મસ્ત 2024એ પગલાં પાડી દીધાં છે. ઓટીટી પર આ વરસે ઘણું ઘણું નવું અને જૂનાની નવી સીઝનનું જોવા મળવાનું છે. તો, શું માણવાનું છે આ વરસે એની વાત કરીએ

 ઇન્ડિયન પોલીસ ફોર્સઃ પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મો આપણે ત્યાં બહુ જોવાય છે. કોઈકમાં પોલીસ હીરો તો કોઈકમાં સમાજનો દુશ્મન. રોહિત શેટ્ટીનું સર્જન અને એમની સાથે સુશ્વાંત પ્રકાશે દિગ્દર્શિત કરેલી નવી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વરસની પહેલી સૌથી આશાસ્પદ સિરીઝ છે. એ એક્શન થ્રિલર છે, મોટ્ટા સ્ટાર્સ ધરાવે છે અને ખર્ચાળ પણ છે. સિરીઝ પ્રાઇમ વિડિયો પર 19 જાન્યુઆરીએ સ્ટ્રીમ થવાનું શરૂ કરશે. સાત એપિસોડ્સ છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી, નિકિતિન ધીર, શરદ કેળકર, મુકેશ રિશી વગેરે ફાંકડા રોલમાં જોવા મળશે.

આશ્રમઃ ભગવાન હૂં મૈં… એવો દાવો કરતા પાખંડી બાબા નિરાલા તરીકે બોબી દેઓલને સૌએ માણ્યો છે. એની સાથે સિરીઝમાં ચંદન રોય સન્યાલ, અદિતી પોહણકર, તુષા પાંડે, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી જેવાં કંઈક કલાકારોને ઝળકતાં આપણે જોયાં છે. એની ઓલરેડી ત્રણ સીઝન થઈ ચૂકી છે. પહેલી સુર હતી, બીજી પણ સારી અને ત્રીજી ઠીકઠીક હતી. ચોથી સિરીઝમાં સર્જક પ્રકાશ ઝા કયો જાદુ પાથરશે એની હવે ઇંતેજારી છે. એનું ટ્રેલર આવી ચૂક્યું છે. 19 જાન્યુઆરીએ એમએક્સ પ્લેયર પર ચોથી સીઝન શરૂ થાય એટલે ખબર કે એમાં કેટલો દમ છે. એટલું જરૂર ધારી શકાય કે ઝા જેવા સિદ્ધ સર્જકની સિરીઝ અપેક્ષા કરતાં સાવ ઊણી ઊતરવાની નથી.

પંચાયતઃ દેશી ભારતને દમદાર રીતે દર્શકો સુધી પહોંચાડવામાં ઊંચે ઝંડા ફરકાવનારી નોંધનીય સિરીઝ એટલે ‘પંચાયત.’ સિરીઝ બનાવવાની શરૂઆત કરતી વખતે કદાચ મેકર્સે પણ નહીં વિચાર્યું હોય એવી સફળતા સિરીઝને મળી છે. જિતેન્દ્ર કુમારને અભિષેક ત્રિપાઠી તરીકે દર્શકોએ વધાવ્યો તો ખરો, સાથે સ્ટાર પણ બનાવ્યો. સાથે છે નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય જેવાં કલાકારો. દરેકે પાત્રને સરસ જીવ્યું છે. સાન્વિકાએ એમાં પ્રધાનની દીકરી રિન્કી તરીકે પાછલી એટલે બીજી સીઝનમાં એન્ટ્રી લીધી હતી. ત્રીજી સીઝન આવી રહી છે 15 જાન્યુઆરીથી, પ્રાઇમ વિડિયો પર. ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફુલેરામાં ત્રિપાઠી એન્ડ ટીમ હવે કયા નવા રંગો પાથરશે એ જોવાની ઉત્સુકતા શમાવવા તૈયાર રહેજો.

હીરામંડીઃ સંજય લીલા ભણસાલીનું કોઈ પણ સર્જન હોય, દર્શકો જબ્બર આતુરતા સાથે એની પ્રતીક્ષા કરે એમાં નવાઈ શી? ‘હીરામંડી’ જોકે ક્યારની આવુંઆવું કરી રહી છે. લાહોરમાં આવેલો રેડ લાઇટ એરિયા, જે શાહી મોહલ્લા તરીકે પણ ઓળખાય છે (પાકિસ્તાની ફિલ્મ બોલમાં એને સરસ રીતે પેશ કરાયો હતો) એની આસપાસ ઘુમરાતી ભણસાલીની સિરીઝ નેટફ્લિક્સ પર આ વરસે તો આવી જ જશે એવી આશા અસ્થાને નથી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ, શરમીન સેહગલ… એકએકથી જાણીતી માનુનીઓ સિરીઝમાં ઝળકવાની છે. આઝાદી પહેલાં હીરામંડી શું ચીજ હતી એ જોવા અને ભણસાલીની ભવ્યતા માણવામાં ખરેખર મજા પડવાની છે.

ફર્ઝીઃ રાજ અને ડી.કેની શાહિદ કપૂરને ચમકાવતી, પ્રાઇમ વિડિયોની સિરીઝ ‘ફર્ઝી’ની પહેલી સીઝન સારી જરૂર હતી, પણ અસાધારણ નહોતી. છતાં, સ્ટારડમ સાથેની આ સિરીઝની નવી સિરીઝ આવે એ સહજ ગણી શકાય. નકલી ચલણી નોટોની વાત કરતી આ સિરીઝની પહેલી સીઝન ગયા વરસની શરૂઆતમાં આવી હતી. નવી સીઝન બરાબર એક વરસે આવવાના આસાર છે. શાહિદ ઉપરાંત એમાં વિજય સેતુપતિ, કે કે મેનન, ઝાકીર હુસેન, અમોલ પાલેકર, રાશિ ખન્ના, ભુવન અરોરા વગેરે પણ છે. એની નવી સીઝન આવવાની છે એ શાહિદે જાતે જાહેર કર્યું હતું. જોવાનું એ રહે છે કે ક્યારે અને કેટલા એપિસોડ્સ સાથે.

ફેમિલી મેન: ઓટીટીની પ્રાઇમ વિડિયોની એક સૌથી લોકપ્રિય સિરીઝ ‘ફેમિલી મેન’ની ત્રીજી સીઝન પણ આકાર લઈ રહી છે. એના સર્જક પણ રાજ અને ડી. કે. છે. શ્રીકાંત તિવારી તરીકે મનોજ બાજપાયી સાથે એમાં શારિબ હાશમી, પ્રિયામણિ, વેદાંત સિંહા, સામંતા રુથ પ્રભુ, શ્રેયા ધનવંતરાય જેવાં કલાકારો પણ છે. ત્રીજી સીઝનની કથા, જાણકારી અનુસાર, આપણાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો પર કોવિડના જીવાણુઓથી ચીનના આક્રમણ આસપાસ ફરે છે. આ નિશ્ચિતપણે એક એવી સિરીઝ છે જેને વારંવાર માણવી લોકોને ગમશે.

સ્પેશિયલ ઓપ્સઃ સિતારાઓ સભર ડિઝની પ્લસ હોટસ્ટારની આ જાણીતી સિરીઝ છે. કે. કે. મેનન, કરણ ઠાકર, વિનય પાઠક, સજ્જાદ ડેલાફ્રુઝ, સંયમી ખેર, ગૌતમી કપૂર વગેરે એમાં પ્રમુખ પાત્રોમાં છે. નીરજ પાંડે એના સર્જક છે. એમની સાથે મળી શિવમ નાયરે પહેલી બે સીઝનનું દિગ્દર્શન કર્યું છે. સિરીઝ એક્શન થ્રિલર છે. મૂળે એ સ્ટાર પ્લસ માટે છેક 2010માં વિચારવામાં આવેલો શો હતો. 2020માં એની પહેલી સીઝન આવી હતી. પછી એની પ્રિક્વલ પણ આવી હતી. હવે કથા આગળ વધશે અને એ પણ બહુ જલદી વધશે એવી આશા છે.

કપિલ શર્મા શોઃ ટેલિવિઝન પર ગાજેલા આ શોને હવે નેટફ્લિક્સ પર માણવાનો છે. એનો પ્રોમો ક્યારનો આવી ચૂક્યો છે. અર્ચના પુરણ સિંઘ સહિતની કૃષ્ણા અભિષેક, કિકુ શારદા સહિતની ટીમ શોમાં યથાવત છે. સ્ટેન્ડ અપ કોમેડીના મોરચે, જસપાલ ભટ્ટી અને શેખર સુમન વગેરે પછી મોટી સફળતા આ શોએ મેળવી છે. એના થકી કપિલ શર્મા સ્ટાર બન્યો છે. રિલીઝની તારીખ હજી આવી નથી પણ શો આવશે બહુ જલદી.

કર્મા કૉલિંગઃ રવિના ટંડનને મુખ્ય પાત્રમાં ચમકાવતી આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રજાસત્તાક દિવસે રિલીઝ થશે. એલેક્ઝાંડર ડુમસની એક નવલકથાથી પ્રેરિત અમેરિકન સિરીઝનું એ ભારતીય સંસ્કરણ છે. રવિના એમાં ઇન્દ્રાણી કોઠારીના પાત્રમાં છે. સરબા દાસ દિગ્દર્શિત આ સિરીઝમાં સુલેખા દેસ, ગાર્ગી મુખર્જી, દર્શન જરીવાલા, બર્નાલી દાસ વગેરે કલાકારો છે.

ગુલ્લકઃ સ્વચ્છ પારિવારિક સિરીઝની વાત આવે ત્યારે શિરમોર સાબિત થનારી એક સિરીઝ આ છે. એ પણ ભરપૂર સ્મિત અને હાસ્યના ડોઝ સાથે. એનાં પાત્રો, એનું વાતાવરણ વગેરે બધું એકદમ બિલિવેબલ છે. સોની લિવ પર આ શોની ચોથી સીઝન આ વરસની શરૂઆતમાં જ આવવાની છે. એમાં મિત્રા ફેમિલીના જીવન આસપાસ ફરતી ઘટનાઓ છે. ક્યારેક દૂરદર્શન પર કમાલ કરનારી યે જો હૈ ઝિંદગી જેવી પારિવારિક સિરીઝ જેવી તાસીર આ સિરીઝની છે. જમીલ ખાન, ગીતાંજલિ કુલક્ણી, વૈભવ રાજ ગુપ્તા. હર્ષ માયર વગેરેને ચમકાવતી સિરીઝના સર્જક શ્રેયાંશ પાંડે અને દિગ્દર્શકો અમૃત રાજ ગુપ્તા અને પલાશ વાસવાની છે.

નવું શું છે?

  • તેલુગુ ફિલ્મ ‘હાઈ નન્ના’ (એટલે હેલો પપ્પા) નેટફ્લિક્સ પર આવી છે. સંવેદનશીલ અને જકડી રાખતી ફિલ્મમાં નાની અને મૃણાલ ઠાકુર સાથે કિઆરા ખન્ના, અંગદ બેદી વગેરે છે. વાર્તા એક ફેશન ફોટોગ્રાફર પિતા અને એની દીકરીની છે. સબટાઇટલ્સ સાથે એ જોઈ શકાય છે.
  • ગયા વરસની ગાજેલી ‘ધ કેરલા સ્ટોરી’ ઝી ફાઇવ પર જોવા મળશે. સ્ટ્રીમિંગ 12 અથવા 19 જાન્યુઆરીએ શરૂ થશે.
  • કપિલ શર્માને ચમકાવતી ‘ઝ્વિગાટો’ પણ નેટપ્લિક્સ પર આવી રહી છે. તારીખ જાહેર થવાની બાકી છે.
  • બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહેનારી અમુક ફિલ્મો ઓટીટી પર સારી જોવાઈ રહી છે. એવી ફિલ્મોમાં સામેલ છે ‘લાલ સિંઘ ચઢ્ઢા’, ‘એન એક્શન હીરો’, ‘સંદીપ ઔર પિન્કી ફરાર’, ‘સોનચીડિયા’, ‘ધક ધક’ વગેરે.
  • પ્રાઇમ વિડિયો પર સલમાન ખાન અને કેટરિના કૈફની ‘ટાઇગર થ્રી’ આવી ચૂકી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને સારી સફળતા મળી હતી.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/12-01-2024/6

Share: