‘લાપતા લેડીઝ’ હાલની એક ઠીકઠીક સારી ફિલ્મ હતી. આમિર ખાનની પત્ની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ એની દિગ્દર્શિકા હતી. રવિ કિશનને બાદ કરતાં મોટાભાગના કલાકારો ઓછા જાણીતા હતા. ફિલ્મ પાંચેક કરોડમાં બની હોવાનો અને બોક્સ ઓફિસ પર એણે પચીસેક કરોડનો ધંધો કર્યો હોવાનો ઇન્ડસ્ટ્રીનો અંદાજ છે. જે રીતે ફિલ્મનાં વખાણ થયાં હતાં, અને એ યોગ્ય જ હતાં, એ રીતે આ ફિલ્મે આના કરતાં ઘણું વધારે કલેક્શન કર્યું હોત તો એ બરાબર જ ગણાત. નિષ્ણાતોના મતે થયું એમ કે દર્શકો ફિલ્મને જોવા આતુર હતા પણ થિયેટરમાં જઈને નહીં, ઘેરબેઠા, ઓટીટી પર. રાઇટ.
આવું હવે એક ફિલ્મ સાથે નથી થઈ રહ્યું. ઘણી ફિલ્મો લોકોના આ બદલાતા અભિગમને લીધે બોક્સ ઓફિસ પર ધાર્યાનુસાર કલેક્શન કરવામાં નિષ્ફળ જઈ રહી છે. ઓટીટીની આ પહોંચ અને તાકાત બોક્સ ઓફિસ માટે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ચેતવણી છે. એ છે, “કાં તો એવી ફિલ્મ બનાવો જે દર્શકે મોટા પડદે માણ્યા વિના છૂટકો ના હોય કાં પછી ભોગવો પરિણામ.”
ઓટીટીએ જે બદલાવ સર્જયા છે એની વાત આ એક મુદ્દે પૂરી થતી નથી. બીજા પણ એવા બદલાવ છે જે નોંધવા જેવી છે.
ઓટીટીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટારડમનાં સમીકરણો ઊંધાચત્તા કરવાનું શરૂ કરી દીધું છે. એક સમય હતો જ્યારે લોકોના માનસ પર ફિલ્મી સિતારાનું આધિપત્ય હતું. એ પણ પ્રાદેશિક ધોરણે. હિન્દી ફિલ્મો જોનારા મન પર ખાન્સ અને બચ્ચન્સ, કપૂર્સ, કુમાર્સ વગેરે છવાયેલા રહેતા. નટીઓના મામલે પણ બિલકુલ આવું હતું. સેટેલાઇટ ચેનલ્સ પર પ્રાદેશિક, ખાસ તો દક્ષિણ ભારતીય ફિલ્મો, ડબ થઈને આવવા માંડી એ સાથે આ સિતારાઓ સાથે ત્યાંના સ્ટાર્સ સીધા સ્પર્ધામાં ઊતર્યા. કોણે ધાર્યું હતું કે પ્રભાસ અને અલ્લુ અર્જુન અને રામ ચરણ અને ડુલકેર સલમાનની ફિલ્મો હિન્દી પટ્ટામાં શાહરુખ, સલમાન, આમિર, અમિતાભ, અક્ષય વગેરેની ફિલ્મોને આ રીતે હંફાવશે? આજે એ સ્થિતિ સામાન્ય છે. સાથે, મુખ્યત્વે ઓટીટીને લીધે ઘણા કલાકારો જસ્ટ અનધર એક્ટરમાંથી સ્ટાર્સ બન્યા છે. જયદીપ અહલાવતનો દાખલો લો. પાતાલગંજને કારણે એનું વિશ્વભરમાં નામ ગાજ્યું. સ્થિતિ ત્યાં પહોંચી છે કે એન એક્શન હીરો અને મહારાજ જેવી ફિલ્મમાં એ ટોચના કલાકાર સાથે સમાંતર ભૂમિકામાં, ઓલમોસ્ટ હીરો તરીકે દેખાઈ રહ્યો છે. શેફાલી શાહનો દાખલો પણ લો. બોલિવુડે જેની ટેલેન્ટની મામૂલી કદર કરી એવી આ અભિનેત્રીને ઓટીટીએ એવી સુવર્ણ તકો પૂરી પાડી છે કે આજે એ પહેલાં કરતાં ક્યાંય વધુ દર્શકપ્રિય થઈ છે અને દમદાર પાત્રો પણ મેળવતી થઈ છે. ઓટીટી વિના આ શક્ય ના થાત.
ઓટીટીએ આપણને એવું મનોરંજન પણ માણતા કર્યા છે જે અન્યથા આપણે સિરિયસલી લેતા નહોતા. ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મ્સ એનાં પ્રમુખ ઉદાહરણ છે. ડોક્યુમેન્ટરીઝ તો દૂરદર્શનના જમાનામાં પણ બનતી હતી અને એક પણ એકદમ ફર્સ્ટ ક્લક ક્વોલિટીની. ત્યારે એ માત્ર એટલે જોવાતી હતી કે એનું પ્રસારણ દૂરદર્શન પર થતું અને થિયેટર્સમાં એ ફિલ્મો પહેલાં બતાવીને દર્શકો સુધી મારીમચડીને પહોંચાડવામાં આવતી. શોર્ટ ફિલ્મો પણ સદૈવ બનતી રહી છે પણ એ ગણાતી એ સર્જકોની ચીજ જેઓ મોટી ફિલ્મ બનાવવા માટે આવશ્યક નાણાં કે સિતારા કે પ્લેટફોર્મ સુધીની પહોંચ ધરાવતા નહોતા. આજે વાત બદલાઈ ગઈ છે. ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મો મુખ્ય પ્રવાહમાં સ્થાન પામી છે. એનો પણ દર્શકવર્ગ છે. હવે તો પ્રતિષ્ઠિત અને પ્રસ્થાપિત નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ, ફોર અ ચેન્જ, કે પછી કોઈક વિષયને ખેડવાની અદમ્ય તાલાવેલીને લીધે, ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતા થઈ ગયા છે.
હવે કલાકારો ટાઇપકાસ્ટ પણ નથી અને એનો જશ પણ ઘણે અંશે ઓટીટીને આપવો પડે. મનોજ બાજપાઈ અભિનય પણ કરે અને એન્કરિંગ પણ કરે. દર્શકોને એ બેઉ રૂપમાં સ્વીકાર્ય છે. ઓટીટી વિના એ કેવી રીતે શક્ય થાત?
બોક્સ ઓફિસની વાત પર પાછા આવીએ. સારી ફિલ્મોએ પણ હવે બોક્સ ઓફિસ પર પોતાને સિદ્ધ કરવા પહેલાં કરતાં વધુ ધમપછાડા કરવા પડી રહ્યા છે. રિલીઝના વીકએન્ડમાં ફિલ્મનું ભવિષ્ય જો ઉજળું થયું તો ઠીક, બાકી પછી દર્શકો ઠરાવી લે છે, “જવા દે, ઓટીટી પર આવશે ત્યારે જોઈ લેશું.” ‘ટ્વેલ્ફ્થ ફેઇલ’ જેવા અપવાદરૂપ કિસ્સામાં દર્શકો મોડેમોડે પણ ફિલ્મ થિયેટરમાં માણે છે પણ એનું કારણ વિધુ વિનોદ ચોપરા જેવા મેકરની એ જીદથી ફિલ્મ મોટા પડદેથી ઊતરતા અટકી એ છે. બાકી સામાન્ય ચલણ એ છે કે પહેલા વીકએન્ડમાં જો ફિલ્મે તગડો વેપલો ના કર્યો તો એનું આવી બને. એમાં પણ ‘બડે મિયાં છોટે મિયાં’ની જેમ પહેલા બે-ચાર દિવસમાં હવા બગડી તો દર્શકોનો એવો રોષ ઊતરે તે ફિલ્મ સરિયામ ડૂબી જાય છે. કોઈ અક્ષય કે ટાઇગર એને બચાવી શકતા નથી.
ઓટીટીએ, ઇન્ટરનેટે આપણો સ્ક્રીન ટાઇમ એટલે કે એક અથવા બીજા પડદા સામે આંખો ફોડીને કશુંક જોતા રહેવાનો સમય ખાસ્સો વધારી દીધો છે એ હજી એક નોંધપાત્ર બદલાવ છે. હાલમાં જ એક ઉદ્યોગપતિએ એવું નિવેદન આપ્યાની વાત છે કે મોબાઇલને કારણે થોડાં વરસમાં દરેક ઘરમાં એક ગાંડો હશે. આ નિવેદન આજે અતિશયોક્તિભર્યું લાગે તો પણ એ વાત નકારી શકાય નહીં કે સ્થિતિ એ હદે ગંભીર થવાની શક્યતા તો છે જ. માણસો પાસે જાત માટે, પરિવાર માટે, મનગમતા શોખ અને પ્રવૃત્તિ માટે જે સમય હતો એ બધો ઓટીટી અને ઇન્ટરનેટે બેરહેમીથી છીનવી લીધો છે. આપણે સૌએ બહુ આસાનીથી એની સામે ઘૂંટણિયાં ટેકવી દીધાં છે. એ જાણ્યા કે સમજ્યા વિના કે આનાં દૂરગામી પરિણામ કેવાંક આવશે.
ફિલ્મો માટે આવનારો સમય કેવોક હશે? હોલિવુડ પહેલેથી બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો આપતું રહ્યું છે. એને ટેલિવિઝનની ક્રાંતિ, કેબલની ક્રાંતિ, ઓટીટીની ક્રાંતિ ગંભીર અને અવળી માર નથી મારી શકી. એનું કારણ કદાચ એ છે કે હોલિવુડની ફિલ્મોએ પહેલેથી આખી દુનિયામાં પ્રચંડ તાકાત સાથે, માર્કેટિંગ સાથે ફિલ્મો રજૂ કરવાનો શિરસ્તો અપનાવ્યો છે. એની ફિલ્મોની ભાષા અંગ્રજી પણ ગ્લોબલ હોવાથી એ જોનારાઓની સંખ્યા તગડી છે. બાકી રહે એ આ ફિલ્મોની ડબ્ડ વર્ઝનને લીધે સાધ્ય થઈ જાય છે. કેટલાંય વરસોથી હોલિવુડની ફિલ્મો આપણે ત્યાં હિન્દી અને પછી દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થઈ રહી છે. દેશી ફિલ્મો હવે માંડમાંડ એકસાથે ચાર-પાંચ ભાષામાં દર્શકોને રીઝવવાની જરૂરિયાતને સમજી શકી છે. સો, ફિલ્મ હિન્દી હોય કે તામિલ કે ગુજરાતી, એની પાસે અન્ય ભાષાની ફિલ્મોના દર્શકોને જીતવાની તાકાત, ડબિંગ અને માર્કેટિંગથી, હશે તો એનો ગજ વધારે સારી રીતે વાગશે. એ પણ જો એ રિલીઝના વીકએન્ડમાં પોતાને પુરવાર કરી શકશે તો.
ભવિષ્ય કેવુંક હશે? ઓટીટીનો જુવાળ ફિલ્મો બનાવવાની, રિલીઝ કરવાની રીત પર બહુ અસરકારક પ્રભાવ પાડશે. આજે નહીં તો થોડાં વરસોમાં એ વધુ સ્પષ્ટ થશે કે મોટા પડદા માટે શું બની શકે અને શું ના બની શકે. ઇન શોર્ટ, આવનારો સમય અક્સાઇટિંગ હશે. કમ સે કમ દર્શકો માટે.
નવું શું છે?
- ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ઓટીટી ફિલ્મો માટે અલાયદા એવોર્ડ્સની જાહેરાત કરી છે. જુલાઈમાં એનું પહેલું સંસ્કરણ યોજાશે. એમાં ફિલ્મો અને સિરીઝ માટે અલાયદી એવોર્ડ્સ શ્રેણી હશે.
- અજરામર જમૈઈકન ગાયક બોબ માર્લીના આત્મકથાનક ફિલ્મ, ‘બોબ માર્લીઃ વન લવ’ ત્રણ જુલાઈથી પ્રાઇમ વિડિયો પર આવી છે. એમાં માર્લીના પાત્રમાં કિંગ્સ્લે બેન-અદિર છે. માર્લીનાં જીવનનો 1976-78 વચ્ચેનો સમય એમાં હાઇલાઇટ થયો છે.
- પ્રાઇમ વિડિયો પર ‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન આજથી આવી છે. નવી સિરીઝમાં મુન્નાની જગ્યાએ ગુડ્ડુના વધતા પ્રભાવ પર ફોકસ છે. ગુડ્ડુના પાત્રમાં છે અલી ફઝલ.
- સોની લિવ પર આજથી ‘મલયાલી ફ્રોમ ઇન્ડિયા’ પણ આવી છે. એમાં નિવીન પૌલી, ધ્યાન શ્રીનિવાસન અને અનાસ્વરા રાજન મુખ્ય કલાકારો છે. દિગ્દર્શક દિજો જોસ એન્ટની છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 05 જુલાઈ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment