ક વાત નક્કી છે. અમેરિકા કે યુરોપના રાગ તાણીને એમને સૌથી પ્રગતિશાળી ગણનારા લોકોને દુબઈની ક્ષમતાનો ખ્યાલ નથી. એવું જ ચીનનું છે જેને આપણે ભાંડતા હોઈએ છીએ. ચીન વિકસિત દેશોને છક્કડ ખવડાવે એવો દેશ છે. યુએઈની પ્રગતિ મુખ્યત્વે શાસકો અને પ્રજાની જીદ અને એમની કર્તવ્યપારાયણતાથી છે. નથી એ ઉત્પાદનક્ષેત્રે અવ્વલ કે નથી એની પાસે એવા નૈસર્ગિક ખજાના જેનાથી પ્રગતિ આસાન થાય. યુએઈ પાસે સૌથી મૂલ્યવાન છે વિઝન.

વિઝનની તાકાત પર યુએઈએએ અનેક મોરચે ઈર્ષ્યા કરાવે એવી પ્રગતિ સાધી છે. પચાસ વરસમાં ત્યાં સાક્ષરતાનું પ્રમાણ 48 ટકાથી વધીને 95 ટકા થયું છે. વિદ્યાર્થીઓમાં છોકરા-છોકરીઓ લગભગ સરખી સંખ્યામાં છે. જીડીપીના મામલે એ વિશ્વમાં સાતમા સ્થાને છે. 99 ટકા લોકો મોબાઇલ ધરાવે છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આખા દેશમાં છે. 2019માં યુએઈના પ્રવાસીઓની સંખ્યા 1.67 કરોડ હતી. દુબઈ એરપોર્ટ વિશ્વનું એક સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. યુએઈની ફેડરલ નેશનલ કાઉન્સિલમાં સ્ત્રીઓનું પચાસ ટકા પ્રતિનિધિત્વ છે.
1970ના દાયકામાં સવાત્રણ લાખ જેટલું પશુધન ધરાવતા દેશમાં આજે પચાસ લાખથી વધુ પશુઓ છે. નામનો વરસાદ છતાં યુએઈમાં સૌને ચોવીસ કલાક પાણી મળે છે. વીજળીની સમસ્યા નથી. કાયદો અસરકારક છે. ગુના થાય પણ હીનતાની હદ વટાવનારા, રોજ અને અસંખ્ય થતા નથી. સરકાર કાર્યક્ષમ અને પ્રગતિલક્ષી છે. લોકોના જીવનમાં આડખીલી બનતા નિર્ણયો કે કામ કે બાધારૂપ ગંદું રાજકારણ સત્તાધીશો નથી રમતા.
ધાર્મિક નીતિ પણ સરાહનીય છે. સરકારમાં એક પ્રધાન ટોલરન્સ મિનિસ્ટર છે જે સર્વધર્મ સમભાવની ભાવના ટકી રહે એ માટે કામ કરે છે. દેશઘડતર માટે, પ્રજાની સુખાકારી, સમૃદ્ધિ માટે અનિવાર્ય ગુણો યુએઈએ આત્મસાત્ કર્યા છે. એની ભવિષ્યલક્ષી ગતિ તેજ છે. માનવધન વિના પ્રગતિ શક્ય નથી એ યુએઈ જાણે છે. એટલે એ વિદેશી ટેલેન્ટ સહર્ષ આવકારે છે. એ પણ ખરું કે વિદેશીઓ માટે વરસોના વૈતરાં પછી પણ સંપૂર્ણ નાગરિકત્વ મેળવું લગભગ ઇમ્પોસિબલ છે. યુએઈનું નાગરિકત્વ અરજી કરીને નહીં પણ રાજવી પરિવાર કે ઉચ્ચ અધિકારીની ભલામણથી મળી શકે છે. એ માટે ત્યાં 30 વરસનો વસવાટ, અરેબિક પર પ્રભુત્વ પણ જોઈએ.
નિવૃત્તિ પછી પેન્શન અને આર્થિક સુરક્ષિતતાના વિકલ્પો પણ નથી. એમાં ફેરફાર કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. થાય ત્યારે ખરું. કોવિડકાળમાં માનવધનની ટંચાઈએ યુએઈને ઘણા પાઠ શીખવ્યા. એમાંથી કશુંક શીખીને એ વિદેશીઓને નાગરિકત્વ આપવાના મામલે નક્કર પ્રગતિ સાધશે એવી આશા રાખી શકાય. એમ થાય તો ત્યાં વસતા અનેકને નાગરિકત્વ સાથે વિશ્વના એક સૌથી પાવરફુલ એવા એમિરેટી પાસપોર્ટ ઉપરાંત અનેક લાભ અને સન્માન મળશે.

ત્યાં વસતા ભારતીયોને નિવૃત્તિ પછીની સિક્યોરિટીની ચિંતા હોય છે. તેઓ જે બચત કરે એનું ભારતમાં રોકાણ કરે છે. આવક રોકાણ થઈ શકે એટલી સારી ના હોય એમના માટે નિવૃત્તિ પછી શું એ પ્રશ્ન વિકરાળ બની જાય છે. એવા ભારતીયોની સંખ્યા નાનીસૂની નથી. સામાન્ય નોકરી ધરાવતો ભારતીય ત્યાં પાંચેક હજાર દિરહામની આવકે પહોંચે તો પણ રકમ થઈ એક લાખ રૂપિયા આસપાસ. યુએઈના ખર્ચ સામે એ જબ્બર આવક નથી. એમાંથી કરકસર કરીને જે બચે એ બચે. પણ બે-અઢી અને ત્રણ હજાર દિરહામ આવક ધરાવતા ભારતીયો ઝાઝા છે.

યુવાનવયે ત્યાં જનારે અગવડ વચ્ચે રહેવાની તૈયારી રાખવી પડે છે. એણે બીજા કર્માચારીઓ સાથે સંકડાશમાં રહેવું પડે. કામકાજના કલાકો પણ વધારે હોઈ શકે. વ્હાઇટ કૉલર જૉબ્સ માટે યુએઈ જેટલું ઉપયુક્ત છે એટલું કદાચ બ્લ્યુ કૉલર જૉબ્સ માટે નથી. છતાં, વિદેશ વસવાની લાલચ અને અહીં કરતાં થોડા વધારે કમાવાની ગણતરી ભારતીયોને ત્યાં ખેંચી જાય છે. એ લોકોને કંપની તરફથી રહેવાની અને ભોજનની સગવડ મળ્યે ઠીકઠીક બચત થાય છે. એ જો પોતે કરવાનું આવ્યું તો બચત અઘરી થઈ જાય.
વેપારના મામલે એવી સમજણ છે કે દુબઈમાં કોઈ સીધા કર નથી. વાત સાચી પણ સિચ્યુએશન જલદી બદલાવાની છે. એની પૂર્વતૈયારી વરસોથી થઈ રહી હતી. સરકાર વેપારીઓ પાસેથી લેતીદેતીનો સવિસ્તર રેકોર્ડ એ માટે એકત્રિત કરી રહી હતી. હવે જૂન 2023 પછી ગમે ત્યારે સીધો કર લાગુ પડશે. નવા નિયમ અનુસાર પોણાચાર લાખથી વધુ દિરહામનો નફો ધરાવતા બિઝનેસે નવ ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. મતલબ 80 લાખ રૂપિયાથી વધુનો નફો કરતી કંપનીઓએ કર આપવો પડશે. એથી દુબઈમાં બિઝનેસ કરવો મોટી કંપનીઓ માટે થોડો મુશ્કેલ થશે કેમ કે નફાશક્તિ પર અસર પડશે જ.
વેપારીઓને આકર્ષવા દુબઈ, રાસ અલ ખૈમા, શારજાહ, અબુધાબી વગેરે એમિરેટ્સ અનેક યોજના ધરાવે છે. એનું સખત પ્રમોશન પણ થાય છે. ઘણા એનાથી આકર્ષાઈને ત્યાં વેપારમાં ઝંપલાવતા હશે. ત્યાં વેપાર ના થઈ શકે એવું નથી જ પણ પાકી રૂપરેખા અને ખર્ચની સ્પષ્ટતા વિના લેવાના દેવા પડી શકે છે. સાહસિક છે એમણે દુબઈ કે યુએઈ તરફ વેપાર માટે નજર કરવી. એ તૈયારી સાથે કે શરૂઆતમાં ગરબડ થાય તો પણ ટકીને સિસ્ટમ, ખર્ચ શીખતાં લગાડેલી મૂડીમાંથી નફો રળવો છે.
ટૂંકમાં…
  • દુબઈમાં ટુરિસ્ટને ફ્રી સિમ કાર્ડ મળે છે. એ એરપોર્ટથી લઈ શકાય છે. એમાં 24 કલાક માટે એક જીબી ડેટા હોય છે. ડુ, એતિસલાટ અને વર્જિન એમ ત્રણ મોબાઈલ ઓપરેટર્સ આ સિમ કાર્ડ આપે છે જે સાતથી નેવુ દિવસ માટે એક્ટિવેટેડ રહે છે.
  • સ્થાનિક સિમ કાર્ડ ના લેવું હોય તો દુબઈ જતા પહેલાં અહીંના નંબરને ઇન્ટરનેશનલ રોમિંગ કરાવી લેવો. અઠવાડિયાના પ્રવાસમાં સરવાળે એ સસ્તું પડશે. ઇનકમિંગ અને આઉટગોઇંગ બેઉમાં શાંતિ રહેશે.
  • ત્યાં વાઈફાઈમાં વ્હોટ્સએપ નહીં થઈ શકે. એ માટે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવાનો રહેશે. વ્હોટ્સએપ જેવી બોટિમ નામની એપ ત્યાં છે. એમાં પણ વાઈફાઈ કૉલિંગ નહીં થાય. આ એપ વ્હોટ્સએપ કરતાં સારી છે એવું એને વાપર્યા પછી થશે.
  • વાઈફાઈ લગભગ બધે છે, જેથી ઇન્ટરનેટની સમસ્યા રહેતી નથી.
  • ફ્રી ઝૉન પ્રોપર્ટીઝમાં વિદેશીઓ ઘર અને ઓફિસ ખરીદી શકે છે. એ મામલે પણ સરકારી ઉદારતા વધી રહી છે. આવી પ્રાઇમ લોકેશનની પ્રોપર્ટીઝ ખર્ચાળ હોય છે.નવા વિસ્તારમાં ભાવ ઓછો હોય પણ મોટો લાભ લાંબા ગાળે જ શક્ય થનારો હોય. (ક્રમશ:)
(આ પછીનો લેખ છેલ્લો રહેશે)
(આજની મોટાભાગની તસવીરો ઇન્ટરનેટની છે)
Share: