ફિલ્મોમાં ભગવાન અને ભગવાનને સાંકળી લેતી ફિલ્મોની આપણે ત્યાં કમી નથી. રિદ્ધિસિદ્ધિના સ્વામી ગણેશજીને ફિલ્મોમાં ખાસ્સા પ્રેમથી સ્થાન મળતું રહ્યું છે. એવી અમુક ફિલ્મોની યાદી પ્રસ્તુત છે જેની સાથે વણાયેલો છે બાપાનો મહિમા 

ગણપતિબાપા આવી ગયા છે. ફિલ્મોમાં પણ એમણે અનેકવાર આગમન કર્યું છે. બોલિવુડે બાપાને ઘણીવાર, ઘણી રીતે ખમ્મા કરી છે. ઓટીટી પર બાપાની ફિલ્મો જોવાનો આનંદ માણવાનો આ પરફેક્ટ સમય છે. વાત કરીએ એવી ફિલ્મોની જેમાં ગણેશોત્સવનો તહેવાર આગવી રીતે ઉજવાયો હોય અને જેને માણી શકાય છે ઓટીટી પર.

અગ્નિપથ: ઓરિજિનલ’ અગ્નિપથ’ ૧૯૯૦માં આવી હતી. સુપર ડિરેક્ટર મુકુલ આનંદે ડિરેકટ કરેલી અમિતાભ બચ્ચનને ચમકાવતી ત્રણ યાદગાર ફિલ્મોમાં એક ‘અગ્નિપથ’ હતી. એની રિમેક ૨૦૧૨માં આવી જેના દિગ્દર્શક કરણ મલ્હોત્રા હતા. હૃતિક રોશન, સંજય દત્ત, પ્રિયંકા ચોપરા અને રિશી કપૂર એમાં મુખ્ય પાત્રોમાં હતાં. બેશક, અસલ ‘અગ્નિપથ’ એકદમ જબરદસ્ત હતી. રિમેક પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બેઉની તુલના તો વિવેચનનો વિષય એટલે એ કરવાનું રહેવા દઇએ. રીમેકમાં હૃતિક રોશનના પાત્ર વિજય દીનાનાથ ચવ્હાણને બાપાની પૂજા કરતું દેખાડવામાં આવ્યું છે. મૂળ ફિલ્મમાં પણ ગણેશજીનો મહિમા હતો. એનું ‘ગણપતિ અપને ગાંવ ચલે’, ગીત આજે પણ લોકજીભે છે. એની જગ્યાએ રીમેકમાં ‘દેવા શ્રીગણેશા’ ગીત છે. ફિલ્મને માણવા પહોંચી જાવ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ પર. ઉપરાંત એપલ ટીવી, યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર એ કિંમત ચૂકવીને જોઈ શકાય છે.

એબીસીડી: રેમો ડિસોઝાએ ડિરેકટ કરેલી આ ફિલ્મે, જેનું આખું નામ ‘એની બડી કેન ડાન્સ’ હતું, એણે રજૂઆત પછી સૌને ચકિત કરી દીધા હતા. એની પાસે કોઈને ખાસ અપેક્ષા નહોતી. પ્રભુ દેવા, ગણેશ આચાર્ય, કે. કે. મેનન અભિનિત આ ફિલ્મે રિલીઝ પછી તરખાટ મચાવ્યો હતો. ફિલ્મ સફળ હતી એ તો જાણે એક વાત, પણ એ અનેક રીતે હૃદયસ્પર્શી હતી એ એનાથી મોટી ખાસિયત. એના કલાઇમેક્સમાં આવતા નૃત્યમાં દુંદાળાદેવને સાંકળતું ગીત હતું, જેને કલાઇમેક્સને ચાર ચાંદ લગાડી દીધા હતા. ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાય, અથવા નાણાં ચૂકવીને યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર.

વાસ્તવ: સંજય દત્ત, નમ્રતા શિરોડકર, પરેશ રાવલ, સંજય નાર્વેકર, રીમા લાગુ, દીપક તિજોરી જેવાં કલાકારોવાળી આ ફિલ્મ એના સમયની એક સૌથી સફળ ફિલ્મ હતી. સંજય દત્તની વારંવાર ઉપર અને નીચે જતી કારકિર્દીમાં જે અમુક ફિલ્મોએ કાયમી છાપ છોડી એમાંની એક ‘વાસ્તવ’ છે. એના દિગ્દર્શક મહેશ માંજરેકર હતા. એમની શ્રે ફિલ્મોમાં નિથશકપણે એક આ ફિલ્મ છે. એમાં ગણપતિની આરતી ‘શેંદૂર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો’ હતી. આજે પણ એ આરતી સર્વત્ર વાગે છે. એક સામાન્ય યુવાન કેવી રીતે અંડરવર્લ્ડના ચક્કરમાં પડીને બદલાઈ જાય છે એની ‘વાસ્તવ’ની વાર્તા જકડી રાખનારી છે. ફિલ્મ એમેઝોન પ્રાઇમ અને યુટયુબ પર ઉપલબ્ધ છે.

ડોન: શાહરુખ ખાનની ‘ડોન’ એટલે એ નામની જ અમિતાભની ફિલ્મની રિમેક. એમાં બાપાની વિદાય વખતનું ગીત ‘મોરયા રે’ હતું. એકદમ ખર્ચાળ અને ભવ્ય રીતે એને શૂટ કરવામાં આવ્યું હતું. ૨૦૦૬ની ફરહાન અખ્તર દિગ્દશત ફિલ્મ આ ગીત માટે યાદ આવે એ સ્વાભાવિક છે. આ ફિલ્મ પણ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ પર લવાજમ સાથે જોઈ  શકાય છે. અથવા એપલ ટીવી, યુટયુબ કે ગૂગલ પ્લે મૂવીઝ પર એકવાર જોવાની કિંમત ચૂકવીને જોઈ શકાય છે.

સત્યા: રામ ગોપાલ વર્માને ટોચના ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત કરનારી આ ફિલ્મમાં ઊમલા માતોંડકર સાથે ચક્રવર્તી અને મનોજ બાજપાયી હતાં. હીરો ચક્રવર્તી હતા પણ ફિલ્મ બની ગઈ મનોજની. બાજપાયી આ ફિલ્મથી એક અજાણ્યા કલાકારમાંથી આશાસ્પદ સ્ટાર બન્યા હતા. મુંબઈના અંડરવર્લ્ડને સૌથી વાસ્તવિક રીતે દર્શાવનાર ફિલ્મોમાં ‘સત્યા’ની ગણના થાય છે. ફિલ્મના અંતમાં ગણેશચતુર્થી બેકડ્રોપ તરીકે છે. સોની લિવ, યુટયુબ કે એમેઝોન પ્રાઇમ પર ફિલ્મ જોઈ શકાય છે. છેક ૧૯૯૮ની હોવા છતાં ફિલ્મ ૨૦૨૩માં પણ એટલી જ મજાની લાગશે જાણે તરોતાજા હોય. શેફાલી શાહ એમાં સત્યાની પત્ની તરીકે, ગોવિંદ નામદેવ ભાઉ તરીકે તો સૌરભ શુકલા કલ્લુ મામા તરીકે એકદમ જામે છે. ‘સપને મેં મિલતી હૈ’, ‘ગોલી માર ભેજે મેં’ સહિતનાં ફિલ્મનાં ગીતો પણ કમાલ છે.

શોર ઇન ધ સિટી: ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન આખી ફિલમની વાર્તા આકાર લેતી હોય એવો કિસ્સો આ ફિલ્મનો છે. એના દિગ્દર્શક રાજ અને ડી. કે. છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠીક રહી હતી. તુષાર કપૂર, સેંધિલ રામમૂત, નિખિલ દ્વિવેદી, પ્રીતિ દેસાઈ, પિતોબાશ, રાધિકા આપ્ટે, ગિરિજા ઓક, અમિત મિી અને ઝાકીર હુસૈન જેવાં કલાકારો એમાં હતાં. એક મામૂલી ક્રિમિનલ અને આશાસ્પદ ક્રિકેટરની જિંદગીમાં આવતાં વળાંકોની આસપાસ એની વાર્તા ફરે છે. જિયો સિનેમા, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ અને યુટયુબ પર આ ફિલ્મ અવેલેબલ છે.

દર્દ કા રિશ્તા: સુનીલ દત્ત અભિનિત અને દિગ્દશત આ ફિલ્મમાં એક ગીત હતું – ‘મેરે મન મંદિર મેં તુમ ભગવાન રહે, મેરે દુ:ખ સે તુમ કૈસે અંજાન રહે’. વાર્તા બહુ ઇમોશનલ હતી. રવિકાંત વર્માએ એની વહાલસોયી દીકરી ખુશ્બુનો જીવ બચાવવાનો છે. ખુશ્બુ લ્યુકેમિયાથી પીડાય છે. જો રવિકાંત ન્યુ યોર્કમાં રહેતી એમની ભૂતપૂર્વ પત્નીનો સંપર્ક સાધીને રસ્તો કાઢે તો… દત્ત સાથે ફિલ્મમાં રીના રોય, ખુશ્બુ, અશોકકુમાર, સ્મિતા પાટીલ પદ્મિની કોલ્હાપુરે, મદન પૂરી… અનેક જાણીતાં કલાકારો હતાં. ફિલ્મ સફળ પણ હતી. જે ગીતની વાત કરી એ ગીત ગણપતિ બાપાની વિદાય વખતનું છે. એની શબ્દો પણ ચોટદાર છે. ફિલ્મ જોઈ શકાય છે યુટયુબ પર.

હમ સે બઢકર કૌન: નવાં ગીતો અને નવી સ્ટાઇલની ફિલ્મોએ ઉપાડો લીધો નહોતો ત્યારે ગણેશોત્સવમાં જે એક ગીત અચૂકપણે સંભળાય એ હતું આ ફિલ્મનું ટાઇટલ સોંગ. મિથુન ચક્રવર્તી, ડેની, વિજયેન્દ્ર ઘાટગે, રણજીત, અમજદ ખાન સહિતના કલાકારો એમાં હતા. એક ગીતે આખી ફિલ્મને યાદગાર બનાવી હોય એવા દાખલામાં ‘હમ સે બઢકર કૌન’નું ગણપતિબાપાનું ગીત અવશ્ય આવે છે. ૧૯૮૧ની આ ફિલ્મ યુટયુબ પર માણી શકો છો.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.22 સપ્ટેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/22-09-2023/6

 

 

Share: