કેટલા લોકોને અગ્નિશમન દળના બાહોશ, ફરજપરસ્ત અને પોતાનો જીવ દાવ પર લગાડીને બીજાના જીવ બચાવનારાનાં નામ ખબર હોય છે? રાહુલ ધોળકિયાની લેટેસ્ટ ઓટીટી ફિલ્મ ‘અગ્નિ’માં આ પ્રશ્ન સંવાદ તરીકે આવે ત્યારે બહુ સૂચક અને સચોટ લાગે છે. પોલીસ અધિકારીઓને સ્ટાર બનાવનારા આપણા સમાજે અગ્નિશમન દળના અધિકારીઓને ક્યારેય યથોચિત સન્માન આપ્યું નથી. પ્રાઇમ વિડિયોની આ ફિલ્મની દુનિયામાં લટાર મારીએ.
વિઠ્ઠલ રાવ (પ્રતીક ગાંધી) મુંબઈના એક ફાયર સ્ટેશનનો ચીફ છે. પત્ની રુક્મિણી (સાંઈ તામ્હણકર) અને દીકરા અમર ઉર્ફે આમ્યા (કબીર શાહ) સાથે એ ફાયર સ્ટેશનની ઇમારતમાંના ક્વાર્ટરમાં રહે છે. પોલીસ અધિકારી સાળા સમીત (દિવ્યેંદુ) સાથે એના તંગ સંબંધો છે. પોલીસને ઓછી મહેનતે મળતાં વધુ માન-અકરામ અને દીકરાની નજરમાં સમીતનું વધુ પડતું માન એનું કારણ છે. આગના એક કિસ્સાની તપાસમાં વિઠ્ઠલને મામલો શંકાસ્પદ લાગે છે. લાલને બદલે ભૂરી જ્વાળાઓ અને અકલ્પનીય માત્રામાં અગન છતાં, કશું સિદ્ધ કરવા પુરાવા નથી. વળી આગ લાગી રહી છે જૂની ઇમારતોમાં. સમીત અને ઉપમુખ્ય પ્રધાન (અનંત જોગ) એની દલીલોને નકામી ગણીને રફેદફે કરી નાખે છે.
વાત ત્યાં પતતી નથી. આગના શંકાસ્પદ કિસ્સા શહેરમાં થયે રાખે છે. એક કિસ્સામાં વિઠ્ઠલ સાથી અધિકારી જૅઝ (ઉદિત અરોરા)ને ગુમાવે છે. તપાસ કરતાં બિલ્ડર સમીત બલસારા (અતુલ) નામના સંદિગ્ધને ઝબ્બે કરે છે. એ ધારે છે કે આરોપી બલસારા છે. વાત જોકે અલગ છે.
ચંદ્રકાંત ચિપલુણકર ‘સીડીબંબા વાલા’ નામે એક સિરિયલ સિવાય અગ્નિશમન દળનો વિષય આપણે ત્યાં બહુ ખેડાયો નથી. ધોળકિયાની ફિલ્મ આ ક્ષેત્રના કામ અને સંઘર્ષને પેશ કરે છે. સાથે પેશ કરે છે અગ્નિશમન અધિકારીના પારિવારિક જીવનને પણ. કથાને રસાળ કરવા એમાં સસ્પેન્સનું તત્ત્વ પણ ઉમેર્યું છે. એક પછી એક લાગતી આગ પાછળ ખરું કારણ શું છે? જાણવા જોવાની રહે ફિલ્મ.
અન્યથા સાધારણ એવી ‘અગ્નિ’ને જીવંત અને જોવા જેવી બનાવે છે પ્રતીકનો સંનિષ્ઠ અભિનય. પહેલેથી છેલ્લે સુધી પાત્રમાં એ સહજ અને સશક્ત છે. દિવ્યેંદુ પણ એટલો જ અસરકારક છે. એનાં દ્રશ્યો ફિલ્મને થોડી હળવાશ આપે છે. મહિલા અગ્નિશમન અધિકારી અવની તરીકે સંયમી ખેર તથા સાંઈ પાત્રોમાં શોભે છે. જોકે અવની સહિત સાથી અગ્નિશમન અધિકારીઓનાં પાત્રો વધુ વિકસાવવામાં અને કથાનકમાં વણવામાં આવ્યાં હોત તો ફિલ્મ વધુ માણવાલાયક થાત.
ફિલ્મની સૌથી સારી બાબત મુખ્ય મુદ્દા સાથેની વફાદારી છે. બીજી સારી બાબત આગ લાગવાનાં દ્રશ્યોનું સારું ફિલ્માંકન છે. સામે પક્ષે, ફિલ્મની નબળી કડી આગના કિસ્સાઓ માટે જવાબદાર કારણ અને એ કારણ પાછળનો તર્ક છે. એ તર્ક પૂરેપૂરો ગળે ઊતરે એ રીતે એની રજૂઆત થઈ નથી. દર્શકે બસ સ્વીકારી લેવાનું રહે છે કે આવું થઈ શકે છે.
હશે. પ્રતીકના અભિનય અને અગ્નિશમન દળની ફરજ બજવણી સાથે એના અધિકારીઓના જીવનનાં પાસાં જાણવા ‘અગ્નિ’ જોઈ શકાય.
વિદેશમાં સફળ શોની ભારતીય આવૃત્તિ ટેલિવિઝનની જેમ ઓટીટી પર પણ આવ્યે રાખે છે. સપ્ટેમ્બરમાં આવેલો રિયાલિટી શો ‘મિલિયન ડોલર લિસ્ટિંગ ઇન્ડિયા’ પણ એ શ્રેણીમાં આવે છે. ફોરમેટ સિમ્પલ છે. કરોડોનાં ઘરના સોદા કરાવતા છએક રિયલ એસ્ટેટ એજન્ટ્સ એના હીરોઝ (અને હીરોઇન્સ) છે. એ સૌ દિલ્હી અને ગુરુગ્રામમાં કામ કરે છે. ધનાઢ્યોનાં ઘરની લેવેચમાં એમની હથોટી છે. હેમ બત્રા, દીપ્તિ મલિક, કરુણા ગિડવાણી, નવદીપ ખનુજા અને એની પત્ની, પ્રજેશ ભાટિયા અને અંકુશ સન્યાલ છે એ બ્રોકર્સ.
વ્યવસાયમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતાં આ બ્રોકર્સ સતત પ્રયાસ કરે છે કે જે ઘર વેચવા કે ભાડે ચડાવવા એમને મળે એ એમના સિવાય કોઈ પાસે ના હોય. અર્થાત્, જે પણ સોદો થવાનો હોય એ એક્સક્લુઝિવલી એમના હસ્તક થાય. ઘર પાંચ કરોડનું હોય કે સવાસો કરોડનું, એની યોગ્ય ડીલ થાય અને એમાંથી એમને બ્રોકરેજ તરીકે સારી આવક થાય એ માટે આ બ્રોકર્સ કેવીક મહેનત કરે છે, કેટલું પ્રોફેશનલિઝમ અમલમાં મૂકે છે, કેવી રીતે એમના અમીર ગ્રાહકોની અપેક્ષાઓ પાર પાડે છે એ છે આ શોનો હાર્દ.
અત્યાર સુધીમાં સિરીઝના આઠ એપિસોડ્સ રિલીઝ થયા છે. દર શુક્રવારે એનો નવો એપિસોડ રિલીઝ થાય છે. ક્યાર સુધી થશે એનો ફોડ હજી પાડવામાં આવ્યો નથી. બીજું, સિરીઝમાં અત્યારે પાટનગર અને પાડોશી શહેરના બ્રોકર્સ પર ફોકસ છે. ત્યાં કરતાં વધુ મોંઘાં ઘર મુંબઈ જેવા શહેરમાં છે. મુંબઈમાં શ્રીમંતોના બદબદા સાથે સેલિબ્રિટીઝની પણ ભરમાર છે. 2006માં હોલિવુડના સ્ટાર્સ વગેરેનાં ઘરની લેવેચ સાથે અમેરિકામાં આ સિરીઝ શરૂ થઈ હતી. આપણે ત્યાં પણ એવી જ શરૂઆત થાત તો કદાચ વધુ મજા આવત. હોઈ શકે કે આગળના એપિસોડ્સમાં કે સીઝનમાં મુંબઈ પણ આવરી લેવાય.
અન્યથા જે વ્યવસાયના લોકોને આપણે ભાગ્યે જ ઓળખવાની દરકાર કરત એવા વ્યવસાયિકોને ઓટીટીના આવા શોઝથી લાઇમલાઇટમાં આવવાની તક મળી રહી છે. આ શોમાં ઝળકતા બ્રોકર્સ ભલે આમ આદમી ગણાય પણ શોમાં સિતારાની જેમ સોહે છે. સામાન્ય માણસની બ્રોકરની કલ્પના કેવીક હોય? બાઇક પર આવતા સાધારણ માણસની. બ્રોકરની ઓફિસ કેવી હોય? જેમાં જોવા-વખાણવા જેવું ભાગ્યે જ કશું હોય. આ શોના બ્રોકર્સ અલગ છે. તેઓ મર્સિસીઝ જેવી મોંઘી કાર્સમાં મહાલે છે. તેઓ સોફિસ્ટિકેટેડ છે, સ્ટાઇલિશ છે. એમના અમીર ગ્રાહકો કરતાં કોઈ વાતે ઓછા નથી. આવા બ્રોકર્સની કરોડોની ડીલ્સ જોતાં મીઠી ઈર્ષ્યા સાથે મનમાં ઘણાને થશે કે આપણેય આ કામમાં ઝંપલાવ્યું હોત તો…
‘મિલિયન ડોલર લિસ્ટિંગ ઇન્ડિયા’, સરળ શબ્દોમાં, રિયલ એસ્ટેટના મોંઘાદાટ સોદાને પાર પાડવામાં લાગતી કળાનો શો છે. ઓમકાર પોદ્દાર એના ડિરેક્ટર છે. શોમાં એક હદ સુધી ઉત્સુકતા જળવાયેલી રહે છે. કરોડોના ઘરના બનવા પાછળની મહેનત, એમાં થતો ખર્ચ વગેરેની વિગતો એને રોચક બનાવે છે. જોકે એક હદ પછી એમ પણ લાગે કે એકની એક વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે. છતાં, નિર્માણની સારી ગુણવત્તા માટે અને, આ પહેલાંના આવા જ રિયાલિટી શોઝની પહેલી સીઝન જોતી વખતે અનુભવાયેલા રોમાંચને ફરી અનુભવવા માટે, આ શો જોઈ શકાય. સ્ટ્રીમ થઈ રહ્યો છે સોની લિવ પર.
નવું શું છે?
- ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ પર બનેલી ફિલ્મ ‘ડિસ્પેચ’ આજથી ઝીફાઇવ પર આવી છે. મનોજ બાજપાયી અને શહાના ગોસ્વામી એમાં છે. દિગ્દર્શક કનુ બહેલ છે.
- પ્રાજક્તા કોલી, રોહિત સરાફ, રણવિજય સિંહા અને તારરૂક રૈના અભિનિત ‘મિસ મેચ સિઝન થ્રી’ શુક્રવારથી નેટફિલ્કસ પર આવી છે.
- અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ ‘કેરી ઓન’ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ડિરેકટર જૌમે કોલેટ-સેરાની ફિલ્મમાં ટેરોન એગર્ટન, સોફિયા કાર્સન, ડેનિયલ ડેડવાઈલર અને જેસન બેટમેન છે.
- યો યો હની સિંઘના જીવનવિશેની ડોક્યુમેન્ટરી ‘યો યો હની સિંઘ ફેમસ’ 20 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment