હમણાં તો ભારતીયો ફિલ્મો, સિરીઝ અને ક્રિકેટ વગેરે માટે ઓટીટીઘેલા થયા છે. બહુ જલદી એનાથી સૌ ધરાઈ જવાના છે. પછી જે દોર આવશે ત્યારે એકએકથી નોખાં ઓટીટી પ્લેટફોર્મ્સ આપણને જીતવા જુદા પ્રકારનું કોન્ટેન્ટ લાવશે

ઓટીટીનું નામ પડે એટલે લોકપ્રિય મનોરંજન પીરસતાં પ્લેટફોર્મ્સ યાદ આવે. ઓટીટી એટલાં પૂરતી મર્યાદિત દુનિયા નથી. ઓટીટી એનાથી વિશેષ છે. કનેક્ટિવિટીએ ઓટીટી થકી ઘણું બધું સહજ અને સુલભ કર્યું છે. આપણે ત્યાં ઓટીટી હજી ચીલાચાલુ મનોરંજનથી આગળ વધ્યાં નથી એ અલગ વાત છે. સમય સાથે સ્થિતિ બદલાશે ત્યારે ઘણાં રોચક પરિવર્તનો થવાનાં છે. બિલકુલ એમ જે રીતે થયું સેટેલાઇટ ચેનલ્સના આગમન પછી. દૂરદર્શન પછી સેટેલાઇટ ચેનલ્સ આવી. એ બધી પણ વરસો સુધી ચીલાચાલું મનોરંજન પીરસતી રહી. પછી જ્ઞાન, ધર્મ, શોપિંગ, પ્રવાસ, વેપાર, પાકશાસ્ત્ર, ફેશન, સમાચાર… એમ કંઈક કેટેગરીઝની ચેનલ્સ આવી. હવે આ વૈવિધ્ય સૌને માફક આવી ગયું છે. ઓટીટીમાં પણ એવું થવાનું છે.

ઇન ફેક્ટ, આવી બાબતોમાં વિશ્વનું માર્ગદર્શન કરતા દેશ તરીકે અમેરિકા આગવું સ્થાન ધરાવે છે. અમેરિકામાં ઓટીટીના મોરચે આવાં પરિવર્તનો આજકાલ નહીં, દસ-પંદર વરસ પહેલાં શરૂ થઈ ગયાં હતાં. પરિણામે ત્યાં એવાં ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સ છે જે સામાન્ય મનોરંજનની પિરભાષા બહારનાં છે. એમને માણનારો વર્ગ એટલે એમના સબસ્ક્રાઇબર્સ ઓછા હશે પણ કોઈ ફરક પડતો નથી. મુદ્દો એ અગત્યનો કે દર્શકને અપેક્ષિત ચોક્કસ પ્રકારના કાર્યક્રમો આ પ્લેટફોર્મ્સ પીરસી રહ્યાં છે.

ફિલ્મ અને વેબ સિરીઝ સિવાય જે એક ક્ષેત્ર વિદેશી ઓટીટીમાં ખાસ્સું વિકસ્યું છે અને આપણે ત્યાં વિકસી શકે છે એ ડોક્યુમેન્ટરીઝનું છે. આપણે હવે જે ઓટીટી પ્લેટફોર્મ્સની વાત કરીશું એમાંનાં ઘણાં આ મોરચે પોતાનું સ્થાન બનાવી શક્યાં છે. એમની પોતાની ખાસિયતો છે અને એને લીધે, માંધાતા કંપનીઓ સામે એ ટકી શક્યાં છે. આ રહ્યાં અમુક ઓટીટી પ્લેટફોર્મ્સ.

કેનોપીઃ એ કામ કરે છે માત્ર અમેરિકામાં. લાઇબ્રેરીનો જમાનો ભલે નથી રહ્યો પણ કેનોપી કામ કરે છે જાહેર લાઇબ્રેરીઝ થકી. એની મેમ્બરશિપ મેળવવા અનિવાર્ય છે કોઈક પબ્લિક લાઇબ્રેરીની મેમ્બરશિપ અથવા કોઈક સંલગ્ન કોલેજ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કે શિક્ષક હોવું. એ મેમ્બરશિપ થકી કેનોપી મફત જોઈ શકાય છે. કેનોપીમાં શિક્ષણલક્ષી વિડિયોઝ સાથે, ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ વગેરે પણ છે. કેનોપીના પેટાવિભાગ તરીકે કેનોપી કિડ્સ પણ છે. એ બાળકોલક્ષી વિડિયોઝ ધરાવે છે. કેનોપી એની સાથે જોડાતી લાઇબ્રેરીને, કોલેજ, યુનિવર્સિટીને કંપની અલાયદી વેબસાઇટ બનાવી આપે છે. એના થકી એના સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વિનામૂલ્યે મનોરંજન માણી શકે છે. એનું બિઝનેસ મોડેલ અલગ છે. યુઝર્સ પાસેથી પૈસા લેવાને બદલે એ સંસ્થા (લાઇબ્રેરી, કોલેજ, યુનિવર્સિટી) પાસેથી ફી લે છે. એ પણ જેટલી વખત સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વિડિયો જુએ એ અનુસાર. જોકે મોડેલ થોડું અટપટું હોવાથી અમેરિકાની ત્રણ મોટી લાઇબ્રેરીએ 2019માં કેનોપીનું એમનું ખાતું બંધ કરી દીધું હતું.

ભારતમાં કેનોપી જોઈ શકાય? સીધી રીતે નહીં પણ વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કની મદદથી જોઈ શકાય. આ નેટવર્ક ટેક્નિકલી તમે કેનોપી સાથે કશેક અમેરિકાથી કનેક્ટ થયા છો એ સાબિત કરવા જરૂરી છે. સાથે ઉપર લખી એવી કોઈક મેમ્બરશિપ પણ જોઈએ જ.

હૂપલાઃ આ પ્લેટફોર્મનું ખાતું પણ કંઈક અંશે કેનોપી જેવું છે. હૂપલા અમેરિકાની એ લાઇબ્રેરીના સભ્યો વાપરી શકે છે જે એની સાથે સંકળાયેલી છે. એની એપ પણ છે. જે લાઇબ્રેરીએ હૂપલાની સેવા લીધી હોય એના સભ્યો હૂપલા થકી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ તમામ ઓડિયો બુક્સ, કોમિક, ઇ-બુક્સ, મૂવીઝ, મ્યુઝિક અને ટીવી શોઝ માણી શકે છે. એનું સબસ્ક્રિપ્શન લાઇબ્રેરીની સબસ્ક્રિપ્શન ફીમાં આવી જાય છે. 2021થી આ પ્લેટફોર્મે ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડમાં પણ સેવા શરૂ કરી હતી. ભારતમાં એ આવશે કે કેમ એ જોવાનું રહ્યું. અથવા, આપણા કોઈક સ્માર્ટ ઉદ્યોગપતિ જો આપણી લાઇબ્રેરીઝના મહાસાગર જેવા પુસ્તકો વગેરેના ખજાનાને કેનોપી કે હૂપલાની જેમ ડિજિટલ ફોરમેટમાં ઉપલબ્ધ કરાવે તો રંગ રહી જાય. ગમેતેમ તોય જ્ઞાનના ભંડાર જેવી આપણી અસંખ્ય લાઇબ્રેરીઝ અને એમાં સચવાયેલું અમૂલ્ય સાહિત્ય ધૂળ ખાતું રહે એ યોગ્ય તો નથી જ.

ક્યુરિયોસિટી સ્ટ્રીમઃ આ પ્લેટફોર્મ આપણે ત્યાં પણ છે. મહિને રૂ. 145 કે વરસે રૂ. 1,099 ચૂકવીને પ્લાન ખરીદી શકાય છે. એક સબસ્ક્રિપ્શનમાં એ છ પ્લેટફોર્મ્સ જોવાનો લહાવો આપે છે. એમાં ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મો, સિરીઝ સહિતના વિકલ્પો છે. ડિસ્કવરીના સ્થાપકોનું જ એ સાહસ છે. વિશ્વભરમાં એના બેએક કરોડ સબસ્ક્રાઇબર્સ છે. ઇતિહાસ અને આવિષ્કારને લગતા મજાના શોઝ એમાં છે.

મેગલેનટીવીઃ માસિક છ ડોલર કે વાર્ષિક 60 ડોલર ચૂકવીને આ પ્લેટફોર્મ આપણે ત્યાં માણી શકાય છે. એના શોઝ ઢાંસુ છે. એ પણ ડોક્યુમેન્ટરીઝ માટે વખણાય છે. એમાં ગંજાવર ઓટીટી પ્લેટફોર્મ્સની જેમ વરાઇટીનો ખજાનો નથી પણ જે છે એ માણવા જેવું છે. બીબીસીની પણ ઘણી ડોક્યુમેન્ટરીઝ એના પર છે. એની વેબસાઇટ પર ઓનલાઇન શોપિંગ પણ થઈ શકે છે જેમાં મેગલેનટીવીના શોઝનાં મર્ચન્ડાઇઝિંગ ખરીદી શકાય છે.

સ્કિલશેરઃ યુટ્યુબમાં મફત માણવા મળતા વિવિધ કોર્સ જેવા ઘણા કોર્સ આ પ્લેટફોર્મ પર છે. એની ગુણવત્તા સારી છે. મુખ્યત્વે કોર્સ છે કળા અને એના થકી થઈ શકતા વ્યવસાયને લગતા. જેમ કે એડવર્ટાઇઝિંગ, ડિઝાઇન, ફેશન, સ્ટાઇલ, ફિલ્મ અને વિડિયો, ફોટોગ્રાફી, સંગીત, વગેરે. કોર્સ કરવા સાથે વ્યકિતએ એક પ્રોજેકટ પણ પૂરો કરવાનો રહે છે, જેને આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કહી શકીએ. પહેલાં પ્લેટફોર્મ મફતમાં માણી શકાતું હતું પણ ત્રણેક વરસથી એ પેઇડ સબસ્ક્રિપ્શન થકી જ જોઈ શકાય છે. ઉપલબ્ધ કોર્સ કાં તો આપણા જેવા કોઈક વપરાશકારે (જે અમુક ક્ષેત્રમાં નિષ્ણાત હોય) કાં પછી કંપનીએ પોતે બનાવેલા હોય છે. કોર્સ પૂરો કર્યે પ્રમાણપત્ર પણ મળે છે. ઓટીટી પર બોગસ ફિલ્મ કે શો જોવા કરતાં આવો કોર્સનો એકાદ અખતરો કરી શકાય છે.

ગાઇડડોકઃ સ્પેનમાં સ્થપાયેલી આ કંપની હવે વૈશ્વિક કામકાજ કરે છે. એ પણ ડોક્યુમેન્ટરીઝ માટે જાણીતી છે. એના કલેક્શનમાં યુરોપના વિવિધ દેશમાં બનેલી ચુનંદી ડોક્યુમેન્ટરીઝ સામેલ છે. એના લીધે એનું કલેક્શન દમદાર બન્યું છે. એનો માસિક પ્લાન ત્રણ ડોલરનો અને વાર્ષિક પ્લાન 29 ડોલરનો છે. એના પર કશું મફત માણવાની જોગવાઈ નથી.

આ બધી એપ્સ આપણી આવતીકાલનો આયનો છે. અત્યારે ભલે ભારતીયો સરેરાશ કક્ષાની ફિલ્મો અને સિરીઝ માટે ઓટીટીઘેલા થયા છે પણ એમને એનાથી ઉબકા આવવા માંડશે એ નક્કી. એવું થશે ત્યારે આપણે પણ ગુણવત્તા, સ્પેશિયાલિટી અને એક્સક્લુઝિવિટી ઝંખીશું. એ માટે દામ પણ ચૂકવીશું. આજે આ વાત કર્યા પછી, ફરી ક્યારેક એ શોઝની વાત પણ કરીશું જે આવાં નિરાળાં પ્લેટફોર્મ્સને લોકપ્રિય અને મનોરંજક બનાવે છે. મળીએ.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.31 મે, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

 

https://epaper.gujaratsamachar.com/chitralok/31-05-2024/6

Share: