ઓટીટીનો અતિરેક રોક્યો રોકાઈ નથી રહ્યો. જેઓ પ્રમાણભાનમાં માનતા હતા અને એના આધારે જિંદગી ચલાવતા હતા એમાંના પણ અસંખ્ય લોકો ઓટીટીના ભરડામાં આવી ગયા છે. આ અતિરેકનું પરિણામ ભણતર, સામાજિક હળવામળવા પર, કામકાજ પર, અત્રતત્રસર્વત્ર દેખાઈ રહ્યું છે

મુંબઈગરો એક યુવાન. એને આપણે શ્યામ સંબોધીશું. શ્યામ બત્રીસનો. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર. એની જિંદગીમાં કામકાજ અને દોડધામ સિવાય કશાને અવકાશ નહીં. ફિલ્મો જોવી તો દૂર, ઘરમાં શાંતિથી એકાદ ટીવી શો જોવો પણ એને પાલવે નહીં. હા, અખબારો વાંચવા, સવારે જોગિંગ જવા એના સમયપત્રકમાં એણે સજ્જડપણે સમય ગોઠવી રાખ્યો હતો, કારણ એ દ્રઢપણે માનતો કે આ પ્રવૃત્તિઓથી એની તંદુરસ્તી અને પ્રોડક્ટિવિટી બેઉ પર પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે. એ સાચો પણ હતો. કામની અસહ્ય દબાણ વચ્ચે પણ એ મોટાભાગે ફ્રેશ રહી શકતો એનું કારણ આ જોગિંગ અને મનમાં અનુભવાતી નિરાંત હતી. શનિવાર અને રવિવાર એમ બે રજા એને મળે. એ દિવસોમાં પણ એનું ટાઇમ ટેબલ બહુ વ્યવસ્થિતપણે ગોઠવેલું અને ચુસ્ત રહેતું. આ દિવસોમાં એ સોશિયલાઇઝિગ કરતો, નાની ટ્રિપ પર જતો, ટ્રેકિંગ અને હાઇકિંગના શોખને પોષતો, એકાદ પુસ્તક પા-અડધું પતાવી નાખતો અને ક્યારેક વળી લૉન ટેનિસ રમતો. ઇન શોર્ટ, ભલે બિઝી છતાં એની લાઇફ બેલેન્સ્ડ હતી. આ થઈ વાત આજથી સાત-આઠ વરસ પહેલાંની.

પછી ઓટીટીનો જુવાળ આવ્યો.

શ્યામના હાથમાં પણ સૌની જેમ ફાંકડો સ્માર્ટફોન હતો જ. ઓટીટી આવ્યા સુધી સ્માર્ટફોનનો ઉપયોગ એ રિશનિંગ કરતા કરતો. મતલબ લોકો સાથે સંપર્કમાં રહેવા અને અનિવાર્ય કામ પાર પાડવા. એને વિડિયો ગેમ્સ વગેરેનો નાદ સદભાગ્યે લાગ્યો નહોતો. એવામાં એકવાર એના એક મિત્રએ એને ગિફ્ટમાં આપ્યું બે-ત્રણ ઓટીટીનું સબસ્ક્રિપ્શન, “બી એન્ટરટેઇન્ડ, બડી. ઓફિસ-ઘર વચ્ચે આવતા-જતા શું બુક્સ વાંચતો હોય છે? એના કરતાં આ જો, મોજ પડી જશે.” મિત્ર નજીકનો હતો. શ્યામે સ્મિત વેરીને ગિફ્ટ સ્વીકારી, એમ વિચારીને, “ભલે એ ખુશ રહે, જોવું ના જોવું તો મારા હાથમાં છેને…”

ખરેખર શ્યામે ઘણા દિવસ સુધી એક પણ ઓટીટી પ્લેટફોર્મ ઓન કર્યું નહીં. પણ કહે છેને કે દરેક દૂષણની ક્યારેક શરૂઆત થવાની જ, તમે એના દાયરામાં રહ્યા તો તો નક્કી થવાની. શ્યામની આસપાસના સર્કલમાં હવે રોજ ઓટીટીની વાતો થતી. કોઈક ફલાણો શો જોઈને ચર્ચામાં ઊતરે તો કોઈક ઢીંકણો શો જોઈને. છેવટે એકવાર શ્યામે પણ પ્રવાસમાં પુસ્તકને બાજુએ મૂકીને બટન પ્રેસ કરી દીધું. ઓટીટી ઓન થઈ ગયું. એ પછી લાગ્યો નાદ. ધીમેધીમે કરતાંક નવા શોઝ, ડોક્યુમેન્ટરીઝ જોવામાં શ્યામનો રસ વધતો ચાલ્યો. હવે ઘર અને ઓફિસ વચ્ચેના પ્રવાસમાં છાપું-પુસ્તક ભુલાઈ ગયા. વીકએન્ડમાં હરવુફરવું ઓછું થઈ ગયું. રાતના સમયસર સૂવાની ટેવ છૂટતી ગઈ. બિન્જ વોચિંગ પણ શરૂ થઈ ગયું. એને લીધે, નોકરીમાં ક્યારેય મોડો નહીં પડતો કે બન્ક મારતો શ્યામ મોડો પણ પડવા માંડ્યો અને ક્યારેક એકાએક રજા પણ પાડતો થયો.

પરિસ્થિતિ એ હદે વણસી કે શ્યામનો સ્માર્ટફોન ઓટીટી એપ્સના આઇકન્સથી છલકાઈ ગયો. એમાં ગેમ્સ રમાડતી એપ્સ પણ ઉમેરાઈ ગઈ. શ્યામનું સ્વાસ્થ્ય મોળું પડવા માંડ્યુ.આંખો આસપાસ કાળાં કુંડાળાં થવા માંડ્યાં. આડાઅવળા સમયે સૂવાને લીધે પેટ બગડવા માંડ્યું. મિત્રોને મળવાનું ઓછું થઈ ગયું. અને છેવટે, વરસે કંપનીમાં પગારવધારા માટે મૂલ્યાંકરન એટલે અપ્રેઇઝલ આવ્યું ત્યારે શ્યામને કોઈ પગારવધારો ના મળ્યો. મળી તો શો કૉઝ નોટીસ કે તમારા પરફોર્મન્સમાં ઉત્તરોત્તર બગાડ કેમ થઈ રહ્યો છે એની ચોખવટ કરો બાકી કંપનીએ તમને કોઈક ઓછા મહત્વના ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે.

આ કિસ્સો આમ કાલ્પનિક પણ વાસ્તવિકતાની એકદમ નજીક છે. ઓટીટીએ બાળકોથી વૃદ્ધો સુધી સૌને સપાટામાં લઈ લીધા છે. ચોવીસ કલાકના દિવસમાં ભારતીય સરેરાશ સિત્તેર મિનિટ ઓટીટીને અર્પણ કરતો હોય એ સ્થિતિ ભયજનક છે. વત્તા, આ સમય તો એ જે માત્ર ઓટીટી જોવા પાછળ ખર્ચાય છે. મોબાઇલ અને અન્ય ગેજેટ્સ પર જતો સમય એમાં ઉમેરીએ તો?

આંકડાઓ પુરાવા છે. આજે દેશના અડધોઅડધ યુવાનો બિન્જ વોચના ખાં થઈ ગયા છે. એમને ફરક જ પડતો નથી કે એકધારા ઓટીટી જો જો કરવાથી શરીરને, આંખને, માનસને કેટલું નુકસાન પહોંચતું હશે. ઓટીટીની ઘેલછામાં આ લોકો પાછા આડેધડ જન્ક ફૂડ પણ ખા ખા કરે છે. બેઠાડું થઈ રહેલી લાઇફસ્ટાઇલ અને ખોટા ખોરાકથી શરીરનો દાટ વળે છે એનો તો એમને વિચાર પણ નથી આવતો. એમાં ઉમેરી દો ઓટીટી પર ભળતુસળતું જોઈને સર્જાતી માનસિક બીમારીઓ, જેમ કે ડિપ્રેશન, તાણ વગેરે. હરતાફરતા રહીને, લોકોને મળીને, પ્રકૃતિની ગોદમાં આળોટીને જે તાજગી અને પ્રસન્નતા જીવમાં સહજ વણાઈ જતી હતી એ ઓટીટીએ નિષ્ઠુરતાથી છીનવી લીધી છે. આંખો પર સતત પડતી મોબાઇલ, કોમ્પ્યુટર, ટીવીની સ્ક્રીન્સની ઝળાહળ રોશનીથી થતા નુકસાનની પણ કોઈને ચિંતા રહી નથી. એના લીધે નીંદર હરામ થઈ રહી છે એના પર પણ વિચાર થતો નથી.

આ આખી સ્થિતિ કઈ તરફ દોરી જઈ રહી છે આપણને?

એવા સમાજ તરફ જ્યાં કોઈને કોઈ માટે સમય ના હોય. જ્યાં સ્વાસ્થ્ય એટલી હદે બેકસીટમાં ધકેલાઈ ગયું હોય કે જ્યાંથી એના માટે કમબેક કરવું અશક્ય થઈ ગયું હોય. શારીરિક સુસજ્જતા માટે પ્રવૃત્તિમય રહેવાની પહેલાં ખુશી પણ હતી અને ફર પણ પડતી હતી. હવે? રેલવે સ્ટેશને પણ એસ્કેલેટર્સ છે. દસ મિનિટમાં ઘેરબેઠા શાકપાન, દૂધ, માગો એ મળી રહે છે. અનેક કામ ઓનલાઇન થઈ રહે છે. ક્યારેક બે-પાંચ કિલોમીટર ચપટી વગાડીને ચાલી નખાતું, હવે અડધા કિલોમીટર માટે પણ રિક્શા-ટેક્સી ખપે છે. પુસ્તક તો સાવ હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. આંકડાઓ કહે છે કે 65% ભારતીયો પુસ્તકથી પૂરેપૂરા વિમુખ થઈ ગયા છે.

શ્યામની જેમ અસંખ્ય ભારતીયોએ અજાણતા પણ ઓટીટીના કુંડાળામાં પગ ઘાલીને પોતાની સ્થિતિ ખસ્તા કરી છે. એમના બહુમતીઓને જોકે હજી એ પ્રતીતિ થઈ જ નથી કે તેઓ ક્યાં ભેરવાયા છે. જેમને પ્રતીતિ થઈ હશે એમને પણ કદાચ ખબર નથી કે આ કાદવમાંથી બહાર નીકળવું તો કઈ રહીતે. કારણ, હજી તો તેઓ મનોમન દ્રઢતા કેળવે ત્યાં એમનો નિર્ણયભંગ કરાવે એવી એકાદ વેબ સિરીઝની અનાઉન્સમેન્ટનું નોટિફિકેશન એમના મોબાઇલમાં ટિંગ ટિંગ કરવા જ માંડ્યું હોય અને…

સ્ટોપ ધી, શ્યામ, એ શ્યામ, તારી અંદર ધબકતા પેલા જૂનો, ખંતીલા, સ્ફુર્તિલા, તરવરિયા શ્યામને જગાડ. મનોરંજનની લાલચમાં દયનીય અને પરવશ જિંદગીને આવકાર ના આપ. હજી સમય છે, હજી કશું બગડ્યું નથી. તું ધારે તો ઓટીટીને મુશ્કેરાટ હદમાં બાંધી શકે છે. તું ધારે તો તારા પહેલાંના મનોરંજનને ફરી અપનાવી શકે છે. તું ધારે તો…

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 04 ઓકટોબર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/04-10-2024/6

 

 

Share: