ફરી એકવાર સમાચાર છે કે કેન્દ્ર સરકાર ઓટીટી પર આવતા કોન્ટેન્ટ પર નિયમન લાદવા વિચારી રહી છે. કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ આ વિશેની ટિપ્પણી કર્ણાટકના હુબલીમાં કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ઓટીટી પર પીરસાતી ચીજોને હલકી લેખાવીને એના પર નિયંત્રણો લદાવાં જોઈએ એવી વાત કરી છે. નાગપુરમાં આરએસએસના નવ્વાણુમા સ્થાપના દિવસ નિમિત્તે તેઓએ આ વાત કરી હતી. આરએરસએસના એક ટ્વીટમાં કહેવાયું છે, “ઓટીટી પર શું દેખાડવું એના પર નહીંવત્ અથવા બિલકુલ નિયંત્રણ નથી. ઘણું બધું એવું દર્શાવાઈ રહ્યું છે જે એટલું ખરાબ છે કે એમનો ઉલ્લેખ કરવો પણ ઔચિત્યભંગ ગણાશે. આપણા ઘર સુધી પહોંચતા આવા કોન્ટેન્ટ પર કાબૂ મેળવવા માટે કાયદાની તાતી જરૂર છે.”
તો, જોઈએ કે દુનિયાના અમુક દેશોમાં ઓટીટી કોન્ટેન્ટને કેવીક આઝાદી છે અને એનાં પર કેવાંક નિયંત્રણો છે.
ઇંગ્લેન્ડઃ 2018માં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ઇંગ્લેન્ડની સત્તાવાર પ્રસારણસેવા જેની સ્થાપના દેશની સરકારે કરી હતી) એટલે બીબીસીના ડિરેક્ટર જનરલે, વિડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ, નેટફ્લિક્સ અને એમેઝોનના નિયમનની ભલામણ કરી હતી. એવા મંતવ્ય સાથે કે આ કંપનીઓના કોન્ટેન્ટની બિલકુલ એમ તપાસ થવી જોઈએ જેમ અન્ય જાહેર પ્રસારણ સેવાઓની થાય છે. પછી ઘણાં પગલાં લેવાયાં. એમાં એક હતું શ્વેતપત્ર જાહેર કરવાનું પગલું. ઉદ્દેશ હતો આવા (નેટફ્લિક્સ અને એમેઝોન ટાઇપ્સ) કોન્ટેન્ટ સાથે કેમ પનારો પાડવો. છતાં, શ્વેતપત્રની વાતો સીમિત રહી યુઝર-જનરેટેડ (એટલે મારા-તમારા જેવા લોકોના) કોન્ટેન્ટ સુધી. એ સિવાયનું બધું હજી પ્રસ્તાવિત છે. ઓટીટી કોન્ટેન્ટનું શું કરવું એ વિશે લોકો પાસેથી વિચારો પણ મગાવાયા પણ, નક્કર નિર્ણય લેવાયો નથી.
સાઉદી અરેબિયાઃ ઇન્ટરનેટ પર કાંઈ પણ આવે, આ દેશમાં બધી ચીજ પર નિયંત્રણ છે. એન્ટી સાયબર ક્રાઇમ લૉ પ્રવર્તમાન છે. ત્યાં નેટફ્લિક્સને ‘પેટ્રિઓટ એક્ટ’ નામની સિરીઝના એક એપિસોડને રોકવાનો આદેશ એટલે અપાયો હતો કે એમાં સરકાર વિરુદ્ધ ટિપ્પણીઓ હતી. સાઉદી એકદમ મુક્ત દેશ નથી. સહજ છે ત્યાં વેપાર કરવા ભલભલી ગંજાવર કંપનીઓએ પણ નાકલીટી તાણીને, મર્યાદામાં રહીને કામ કરવું પડે. ભલે ઓટીટી માટે ચોક્કસ કાયદો નથી બનાવાયો, તો શું થયું?
ઓસ્ટ્રેલિયાઃ ત્યાં જાહેર પ્રસારણના નિયમનનું કામ ધ બ્રોડકાસ્ટિંગ સર્વિસીઝ એક્ટ (બીસીએ) હેઠળ થાય છે. એમાં 2000ની સાલની શરૂઆતમાં ઓટીટી સંબંધિત સુધારા થયા હતા. આપણા સેન્સર બોર્ડની જેમ ત્યાં પણ દરેક કોન્ટેન્ટ માટે સર્ટિફિકેશન (એમના કેસમાં રેટિંગ)ની સિસ્ટમ છે. જોકે નેટફ્લિક્સ જેવી કંપનીને ત્યાં પોતાના કોન્ટેન્ટને પોતાની રીતે રેટિંગ આપવાની પણ છૂટ છે. અર્થાત્ એને બીસીએના રેટિંગની ચિંતા કરવાની રહેતી નથી.
સિંગાપોરઃ ત્યાં મીડિયાનું નિયમન ઇન્ફોકોમ મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈએમડીએ)થી થાય છે. 2018માં એને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી. ત્યાં પણ રેટિંગ સિસ્ટમ છે. વધુમાં, કોઈ પણ પ્લેટફોર્મ પર 16 વરસથી નીચેની ઉમંરનાં બાળકો કે કિશોરો માટે મુકાતા કોન્ટેન્ટ માટે પેરેન્ટલ લૉક અનિવાર્ય છે. 21 વરસથી ઉપરના દર્શકો માટેનું કોન્ટેન્ટ બાય ડિફોલ્ટ લૉક હોય તો રિલીઝ કરી શકાય છે. આ કોન્ટેન્ટ ઉંમરનો પુરાવો આપીને જોઈ શકાય છે. દેશ કે પ્રજાના અહિતવાળું કોન્ટેન્ટ ત્યાં મૂકવું અઘરું છે. ન્યુઝ, કરન્ટ અફેર્સ વગેરેમાં સંતુલન જાળવવું અનિવાર્ય છે. ખોટી માહિતીનો પ્રસાર ખાળવાનો રહે છે. કદાચ આટલી વિચારશીલ અને વિસ્તૃત માર્ગદર્શિકા અન્ય કોઈ દેશમાં નહીં હોય.
ટર્કીઃ ધ રેડિયો એન્ડ ટેલિવિઝન સુપ્રીમ કાઉન્સિલ (આરટીયુકે) સંસ્થા ત્યાં કોન્ટેન્ટનું નિયમન કરે છે. વિદેશી કંપનીએ ત્યાં કામકાજ કરવા સ્થાનિક કંપની કરવી અનિવાર્ય છે. જે પણ ઓનલાઇન દર્શાવવામાં આવે એ કોન્ટેન્ટ સત્તાવાર સંસ્થાને મોનિટરિંગ માટે ઉપલબ્ધ કરાવવાનું રહે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામ, ડિસ્કોર્ડ, ટ્વિટર, યુટ્યુબ, વિકિપીડિયા સહિત રોબલોક્સ જેવી ગેમ પર પ્રતિબંધ મુકાયાના દાખલા છે. વર્તમાન, સુધારિત કાયદામાં અવળચંડાઈ કરતી ઓનલાઇન કંપનીઓને કારાવાસને બદલે સખત આર્થિક દંડ કરવાની જોગવાઈ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ટર્કીમાં ખૂબ નિયંત્રણ હોવાની વૈશ્વિક બૂમાબૂમ છે. છતાં, આ દેશ એ કરી રહ્યું છે જે એને યોગ્ય લાગે છે.
ઇન્ડોનેશિયાઃ 2016માં આ દેશમાં નેટફ્લિક્સ પર તવાઈ લગાડી દેવામાં આવી હતી. પછી, સરકારી આદેશ અનુસાર નેટફ્લિક્સે નાકલીટી તાણી અને પ્રતિબંધ દૂર કરાયો હતો. ઇન્ડોનેશિયન બ્રોડકાસ્ટિંગ કમિશન (કેપીઆઈ) ત્યાં કોન્ટેન્ટનું નિયમન કરે છે.
કેન્યાઃ ધ કેન્યા ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ એક્ટ ત્યાંનો એક કાયદો છે. સાથે છે ડેટા પ્રોટેક્શન એક્ટ. એ સિવાયના પણ કાયદા છે જેના થકી આ દેશ ઓનલાઇન કોન્ટેન્ટનું નિયમન કરે છે. સરકાર વિરુદ્ધની બકબક કરનારા ઘણાએ ત્યાં કાયદાનો પરચો જોયો છે અને તેઓ જેલભેગા પણ થયા છે.
અમેરિકાઃ આ દેશમાં ઇન્ટરનેટ પર નિયમન માટે એક કરતાં વધારે કાયદા છે. એમાં સામેલ છે ફેડરલ ટ્રેડ કમિશન એક્ટ, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ પ્રાઇવસી એક્ટ વગેરે. વ્યક્તિગત સ્વાતંત્ર્યના મામલે અમેરિકા ખાસ્સું આગળ અને અલગ છે. ત્યાં નિમયનો ઓછાં છે છતાં, આડા ફાટનારને મુશ્કેરાટ બાંધવા માટે જોગવાઈઓ પણ છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે ત્યાં ઘણીવાર હોબાળો મચે છે. એના માટે નિયમનો છતાં કંપનીઓ પોતાની બદદાનતને યેનકેન પાર પાડતી રહે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ઉલ્લંઘન કરવા બદલ ત્યાં નેપસ્ટર, વિકિલીક્સ, ધ પાઇરેટ બે, મેગાઅપલોડ જેવી વેબસાઇટ્સ પર પ્રતિબંધ ઠોકાયા છે. જોકે દુનિયાને ઉત્તમ કાયદા સાથે દમદાર છટકબારીની તાલીમ આપવામાં અમેરિકા દાદો છે. ત્યાં સરકાર જેટલી જ શક્તિશાળી ખાનગી કંપનીઓ છે. બેઉ વચ્ચે ગ્રજગ્રાહ ચાલતો રહે છે. મોટાભાગે કંપનીઓ પોતાનું ધાર્યું કરીને રહે છે.
ચીનઃ માહિતી પ્રસારણનું કામ આ દેશમાં સરકારની મુનસફી પ્રમાણે જ થઈ શકે છે. ઇન્ટરનેટની ક્યાં વાત કરીએ, છાપાં, સામયિક બધાંએ કાયદાની મર્યાદામાં રહેવું પડે છે. પરિણામે, દેશની ઘણી સાચી માહિતી પણ વિશ્વને છોડો, એ દેશના નાગરિકોને પણ મળતી નથી. દુનિયામાં ઇન્ટરનેટ, પત્રકારત્વ જેવી બાબતોમાં સરકાર સામે થવા બદલ મહત્તમ લોકો પર કાયદેસર કામ આ દેશમાં થયું છે. સ્થિતિ એવી છે કે ગમે તેટલા ધમપછાડા પછી પણ ગૂગલ, ફેસબુક, યુટ્યુબ, યાહૂ, ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાઈ, વિકિપીડિયા, વ્હોટ્સએપ, સ્નેપચેટ, ક્વૉરા વગેરે કંપનીઓ ચીનમાં કામ કરી શકતી નથી. વિદેશીઓએ ત્યાં આ સેવાઓ વાપરવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક કે વીપીએનનો આશરો લેવો પડે છે. એ પછી પણ જો ચીન વિરુદ્ધનું ઇન્ટરનેટ પર કશું કર્યું તો કામથી જવાની પૂરી શક્યતા રહે છે.
નવું શું છે?
- અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન પૂર્વેનો જલસો જામનગરમાં યોજાયો હતો. એની ઝલક માણવી હોય તો જિયો સિનેમા પર પહોંચી જાવ. ડોક્યુમેન્ટરીનું નામ છે ‘વૅલી ઓફ ગોડ્સ.’
- ‘જોકર ટુ’ ક્યારે આવી અને ક્યારે ગઈ એની ઘણાને ખબર પણ નહીં પડવાની. આ મહિનાની શરૂઆતમાં આવેલી આ ફિલ્મ સરિયામ નિષ્ફળ રહી છે. એટલે જ, ઓટીટી પર એ વહેલાસર આવે એવી અટકળો શરૂ થઈ છે. બની શકે કે દિવાળીમાં એ ઘેરબેઠા જોઈ શકાય.
- અદા શર્માને લીડમાં ચમકાવતી ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ ‘રીટા સન્યાલ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. એમાં રાહુલ દેવ પણ અગત્યની ભૂમિકામાં છે.
- અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને ‘સરફિરા’ પણ ઓટીટી પર આવી ચૂકી છે. બેઉ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કંગાળ પ્રદર્શન કર્યું હતું.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 18 ઓકટોબર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/18-10-2024/6
Leave a Comment