કોવિડ સમયે પા પા પગલી ભરતી ઓટીટી ઇન્ડસ્ટ્રી હવે આમ તો મેચ્યોર્ડ થઈ ગઈ કહેવાય. છતાં, ગુણવત્તાના મામલે એની સ્થિતિ બહુ પોરસાવા જેવી નથી. એવું તે શું કાચું કપાય છે ઓટીટીનાં સર્જનોમાં કે ગાડી વારંવાર પાટા પરથી સરી પડે છે?

છેલ્લા થોડા મહિનાઓમાં સીધી ઓટીટી પર આવેલી સિરીઝ અને ફિલ્મોમાંથી કેટલી જોઈ તમે? જોઈ એમાંથી કેટલી ગમી? કેટલીએ માથાનો દુખાવો કરાવ્યો? ઓટીટી રસિયાઓ જાણતા હશે કે ભલે એમાં ભરીભરીને ફિલ્મો અને સિરીઝ આવે, ભલે ડોક્યુમેન્ટરીઝ અને બીજું ઘણું બધું આવે પણ, જ્યારે મસ્ત મૂડ બને અને જોવા બેસીએ ત્યારે, ઘણીવાર એવું થાય કે રિમોટ ફેરવી ફેરવીને ઢળી પડીએ તો પણ જોવા જેવું કશું મળે નહીં. શું કામ એવું થાય છે?

અંદરખાનાની વાત કરીએ. કોઈ પણ સિરીઝ કે ફિલ્મ બને એ પહેલાં એ એક પ્રસ્તાવ મીન્સ પ્રપોઝલ હોય છે. નિર્માતા કે દિગ્દર્શક કે પછી ઓટીટી પ્લેટફોર્મ પાસે એ પ્રસ્તાવ હોય છે. પછી બેઉ પક્ષો એક થાય, ચર્ચા થાય અને પછી બને જે તે પ્રોજેક્ટનું સિરીઝ કે ફિલ્મમાં સર્જન. એવું થતી વખતે વિષય ઉપરાંત અગત્યની બાબત હોય છે પૈસા. ફલાણી ફિલ્મ કે ઢીકણી સિરીઝ બનાવવા કેટલા રૂપિયા લાગશે? ઓટીટી અને સર્જક વચ્ચે એના પર સંમતિ થાય ત્યારે શરૂ થાય છે ખરી સમસ્યા.

વરસોથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતું આવ્યું છે એ ઓટીટીમાં પણ થાય છે. પહેલાં નાના પાયે થતું હતું અને હવે મોટા પાયે થાય છે. એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. દસ કરોડમાં એક ફિલ્મ બનાવવા માટે એક ઓટીટી બજેટ ધરાવે છે. એની પાસે પોતાના ક્રિએટિવ લોકોના વિષય છે. એની પાસે અન્ય ક્રિએટિવ લોકોએ મોકલેલા વિષયો પણ છે. એમાંથી કયા વિષય પર કળશ ઢોળાશે? એનો મોટો આધાર વિષયની તાકાત, પસંદના સર્જક પર નથી હોતો. એનો મોટો આધાર, દુર્ભાગ્યે, હોય છે એમાં સંકળાયેલા અમુક લોકોને કેટલો ફાયદો થશે. ઓફિશિયલી અને અનઓફિશિયલી. અંડર ટેબલ એટલે કડદો કરીને થતી કમાણી આપણે ત્યાં ગઈ નથી અને જવાની નથી. તો, દસ કરોડના બજેટવાળા પ્રોજેક્ટમાં પડદા પર થતા નક્કર કામમાં ખરેખર સાત-આઠ કરોડ ખર્ચાય અને બાકીના વચ્ચે જ ચાઉં થઈ જાય.

અતિશયોક્તિ લાગે તો પણ આ વાત ટકોરાબંધ છે. ઓટીટીનાં સર્જનોની નબળી ગુણવત્તા માટે આ વાત જવાબદાર છે. સાથે જવાબદાર છે આપસની સાંઠગાંઠ. જેઓ ઓટીટીમાં કામ કરવા તલસી રહ્યા છે એવા ઘણા સર્જકો છે, પ્રતિભાવંતો છે. એમને પૂછી જુઓ આ વાત અને જવાબ મળશે, “થાકી ગયા ચંપલ ઘસીઘસીને. કોઈ દાદ નથી આપતું.” દાદ ક્યાંથી મળે? તમે થોડા કાંઈ એમના પહેલા ખોળાના દીકા છો કે એમના બંધબેસેલા સેટિંગ્સ તોડીને-છોડીને, તમારો સારો પ્રોજેક્ટ હોય તો પણ, તમને તક આપે?

ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઓટીટી પર એવા ઘણા મેકર્સ લગાતાર કામ કરી રહ્યા છે જેમણે સાતત્ય સાથે સારી ફિલ્મો કે સિરીઝ નથી સર્જી. છતાં એમને કામ મળતું રહે છે. બિલકુલ એ રીતે જેમ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ અમુક છાપેલા કાટલાને કામ મળતું રહે છે. ત્યાં ગુણવત્તા કરતાં બે પક્ષ વચ્ચેની ગોઠવણ વધુ કામ કરી જાય છે. આ સ્થિતિ એટલા માટે ચિંતાજનક છે કે એનાથી ઓટીટીનો વિકાસ ખોરંભાય છે. દર્શકોને જે રીતનું મનોરંજન પીરસાવું જોઈએ એ રીતનું પીરસાતું નથી.

આવી સ્થિતિમાં જોકે ક્યારેક ‘પાતાલલોક’ જેવી સારી વાત પણ બની જાય છે. એની પહેલી સીઝનમાં જયદીપ અહલાવત નામના ત્યારે સાવ અજાણ્યા કલાકારને પ્રમુખ ભૂમિકા આપવામાં આવી અને કમાલ થઈ. જો એ શો નિષ્ફળ જાત તો એને અપ્રુવલ આપનાર ઓટીટીના અધિકારીનું કદાચ આવી બનત. પણ અપવાદ, આપણે જાણીએ છીએ, અપવાદ જ હોય. મોટાભાગે ઓટીટી પર એવું થાય છે કે મળતિયાઓ નિષ્ફળ જાય છતાં એમને કામ મળતાં રહે છે. મેકર્સને પણ અને કલાકારોને પણ અને ટેક્નિશિયન્સને પણ.

 

ઓટીટી પર ગંજાવર બજેટ્સની ફિલ્મો અને સિરીઝ બને ત્યારે પણ ઘણા સુજ્ઞ લોકોનાં ભવાં ઊંચા થાય છે. અમુકે સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ અને પ્રિયંકા ચોપરાસ વરુણ ધવનવાળી સિરીઝ ‘સિટાડેલ’ માટે પાણીની જેમ વહાવેલા પૈસા માટે આવો ગણગણાટ કર્યો છે. એ બિલકુલ યોગ્ય ગણગણાટ છે કારણ, આવી એક સિરીઝ પાછળ ખર્ચાઈ જતા સેંકડો કરોડો પાણીમાં જાય એની બદલે નાના બજેટના ઘણા બધા શોઝ બને તો ઇન્ડસ્ટ્રીને અને દર્શકોને ખાસ્સું વૈવિધ્ય મળે. સદનસીબે, ‘હીરામંડી’ સદંતર નિષ્ફળ નહોતી પણ ‘સિટાડેલ’ એવી પાણીમાં બેસી ગઈ હતી કે ના પૂછો વાત. તેમ છતાં, એની બીજી સીઝન અને સિરીઝ પરથી બનનારી સ્પિન-ઓફ્ફ એટલે એનાથી પ્રેરિત અન્ય સિરીઝ માટે પણ ઓટીટી પર બજેટ ફાળવાય ત્યારે સવાલ તો થાય જ, “પૈસા અને દર્શકોનો વિશ્વાસ, બેઉ ઝાડ પર ઊગે છે કે?”

આપણે ત્યાં મનોરંજન ઉદ્યોગમાં સેટ-અપની પહેલેથી બોલબાલા રહી છે. સુપરસ્ટાર હોય કે મોટો મેકર, બધા એકમેકને સાચવીને, એમની ગાડી ચાલતી રહે એમ ફિલ્મો, સિરીઝ બનાવે છે. એમાં દર્શકનો વિચાર સાવ છેલ્લો હોય છે. એટલે તો આ સેટ-અપ કલ્ચર વારંવાર ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને અપસેટ કર્યા પછી હવે ઓટીટીના માથે પણ ભૂત બનીને ધૂણી રહ્યું છે. જ્યાં સુધી સર્જનાત્મકતા, ગુણવત્તા અને દર્શકો પ્રત્યેની પ્રતિબદ્ધતા આ સેટ-અપ કલ્ચરથી વધુ મહત્ત્વનાં પરિબળો નહીં થાય ત્યાં સુધી હિટ અને ફ્લોપની માત્રામાં મોટો ફરક રહેવાનો જ. શું ફિલ્મો, ટીવી કે ઓટીટી.

નવું શું છે?

  • એક પ્રખ્યાત વિડિયો ગેમ પર આધારિત વેબ સિરીઝ ‘ધ લાસ્ટ ઓફ અસ’ની બીજી સીઝન 13 એપ્રિલ એટલે આવતી કાલે જિયો પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
  • 2021માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘છોરી’ની સિક્વલ ‘છોરી 2’ આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે. ડિરેકટર વિશાલ ફુરિયાની ફિલ્મમાં નુસરત ભરૂચા અને સોહા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.
  • જીન સ્માર્ટ, હેન્નાહ આઇનબાઇન્ડર, રોઝ અબ્દુ અને માર્ક ઈન્ડેલિકેટો અભિનિત મેક્સ ઓરિજનલની કોમેડી સિરીઝ ‘હેક્સ’ની ચોથી સીઝન આજે જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.
  • થ્રિલર ડ્રામા સિરીઝ ‘ધ ગાર્ડનર’ નેટફ્લિક્સ પર આવી છે. છ એપિસોડવાળી ફિકશન સિરીઝમાં અલ્વારો રિકો, સેસિલિયા સુઆરેઝ અને કેટાલિના સોપેલ છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/11-04-2025/6

 

Share: