ઓટીટી પ્લેટફોર્મ્સ સતત ગણાકાપ સ્પર્ધામાંથી પસાર થઈ રહ્યાં છે. ગમે તે ભોગે દર્શકોને જીતવા માટે તેમણે નાના પ્રકારના યત્નો કરવાના છે. ૨૦૨૩ અડધાથી વધુ પસાર થઈ ગયું છે ત્યારે એ જાણીએ કે કોણ કેટલા પાણીમાં છે
ઓટીટી પર આનંદ માણવા રિમોટ ઉઠાવ્યા લીધા પછી વ્યક્તિ કયા પ્લેટફોર્મ પર સૌથી પહેલાં પહોંચે છે એ અગત્યની બાબત છે. જે ઓટીટી પ્લેટફોર્મ મગજ પર છવાયેલું હોય એ અથવા જેના પર મનગમતો શો કે ફિલ્મ જોવાની તાલાવેલી થઈ રહી હોય એ તરફ વ્યક્તિ સૌપ્રથમ વળે છે. એ થઈ સામાન્ય માનસિકતા. એની સાથે અગત્યની બાબત છે કયું પ્લેટફોર્મ પોતાની બ્રાન્ડને મોટી કરવા સતત ધમપછાડા કરી રહ્યું છે. બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ઓફર્સ વગેરે થકી પણ ઓટીટી પ્લેટફોર્મ પોતાની લીટી બીજા કરતાં લાંબી કરી શકે છે. આ બધું કરીને ૨૦૨૩માં એક અથવા બીજા રસ્તે કોણ, ક્યાં પહોંચ્યું છે એની વાત કરીએ.
જીઓ સિનેમાએ ક્રિકેટ અને ટેનિસની ટોપ ટુર્નામેન્ટ્સ ગજવે કરીને સ્પર્ધકોની ઊંઘ હરામ કરી છે. વળી, એમાંનું મોટા ભાગનું મફતમાં ઉપલબ્ધ હોવાથી અને જિયો મોબાઇલ આખા દેશમાં ઘર કરી ગયા હોવાથી એને એડવાન્ટેજ છે. પરિણામ એ છે કે હજી એક-દોઢ વરસ પહેલાં જેની કોઈ વિસાત નહોતી લેખાતી એવું આ પ્લેટફોર્મ અમુક પરિમાણોમાં દેશનું બીજા નંબરનું ઓટીટી પ્લેટફોર્મ બની ગયું છે. જિયોએ મફતમાં ફિલ્મો અને વેબ સિરીઝનો મારો પણ શરૂ કરી દીધો છે. ઉદ્દેશ એટલો કે જે દર્શકો આઈપીએલ વગેરેથી એની સાથે સંકળાયા એ પાછા ના ચાલ્યા જાય.
નવાઈની વાત એ પણ કે ક્રિકેટના રાઇટ્સ હાથમાંથી ચાલ્યા જવાને કારણે ડિઝની પ્લસ હોટસ્ટારને મોટો ફટકો પડવાની એક શક્યતા હતી. એવું થયું નથી. આ વરસે પણ એણે સારા શોઝથી પોતાની મહત્તા જાળવી રાખી છે. એના સૌથી વધુ જોવાયેલા શો (કે ફિલ્મો)માં ‘ધ નાઇટ મેનેજર’, ‘તાઝા ખબર’, ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’, ‘સિટી ઓફ ડ્રીમ્સ’, અને ‘પોપ કૌન’ આવે છે. એ અલગ વાત કે આ શોઝમાંથી બેમોઢે વખાણ કરવાં પડે એવો શો એક પણ નથી.
૨૦૨૩ના ફર્સ્ટ હાફના ટોપ શોઝમાં પ્રાઇમ વિડિયોના ‘ફર્ઝી’, ‘દહાડ’ અને ‘હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય’ પણ આવે છે. ત્રણેય શો પ્રમાણમાં સારા છે. જોકે ‘ફર્ઝી’ માટે કહી શકાય કે જે ખાસિયતો એની પહેલાં આ પ્રકારના શોઝમાં આવી એનું એમાં પુનરાવર્તન થયું છે. શાહિદ કપૂર જેવા સ્ટારની હાજરી અને રાજ અને ડીકે જેવા મેકર્સનાં નામ સિરીઝ સાથે સંકળાયેલા હોવાથી દર્શકો એના તરફ ખેંચાયા. ડિટ્ટો એવું ‘દહાડ’ માટે કહી શકાય જેમાં સોનાક્ષી સિંહા છે. રહી વાત ‘હેપી ફેમિલી’ની, તો સાફસુથરા પારિવારિક શોઝની શ્રેણીમાં આવતો આ શો દર્શકોને આકર્ષે એ સ્વાભાવિક ગણાય.
મફતમાં ખાસ્સું મનોરંજન પીરસતું પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર આ વરસે અત્યાર સુધીમાં ખાસ ઉકાળી શક્યું નથી. ‘આશ્રમ’ જેવી ગાજેલી સિરીઝે એને જે લીડ આપી હતી એ પાછી અંકે કરવા આ ઓટીટીએ ફરી એવું જ કંઈક પીરસવું પડશે. ‘આશ્રમ’ની નેક્સ્ટ સીઝન પણ એ કામ કરી શકે છે. દેશ અને દુનિયામાં એક સૌથી પાવરફુલ ગણાતું પ્લેટફોર્મ નેટફ્લિક્સ પણ વરસના પૂર્વાર્ધમાં એવો કોઈ શો કે ફિલ્મ આપી શક્યું નથી જેના માટે એ પોરસાઈ શકે.
સ્પર્ઘામાં સડસડાટ દોડવાની સ્ટ્રેટેજી લઈને આગળ વધી રહેલા જિયો સિનેમાની આ વરસની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ ‘બ્લડી ડેડી’ છે. ફિલ્મમાં અતિ વિશિષ્ટ કશું નહીં હોવા છતાં શાહિદ અને અન્ય કલાકારોના નામે એણે દર્શકોને આકર્ષ્યા એમાં બેમત નથી. નોંધનીય છે કે સાવ મફતમાં જોવા મળવા છતાં આ ફિલ્મ એટલી નથી જોવાઈ જેટલી એની પહેલાંની અમુક સ્ટ્રેઇટ-ટુ-ઓટીટી ફિલ્મ જોવાઈ છે. એવી ફિલ્મોમાં સામેલ છે ‘અ થર્સ્ટડે’, ‘ગહેરાઇયાં’, ‘કૌન પ્રવીણ તાંબે’ વગેરે.
દેશમાં સૌથી વધુ જોવાયેલો વિદેશી શો બન્યો છે પ્રિયંકા ચોપરાને ચમકાવતો ‘સિટાડેલ’. અહીં પણ એ નોંધવું રહ્યું કે આ શોની હાલત મોટાભાગે ગાજ્યાં મેહ વરસ્યાં નહીં જેવી છે. અત્યંત ખર્ચાળ છતાં આ શો એટલો સારો નથી જે કે સમજદાર દર્શકને એ આખેઆખો જોવાની ચટપટી થાય. હા, સશક્ત માર્કેટંગને લીધે એને પ્રમાણમાં સારા દર્શકો મળી ગયા ખરા. આ શો પાછળ થયેલા ખર્ચા પછી પ્રાઇમ વિડીયોના સાહેબલોકો પણ એક શો પાછળ આટલી તોતિંગ માત્રામાં ડોલર વાપરવાની રણનીતિ વિશે પુનવચાર કરતા હશે.
વરસના અન્ય નોંધપાત્ર અને ખાસ્સા જોવાયેલા શોઝ કે ફિલ્મોમાં જિયો સિનેમાનો ‘અસુર ટુ’, ઝી ફાઇવની મનોજ બાજપાયીવાળી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’, નેટફ્લિક્સની ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ અને સિરીઝ ‘સ્કૂપ’, સોની લિવનો શો ‘રોકેટ બોય્ઝ-ટુ’ની નોંધ પણ લઈ શકાય. આમાંથી ‘બંદા…’ અને યામી ગૌતમવાળી ‘ચોર…’ પ્રમાણમાં બહેતર ફિલ્મો છે. ‘સ્કૂપ’ પણ એવરેજ વોચ છે. ડિઝની હોટસ્ટારની ‘ગુલમોહર’ ફિલ્મ મનોજ બાજપાયી ઉપરાંત શમલા ટાગોર, અમોલ પાલેકર, સિમરન જેવાં કલાકારોને લીધે ધ્યાન ખેંચી શકી છે. એ પણ પ્રમાણમાં સારી ફિલ્મ છે.
સારી, સફળ ફિલ્મો અને સિરીઝની સામે નબળી અને ફ્લોપ સિરીઝની સંખ્યા ખાસ્સી વધારે છે. બોક્સ ઓફિસની જેમ જોકે ઓટીટી પર કોઈને સાવ ફ્લોપ કરાર આપવો આસાન નથી. છતાં શો કે ફિલ્મ ઓટીટી પર આવ્યા પછી તરત જો ચર્ચાનો વિષય ના બને તો એ એના માટે ધાર્યા કરતાં ઓછો રિસ્પોન્સ મળ્યા જેવું ગણાય. કાજોલ જેવી સુપરસ્ટારને ચમકાવતો શો ‘ધ ટ્રાયલ’ એવો એક શો છે. વિદેશી શોની કોપી હોવા છતાં કોને ખબર કેમ એ એવી હવા નથી બનાવી શક્યો જેવી અપેક્ષા સેવાતી હતી. તેની સામે નેટફ્લિક્સનો ‘કોહરા’ શો જોઈને લોકો પુલકિત થઈ ગયા. ઉત્તમ પર્ફોર્મન્સીસ, અફલાતૂન લેખન અને એક કરતાં વધારે સ્તરો પર આગળ વધતા આ છ જ એપિસોડનો શો માત્ર એક સાદા ‘હુડનઇટ’ પ્રકારનો ક્રાઇમ શો ન રહેતાં ઘણો વિશેષ બની શક્યો છે. લગભગ આખો શો પંજાબી ભાષામાં છે તે પણ એનો એક પ્લસ પોઇન્ટ છે.
વરસનો ઉત્તરાર્ધ એક્સાઇટિંગ રહેવાનો છે. ઓટીટી પર રિલીઝની કમી થવાની નથી. ઘણા એવા સિતારા પણ આ દુનિયામાં કશુંક સિદ્ધ કરવા તલપાપડ છે એટલે ફિલ્મોમાં જ એમને જોવા પડે એ દિવસો લગભગ પત્યા છે. મફતમાં મોજ કરાવતા ઓટીટી પ્લેટફોર્મ્સ માટે જેમ જેમ સમય જશે તેમ તેમ પોતાની ગાડી હાંકવાની મુશ્કેલીઓ વધવાની છે. આવક વિના કોઈ વેપાર ચાલે નહીં અને ઓટીટી માટે આવકનું સૌથી સાહજિક માધ્યમ સબસ્ક્રિપ્શન ફી છે. જે પ્લેટફોર્મ આવી આવક રળે છે એમના કરતાં અનેકગણો મુશ્કેલ માર્ગ મફત સ્ટ્રીમિંગ કરતાં ઓટીટીનો રહેવાનો છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/04-08-2023/6
Leave a Comment