કરોડોનો ખેલ અને કરોડોના મનોરંજનનો મદાર ઓટીટી ઇન્ડસ્ટ્રી છે. આડેધડ સંચાલનને લીધે, ભ્રષ્ટાચારને લીધે, સ્પષ્ટતાના અભાવને લીધે આ ઉદ્યોગ મુશ્કેલીમાં છે. એનો ઇલાજ સમય સિવાય કોઈ નહીં કરી શકે

ઝીફાઇવે હાલમાં એક નિર્ણય લીધો છે. એ છે એના ઓટીટી પ્લોટફોર્મ માટે ફિલ્મો, શોઝ વગેરેની ખરીદી કે એનું નિર્માણ કરતી વખતે વિચારપૂર્વક આગળ વધવાનો. કંપનીએ જણાવ્યું છે કે આ બધા માટે એ પહેલાં કરતાં ઓછો ખર્ચ કરશે. ઝીનો આ નિર્ણય માત્ર ઝી નહીં, આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ કઈ દિશામાં વિચરણ કરવાનો મિજાજ અપનાવી શકે છે એનો અંદેશો પૂરો પાડે છે. એને કારણે ઓટીટીના વિશ્વ પર દેખીતી અસર પડવાની છે. અને પડવાની છે દર્શકો ઓટીટી પર શું મેળવશે છે એના પર.

ઝીના મત પ્રમાણે કંપની અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મ માટે ઓરિજિનલ શો, ફિલ્મો વગેરે ખરીદતી વખતે આક્રમક વ્યુહ ધરાવતી હતી. હવે એવું નહી કરવામાં આવે. ‘યોગ્ય સમયે, યોગ્ય કિંમતે કોન્ટેન્ટ ખરીદશું’ એવા મતલબનો કંપનીનો વિચાર ઘણું કહી જાય છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ આ મામલે વિચિત્ર વર્તતા રહ્યાં છે. એનું દેખીતું કારણ હતું. એક તો ઇન્ડસ્ટ્રી સાવ નવી હતી. કહો કે કોવિડકાળ પછી જ એનો ખરા અર્થમાં પુનર્જન્મ થયો અને એનું મહત્ત્વ વધ્યું. અન્યથા, 2019 સુધી આપણે ત્યાં ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સ હોવા છતાં, દર્શકોને અને ઘણા મેકર્સને એની ખાસ પડી નહોતી. ત્યાં સુધી મનોરંજનની દુનિયા પર ફિલ્મો અને ટેલીવિઝનની મુશ્કેરાટ પકડ હતી. ઓટીટી પ્લેટફોર્મ્સ ત્યાં સુધી મનોરંજન પીરસતાં તો હતાં પણ આવક માટે જાહેરાત અને સબસ્ક્રિપ્શન બેઉ મોરચે ખાસ ધડાં નહોતાં. વળી, અનેક પ્લેટફોર્મ્સ તો ત્રણ અક્ષર એટલે મફતમાં મોજ કરાવીને દર્શકોને અંકે કરવા ધમપછાડા કરી રહ્યાં હતાં. એમાં એમએક્સ પ્લેયર, ઝીફાઇવ, સોની લિવ, ડિઝની પ્લસ હોટસ્ટાર વગેરે પણ સામેલ હતાં. આજે પણ આ પ્લેટફોર્મ્સ પર મનોરંજનનો તગડો રસથાળ વગર કોઈ ફી ચૂકવ્યે માણી શકાય છે. એમાં ઉમેરી દો ટીવીએફ પ્લે, ક્રન્ચીરોલ, ટ્યુબી ટીવી, ગોકુ ટીવી જેવી વેબસાઇટ્સ (એટલે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પણ ઓટીટી પ્લેટફોર્મ વિના) જે આવી જ રીતે ખાસ્સું મનોરંજન મફતમાં પીરસે છે. સરવાળે, દર્શક પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય, સ્ક્રીન હોય એટલે બસ. એ વગર પૈસે ઘણું બધું માણી શકે અને એ પણ પોતાની મુનસફી મુજબ.

હવે ઓટીટી ઇન્ડસ્ટ્રી ખાસ્સી વિકસિત થઈ ચૂકી છે. અગ્રણી પ્લેટફોર્મ્સ સારામાં સારાં શોઝ અને ફિલ્મ્સ જાતે બનાવવા કે એના અધિકાર હસ્તગત કરવા ઓટીટી પ્લેટફોર્મ્સ કરોડો ખર્ચે છે. નેટફ્લિક્સ સંજય લીલા ભણસાલી જેવા ઉમદા સર્જકને સિરીઝ બનાવવા બસો કરોડ આપી શકે છે. જિયો સિનેમા આઈપીએલના પાંચ વરસના ડિજિટલ અધિકારો માટે અધધધ એટલે ઓલમોસ્ટ રૂ. 24,000 કરોડ ચૂકવી શકે છે. ટીવીના અધિકારો માટે ડિઝની સ્ટારે ખર્ચેલી રકમ, રિલાયન્સે ડિજિટલ અધિકારો માટે ખર્ચેલી રકમ કરતાં થોડીક (એ થોડીક એટલે પણ રૂ. 183 કરોડ હોં) ઓછી હતી. આખા ભારતમાં આવડી અધધ અસ્ક્યામતો ધરાવતી કંપનીઓ મર્યાદિત છે. રિલાયન્સે તો આટલી રકમ એક સ્પોર્ટ્સ લીગના પાંચ વરસના ડિજિટલ અધિકારો માટે ખર્ચી નાખી! આ વાત એ સમજવા પૂરતી છે કે ભારતમાં ડિજિટલ મનોરંજનનું વિશ્વ આગળ જતા કેવો વિરાટ રાક્ષસ બનવાની ઉજળી સંભાવના ધરાવે છે.

ઉજળી શક્યતાઓને રોકડી કરવા ઓટીટી પ્લેટફોર્મ્સ માટે ઘણી બાબતો અનિવાર્ય છે. સૌથી પહેલી અનિવાર્યતા છે અસ્તિતવ ટકાવી રાખવાની. ગાંઠનું ગોપીચંદન કરીને કે ઘર બાળીને તીરથ કરીને કોનું ભલું થયું છે? આવતીકાલે એટલે બે, પાંચ કે દસ વરસે ઓટીટી ઉદ્યોગ ખરેખર આવકનો મહાસાગર બની જાય ત્યારે કંપનીનું અસ્તિત્વ જ ના રહ્યું હોય તો કરવાનું શું? આ સ્થિતિને સમજવા ભૂતકાળમાં ડોકિયું કરીએ. યાદ કરો એ સમય જ્યારે દેશમાં ગણી ગણાય નહીં એટલી મોબાઇલ ઓપરેટર કંપનીઓ ફાટી નીકળી હતી. આજે શી સ્થિતિ છે? રાષ્ટ્રીય સ્તરે ત્રણ ખાનગી અને એક સરકારી કંપની સિવાય બાકીની બધી રામશરણ થઈ ચૂકી છે. અમુક મોબાઇલ સર્કલમાં રહીસહી લોકલ કંપનીઓ છે પણ એ ક્યારે પતી જશે એનું કાંઈ કહેવાય નહીં. મોબાઇલ ઉદ્યોગમાં, ભવિષ્યમાં બખ્ખાં થઈ જશે એની લાયમાં આલિયામાલિયાથી લઈને અવ્વલ કંપનીઓ સુધી સૌ કૂદી પડ્યા હતા. ઓટીટી ઉદ્યોગમાં પણ કંઈક આવી સ્થિતિ છે અને હવે, નવા રાઉન્ડની ગમે ત્યારે શરૂઆત થઈ શકે છે.

દર્શકોને એના લીધે ફરક પડવાનો છે. એમણે ગુણવત્તાવાળા કોન્ટેન્ટ માટે વધુ પૈસા ચૂકવવાનું મન બનાવવું પડશે. એમને અત્યારે દર અઠવાડિયે જે રીતે મનોરંજનના અઢળક વિકલ્પો મળી રહે છે એ કદાચ ઓછા થઈ શકે છે. બેશક, દેશ વિશાળ અને મુક્ત બજાર હોવાથી એ શક્યતા પણ રહેવાની કે બે કંપનીઓ હાંફીને વાવટા સંકેલશે ત્યારે બીજી બે ઓટીટી બજારમાં એમ ધારીને કૂદી પડશે કે આ લોકોને વેપાર આવડ્યો નહીં પણ અમને આવડે છે, જોજો, અમે કેવી કમાણી કરી બતાવીએ છીએ. એના લીધે દર્શકને આ નહીં તો પેલો મફતમાં મોજ કરાવશે. પણ પણ, દરેક વાતની હદ આવે અને આની પણ આવશે. આજે નહીં તો આવતીકાલે.

ઝીએ જે વાત સ્પષ્ટ શબ્દોમાં કરી છે એનો અમલ અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સ મૂક રહીને કરી રહ્યાં છે. અંદરખાને જોકે મામલો ગંભીર છે, સંગીન છે. અનેક ફિલ્મો અને શો ધબાય નમઃ થવાથી સૌ દ્વિધામાં છે કે કરવું તો શું કરવું. ઓરવા તો પૈસા ક્યાં ઓરવા અને કેટલા ઓરવા. ભ્રષ્ટાચાર બીજો એક પ્રોબ્લેમ છે. ભ્રષ્ટાચારને લીધે, ઓટીટીના અધિકારીઓ અને મેકર્સની સાંઠગાંઠને લીધે, સો રૂપિયાનું કામ પાંચસો-હજાર રૂપિયામાં થાય છે. ખરેખર રિઝલ્ટ તો સો રૂપિયાનું માંડ આવે છે. એ પણ અપેક્ષિત ગુણવત્તા વિનાનું. એવું થવાથી રોકાણકારો, જાહેરાતદાતાઓ સૌ હેરાન પરેશાન થાય છે. એકંદરે નુકસાન પહોંચે છે ઇન્ડસ્ટ્રીને, દર્શકને અને ઓટીટીની દુનિયાની આશાસ્પદ શક્યતાઓને.

ટૂંકમાં, ઓટીટી તો મજેદાર છે પણ એની તબિયત નાજુક છે. એની દવા કોણ કરશે?

નવું શું છે?

  • ઓટીટી ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકારને અરજ કરી છે કે બ્રોડકાસ્ટિંગ પોલિસીમાં ઓટીટી પ્લેટફોર્મ્સ, ઓનલાઇન ગેમિંગ, ફિલ્મો અને સંગીતને બાકાત રાખવામાં આવે. ઉદ્યોગના લોકોના મતે એ બધું સરકારના કામકાજ બહાર આવે છે. ખરેખર?
  • ઝીફાઇવ પર 28 મેએ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ સ્ટ્રીમ થવા માંડશે. ફિલ્મમાં ટાઇટલ રોલ ભજવવા સાથે રણદીપ હુડાએ એનું દિગ્દર્શન પણ કર્યું છે.
  • રાજેM એ. ક્રિષ્ણન દિગ્દર્શિત અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરનારી ‘ક્રૂ’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મમાં કરીના કપૂર, તબુ અને ક્રીતિ સનોન છે.
  • કપિલ શર્માના શોની જેમ એને મુખ્ય પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘ઝ્વિગાટો’ પણ સંઘર્ષ કરી રહી છે. ફિલ્મનો સંઘર્ષ ઓટીટી પ્લેટફોર્મ માટેના અધિકારો વેચાવાનો છે. આ ફિલ્મ ખરીદવા કદાચ કોઈ તૈયાર નથી. ઓહો.
  • ઉલ્લુ જેવી માદક મનોરંજન પીરસનારા ઓટીટી પ્લેટફોર્મના સર્જકો હવે હરિ ઓમ નામનું ધાર્મિક ઓટીટી પ્લેટફોર્મ લાવી રહ્યા છે. એ સ્ટ્રીમિંગ થવા માંડશે જૂનથી. હે પ્રભુ!

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.24 મે, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/24-05-2024/6

મારા બ્લોગ અહીં વાચો

https://www.egujarati.com

Share: