એક ફિલ્મ કે વેબ સિરીઝને સફળ થવાને ઘણાં પરિબળોનો સાથ મળતો હોય છે. એમાંનો એક છે વિવાદ કે હોબાળો. ક્યારેક એ આપોઆપ પ્રગટે છે તો ક્યારેક પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આવે છે

સામંતા રૂથ પ્રભુ એટલે ઓ અન્ટાવા (અરે ભાઈ, પુષ્પા… યાદ તો હશે જ) ગીતમાં ઝળકનારી અને ફેમિલી મેનમાં ચમકનારી અભિનેત્રી. એમની ઓક્ટોબરમાં રિલીઝ થનારી એક્શન થ્રિલર તેલુગુ ફિલ્મ યશોદા ઓટીટી પર આવી છે. એ ફિલ્મ પડદે આવી હતી ત્યારે એક હોસ્પિટલના સંચાલકોએ એની સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. સંચાલકોનો દાવો હતો કે ફિલ્મમાં એમની હોસ્પિટલને નકારાત્મક ચીતરવામાં આવી હતી. ઓટીટી પર ફિલ્મ આવી છે ત્યારે આ વિવાદ નવેસરથી ગાજ્યો નથી પણ, વિવાદને ક્રિએટિવિટી સાથે કાયમનો સંબંધ છે. યાદ છેને અહીં નોંધ લીધી હતી કે ફિલ્મી દુનિયામાં કાયદાકીય પળોજણો એટલી વધી છે કે હવે ફિલ્મ, વેબ સિરીઝ વગેરેના બજેટના દસ ટકા તો લીગલ બાબતોમાં સ્વાહા થઈ જાય છે.
મોટા પડદે રિલીઝ થતી ફિલ્મો અને ઓટીટી પર આવતા પ્રોગ્રામ્સ વચ્ચે નાનકડો ફરક છે. મોટા પડદે રિલીઝ થતા પહેલાં ફિલ્મ તો ઠીક, દસ સેકન્ડની જાહેરાતે પણ સેન્સરની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પછી પણ ગેરન્ટી નથી કે વિવાદ નહીં થાય. ધ કેરાલા સ્ટોરીનો દાખલો લઈ લો. એ રીતે જ કાંતારાના વરાહરૂપમ ગીતનો દાખલો પણ ખરો. સીધા ઓટીટીએ પહોંચતા શો કે ફિલ્મે સેન્સરશિપ જોવી પડતી નથી. એમાં થાય એવું કે સર્જકોએ વાંધોવચકો ઉઠાવનારાની ખફગીનો ભોગ રિલીઝ પછી બનવાનો વારો આવે.
નો સેન્સરશિપ બેધારી તલવાર છે. સર્જક એની સમજણ અને મુનસફી પ્રમાણે આગળ વધતા હોય છે. વાંધો ઉઠાવનારા અને શોધનારા એમની રીતે. 2021માં આવેલી તાંડવ બનાવતી વખતે કદાચ મેકર્સને ખ્યાલ નહીં જ હોય કે આગળ કેવીક કસોટીઓ થવાની. કદાચ એટલે કે ઘણીવાર સર્જકોને વિવાદ થઈ શકવાની કલ્પના પણ હોય જ છે. અલી અબ્બાસ ઝફરની આ સિરીઝના પહેલા એપિસોડમાં સુજ્ઞોએ એવી વાતો શોધી કાઢી જે એમના મતે શાંતિનો ભંગ કરનારી હતી. સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર જેવાં કલાકારોવાળી સિરીઝ સામે એકથી વધુ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી.

તાંડવના એક દ્રશ્યમાં મોહમમ્દ ઝીશાન અયુબને ભગવાન શિવજીના રૂપમાં દર્શાવાયા હતા. એમના મોઢે આઝાદી વિશેના સંવાદો મૂકવામાં આવ્યા હતા. પહેલા એપિસોડની સત્તરમી અને બાવીસમી મિનિટે આવતાં દ્રશ્યો અને સંવાદોને લઈને હોબાળો મચ્યો. વડા પ્રધાનના પાત્રમાં કલાકારને અયોગ્ય રીતે રજૂ કરવાનો દાવો થયો. વાત એવી વણસી કે મેકર્સે માફી માગવી પડી. એ દ્રશ્ય સિરીઝમાંથી બાકાત કરવાની બાંહેધારી પણ આપવી પડી. મુંબઈ, લખનઊ સહિત અન્ય જગ્યાઓએ સિરીઝ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી. માહિતી અને પ્રસારણ ખાતાએ સર્જકોને, એમેઝોનના અધિકારીઓને બોલાવીને ખુલાસા માગ્યા, ઝફરે એકથી વધુ વખત માફીનામાં જાહેર કર્યાં પણ વિવાદે શમવાનું નામ લીધું નહોતું. ઉચ્ચ ન્યાયાલયથી સર્વોચ્ચ અદાલત સુધી એનો મામલો ગયો હતો. કલાકાર-કસબીઓ અને એમેઝોનના અધિકારીઓએ આગોતરા જામીન માટે પણ અરજી કરવી પડી હતી.
ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં કરવાનો તાંડવ કે કોઈ શો કે ફિલ્મને અધિકાર નથી. છતાં, સર્જનાત્મક સ્વાતંત્ર્યના નામે આવું થાય ત્યારે દર્શકો અને નાનીમોટી સંસ્થા કે નાનાંમોટાં સંગઠનો ભવાં ઊંચાં કરે એ સહજ છે. ટેક્નોલોજી અને કનેક્ટિવિટીના યુગમાં આવું દાવાનળની જેમ થાય.
વિક્રમ સેઠની નવલકથા પરથી બનેલી વેબ સિરીઝ અ સ્યુટેબલ બોયના એક દ્રશ્યનો પણ વિવાદ થયો હતો. 202માં આવેલી એ સિરીઝમાં હિંદુ પાત્ર લતા અને મુસ્લિમ પાત્ર કબીરને એક દ્રશ્યમાં ચુંબન કરતાં દર્શાવાયાં હતાં. એ દ્રશ્ય મંદિરમાં ભજવાયું હતું. દ્રશ્ય વિશે આપત્તિ ઉઠાવતાં પોલીસ ફરિયાદ થઈ હતી. નેટફ્લિક્સના બોયકોટની ચળવળ પણ શરૂ થઈ હતી. પછી ડિરેક્ટર મીરાં નાયર વિરુદ્ધ મુસ્મિલ પર્સનલ લૉ બોર્ડે પણ વાંધો ઉઠાવતા સિરીઝમાંથી તાજિયાનું દ્રશ્ય કાઢવાની માગણી કરી હતી. એ દ્રશ્ય સિરીઝના ચોથા એપિસોડમાં હતું.
આજે શું છે એ વિવાદોનું સ્ટેટસ? એટલું જ કે સમય સાથે લોકો ભૂલી ગયા. સિરીઝમાંથી વિવાદાસ્પદ દ્રશ્યો કે સંવાદો કપાયાં કે કેમ એ એટલે ગૌણ છે. કારણ, ડિજિટલી એકવાર જે આવી ગયું એ યેનકેન રીતે ઇન્ટરનેટ પર જોવાને મળી જ રહે છે. સિરીઝમાંથી ના મળે તો ટોરન્ટ જેવા પ્લેટફોર્મ પર મળે, અથવા કોઈકની સોશિયલી ક્લિપમાંથી. મેકર્સ આ વાતથી અજાણ નથી. સામાન્યપણે એમને વિવાદોથી થનારા ફાયદાનો પાકો ખ્યાલ હોય છે. એટલે જ તેઓ સજાગપણે લક્ષ્મણરેખા વટાવી જવાનું દુઃસાહસ ખેડતા હશે, એવું ધારી લેવામાં કશું અસ્થાને નથી.
પાતાલ લોક સિરીઝનો દાખલો લઈએ. એની બે બાબતોએ હોબાળો મચાવ્યો હતો. એક હતી બળાત્કારનું દ્રશ્ય અને બીજી એક હલકો સંવાદ. એકમાં શીખ સમાજનું તો બીજામાં નેપાળી સમાજનું અપમાન થતું હતું. વિગતોમાં ના પડતાં એટલું જાણી લઈએ કે બેઉ સંવેદનશીલ બાબતો હતી. અન્યથા ખૂબ સારી રીતે બનેલી એ સિરીઝમાં આવી વિવાદાસ્પદ બાબતો લગભગ ટાળી શકાઈ હોત. વિવાદ થયા પછી આ સિરીઝના મેકર્સે પણ બિનશરતી માફી માગવી પડી હતી. જોકે માફી માગવાનો અર્થ શો એ મોટો પ્રશ્ન છે.
કાલ્પનિક કથાઓવાળી ફિલ્મો અને સિરીઝ વગેરેમાં શરૂઆતમાં જાહેરાત થતી હોય છે કે અહીં જે દર્શાવાયું છે એ બધું કાલ્પનિક છે, વાસ્તવિક પાત્રો, સ્થળો સાથેનો એમનો મેળ તો સંયોગમાત્ર છે વગેરે વગેરે. આવી જાહેરાતને સર્જનાત્મક સ્વાતંત્ર્યનો બેરોકટોક પરવાનો ના ગણી શકાય. સ્વાતંત્ર્યની અપેક્ષા સેવતા સર્જકમાં વિવેકબુદ્ધિ હોવી જ જોઈએ. જે સમાજ માટે એ સર્જન રજૂ કરે છે એની લાગણીઓની એને તમા હોવી જઈએ. એટલું જ સમજવા અને સ્વીકારવાથી સર્જકો જ્યારે દૂર રહે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.
જે પ્રમાણમાં અને પ્રકારના વિવાદો આપણે ત્યાં થાય છે એવા હોલિવુડમાં કદાચ નથી થતા. એનું કારણ માત્ર એ નથી કે ત્યાં સેન્સરશિપને લઈને ઉદાર નિયમો છે. એક બહુ અગત્યનું કારણ છે સર્જકોની વિવેકબુદ્ધિ. પોતાના દેશને, પોતાના ધર્મને, સમાજની અપેક્ષાઓને, પોતાના સર્જનની દૂરગામી અસરને મામલે તેઓ વધુ સચેત છે. તમે એવી કેટલી હોલિવુડ ફિલ્મો જોઈ જેમાં અમેરિકાને હલકું ચીતરવામાં આવ્યું હોય? કે જેમાં અમેરિકન પ્રેસિડન્ટને નબળો દર્શાવવામાં આવ્યો હોય? કે જેમાં ખ્રિસ્તી કે અન્ય ધર્મો કે ધાર્મિક બાબતને ઘસાતી રીતે પેશ કરવામાં આવી હોય?
આપણે ત્યાં આવા મામલે ગમે તે ચાલી જાય છે. અહીં કાયદાની આંટીઘૂંટીઓ, નબળાઈઓ, ભ્રષ્ટાચાર વગેરેનો ભરપૂર ગેરફાયદો ઉઠાવવામાં આવે છે. ઘણીવાર સર્જકો પોતે વિવાદ ઊભો કરાવતા હોય છે જેથી એમના કામની ચર્ચા થાય, વેપલો થાય, ફિલ્મ કે સિરીઝ હિટ થાય.
ઓટીટીના મામલે આવા વિવાદો શમવાના નથી. ઓટીટી પર સેન્સરની લગામ તણાઈ નથી. એ પૂરેપૂરી તાણી શકાશે એવી ગુંજાઇશ નથી. શું દેશી કે શું વિદેશી ઓટીટી પ્લેટફોર્મ. એ જ્યારે ભારતમાં કાર્યરત હોય ત્યારે એનું સંચાલન કરનારા મહત્તમ માથાં ભારતીય જ હોય. એ માથાં જ્યાં સુધી સારાનરસા વિશેની સભાનતા નહીં રાખે અને પાળે, સર્જનાત્મકતા અને સમસ્યા ઊભી કરતા કોન્ટેન્ટ વચ્ચે સંયમ રાખતા નહીં શીખે ત્યાં સુધી બધું નકામું છે. એના લીધે, દર્શકો માટે વિવાદ એટલે અકારણ-સકારણ કોઈક શો જોવા મજબૂર કરતી બાબત બનશે અને સર્જકો માટે મફતની પબ્લિસિટી. સિમ્પલ.
નવું શું છે
● રણદીપ હુડાને ચમકાવતી વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’નું ટ્રેલર આવ્યું છે. ક્રાઇમ સિરીઝના નિરંતર ધોધમાં સિરીઝ એક ઉમેરો છે. એનું બેકડ્રોપ 1990ના દાયકાનું છે. સિરીઝ આવે ત્યારે વિનામૂલ્યે જઈ શકાશે જિયો સિનેમા પર.
● ‘સ્ટાફ રૂમ’ નામની એમેઝોન મિનીની વેબ સિરીઝમાં અભિનેત્રી અપરા મહેતા પણ છે. તેમણે ટીવી કલાકારોને વેબમાં ઓછા લેવા વિશે પ્રશ્ન કરતાં જણાવ્યું છે કે ટીવી કલાકારોની લોકપ્રિયતા અને તેમનો અનુભવ વેબ માટે ઉપયોગી છે. એકદમ ટાઇટ શિડ્યુલમાં કામ કરતા ટીવી કલાકારો ગમે તેવા અભિનયના પડકારને પહોંચી વળવા સક્ષમ છે.” એકદમ સાચું, અપરાબહેન.
● સાતમી જૂને પ્રાઇમ વિડિયો પર આવશે જેમ્સ કેમોરોનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આવશે. હાલમી એ એક સૌથી અગત્યની અને વૈશ્વિક સફળ ફિલ્મ છે. જેમણે થિયેટરમાં એ નથી જોઈ તેઓ અને જેઓ પાછી જોવા માગતા હોય તેઓ પણ, તૈયાર રહે.
● નેટફ્લિક્સ પર રાની મુખર્જીની ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ રિલીઝ થઈ ચૂકી છે. સાચા કિસ્સા પર આધારિત આ ફિલ્મે અપેક્ષા મુજબનો વેપલો બોક્સ ઓફિસ પર નહોતો કર્યો પણ એની સરાહના ઠીકઠીક થઈ હતી. રાનીના ચાહકોએ રિમોટ ઉપાડવા જેવું છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 19 મે, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
 #Mohdzeeshan #tandav #inspectoravinas
Share: