
એક પછી એક ઘણી ફિલ્મો ઓટીટી પર આવી છે. કોઈક સીધો તો કોઈક વાયા બિગ સ્ક્રીન. સવાલ એ છે કે શું જોવાનું અને કેટલું જોવાનું. આ રહ્યા પસંદગી માટેના થોડા વિકલ્પો
ઓટીટી પર આજકાલ જોવા જેવી ફિલ્મોના વિકલ્પોનો સારો એવો ભરાવો થયો છે. તાજીમાજી અમુક વેબ સિરીઝની આપણે અહીં વાત કરી ગયા છીએ. આજે થોડી ફિલ્મોની વાત કરીએ. એમાંથી કઈ જોવી અને કઈ નહીં જોવી એ કરી લો નક્કી.
બી હૅપીઃ એમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ આવી છે. લેખક-દિગ્દર્શક રેમો ડિસોઝા છે. કલાકારો અભિષેક બચ્ચન, ઇનાયત વર્મા, નોરા ફતેહી, નાસર, જોની લિવર વગેરે છે. 2023માં ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે ઊટીમાં થયું હતું. વાર્તા છે એક પિતાની અને દીકરીની. નોંધનીય છે કે અભિષક બચ્ચનની અન્ય એક ફિલ્મ પણ થોડો સમય પહેલાં આવી હતી. એનું નામ હતું ‘આઈ વોન્ટ ટુ ટોક.’ એમાં એણે એવું પાત્ર ભજવ્યું હતું જે બીમારીથી પીડાય છે અને એને પણ એક દીકરી છે. અહીં એવા પિતા તરીકે એ દેખાય છે જેની દીકરી નૃત્ય માટે અપાર પ્રેમ ધરાવે છે. એટલે, ફિલ્મમાં ગીત, સંગીત, નૃત્ય પણ છે. પણ સરવાળે, દર્શકોને ફિલ્મ સાધારણ લાગી છે. અભિષેક માટે એ બહુ પોરસાવા જેવી વાત નથી. લેખન અને દિગ્દર્શનના મામલે ફિલ્મ સાધારણ હોવાનું આ પરિણામ. અભિષેકના ચાહક હોવ તો આ ફિલ્મ જોજો. અન્યથા અવગણશો તો નુકસાન નથી.
આઝાદઃ આ ફિલ્મ સીધી ઓટીટી પર નથી આવી પણ, એના બજેટ, એમાં લૉન્ચ થનારાં આશાસ્પદ ફિલ્મ સંતાનોને કારણે એના તરફ ધ્યાન ખેંચાવું રહ્યું. અજય દેવગણે આ ફિલ્મ એના ભત્રીજા અમાન દેવગન માટે બનાવી હતી. સાથે ફિલ્મમાં લૉન્ચ થઈ રવિના ટંડનની દીકરી રાશા થડાણી પણ. અજયે પણ એમાં ભૂમિકા ભજવી છે. ડાયના પેન્ટી, પિયૂષ મિશ્રા વગેરે પણ છે. રૂ. 80 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંગાળ દેખાવ કર્યો હતો. રહી વાત ઘેરબેઠા મફતમાં આ ફિલ્મ જોવાની તો એમાં ઘણાને રસ પડી શકે છે. આ ફિલ્મનું સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે નેટફ્લિક્સ પર.
વનવાસઃ હાલની એક સફળ ફિલ્મ એટલે ‘ગદર ટુ.’ આ ફિલ્મે અનિલ શર્માને ખ્યાતિ અને નફો બેઉ ફરી કમાઈ આપ્યાં હતાં. એમના દીકરા ઉત્કર્ષ સાથે સિમરત કૌરની કારકિર્દીને પણ એ ફિલ્મે સ્થિરતા આપી હતી. એ બેઉ અભિનેતાઓ સાથે નાના પાટેકરને ચમકાવતી ફિલ્મ ‘વનવાસ’ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. જોકે એનો પારિવારિક વિષય અને જૂના જમાના સાથે નવા જમાનાને સાંકળતી કથા ફિલ્મને ઓટીટી પર થોડી લોકપ્રિય અને ગમતીલી ફિલ્મ બનાવી શકે છે. એને જોઈ શકાય છે ઝી ફાઇવ પર.
રેખાચિત્રમઃ આ મલયાલમ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકામાં છે આસિફ અલી. સાથે છે અનાસ્વરા રાજન અને મનોજ કે. જયન. નવેક કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 57 કરોડનો વેપાર કર્યો હતો. આ સસ્પેન્સ થ્રિલરના ડિરેક્ટર જોફીન ટી. ચાકો છે. સત્યઘટના પર આધારિત ફિલ્મ સમયને વસૂલ કરી આપતું મનોરંજન પીરસે છે. હિન્દીમાં આ ફિલ્મ સોની લિવ પર જોઈ શકાય છે.
આચારી બાઃ જિયો હોટસ્ટાર પર આવેલી આ ફિલ્મમાં નીના ગુપ્તા છે. હાર્દિક ગજ્જર ડિરેક્ટર છે. ગુજરાતી સ્ત્રી અને એનાં અથાણાં ફિલ્મના કેન્દ્રસ્થાને છે. ફિલ્મના અન્ય કલાકારોમાં છે અપૂર્વ અરોરા, કબીર બેદી, શાહ ભવ્ય વગેરે. કથા એવી રીતે આકાર લે છે કે જૈશ્નવી નામની વૃદ્ધા વરસો પછી ગામેથી એના દીકરા (જે પાત્ર ભજવે છે વત્સલ શેઠ)ના મુંબઈના ઘેર આવે છે. જોકે દીકરો વગેરે ફરવા દાર્જીલિંગ જતા રહે છે અને વૃદ્ધા ઘરમાં રહી જાય છે દીકરાના પરિવારના પાળેલા શ્વાનની કાળજી રાખવા. સાદી, સરળ એવી આ ફિલ્મ અપેક્ષા સંતોષે એટલી ભાવનાત્મક નથી છતાં એકવાર જોવાનો વિચાર કરી શકાય.
નાદાનિયાંઃ બેહદ વખોડાયેલી ફિલ્મ ‘નાદાનિયાં’ પણ ઓટીટી પર આવી ચૂકી છે. એમાં ઇબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર, મહિમા ચૌધરી, દિયા મિર્ઝા, સુનીલ શેટ્ટી, જુગલ હંસરાજ જેવાં કલાકારો છે. દિગ્દર્શક શૌના ગૌતમ છે. કરણ જોહરની આ ફિલ્મમાં બેઉ નવોદિતોને ખરાબ વાર્તા અને એવી જ ખરાબ પેશકશે ફિલ્મ માટે સર્વત્ર નેગેટિવ વાતાવરણ સર્જ્યું હતું. ઇબ્રાહિમ એમાં અર્જુન મહેતા બન્યો છે. ખુશી બની છે પિયા. ફિલ્મ યુવાનો માટેની પણ પારિવારિક હોવાનું ભલે કહેવાય પણ એની સરિયામ નિષ્ફળતા કહે છે કે ભાગ્યે જ એ કોઈને ગમી છે.
કૌશલજી વર્સીસ કૌશલઃ બે કલાક અગિયાર મિનિટની આ ફિલ્મમાં આશુતોષ રાણા, શીબા ચઢ્ઢા, ઇશા તલવાર, ગૃષા કપૂર, બ્રિજેન્દ્ર કાલા, વગેરે કલાકારો છે. સીમા દેસાઈ ડિરેક્ટર છે. જિયો હોટસ્ટારની આ ફિલ્મમાં આશુતોષ સાહિલ તો શીબા સંગીતાનું પાત્ર ભજવે છે. તેઓ યુગલ છે. વરસો સુધી ભેગાં રહ્યાં પછી તેઓ અલગ થવાનું ઠરાવે છે ત્યારે એમને આદર્શ યુગલ તરીકે જોનારા દીકરા સહિત સૌને આશ્ચર્ય થાય છે. મિડલ ક્લાસ પરિવારની વાર્તા આ ફિલ્મમાં છે.
બોબી ઔર રિશી કી લવ સ્ટોરીઃ કુનાલ કોહલી દિગ્દર્શિત આ ફિલ્મમાં નિશા આલિયા, રાકેશ અગ્રવાલ, સિન્ડી બામરાહ વગેરે કલાકારો છે. ફિલ્મ એક પ્રણયકથા છે. જિયો હોટસ્ટાર પર એનું સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. કેમ્બ્રિજમાં ભણતાં બોબી અને રિશી વચ્ચે પ્રણયનાં અંકુર ફૂટે છે પણ તેઓેને નસીબ એકમેકથી અળગાં કરે છે. પછી શું થાય છે એ છે ફિલ્મની આગળની કથા. રોમાન્ટિક કોમેડી એવી આ ફિલ્મના રિવ્યુઝ જરાય સારા નથી. યુવાનો માટેની આ ફિલ્મ લગભગ યુવાનોને પણ નથી ગમી. જોવાની ઇચ્છા થાય તો સ્વબળે જોજો.
નવું શું છે
* ડિરેકટર નીરજ પાંડેની ‘ખાકી – ધ બિહાર ચેપ્ટર’ની સફળતા બાદ હવે તેની બીજી સીઝન ‘ખાકી – ધ બંગાળ ચેપ્ટર’ ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
* લેખક કેટ એન્ડરસન બ્રાઉહરના ‘મિસ્ટ્રી – ધ રેસિડેન્સ’ નામના પુસ્તકથી પ્રેરિત પોલિટિક્લ ડોક્યુમેન્ટરી સીરીઝ ‘મિસ્ટ્રી: ધ રેસિડન્સ’ ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે.
* 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર થયેલા હુમલા પર આધારિત ‘સ્કાય ફોર્સ’ આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વીર પહારિયા, નિમરત કૌર, સારા અલી ખાન છે.
* ડિરેકટર જે. જોન એમ. ચુની ‘વિક્ડ: ભાગ’ એક એ 2024ની અમેરિકન મ્યુઝિકલ ફેન્ટસી ફિલ્મ છે, જે ગ્રેગરી મેગુઇરની 1995ની નવલકથા પર આધારિત છે. ફિલ્મ આવતીકાલે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/21-03-2025/6
Leave a Comment