ગોવા સાથે મારો નાતો ઘણો જૂનો. ત્યાંના મારા આરંભિક પ્રવાસો 2008ના ઉત્તરાર્ધના છે. એ પ્રવાસોમાં ગોવાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તે દિવસોમાં ગોવા સરળ, મળતાવડું, મીઠડું અને માણવા જેવું હતું. મારો પ્રવાસ દરિયાકિનારા પૂરતો મર્યાદિત નહોતો. મેં ઓછી જાણીતી જગ્યાઓ પણ માણી હતી. પછી ગોવાની ઘણી વિઝિટ્સ થઈ. કામકામ અને નિજાનંદ માટે પણ. ધીમેધીમે બદલાતા ગોવાને મેં નિહાળ્યું છે. લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાં, પરિવાર અને મિત્રો સાથે ત્યાંની મુલાકાત પછી નક્કી કર્યું કે હવે ગોવા જવું તો કામ માટે જ, હરવાફરવા નહીં. એવું વિચારવાનાં કારણો મનમાં બિલાડીના ટોપની જેમ ફૂટ્યાં નહોતાં. મારી પાછલી થોડી મુલાકાતોના નિરીક્ષણ પછી એ નિર્ણય આકાર પામ્યો હતો. અમુક કારણો આ રહ્યાં.

ભારતીયો, આઘા રહોઃ થોડાં વરસો પહેલાં ગોવાની એક રેસ્ટોરાંમાં હું ડિનર માટે ગયો હતો. ઓફ્ફ સીઝન હોવાથી રેસ્ટોરાં ખાલીખમ હતી. છતાં, માલિક કહે, “ઇન્ડિયન છોને? બાજુમાં રેસ્ટોરાં છે. ત્યાં જાવ. અમને ભારતીયો કસ્ટમર્સ નથી ખપતા.” મેં શાંત પણ મક્કમ વિરોધ નોંધાવતાં કારણ પૂછ્યું. માલિક કહે, “ભારતીયો કરકસરિયા છે. માથાનો દુઃખાવો છે. વિદેશીઓ બિનધાસ્ત ખર્ચ કરે. તમારા જેવા પાંચને સર્વિસ આપીએ એના કરતાં એક ફોરેનરને આપીએ એ વધુ પોસાય.” વિદેશીઓ, ખાસ કરીને રશિયનોનાં, ખરેખર ત્યાં ધાડાં ઊતરવાનો એ સમય હતો. એમાંથી તો આ તોર સર્જાયો હતો. એમાંથી તો પેલો ત્યાં સુધી બોલી ગયો કે જોજો તમે, એક દિવસ ભારતીયોને અમારા સ્ટેટમાં પ્રવેશ ફી ચૂકવવાનો વારો આવશે. ખરેખર હદ હતી એ.

ટેક્સી ડ્રાઇવર કમ, દાદા ઝાઝાઃ માત્ર ગોવા શું કામ, અન્ય પ્રવાસનસ્થળોએ પણ આ સ્થિતિ નવી નથી. એમાં ગોવા શિરમોર છે એ નિર્વિવાદ સત્ય છે. કોઈ કહે કે મેં ગોવાની ફ્લાઇટની ટિકિટ કરતાં એના એરપોર્ટથી હોટેલ જવા ટેક્સી ભાડું વધુ ચૂકવ્યું. તો એ બિલકુલ સાચું હોઈ શકે છે. ગોવાના કેબ ડ્રાઈવર્સે રાજ્યને રીતસર બાનમાં રાખ્યું છે. ગોવા માઇલ્સ પણ નિષ્ફળ સેવા છે. રાજ્યમાં સાર્વજનિક પરિવહનનાં ઠેકાણાં નથી. રિક્શા નામની છે અને છે એ પણ જાણે સ્થાનિકો માટે હોય એવો તાલ છે.

ઉત્તર અને દક્ષિણ ગોવાનો તફાવત: સામાન્ય અને સાધારણ ભારતીયો ઉત્તર ગોવા વધુ ફરે છે. વિદેશીઓ અને સંપન્ન ભારતીયોને દક્ષિણ ગોવા વધુ ફાવે છે. રાજ્યના બેઉ ભાગ એકમેકથી ઘણી રીતે જુદા છે. એટલે, સામાન્ય ભારતીયને દક્ષિણ ગોવામાં જરા અકળામણ થાય એની શક્યતા હોય છે. ત્યાંના દુકાનદારોનો પણ સામાન્ય ભારતીયો સાથેનો વ્યવહાર બહુ આનંદ કરાવનારો હોતો નથી. 

વિકલ્પો છે તો ગોવા શું કામ જવુંઃ આપણાં કેરળ, પુડુચેરી, તામિલનાડુ, ગુજરાતમાં ગોવાના વિકલ્પ જેવાં સ્થળો છે. ત્યાંના લોકોનો અભિગમ ગાવાના લોકો જેવો ખોરો નથી. મલેશિયા હું બે-ચાર વખત ગયો છું. એ ફાંકડો અને વૈવિધ્યસભર દેશ છે. ત્યાં પણ ગોવા જેવી જગ્યાઓ છે. શ્રીલંકા એકદમ મસ્ત લાગ્યું છે મને. તો, સવાલ એ કે જ્યાં પરોણાગતનો અભાવ વર્તાય, જ્યાં ખર્ચ બિનજરૂરી રીતે વધે ત્યાં શાને જવું?

ગોવા કોના માટે સારુંઃ તમે પૈસા ઊડાવી શકો, ભાવતાલ, રકઝક ના કરો તો ગોવાને તમે બહુ ગમશો. નક્કી ગમશો. તમે સ્ટાર હોટેલ કે રિસોર્ટમાં રહો તો ગોવા તમને ગમશે, કારણ ત્યાંના કર્મચારીઓનો અભિગમ એટલો ખરાબ નહીં લાગે જેટલો બજેટ હોટેલના કર્મચારીઓનો લાગી શકે. આવું એટલે લખ્યું કે હું વિવિધ પ્રકારની હોટેલ્સમાં રહ્યો છું, મોંઘી હોટેલમાં અનુભવાતી મીઠાશ અને નિરાંત મેં માણી છે. બજેટ હોટેલમાં મેં માલિક કે કર્મચારીની ઉદ્ધતાઈ પણ સહન કરી છે. 

પ્રિય ગોવા, તારી પ્રગતિની અપેક્ષા: એક અખબારના પ્રવાસ સંપાદક તરીકે હું વારંવાર ગોવાનાં સ્થાનો અને ઘટનાઓ વિશે લખું છું. એ પણ સકારાત્મક જ. ગોવાની હાલની પરિસ્થિતિ જો સૌને નેગેટિવ લાગતી હોય તો એનું કારણ એના મુઠ્ઠીભર લોકોનો એટિટ્યુડ અને સત્તાધીશોની ઉદાસીનતા હશે એવું માનવામાં કંઈ ખોટું નથી. ગોવા ચાહે તો પોતાની આ ખામીનો ખુરદો સજાગપણે બોલાવી શકે છે. ગોવા ચાહે તો. 

Share: