પઠાનમાં વાત દેશપ્રેમની છે. એણે શાહરુખની બાદશાહિયત ફરી પ્રસ્થાપિત કરી છે. દેશપ્રેમના આ તાજા જુવાળ વખતે જોઈએ એક યાદી જે છે ઓનલાઇન માણી શકાતી દેશપ્રેમની ફિલ્મોની.


દેશપ્રેમ ફિલ્મોનો એક એવરગ્રીન વિષય છે. સેટેલાઇટ ચેનલ્સ અને ઓટીટીના જમાનામાં દેશપ્રેમની ફિલ્મો મન થાય ત્યારે જોઈ શકાય છે. ‘પઠાન’ની સફળતામાં શાહરુખની લોકપ્રિયતા સાથે એમાં છલકતી ભારતીયતા એક કારણ છે. એક યાદી તપાસીએ ભારત માતા કી જય કરનારી ફિલ્મોની જે ઓટીટી પર માણી શકાય છે.

રાઝીઃ આલિયા ભટ્ટને સેહમત ખાન અને વિકી કૌશલને સૈયદ ઇકબાલ તરીકે ચમકાવતી આ ફિલ્મ 2018માં આવી હતી. હરિન્દર સિક્કાના પુસ્તક ‘કૉલિંગ સેહમત’ના આધારે બનેલી ‘રાઝી’ પાછલા દાયકાની દેશપ્રેમ વિશેની એક સર્વોત્તમ ફિલ્મ છે. 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પહેલાં 20 વરસની કાચી કુંવારી કન્યા સેહમત કેવી રીતે લગ્ન કરીને પાકિસ્તાન જાય છે, જેથી એ જાસૂસ પિતાનું કામ આગળ વધારી દેશસેવા કરી શકે, એ છે પ્લોટ. આલિયાના બેસ્ટ પરફોર્મન્સ અને બેએક કર્ણપ્રિય ગીતો માટે ફિલ્મ અવશ્ય જોવાય. ‘રાઝી’ રિલીઝ થઈ ત્યારે વિકી કલાકાર તરીકે સ્થાન જમાવી રહ્યા હતા. ફિલ્મમાં એમનો અભિનય પણ દાદુ છે. ‘રાઝી’ જુઓ પ્રાઇમ વિડિયો પર.

લગાનઃ 2001ની ‘લગાન’ની અમાપ સફળતા કોને યાદ નથી? હા, ઘણા ટીનએજર્સને આ ફિલ્મના ક્રેઝ અને એની અસરનો કદાચ પૂરતો ખ્યાલ ના હોય. આમિર ખાનને નિર્માતા તરીકે પહેલા ઘાએ ટોચ પર પહોંચાડનારી આ ફિલ્મના કયા પાસાનાં વખાણ કરવાં અને કયા નહીં એ મીઠી મૂંઝવણ છે. એટલું કહેવું બસ રહેશે કે ફિલ્મ તરીકે, જ્ઞાન તરીકે, આનંદ તરીકે એ સર્વાંગસંપૂર્ણ છે. ‘લગાન’ જુઓ નેટફ્લિક્સ પર.

ચક દે ઇન્ડિયાઃ શાહરુખ ખાને ‘પઠાન’ તરીકે દેશપ્રેમને નવા અંદાજમાં રજૂ કરીને પોતાને એક્શન હીરો તરીકે સિદ્ધ કર્યા છે ત્યારે એમની આ ફિલ્મ યાદ કરવી પડે. ‘ચક દે ઇન્ડિયા’ રિલીઝ થઈ એ પહેલાંનો, 2006નો સમય પણ, શાહરુખ માટે બિલકુલ એવો કંઈક હતો જેવો ‘પઠાન’ પહેલાંનો. ત્યારે એમની અમુક ફિલ્મો ઠીકઠીક રહેવાથી અને અન્ય સિતારાઓની જમાવટથી, શાહરુખ કેટલું ખેંચશે એવો ગણગણાટ હતો. ‘ચક દે ઇન્ડિયા’એ કિંગ ખાનને ફરી ટોચે બિરાજમાન કર્યા હતા. લૉ પ્રોફાઇલ રિલીઝ છતાં દમદાર સફળતા મેળવનારી આ ફિલ્મે શિમિત અમીને ડિરેક્ટ કરી હતી. સ્પોર્ટ્સ વિશેની ફિલ્મો આપણે ત્યાં નથી ચાલતી એ જડ માન્યતાને, ‘લગાન’ની જેમ આ ફિલ્મે તોડી હતી. વળી વાર્તા ભારતીય મહિલા હોકી ટીમની! એકએકથી ચડિયાતી સિચ્યુએશન્સ સાથે મસ્ત ગીતો અને શાહરુખના એક શ્રેષ્ઠ અભિનચવાળી આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર છે. સાથે અવેલેબલ છે યુટ્યુબ, ગૂગલ પ્લે મૂવીઝ અને એપલ ટીવી પર. ત્રણેય વિકલ્પોમાં એક રકમ ચૂકવીને ફિલ્મ જોઈ શકાશે.

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકઃ આ ફિલ્મથી વિકી કૌશલ બન્ચા હતા સ્ટાર. 2019માં એ આવી હોવાથી દર્શકોના મનમાં ખાસ્સી તાજી હશે. પાંચ ભાગમાં એની વાર્તા વણાઈ હતી. 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી પર પાકિસ્તાની હુમલા પછી ભારત એનો કેવો સણસણતો જવાબ આપે છે એ હતો મુખ્ય પ્લોટ. ‘ઉરી’ જોઈ શકો છો ઝીફાઇવ પર.


રંગ દે બસંતીઃ આમિર ખાન, માધવન, શરમન જોશી સહિતના સ્ટાર્સવાળી આ ફિલ્મ 2006ની છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાને ઉત્તમ દિગ્દર્શક તરીકે એણે પ્રસ્થાપિત કર્યા હતા. એની અટપટી વાર્તા વર્તમાન તથા ભૂતકાળ વચ્ચે રમતી રહે છે. લંડનની વિદ્યાર્થિની સ્યુને એના દાદા જેમ્સની ડાયરી મળે છે. એનાથી એ જાણે છે ભગત સિંઘ, ચંદ્રશેખર આઝાદ સહિતના ભારતના પાંચ સ્વાતંત્ર્યવીરોની ફાંસીની ઘટના. ડાયરીના આધારે એના પર ફિલ્મ બનાવવા સ્યુ ભારત આવે છે. પછી જે થાય છે ફિલ્મનો ઘટનાક્રમ. એ. આર. રહેમનના સંગીતમાં એકએકથી ચડિયાતાં ગીતો ફિલ્મનું જમાપાસું છે. પોણાત્રણ કલાકની ફિલ્મ આજે પણ જકડી રાખે એવી છે. જોવાના વિકલ્પો છે નેટફ્લિક્સ ઉપરાંત, યુટ્યુબ, ગૂગલ પ્લે મૂવીઝ અને એપલ ટીવી.

ધ લિજન્ડ ઓફ ભગત સિંઘઃ 2022ની આ ફિલ્મ અજય દેવગનના ભગત સિંઘ તરીકેના કમાલ અભિનય, રહેમાનના અવ્વલ સંગીતથી યાદગાર રહી હતી. નામ જણાવે છે એમ ફિલ્મ છે ભગત સિંઘ વિશે. એ સમયે ભગત સિંઘ વિશેની એક કરતાં વધુ ફિલ્મો આવી હતી પણ સફળ આ એક જ હતી. અન્ય ફિલ્મોમાં ‘23 માર્ચ 1931ઃ શહીદ’ પણ હતી જેમાં બોબી દેઓલ ભગત સિંઘ બન્યા હતા. અજયની ફિલ્મ નેટફ્લિક્સ ઉપરાંત જિયો સિનેમા, વૂટ અને એમએક્સ પ્લેયર પર છે.

ધ ગ્રેટ ઇન્ડિયન એસ્કેપઃ 2019ની ફિલ્મમાં વાત છે આપણા એર ફોર્સના ત્રણ જાંબાઝ પાયલટ્સની. તેઓ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની કેદમાં સપડાય છે. પછી તેઓ ત્યાંથી છટકવાની યોજના ઘડે છે એ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. રિલીઝ વખતે ભલે એ ખાસ ગાજી નહોતી પણ એને જોઈને વખાણનારાની સંખ્યા પછી વધતી રહી છે. એમાં રાઘવ રિશી, રાજ સિંઘ અરોરા અને આશિષ કપૂર મુખ્ય પાત્રોમાં છે. ફિલ્મ જોઈ શકો છો એમએક્સ પ્લેયર પર.

બોર્ડરઃ 1997ની આ ફિલ્મે દેશદાઝની જે જુવાળ પ્રસરાવી એ એક રેકોર્ડ જેવી છે. બેલિવુડનું સૌથી લાંબું (12 મિનિટથી વધુનું) ગીત, સંદેશે આતે હૈ, આ ફિલ્મમાં છે. ત્યારના દિગ્ગજ કલાકારોનો મોટ્ટો કાફલો ફિલ્મમાં છે. તેમાં સની દેઓલ, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, પૂજા ભટ્ટ, તબુ વગેરે સામેલ છે. જે. પી. દત્તાની આ ફિલ્મની વાર્તા 1971ના યુદ્ધની સત્તાવાર શરૂઆત પહેલાંના સમયથી થાય છે. ફિલ્મમાં જેકીના રોલ માટે પહેલાં સંજય દત્તની વરણી થઈ હતી. એમને જેલ થતા રોલ ગયો જેકીના ફાળે. તબુનું પાત્ર જુહી ચાવલા અને પછી મનીષા કોઈરાલાને ઓફર થયું હતું. અક્ષય ખન્નાનું પાત્ર ઓફર થયું હતું આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન અને સૈફ અલી ખાનને. ‘બોર્ડર’ જોવા ઓન કરો પ્રાઇમ વિડિયો અથવા યુટ્યુબ.

અ વેનસડેઃ 2008ની આ ફિલ્મની વાર્તા એક અનામ માણસની છે. એ મેદાને પડે છે આતંકવાદીઓને ઢેર કરવા. જેમની એક દિવસ પછી નિવૃત્તિ છે એવા મુંબઈ પોલીસ કમિશનર પ્રકાશ રાઠોડને એ ફોન કરીને એમની કફોડી હાલત કરી નાખે છે. ફોન પર એ રાઠોડને મુંબઈમાં પાંચ જગ્યાએ બોમ્બ મૂક્યાની અને એના બ્લાસ્ટ થવાની વાત કરે છે અને… અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહના ઉત્કૃષ્ટ અભિનયથી, નીરજ પાંડે દિગ્દર્શિત આ ફિલ્મ પળેપળ જકડી રાખે છે. જોવા માટે નેટફ્લિક્સ, ગૂગલ પ્લે મૂવીઝ અને યુટ્યુબના વિકલ્પો છે.

પ્રહારઃ નાના પાટેકરને મેજર ચૌહાણ તરીકે ચમકાવતી આ ફિલ્મ આપણી આર્મી વિશેની એક સૌથી ચોટદાર ફિલ્મ છે. દિગ્દર્શક નાના પોતે છે. 1991માં આવેલી ફિલ્મમાં માધુરી દીક્ષિત (વગર મેકઅપ) અને ડિમ્પલ કાપડિયા પણ છે. ફિલ્મની પેશકશ એટલી રિયલિસ્ટિક છે કે નવાઈ પામી જવાય. આર્મી સાથે એમાં વણાયા છે ભ્રષ્ટાચાર, ખંડણી સહિતના મુદ્દા. પરિવાર સાથે જોવા માટે એ પરફેક્ટ ચોઇસ છે. જિયો સિનેમા, પ્રાઇમ વિડિયો, એમએક્સ પ્લેયર સહિતનાં પ્લેટફોર્મ્સ પર ફિલમ જોઈ શકો છો.

● ઓટીટી પર સ્ટ્રીમ થતી ફિલ્મોમાં, લેટેસ્ટ ના હોય એવી ફિલ્મોમાં, એક તકલીફ હોય છે આડેધડ કટિંગની. દર્શક તરીકે જો કોઈક ફિલ્મ થિયેટરમાં માણી હોય અને માનસ પર એ અંકિત હોય તો આ કટિંગ પર કાળ ચડશે. છતાં, ન મામા કરતાં કાણો મામોના ન્યાયે મનગમતી ફિલ્મને ફરીવાર જોવા ઓટીટીનો આસાન વિકલ્પ અજમાવ્યે છુટકો છે.

● દેશપ્રેમ વિશેની અન્ય નોંધનીય ફિલ્મોમાં શાહરુખની ‘સ્વદેસ’ (નેટફ્લિક્સ), સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેરશાહ’ (પ્રાઇમ વિડિયો), વિકીની ‘સરદાર ઉધમ’ (પ્રાઇમ વિડિયો), હૃતિક રોશનની લક્ષ્ય (નેટફ્લિક્સ), સની દેઓલની ‘ગદરઃ એક પ્રેમકથા’ (ઝીફાઇવ), ફરહાન અખ્તરની ‘ભાગ મિલખા ભાગ’ (ડિઝની પ્લસ હોટસ્ટાર) પણ સામેલ છે.

● ઘણી ફિલ્મોની પાઇરેટેડ વર્ઝન યુટ્યુબ અને એના જેવા અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ છે. એની પ્રિન્ટ સારી નીકળે તો નસીબ. જોકે ઓટીટીના જમાનામાં સારું એ કે જ્યાં ઓફિશિયલી ફિલ્મ જોઈ શકાય છે ત્યાં જોવી.

● બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનાથી લઈને 1980-90ના દાયકા સુધીની બીજી ઘણી એવી ફિલ્મો છે જે દેશપ્રેમનો વિષય ધરાવે છે. એમાં ‘મધર ઇન્ડિયા’, ‘સાત હિંદુસ્તાની’, ‘નયા દૌર’થી માંડીને મનોજ કુમારની ‘ક્રાંતિ’, ‘પુરબ ઔર પશ્ચિમ’ જેવી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મો એક કરતાં વધુ પ્લેટફોર્મ્સ પર જોઈ શકો છો.

નવું શું છે

● માત્ર સિંધી કાર્યક્રમો પીરસતા એક ઓટીટીનું આગમન થયું છે. એનું નામ છે સિંધીપ્લેક્સ. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવેલા આ પ્લેટફોર્મ થકી સિંધી મનોરંજન માણવા સાથે એની સંસ્કૃતિનો પણ વિશેષ પરિચય મેળવી શકાય છે. જેઓ સિંધી શીખવા માગે એમના માટે ભાષાલક્ષી વિડિયોઝ પણ છે.
● ફોર્મ્યુલા વનની રેસ માણતા ઘણા આપણે ત્યાં છે. એમના માટે આ રેસની એપ એફવન ટીવી આવી છે. લવાજમના પ્લાન બે પ્રકારના છે. એકમાં લાઇવ રેસ માણી શકવાનો તો બીજામાં લાઇવ રેસ વગરનો વિકલ્પ છે. 15 માર્ચે બેહરિનમાં રેસની નવી સીઝન શરૂ થવા પૂર્વેનું લોન્ચિંગ રેસના ચાહકોને આકર્ષશે એવી હાલમાં ગણતરી હશે.
● 87 વરસની ઉંમરે ધર્મેન્દ્ર ઓટીટી પર પદાર્પણ કરે ત્યારે સાનંદાશ્ચર્યની લાગણી થાય. ‘તાજઃ ડિવાઇડેડ બાય બ્લડ’ નામની ધરમ પાજીને નાના પણ મહત્ત્વના પાત્રમાં ચમકાવતી વેબ સિરીઝ ત્રીજી માર્ચથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થવાની છે. એમાં નસીરુદ્દીન શાહ, અદિતી રાવ હૈદરી, આશિમ ગુલાટી, તાહા શાહ વગેરે પણ છે.
● દૂરદર્શન પાસે એકએકથી ચડિયાતા કાર્યક્રમોનો ખજાનો છે. ખાસ તો એ જે એના સુવર્ણકાળમાં બન્ચા. 2023-24માં આ કાર્યક્રમોને ઓટીટી મારફત લોકો સુધી ફરી પહોંચાડવાની મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થવાની અપેક્ષા છે. દૂરદર્શનનું ઓટીટી પ્લેટફોર્મ ખરા અર્થમાં ઘણાને ખુશ કરી દેશે.
● ‘ધ રોમાન્ટિક્સ’ 14 ફેબ્રુઆરીએ આવી ત્યારથી સમાચારોમાં છે. ક્યારેય ઇન્ટરવ્યુ નહીં આપનારા આદિત્ય ચોપરાની બંધ કિતાબ જેવી જિંદગી, યશ ચોપરા વિશેની જાણી-અજાણી વાતોને લોકો સમક્ષ લાવનારી ચાર ભાગની સિરીઝમાં અનેક સેલિબ્રિટીઝ યશરાજ, યશ ચોપરા અને આદિ વિશે સંસ્મરણો-મંતવ્યો વાગોળે છે. આવી જ એકાદ સિરીઝ કોઈક સૂરજ બડજાત્યા વિશે બનાવે તો…

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 24 ફેબ્રુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/24-02-2023/6

Share: