ફિલ્મ માટે અભિનેત્રી-દિગ્દર્શિકાએ પહેલાં વીસ કિલો વજન વધાર્યું. પછી, છએક મહિનામાં, પચાસ કિલો વજન ઘટાડ્યું. બહુ ઓછા કલાકારો પાત્ર આત્મસાત્ કરવા આવી પ્રતિબદ્ધતા દર્શાવી શકે છે

કોણે કહ્યું કે ચીન માત્ર વસ્તુઓના ઉત્પાદનમાં દુનિયાને હંફાવી રહ્યું છે? ડ્રેગનના દેશની અત્યારની ચાલ બરાબર રહી તો એ દિવસ પણ કદાચ દૂર નથી જ્યારે મનોરંજનના મોરચે પણ એ હોલિવુડ સહિત આપણી ઇન્ડસ્ટ્રીને પણ હંફાવી નાખે

ગયા અઠવાડિયે આપણે ચીનના મનોરંજન ઉદ્યોગની હરણફાળની વાત કરી. આજે વાત કરીએ એની એક સફળતમ ફિલ્મ ‘યોલો’ની અને એની જાપાનીઝ વર્ઝનની પણ.

ચિક્કાર આવક રળનારી ચીની ફિલ્મ ‘યોલો’ મૂળે જાપાનીઝ ફિલ્મની રિમેક હતી. પ્રશ્ન થાય છે કે આપણા વિષય તરસ્યા ફિલ્મસર્જકો સારા વિષયની શોધમાં કેમ દક્ષિણ કોરિયા, જાપાન, ફ્રાન્સ, રશિયા, સ્પેન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સારી ફિલ્મોના અધિકાર લઈને એમની દેશી વર્ઝન બનાવતા નથી? ખેર. 2014માં બનેલી જાપાનીઝ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘હ્યાકુએન’નો કોઈ (એટલે જ 100 યેન લવ)ના દિગ્દર્શક માસાહારુ તાકે હતા. ઓસ્કાર એવોર્ડ્સમાં ફિલ્મે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે જાપાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કથા હતી 32 વરસની ઇચિકોની. ઘરમાં અળખામણી અને ખાસ કશું કરી શકવાને અસમર્થ ઇચિકોને એની મા ઘરમાંથી તગેડી મૂકે છે. પછી એ એક સ્ટોરમાં કામ કરતાં કરતાં એક બોક્સિંગ જિમના ટ્રેનરના પ્રેમમાં પડે છે. આ સ્ટોર જ 100 યેન સ્ટોર કહેવાય છે અને એનાથી ફિલ્મને એનું નામ મળ્યું હતું. પછી શું થાય છે એ છે ફિલ્મની વાર્તા.

જાપાનના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ‘100 યેન લવ’ને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. જાપાનની શ્રેષ્ઠ ફિલ્મોની અમુક યાદીમાં આ ફિલ્મ ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પણ સામાન્ય દર્શકોએ ફિલ્મને એક સર્વોત્તમ ફિલ્મ તરીકે લેખાવી છે.

આવી આ ફિલ્મ પરથી એક દાયકા પછી ચીનમાં ‘યોલો’ બની. એના નામનો અર્થ, ચીની ભાષામાં મસાલેદાર કે સળગતું જીવન, એવો કરી શકાય. કથા ઘણે અંશે મૂળ ફિલ્મ આસપાસની છે. લેયિંગ (જે પાત્ર અભિનેત્રી-દિગ્દર્શિકા જિયા લિન્ગે ભજવ્યું છે) છેલ્લા એક દાયકાથી લેયિંગ એકલવાયું જીવન જીવી રહી છે. એની મા અને બહેન એનાથી કંટાળ્યા છે. એનો બોયફ્રેન્ડ શેન (ક્વિઆઓ શેન) પણ એની અવગણના કરતો હવે એમની કોમન ફ્રેન્ડ લીલી (લી શુક્વિન)ના પ્રેમમાં પડ્યો છે. લેયિંગને ઘર છોડવાની ફરજ પડે છે. સાથે હાથમાંથી સરી જાય છે બોયફ્રેન્ડ. એક રેસ્ટોરાંમાં કામ કરીને દહાડા કાઢતી લેયિંગ એકવાર રેસ્ટોરાં પાસેના જિમમાં જોડાય છે. કારણ ત્યાં ટ્રેનિંગ આપતા હાઓ કુન (લેઈ જિયાઇંગ) માટે એને કૂણી લાગણી જન્મે છે. એ લાગણીનું કારણ એટલું કે હાઓનો બોક્સિંગ માટેનો પ્રેમ લેયિંગને પ્રભાવિત કરે છે.

જોકે થોડા રૂપિયા માટે હાઓ બોક્સિંગની સ્પર્ધામાં હાથે કરીને હારે છે અને બોક્સિંગ મૂકીને જતો રહે છે. જીવનમાં એકવાર જીતવાનું મહત્ત્વ એને મન કશું નથી, બસ પૈસા સર્વસ્વ છે. ત્યાં સુધીમાં જોકે લેયિંગ મક્કમ નિર્ધાર કરી લે છે, “બોક્સ બનીને એકવાર એક મેચ જીતવી છે, ગમે તે થાય.” અને એ શરૂ કરે છે બોક્સિંગની તાલીમ. જોકે એની ઉંમર ઉપરાંત, એનું ભારેખમ શરીર એનાં દુશ્મન છે. સૌને અચંબો છે કે આ બાઈ ગાંડી થઈ છે કાંઈ? કયા મોઢે અને બોક્સ બનવું છે અને મેચ જીતવી છે?

પછી થાય છે ચમત્કાર. દ્રઢ નિર્ધાર અને જીદથી છલોછલ યેલિંગ બોક્સિંગ શીખતાં શીખતાં વજન ઘટાડે છે. એ ખરેખર સ્પર્ધામાં પણ પહોંચે છે. એની પહેલી જ મેચ એવી જબરદસ્ત ખેલાડી સામે છે જેણે જીતની હારમાળા સર્જી છે. હવે શું થશે?

‘યોલો’ની કથાની ચરમસીમા યેલિંગની આ મેચ સાથે આવે છે. એ પહેલાં અમુક રસાળ સિક્વન્સીસ પણ છે. એમાં એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ, જેને કારણે એ બોક્સિંગ સુધી પહોંચી એવા હાઓ વગેરે સહિતને પણ વણી લેવામાં આવે છે. સાથે વણી લેવામાં આવે છે એક ભેદી સિક્વન્સ જેનો ફોડ ફિલ્મના અંતે પડે છે.

ચીનના ગંગઝાઉમાં સપ્ટેમ્બર 2022થી નવેમ્બર 2023 વચ્ચે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થયું હતું. સૌથી મોટી વાત એટલે ફિલ્મ માટે જિયાએ પહેલાં ખાસું વજન વધાર્યું હતું અને પછી પચાસ કિલો વજન ઘટાડ્યું હતું. એ પણ માત્ર છ મહિનામાં! સાામન્યપણે કલાકારો મેકઅપ, પ્રોસ્થેટિક્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેનો ઉપયોગ કરીને પડદા પર પોતાના વાસ્તવિક શરીરથી અલગ પિછાણ બનાવે છે. જિયાએ તો ખરેખર વજન વધાર્યું અને ઘટાડ્યું. ફિલ્મ બનાવતા પહેલાં એનું વજન સો કિલો હતું પણ પાત્ર માટે એણે બીજા વીસ કિલો વજન વધાર્યું. જાડીપાડી લેયિંગવાળા ભાગનું શૂટિંગ પત્યું કે જિયાએ વજન ઘટાડવા માંડ્યું. સાથે ચાલે ફિલ્મની જરૂરિયાત મુજબનું શૂટિંગ.

ફિલ્મ પહેલાં એની ઇમેજ મુખ્યત્વે કોમેડિયનની હતી. આ ફિલ્મમાં એણે રમૂજ સાથે ગાંભીર્યમાં પોતાના કૌશલ્યને સિદ્ધ કર્યું હતું. ફિલ્મ બની ત્યારે જિયા 40-41 વરસની હતી. એની ફિલ્મે ચીન જ નહીં, આખી દુનિયાની બોક્સ ઓફિસને દંગ કરી. જિયાની ફિલ્મ, મહિલા ડિરેક્ટની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની એનું સૌને આશ્ચર્ય થયું હતું. એ પહેલાં એ માન હોલિવુડની ફિલ્મ વંડર વુમન અને એની દિગ્દર્શિકા પૅટી જેન્કિન્સને ફાળે હતું.

જિયાની જિંદગી અને યોલોની સફળતા બેઉ પોતાનામાં એક દમદાર કથા છે. જિયાનો જન્મ ચીનના હુબેઈ પ્રાંતના યિચેન્ગમાં ગરીબ પરિવારમાં થયો હતો. એને એક બહેન છે. દસ વરસની ઉંમરે એણે વુહાન આર્ટ સ્કૂલમાં અભિનયની તાલીમ લેવા માંડી હતી. 2001માં એણે સેન્ટ્રલ એકેડેમી ઓફ ડ્રામામાં ક્રોસટૉકના કોર્સમાં પ્રવેશ લીધો હતો.

ક્રોસટૉક એટલે આમ તો સ્ટેન્ડ-અપ કોમેડી જ પણ એમાં એક નહીં, બે કલાકાર હોય અને બેઉ સંવાદ કરે. તો, આ તરફ જિયાએ ક્રોસટૉકનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં, એની માનું અકસ્માતમાં અવસાન થયું. બહેને ભણતર છોડવું પડ્યું. કોર્સ પત્યા પછી જિયાએ પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં અનેક પડકારો ઝીલ્યા, ખાસ તો એટલે કે ક્રોસસટૉકના ક્ષેત્રમાં પુરુષોનું પલડું ભારે છે. જીયાની હાલત એવી કે એને પેટિયું રળી શકાય એટલુંય કામ ના મળે. એટલે એ હોસ્ટ, લેખક, આસિસ્ટન્ટ તરીકે જે મળે એ કામ કરે, ભલે નામ મળે કે ના મળે. એની બહેન કામ કરે અને જિયાને આર્થિક ટેકો આપે.

2012થી જિયાએ અભિનયમાં પદાર્પણ કર્યું. નાનામોટાં પાત્રો એ ભજવતી. એના નવેક વરસ પછી એણે પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી, ‘હાઈ મોમ’. એ ફિલ્મ કહો કે એની માને એની અંજલિ હતી એ ફિલ્મે ચીની બોક્સ ઓફિસ પર ડંકો વગાડી દીધો. ત્યારથી જિયાએ પાછા વળીને જોયું નથી. એમાં વળી એની બીજી ફિલ્મ, ‘યોલો’એ જે સફળતા મેળવી, એ પોતાનામાં તવારીખ છે હવે.

‘યોલો’ જોવી હોય તો નેટફ્લિક્સ પર સબસ્ક્રિપ્શન સાથે કે પ્રાઇમ વિડિયો પર રેન્ટ ચૂકવીને જોઈ શકાય છે.

નવું શું છે

  • સૈફ અલી ખાન, જયદીપ અહલાવત, નિકિતા દત્તા, કુણાલ કપૂર, અનુપમ ખેર અભિનિત થ્રિલર-એક્શન ફિલ્મ ‘જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગિન્સ’ નેટફ્લિક્સ પર આવી છે.
  • તામિલ ફિલ્મ ‘વીરા ધીરા સુરન પાર્ટ ટુ’ ગુરુવારથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મમાં ચિયાન વિક્રમ, એસ. જે. સૂર્યા, સૂરજ વેંજારામુડુ, દુશારા વિજયન અને સિદ્દિક છે. તામિલ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ એ ઉપલબ્ધ છે.
  • કેરોલિન કેપ્નેસની નવલકથાઓ પર આધારિત ‘યુ’ વેબ સિરીઝની દસ એપિસોડની પાંચમી સીઝન ગુરુવારથી નેટફ્લિક્સ પર આવી છે. સીઝનમાં પેન બેડગલી, શાર્લોટ રિચી, મેડલિન બ્રુઅર, અન્ના કેમ્પ અને ગ્રિફિન મેથ્યુઝ છે.
  • કોમેડી ડ્રામા ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’ પ્રાઇમ વિડિયો પર આવી છે. કલાકારો આદર્શ ગૌરવ, વિનીત કુમાર સિંહ, શશાંક અરોરા, અનુજ સિંહ દુહાન છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/25-04-2025/6

Share: