છેલ્લાં ત્રણ વરસમાં કેટલી ફિલ્મો સીધી ઓટીટી પર આવી હશે? આવી ફિલ્મોની સંખ્યા ખાસ્સી છે. એમાંની અનેક એકદમ વાહિયાત હોવા છતાં એમને જોનારાની સંખ્યા લાખો-કરોડોમાં છે. એવા લોકોમાં સામેલ થવાથી બચવું બેહદ અગત્યનું છે

‘સરદાર કા ગ્રાન્ડસન’, ‘કઠહલ’, ‘રૂહી’, ‘વર્જિન ભાનુપ્રિયા’, ‘દુર્ગામતી’, ‘ખાલીપીલી’, ‘સેલ્ફી’, ‘ગેસલાઇટ’, ‘મિસીસ અંડરકવર’, ‘મુંબઈકર’, ‘બ્લડી ડેડી’, ‘ટિકુ વેડ્સ શેરૂ’ અને હા, ‘તરલા’.

શક્ય છે આમાંનાં અમુક નામથી તમારા મનમાં કોઈ ઘંટડી વાગી હશે. શક્ય છેે આ નામોમાં જો બીજાં એક-બે ડઝન નામ ઉમેરવમાં આવે તો ઘંટડી વાગવાની માત્રા હમણાં હશે એના કરતાં ખાસ્સી ઓછી થઈ જશે. એ પણ શક્ય છે કે કોઈક બડભાગી એવા પણ હશે જેમની સાવ એટલે સાવ ઘંટડી વાગી ના હોય અને માથું ખંજવાળતા તેઓ પૂછવા માગતા હશેઃ અરે શું છે આ બધાં નામ?

આ બધાં નામ એવી ફિલ્મોનાં છે જે ક્યારેય મોટા પડદે પહોંચી નથી. આ ફિલ્મો સીધી ઊતરી આવી છે આપણા ડ્રોઇંગ રૂમમાં. આપણા મોબાઇલ પર અને સ્માર્ટ ટીવી પર. ફિલ્મ આમ તો મોટા પડદા માટે જ બને એવું કાયમનું ચલણ રહ્યું છે. 2020થી એ ચલણ બદલાયું. ફિલ્મોનું ડિ-બિગ સ્ક્રીનફાઇઝેશન થયું અને એવી પણ ફિલ્મો બનવા માંડી જે સીધી ઓટીટી પર આવે. ઘણી એવી પણ ખરી જેમને મોટા પડદા માટે બનાવવાની શરૂઆત થઈ પણ છેવટે એમનું પડીકું વીંટીને સીધ્ધો ઘા કરવામાં આવ્યો ઓટીટી તરફ, “લેતા જાવ.”

સીધી ઓટીટી પર આવેલી અમુક ફિલ્મો ખરેખર સારી છે પણ, સરેરાશ જુઓ તો ડાયરેક્ટ ટુ ઓટીટી ફિલ્મોની ગુણવત્તા નબળી રહી છે. એટલે જ વિચાર આવે કે આ ઇન્ડસ્ટ્રીવાળા ભેગા થઈને ઓટીટી પ્લેટફોર્મ્સને નબળી ફિલ્મોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવાની તજવીજમાં તો નથીને? હદ એ છે કે આમાંની ઘણી ફિલ્મો એ માંધાતાઓની છે જેમના નામ અને કામ પર મુસ્તાકી સાથે ભરોસો કરનારા, એમની ફિલ્મ આવતાવેંત જોવા માટે ઘાંઘા થઈ જનારા લોકોની કમી નથી. એટલે વળી એવો પણ વિચાર આવે કે આ આવડા સમજદાર, અનુભવી, ક્રિએટિવ અને પોતાની ઇમેજ વિશે સતર્ક લોકો પણ કેમ આવું રાયતું ફેલાવી બેસતા હશે?

આ રાયતું ફેલાવા પાછળ કારણો છે. અમુક એવાં જે બોલિવુડિયા દૂષણથી ઓટીટી સુધી પહોંચ્યાં છે. દાખલા તરીકે સેટ-અપ બનાવીને, ચાંદ-તારા દેખાડીને ફટાફટ કંઈક બનાવી નાખવાનું અને એમ કરતા પૈસા લગાડનાર અને દર્શક બેઉને બનાવી નાખવાના. આને સરળ શબ્દોમાં સમજીએ. ફિલ્મી દુનિયામાં એકમેક સાથે પ્રગાઢ સંબંધ ધરાવનારા અને એમાં ફાઇનાન્સર તરીકે નાણાં રોકીને કમાઈ લેવાની જેમને તાલાવેલી હોય એવા, બેઉ પ્રકારના લોકો છે. જે પૈસા લગાડવા ઘાંઘા હોય તેઓ ગ્લેમરની દુનિયાની ઝાકઝમાળથી અંજાયેલા હોય. આવા લોકો નાણાંની કોથળી છુટ્ટી મૂકે કે એમને એકાદ ફિલ્મ પકડાવી દેનારા ઘણા ઊભા થઈ જાય. આવા લોકો માટે ફટાફટ બધું ઊભું કરી નાખવામાં આવે, ફિલ્મ બનાવી નાખવામાં આવે અને પધરાવી દેવામાં આવે. આવું કરવામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓ બધા કમાણી કરે પણ મરો થાય ફાઇનાન્સરનો. મોટા પડદા માટે પણ આ ચાલાકી અજમાવતા અસંખ્ય ફિલ્મો બનતી રહી છે અને બનતી રહેવાની છે. એ ચાલાકી ઓટીટી પર આવી ચૂકી છે.

ઓટીટી પર આ ચાલાકી વધારે આસાનીથી થઈ શકે એ બીજું કારણ છે ડાયરેક્ટ ટુ ઓટીટી ફિલ્મોની નબળી ગુણવત્તાનું. ઓટીટી માટે ફિલ્મ બનાવવાનો અધિકાર ચોક્કસ સીટ પર બિરાજમાન મોટાં માથાંના હાથમાં હોય છે. પોતાના પદનો રોફ દેખાડતા અને ક્રિએટિવિટીના બહાને આ લોકો પોતાના મનનું ધાર્યું કરે છે. એમ કરવા સાથે ડાયરેક્ટ ટુ ઓટીટી ફિલ્મોનાં બજેટ મંજૂર કરે છે. એ બજેટમાંથી એક ચોક્કસ હિસ્સો અંડર ધે ટેબલ પોતાના ઘરભેગો કરે છે. ફિલ્મ કેવી બનશે એ આવા કિસ્સામાં અગત્યનું હોતું જ નથી. અગત્યનું એટલું જ હોય છે કે ફિલ્મ બનાવી જોઈએ અને યેનકેન રીતે ઓટીટી પર રિલીઝ થવી જોઈએ.

આ બે નકારાત્મક કારણો ઉપરાંત સમજી શકાય અને માફ કરી શકાય એવાં કારણો પણ છે. એવું એક કારણ એટલે ઓટીટી અત્યારે પ્રયોગોના કાળમાં છે. વિકસવા માટે એણે પ્રયોગોને પ્રાધાન્ય આપ્યા વિના છુટકો નથી. પ્રયોગ કરવા જાવ એટલે કાચું કપાવાની પણ શક્યતા રહે. સંનિષ્ઠ પ્રયત્ન છતાં ભંગાર ફિલ્મ બની પણ જાય. જોકે આવી ફિલ્મો ચતુર દર્શકના ખ્યાલમાં આવી જાય અને આવી ફિલ્મોની સંખ્યા ખરેખર ઓછી છે. આની સાથ જ સંકળાયેલું કારણ છે એવા વિષયો ખેડવાનું સાહસ જે મોટા પડદે ફિલ્મ માટે કદાચ ના અજમાવી શકાય. સીધી ઓટીટી પર એવી ઘણી ફિલ્મો આવી છે જેમના વિષય કદાચ મોટા પડદા માટે ફિટ નહોતા. થોડું ઊંડાણપૂર્વક સમજીએ તો આવી ફિલ્મો પણ નોખી તરી આવે.

એક કારણ સમગ્ર ઓટીટી બિઝનેસને લાગુ પડે છે. એ છે માર્કેટ અને દર્શકો ફટાફટ અંકે કરવાની કટ્ટર હરીફાઈ. બધાંથી આગળ નીકળી જવા, મહત્તમ સબસ્ક્રાઇબર્સ અને નાણાં ઉસેડી લેવા હંધાય જે બને એ બનાવી રહ્યા છે અથવા જે બન્યું હોય એ ખરીદીને રિલીઝ કરી રહ્યા છે. આવું કરવામાં સારું શું અને ખરાબ શું એનું પ્રમાણભાન રાખવાનો સવાલ પણ પેદા થતો નથી.

આ બધાંને લીધે એક ગંભીર પ્રશ્ન દર્શક માટે સર્જાયો છે. એ છે એના કિંમતી સમયનો કચ્ચરઘાણ નીકળવાનો. એક ફિલ્મ માટે નેવુ-સો કે વધારે મિનિટ સ્વાહા કરી નાખ્યા પછી ખબર પડે કે માળું આ તો હાવ પોકળ ત્યારે બહુ રંજ થાય. ફિલ્મોમાં જઈને આવું કરવા કરતાં ઘેરબેઠા કરવામાં ફરક છે. થિયેટરમાં ફિલ્મ જોવાનો પ્લાન બને, (પ્રમાણમાં વધારે) પૈસા ખર્ચાય. ઓટીટીમાં યંત્રવત્ રિમોટ ઉપાડીને ઓન થઈ જવાય. નરી રોજ (અથવા નિયમિત) જોવાની આદતના માર્યા સાવ ક્ષુલ્લક પણ જોવાઈ જાય. આ આદત ખતરનાક છે કેમ કે એનાથી ઉપજતું કશું નથી. દુનિયામાં કરોડો લોકો આ આદતથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે. આવા ગ્રસ્ત લોકોના માનસ પર ઓટીટી પર આવતી વાહિયાત ચીજો જાતજાતની અવળી અસર કરી રહી છે અને રે નસીબ, એવું થઈ રહ્યું છે એનો આમાંના બહુમતી લોકોને ખ્યાલ પણ નથી.

દર્શક તરીકે આમાંથી ઉગરવાના ઉપાય કરવો રહ્યો. નિયમ બનાવવો રહ્યો કે રિલીઝ થનારી દરેક ફિલ્મ તત્ક્ષણ જઈ નાખવાને બહાવરા નથી થવાનું. પહેલાં જાણવાનું છે કે ફિલ્મ જોવા જેવી છે કે નહીં. જેમણે જોઈ એમનું મંતવ્ય જાણવાનું છે. વિશ્વસનીય રિવ્યુ મેળવવાના છે. એ પછી પણ ફિલ્મ શરૂ કર્યા પછી જો એમ લાગે કે બોગસ છે તો નિષ્ઠુર થઈ એને અધવચ્ચે પડતી મૂકી દેવાની છે. યસ, એવો કોઈ નિયમ નથી કે દરેક ફિલ્મ આખી જોવી જ જોઈએ. ઓટીટીને ક્રિએટિવ ફિલ્ડમાંથી ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવા તરફ મેકર્સ દોડે તો એનો અર્થ એ નથી કે દર્શક એની તરફ ફિલ્મઘેલો થઈને દોડે અને સહયોગ આપે.

વાત એકલી ફિલ્મની નથી, સિરીઝની પણ છે. સો વાતની એક વાત. ભલે મફતમાં માણવા જેવું લાગે પણ ઓટીટીનું મનોરંજન મફત નથી. એમાં નાણાં ખર્ચાય જ છે. સાથે જો લિમિટ ચૂકવાનો સ્વભાવ બની જાય તો અજાણતા માનસિક મુશ્કેલીઓને નોતરું પણ આપી દેવાય છે. ટૂંકમાં કહીએ તો, કમ દેખો પર અચ્છા દેખો.

નવું શું છે?

  • એક તરફ આપણા સુપરસ્ટાર્સ નવી પેઢી માટે આદર્શ બનવાનો ડોળ કરતા હોય છે. બીજી તરફ તેઓ પડદા પર એવી હરકતો છડેચોક કરતા હોય છે જે હતપ્રભ કરી નાખે. ઓટીટી પર ‘બિગ બોસ’ની હાલની સીઝનમાં સલમાન ખાન ઓન સ્ક્રીન સિગારેટ સાથે દેખાયા અને છોગામાં ગાળ પણ બોલ્યા એ ઘટના નાનીસૂની નથી. અફસોસ કે ડિજિટલ મનોરંજનના વધતા આધિપત્ય સાથે એની તુમાખી અને બેશરમી પણ વધી રહી છે.
  • રાજકુમાર હીરાનીથી બહેતરીન દિગ્દર્શક કદાચ વર્તમાન બોલિવુડમાં નથી. એમની સાથે શાહરુખ ખાને ‘ડંકી’ માટે હાથ મિલાવ્યા છે. બેઉના કોમ્બિનેશનનો જાદુ છે કે આ ફિલ્મે એકલા ઓટીટી રાઇટ્સથી રૂ. દોઢસો કરોડ ઉલેચી લાવી છે.
  • પ્રિયંકા ચોપરાને ચમકાવતી હોલિવડિયા વેબ સિરીઝ ‘સિટાડેલ’ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ છે. છતાં સિરીઝની હિન્દી સહિતની ભાષામાં રિમેક બનાવવા એના નિર્માતાઓ શાને હોંશીલા છે એ સમજવું અઘરું છે. અરે હા, એ પણ જાણી લો કે આ સિરીઝ કેટલામાં બની… રૂ. 2,000 કરોડ!
  • ગુજરાતી ફિલ્મો એક પછી એક થોકબંધ બની રહી છે પણ એમાંની ઘણી ઓટીટીના માંડવે પહોંચી નથી. નવાઈ છે. એ પાછળનું કારણ શું હોઈ શકે? ફિલ્મોનો સરેરાશ કે એથી ઓછો બોક્સ ઓફઇસ પર બિઝનેસ કે પછી નબળી ગુણવત્તા?

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.14 જુલાઈ, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/14-07-2023/6

 

 

Share: