પહેલી બે સીઝનની જેમ આ વખતે પણ જીતુભૈયા અને એમના સ્ટુડન્ટ્સ દર્શકને અભિભૂત કરી જાય છે. શિક્ષણ જેવો ભારેખમ અને કંઈક અંશે નીસર મુદ્દો કેન્દ્રમાં હોવા છતાં આવો જાદુ થવો સરાહનીય વાત છે

 

‘કોટા ફેક્ટરી’ની સીઝન બેના અંતે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. એ આત્મહત્યાથી જીતુભૈયા (જીતેન્દ્ર કુમાર) હચમચી જાય છે. વિદ્યાર્થીઓનું સફળ કાઉન્સેલિંગ કરતાં જીતુભૈયાએ હવે કાઉન્સેલર-થેરાપિસ્ટ ડો. સુધા (સોહેલા કપૂર)ની સારવાર લેવાનો વારો આવ્યો છે. સીઝન ત્રણ ત્યાંથી શરૂ થાય છે. ડો. સુધા જીતુભૈયાને પૂછે છે, “ક્યૂં જીતુભૈયા? સર ક્યૂં નહીં?”

કારણ જીતુભૈયા ‘પ્રોફેસર’ જેવો પ્રોફેસર નથી. એની ઇન્સ્ટિટ્યુટ એઇમર્સના સ્ટુડન્ટ્સને એ માત્ર ભણાવતો નથી. આઈઆઈટી અને નીટની પરીક્ષાઓની તૈયારી કરાવવા સાથે એ એમને શીખવે છે કટ્ટર શૈક્ષણિક હરીફાઈ વચ્ચે ટકતા અને લડતા. એને મન વિદ્યાર્થીઓ સ્વજન છે. એટલે જ એક વિદ્યાર્થીની આત્મહત્યા એને હચમચાવી નાખે છે.

બે સીઝનથી જેણો વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો છે એવી નેટફ્લિક્સની ‘કોટા ફેક્ટરી’ આ વખતે જીતુભૈયાની મનઃસ્થિતિ, ફાઇનલ એક્ઝામ્સ, સફળતા-નિષ્ફળતા સહિત સ્ટુડન્ટ ઉદય ગુપ્તા (આલમ ખાન)નાં માબાપને સાંકળતી અંજામ સુધી પહોંચે છે. નવી સીઝન પણ પાંચ એપિસોડ્સની છે. દિગ્દર્શક પ્રતીશ મહેતા છે. આ સીઝન પણ બ્લેક એન્ડ વ્હાઇટ છે.

દેશના કોચિંગ કેપિટલ કોટામાં આકાર લેતી સિરીઝની નવી સીઝન પણ અપેક્ષાઓમાં પાર ઊતરે છે. પહેલા એપિસોડમાં આવે છે વૈભવ (મયૂર મોરે)નો આઈપીએલમાં સ્થાન મેળવવા પ્રયાસરત કઝિન. બીજા એપિસોડમાં આર્થિક અડચણો વચ્ચે બાલમુકુંદ મીના (રંજન રાજ) આપવા માંડે છે ટ્યુશન્સ. ત્રીજા એપિસોડમાં પ્રોફેસર ગગન રસ્તોગી (રાજેશ કુમાર) સાથે જીતુભૈયાની ચડભડ, ચોથામાં ઉદયનો અકસ્માત અને પાંચમામાં પરીક્ષાનું પરિણામ. આ બધાં વચ્ચે જીતુભૈયાને મળે રાજસ્થાન સરકારનું શિક્ષણનીતિ ઘડતી સમિતિમાં જોડાવાનું આમંત્રણ. સમાંતર ચાલે છે વૈભવ-વર્તિકા (રેવતી પિલ્લાઈ) અને ઉદય-શિવાંગી (અહસાસ ચનાના)નો લવ ટ્રેક. એઇમર્સના મૂળ માલિકની કેમિસ્ટ્રી પ્રોફેસર દીકરી પૂજા (તિલોતમા શોમ) પણ સીઝનમાં પાત્ર તરીકે ઉમેરાય અને વિકસે છે.

રાષ્ટ્રીય કક્ષાની, એન્જિનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાના વિદ્યાર્થીઓની આપવીતી, તાણ, સમસ્યાઓ, સફળ થવાની મહેનત કે ઇચ્છા સાથે નિષ્ફળ થવાનો અસહ્ય ભય અને એનાં દુષ્પરિણામ, એ સૌને સિરીઝ બખૂબી સાંકળી લે છે. વાસ્તવિક લાગતી ટ્રીટમેન્ટ સિરીઝને લવેબલ બનાવે છે. બાપના પૈસાનું પાણી કરતો ઉદય કે ભણતર માટે પ્રેમફાગ ખેલવાથી દૂર રહેતો વૈભવ, ઉધારી લેવા કરતાં ટ્યુશન આપીને પોતાના અભ્યાસનો જ ભોગ આપી બેસતો મીના, દરેક સ્ટુડન્ટ આપણી આસપાસના યુવાનો જેવો છે. આ વખતે જીતુભૈયા સિવાયના બે પ્રોફેસર્સ થકી કોચિંગ ક્લાસ ચલાવવાના કામ સાથે સંકળાયેલા પડકારોનો પણ સાક્ષાત્કાર થાય છે. વાસ્તવિકતાના વહેણમાં થોડું નાટ્યતત્ત્વ પણ છે. જેમ કે ઉદયની જગ્યાએ પરીક્ષા આપતો મીના અને ક્લાઇમેક્સમાં પરીક્ષાના સેન્ટરને બદલે ભળતી જગ્યાએ પહોંચી જતા વૈભવને ખરેખરા એક્ઝામ સેન્ટરે પહોંચાડવાનું દ્રશ્ય.

જીતુભૈયા અને ડો. સુધા વચ્ચેનાં દ્રશ્યો હૈયે સ્પર્શતાં, મજાનાં છે. અભિનયના મોચરે સિરીઝ એવી થાળે પડેલી અને સચોટ છે કે નાનામાં નાનું પાત્ર પણ દર્શક સુધી પહોંચે છે. જેમ કે, આ સીઝનમાં જેના ભાગે ઓછું કામ આવ્યું છે એ મીનળ (ઊર્વી સિંઘ)નું પાત્ર પણ.

સીઝનનાં ગીત અર્થપૂર્ણ છતાં બહુ કામનાં નથી. ક્લાઇમેક્સ મજાનો પણ સમગ્ર સીઝન જેવી અસર ઊભી કરવામાં થોડો મોળો પડે છે. હા, નવી સીઝનના વળાંક એ ઊભા કરે છે. પ્રશ્ન થાય કે જીતુભૈયા જયપુર હશે તો સિરીઝ અને એઇમર્સ કેવી રીતે આગળ વધશે? ઉત્તમ લખાણથી દિલ જીતનારી સિરીઝનાં લેખકો, પુનિત બત્રા, મહેશ ચંદવાની, નિકિતા લાલવાણી અને પ્રવીણ યાદવ એનો જવાબ શોધશે તો ખરાં જ.

‘કોટા ફેક્ટરી’, લાઇક ‘પંચાયત’, એ મોડ પર છે જ્યાં અણધાર્યા અને બિનજરૂરી ચેડાં વગર સિરીઝ ચાલશે તો દર્શકોને ખુશ કરશે જ. સરળતા અને રિયલિસ્ટિક ટચ સાથે, જીતુભૈયા સહિત સ્ટુડન્ટ્સનાં પાત્રો પણ દિલમાં વસશે જ. ઇન શોર્ટ, જુઓ ‘કોટા ફેક્ટરી.’ એ સંતુષ્ટ કરવાને સક્ષમ છે.

મહારાજ’ મોળી છે

આનાથી વિપરીત છે ‘મહારાજ.’ એ પણ નેટફ્લિક્સ પર છે. વિવાદ વચ્ચે એ સ્ટ્રીમિંગ સુધી પહોંચી છે. સૌરભ શાહની આ નામની સફળ નવલકથા પરથી એને યશરાજ ફિલ્મ્સ અને ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા પડદે લાવ્યા છે. સન 1860ના દાયકાના મહારાજ લાઇબલ કેસથી એ પ્રેરિત છે. મુંબઈનો પત્રકાર કરસનદાસ મુળજી (આમિર ખાનનો દીકરો, જુનૈદ ખાન) વૈષ્ણવોની હવેલીના વગદાર બાવાશ્રી, જદુનાથ મહારાજ ઉર્ફે જેજે (જયદીપ અહલાવત) સામે મેદાને પડે છે. જેજે ચરણસેવાના બહાને સ્ત્રીઓ સાથે કામક્રીડા કરે છે. કરસન અવાજ ઉઠાવે છે તો જેજે અદાલતમાં રૂ. 50,000 (આજના કરોડો)નો દાવો ઠોકી દે છે. રિલીઝ સામે વિવાદો ના થયા હોત તો ફિલ્મ ક્યારે આવી અને ગઈ એ જાણવાની તસદી દર્શક ના લેત. જુનૈદના લોન્ચપૅડ તરીકે એ થોડી ચર્ચાઈ હોત ખરી, પણ એના લીધે ફિલ્મ સફળ ના થાત. એની મૂળ નવલકથા દમદાર છે. કરસનદાસ, જેજે સહિત એમાં કોર્ટરૂમ ડ્રામા વાચકને જકડી રાખે છે. ફિલ્મમાં બધું નબળું છે. ભારતીયોની ધર્માંધતાને (લાઇક ‘આશ્રમ’ સિરીઝ કે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ) મેકર્સ અસરકારક રીતે રજૂ કરી શક્યા નથી. નબળા સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ (વિપુલ મહેતા, બર્નાર્ડ વિલિયમ્સ, સ્નેહા દેસાઈ)નું ગ્રહણ આખી ફિલ્મ પર ઝળુંબે છે. મુંબઈમાં ઉછરવા છતાં કરસનને જેજેનાં કારસ્તાનોની જાણ છેક ત્યારે થાય છે જ્યારે જેજેની ચરણસેવાનો રેલો એની વાગ્દત્તા કિશોરી (શાલિની પાંડે) સુધી પહોંચે છે. ફિલ્મની માવજત પણ ગંભીર, વિચારોત્તેજક વિષયને છાજે એવી નથી. યશરાજને બધું લાર્જર ધેન લાઇફ બતાવવાની બીમારી છે. ફિલ્મનું આઇટમ નંબર જેવું ગીત, જેજેનું મહેલને શરમાવે એવું ઘર બધું કથાની જરૂરિયાતની વિરુદ્ધ છે. કોસ્ચ્યુમ્સ બુટિકછાપ છે. કિશોરીની એક્ઝિટ ટર્નિંગ પોઇન્ટને બદલે નવી પ્રેમકથા શરૂ કરવાનું બહાનું બને છે. એમ ઉમેરાય છે વિરાજ (શર્વરી વાઘ)નું પાત્ર. સપોર્ટિંગ પાત્રોમાં ગુજરાતી કલાકારો (રસિક દવે, સંજય ગોરડિયા, ઉત્કર્ષ મઝુદાર, ધર્મેન્દ્ર ગોહિલ, જય ઉપાધ્યાય, સંદીપ મહેતા, કમલેશ ઓઝા, સ્નેહા દેસાઈ, નીલેશ મહેતા…) વેડફાયાં છે. દાદાભાઈ નવરોજી, ડો. ભાઉ દાજી લાડ જેવાં પાત્રોનું હોવું અર્થપૂર્ણ બનતું નથી. ક્લાઇમેક્સનો કોર્ટરૂમ ડ્રામા ફિક્કો છે. એ ફિલ્મનું સૌથી સશક્ત અને અનિવાર્ય પાસું બની શકત જો… જયદીપ અહલાતને જેજે તરીકે ભવ્યતા સાથે ચિત્રિત કરાયો છે. કલાકાર તરીકે એ સરસ જ છે. જુનૈદ આત્મવિશ્વાસસભર છે. એનો લૂક ચોકલેટી નથી. નોખાં પાત્રોમાં એનું ભવિષ્ય ઉજળું લાગી રહ્યું છે. શાલિની અસરકારક પણ પાત્ર ટૂંકું છે. શર્વરી ઓકે છે. ટૂંકમાં, ‘મહારાજ’ને સુંદર, યાદગાર ફિલ્મ બનાવવા રિયાલિટીના ટચ સાથે જીવંત કરવાની જરૂર હતી. એટલે જ, વૈષ્ણવોએ, “બંધ કરો મહારાજ…”નો ગોકીરો કરવાની જરૂર નથી. એમાં હવેલીના ઉલ્લેખ અને ક્યાંક શ્રીનાથજીની ઝાંખી સિવાય વૈષ્ણવ સંપ્રદાય વિશે કશું દર્શાવાયું નથી. મુદ્દે, ‘મહારાજ’ જસ્ટ અનધર, એવરેજ ફિલ્મથી વિશેષ કંઈ નથી.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 28 જૂન, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/28-06-2024/6

Share: