટીટી પ્લેટફોર્મ, બેઉ મનોરંજન ઉદ્યોગના ભવિષ્યનું સૂચન કરે છે. ટેક્નોલોજી આમ કરતાં કરતાં ક્યાં પહોંચશે એ સમજવું અઘરું છે. સમજવામાં સહેલું એટલું કે જોતા થાકી જવાય એટલા મનોરંજન વિકલ્પો પહેલેથી છે અને એમાં સતત ઉમેરો થતો રહેવાનો છે.
નવું શું છે?
- એબીગેલ પાંડે અને ઋષભ ચઢ્ઢા અભિનિત રોમેન્ટિક કોમેડી વેબ સિરીઝ ‘ડિવોર્સ કે લિયે કુછ ભી કરેગા’ આજથી ઝીફાઇવ પર આવી છે.
- તામિલ થ્રિલર વેબ સિરીઝ ‘પેરેશૂટ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. તામિલ ઉપરાંત સિરીઝ હિન્દીમાં પણ જોઈ શકાય છે.
- દુલકર સલમાન અને મીનાક્ષી ચૌધરી અભિનિત ‘લકી ભાસ્કર’ ફિલ્મ ગઇકાલથી નેટફ્લિક્સ પર આવી છે. તે તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડમાં અને હિન્દીમાં જોઈ શકાય છે. ડિરેકટર છે વેંકી અટલુરી. આ ફિલ્મનાં વખાણ એના સરસ મેકિંગ અને કલાકારોના અભિનય માટે થયાં છે.
- ડિકેરટર રાહુલ ધોળકિયાની ફિલ્મ ‘અગ્નિ’ છ ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર આવી રહી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી, સૈયમી ખેર અને સાઈ તામ્હણકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment