‘કોઈક સુશિક્ષિત વ્યક્તિ માત્ર પૈસા કાજે ભળતા જ કામમાં ધુબાકો મારે એ વાત તો રોચક છે. પણ, એને પડદે મૂકતી વખતે બિનજરૂરી લંબાઈ અને કલ્પનાશક્તિનો દુકાળ શું પરિણામ સર્જે એ આ સિરીઝ કહી દે છે

જેના મૂળમાં સુંદર વિચારનું બીજ હોય એ કથામાંથી મનોરંજક છોડ ઊગે જ એ જરૂરી નથી. નેટફ્લિક્સની એક તાજી સિરીઝ નામે ‘ત્રિભુવન મિશ્રા સીએ ટોપર’ એનો દાખલો છે. કહેવાતો નોખો વિચાર અને કહેવાથી મનોરંજક ટ્રીટમેન્ટ ધરાવતી આ છેક નબળી વેબ સિરીઝ માત્ર અને માત્ર બે કારણસર થોડી બહુ આંખ સામે ટકાવી રાખવા જેવી બની છે. એ છે માનવ કૌલ અને તિલોત્તમા શોમનો અભિનય. વાત કરીએ સિરીઝની.

નોઈડામાં રહેતો અને સીએમાં અવ્વલ આવનારો ત્રિભુવન સરકારી કર્મચારી. એની પત્ની અશોકલતા (નૈના સરીન) રાંધણકળામાં, ખાસ તો કેક બનાવવામાં નિષ્ણાત છે. લેશમાત્ર અને ‘કેશ’માત્ર લાંચ-રુશ્વતમાં ત્રિભુવન માનતો નથી. પ્રામાણિક સરકારી કર્મચારીના નાતે એણે ઘર ચલાવવાનું છે બાંધી અને સાંકડી આવકમાં. એના સહકર્મચારીઓ પેટભરીને ભ્રષ્ટાચાર કરતાં બેપાંદડે થયા છે. ત્રિભુવન સિદ્ધાંત છોડવા રાજી નથી. પછી પરિસ્થિતિઓ વળાંક લે છે. આર્થિક ભીંસમાં ત્રિભુવન બે છેડા ભેગા કરવા શું કરવું એનું માનસિક ઘર્ષણ અનુભવે છે. એને રસ્તો જડે છે નવો વ્યવસાય. એ છે પુરુષવેશ્યા કે જિગોલો બનવાનો.

તો, ત્રિભુવન બને છે જિગોલો. મહિલાઓને પૂરી પાડે છે કામસેવા. એનું સાહસ બેહદ સફળ રહેવા સાથે પરિવારથી ગોપનીય રહે છે. ત્રિભુવન, ટિપિકલ ભાષામાં કહીએ તો, નોટ છાપવા માંડે છે. એની તકલીફો દૂર થાય છે. એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી મહિલા સુધી એની સહશયનકળા અને કામસેવાની ખ્યાતિ પ્રસરે છે. ‘રેફરલ’થી એ હોટ આઇટમ બની જાય છે.

અશોકલતાની કેક પણ પોપ્યુલર થાય છે. એનો ગૃહ ઉદ્યોગ મોલમાં દુકાન કરવા સુધી ફેલાય છે. આ બધાં વચ્ચે ત્રિભુવનને બિંદી (તિલોતમા) નામે ક્લાયન્ટ મળે છે. એ છે નોઇડાના કહેવાતા કંદોઈ પણ અંદરખાને ભાઈગીરી કરતા ટિકારામ જૈન ઉર્ફે રાજાભાઈ (શુભ્રજ્યોતિ બરાત)ની પત્ની. પતિની ઉપેક્ષાથી ખિન્ન બિંદી ત્રિભુવનની રેગ્યુલર ક્લાયન્ટ બની જાય છે.

કથામાં ટ્વિસ્ટ લાવતા પરિબળો તરીકે ત્રિભુવનનો સાળો શંભુ (સુમિત ગુલાટી), એની પત્ની શોભા (શ્વેતા બસુ પ્રસાદ), રાજાભાઈના પોઠિયા લપ્પુ  (અમરજીત સિંઘ) અને ઢૈંચા (અશોક પાઠક). ઉપરાંત છે પોલીસ ઓફિસર હૈદર (ફૈઝલ મલિક) અને મેથ્યુ (સુનીલ સારસ્વત). સિવાય ત્રિભુવનની સાસુ (યામિની દાસ), ત્રિભુવનને જિગોલોગીરી શીખવતો વિનીત (જિતીન ગુલાટી) સહિતનાં પાત્રો. શું કરે છે આ બધાં ભેગાં મળીને? તેઓ યથાશક્તિ પ્રયત્ન કરે છે એક કંગાળ, બોરિયત છલોછલ અને ધડમાથાં વિનાની સ્ક્રિપ્ટ પરથી બનેલી સિરીઝને બચાવવા મરણિયાં છટપટિયાં.

અમૃતરાજ ગુપ્તા અને પુનિત કૃષ્ણા (ઓફ ‘મિર્ઝાપુર’ ફેમ) જેના દિગ્દર્શકો છે એવી આ સિરીઝ પહેલા એપિસોડથી પાણીમાં બેસી જાય છે. કેટલાંય કારણોસર આપણને પાકો અંદાજ આવી જાય છે કે જો આને જોતા રહીશું તો ખો નીકળી જવાનો છે. દાખલા તરીકે, કોઈ મોણ વિનાની એની પટકથા છતાં નવેનવ એપિસોડ્સ કલાક-કલાક લાંબા છે. અલા ભઈ, તમારો મુદ્દો અડધો કલાક પણ ખેંચવાની ત્રેવડ રાખતો નથી તો શું જોઈને કલાક લાંબા એપિસોડ્સ બનાવો છો યાર? દાખલા તરીકે, વાત ત્રિભુવનની હતી, એમાં ગુંડાગીરી, બિલ્ડર લોબી, પોલીસ, પાડોશી… બધું નાખ્યું એનો વાંધો નહીં પણ એમાંથી કોઈ કરતાં કોઈનો મનોરંજક ઉપયોગ જ તમે કરી શક્યા નહીં, તો એ ક્યાંની ક્રિએટિવિટી?

એવું નથી જ કે સિરીઝ સારી ના બની શકી હોત. બિલકુલ બની શકત. એ માટે જરૂર હતી પટકથામાં કુબેરીયિત દર્શાવતા વેડફી નાખવામાં આવતી ઝીણીઝીણી બાબતોને કલ્પનાશીલ રીતે જીવવાની અને વાપરવાની. એના માટે જરૂરી હતું ત્રિભુવનની તકલીફો સાથે સંકળાયેલા ઇમોશન્સ અને એના પરિવારની ભીંસ પણ ઉજાગરક કરવાની હતી. એ કામ તો સમ ખાવા પૂરતાં થયાં જ નથી. ઊલટાનું. હળવી રમૂજના હલેસે સિરીઝની નૈયાને પાર લગાડવા સખત સિચ્યુએશનને પણ સાવ નકામી કરી દેવામાં આવી છે. પેલો રાજાભૈયા, એનો હરીફ ગુંડો આખા નોઇડામાં એયને મનમાની કર્યે રાખે છે પણ બબ્બે પોલીસ કર્મચારીઓનાં (વત્તા સ્ત્રી પોલીસ કર્મચારી પણ) પાત્ર આખી સિરીઝમાં એક મચ્છર મારવાને સક્ષમ હોય એવું કશું કરતાં જ નથી. સીધાસાદા સરકારી કર્મચારીના જિગોલો બન્યે એના માર્ગદર્શક સાથેનાં એનાં દ્રશ્યો પણ મસ્ત બની શક્યાં હોત. એવું કશું થતું નથી. હોટેલમાં ચાલતા દેહવિક્રય અને ખરીદીના વેપારના મુદ્દાને પણ સાવ ક્ષુલ્લક રીતે રજૂ કરાયો છે. બે-ત્રણ એપિસોડ પછી દરેક એપિસોડમાં એવી એકાદ પરચૂરણ ઘટના છે જેમાંથી, પાણીમાંથી પોરા કાઢવાની અદામાં, ઘણા આયામ સર્જી શકાયા હોત. એનાથી સિરીઝ રોચક બની હોત. એ પણ નથી થયું. ટૂંકમાં, સિરીઝની ભેંસ પાણીમાં ગઈ છે.

બીજી વાત. રમજૂ કે રજૂઆતના મોરચે માર ખાતી આ સિરીઝમાં, ‘મિર્ઝાપુર’ છાપ ગાળાગાળી અને કામુક દ્રશ્યો પણ વાત સંગીન બનાવવાને બદલે હલકી બનાવે છે. ઇન ફેક્ટ, સીએ જેવા સુશિક્ષિતની, જવાબદાર સરકારી ઓફિસરની વાત હતી, પરિવાર પણ સંસ્કારી હતો, તો લખાણ અને ટ્રીટમેન્ટમાં ઔચિત્ય જાળવીને કદાચ બાજી થોડી સારી રીતે સંભાળી શકાઈ હોત. સેક્સનાં દ્રશ્યો સુધ્ધાં ખૂબ પાંગળાં છે. સરવાળે, એક પોઇન્ટ પછી સિરીઝ એવી માથે વાગવા માંડે છે કે એને જોવાનું નક્કર (દાખલા તરીકે આ લખનારની જેમ એના વિશે શાબ્દિક જ્ઞાનપ્રસારનું કાર્ય) ના હોય તો મનમાં થાય કે અબીહાલ રિમોટ લઈને આને બંધ કરી દઉં. અને કરી જ દેવાની, થોડા કાંઈ એવું લખાવીને આવ્યા છીએ કે ઓટીટી પર આવે એ બધું જોવાનું એટલે જોવાનું જ?

અભિનયની વાત કરીએ તો, ઉપર લખ્યા પ્રમાણે, માનવ અને તિલોતમા સિરીઝની જાન છે. દિશાવિહોણી સિરીઝમાં બેઉ અનુભવનો ઉપયોગ કરીને વાતને જેમતેમ થોડીઘણી સહ્ય રાખવાનું કાર્ય કરી જાય છે. અશોકલતા તરીકે નૈના એવરેજ છે. શુભ્રજ્યોતિ બીબાઢાળ ચહેરાથી ટિકારામને થોડોઘણો ધ્યાન ખેંચનારો બનાવે છે. શ્વેતા બસુનું પાત્ર પ્રમાણમાં થોડા વધુ શેડ્સ ધરાવે છે અને એનો એ પૂરો ફાયદો ઉઠાવી શકી છે. બાકીના કલાકારોમાં અરમજીત અને અશોક પાઠક ધ્યાન ખેંચે છે. ફૈઝલ મલિક વેડફાયો છે.

મેકિંગના મુદ્દે સિરીઝમાં કોઈ ચમત્કૃતિ નથી. એવી કોઈ મોમેન્ટ એમાં બનતી નથી જે યાદ રહી જાય. ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સિરીઝના ટાઇટલ સાથે સીએનો વ્યવસાય સાંકળવા સામે આપત્તિ નોંધાવી હતી એમાં સિરીઝને બિનજરૂરી હાઇપ મળી હતી. જોયા પછી કહી શકાય કે એમણે આ સિરીઝને જેમ આવી એમ જતી રહેવા દેવી જોઈતી હતી. કારણ દર્શકો એની ખાસ નોંધ લે એવા બુડથલ નથી. તેઓ, ટાઇટલમાં સીએ હોવાથી સીએના વ્યવસાય સાથે સિરીઝને કનેક્ટ કરે, એવા પણ બાઘ્ઘા નથી.

ફાઇનલી, આ પણ જાણી લો. ‘ત્રિભુવન મિશ્રા સીએ ટોપર’નું ટાઇટલ સોન્ગ પણ માથામાં વાગે એવું છે. એપિસોડ્સમાં આવતાં અમુક ગીતો, કદાચ, ગણગણવાં ગમે એવાં બન્યાં છે પણ, પડદે સિચ્યુએશન ખૂબ મામૂલી હોવાથી એ ગીતો પણ છેલ્લે તો કોઈ કામનાં રહેતાં નથી. છોડો, આ સિરીઝને તો પડતી જ મેલી દો.

નવું શું છે?

  • જયપ્રદ દેસાઈ દિગ્દર્શિત ‘ફિર આયી હસીન દિલરૂબા’ નવમી ઓગસ્ટે નેટફિલ્કસ પર આવશે. એ છે 2021ની રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરૂબા’ની સિક્વલ. તાપસી પન્નુ અને વિક્રાંત મેસી સાથે એમાં છે સની કૌશલ.
  • ઇરફાન ખાન અને જુહી ચાવલાની ‘સાઢે સાત ફેરે: મોર ધેન અ વેડિંગ’ આમ તો 2005ની ફિલ્મ. ઓટીટી પર એ છેક 19 વરસે આવી છે. જોઈ શકાય છે પ્રાઇમ વિડિયો અને શેમારૂ મી પર.
  • સાયન્સ ફિક્શન ‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ નવમી મેએ આવી હતી. એણે આશરે 400 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આજથી એ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે.
  • બીજી એક સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ડ્યુન’ને બીજો ભાગ પણ ઓટીટી પર આવ્યો છે. જીયો સિનેમા પર ગઈકાલથી એ સ્ટ્રીમ થવા માંડી છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 02 ઓગસ્ટ 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: