કહે છે ‘પંચાયત’ સિરીઝ પહેલવહેલી વખત બની એ પછી નીના ગુપ્તાએ કહ્યું હતું, “યે ક્યા બના ડાલા? કૌન દેખેગા યે સિરીઝ?” કોરોના લૉકડાઉનના સખત સમયકાળમાં આ સિરીઝ ઓટીટી પર આવી હતી. લોકો પાસે સમયની રેલમછેલ હતી. નિરાશા, ચિંતા, ઉદ્વેગ અને અનિશ્ચિતતાથી સૌ પીડાઈ રહ્યા હતા. એમાં ‘પંચાયત’ આવી. સરળતા, ગ્રામ્યતા અને ગમતીલી નિર્દોષતાએ એને ઇન્સ્ટન્ટ હિટ બનાવી હતી. ટીવીના રિયાલિટી શોઝના, ઘણી લાઉડ ફિલ્મોના બીબાઢાળ, બેકાર હાસ્યને બદલે ‘પંચાયત’ નિર્ભેળ હાસ્ય ધરાવતી હતી. એનાં પાત્રો ફિલ્મી નહીં, એકદમ આપણી જેવા, બિલિવેબલ હતાં. સચિવ અભિષેક ત્રિપાઠી, પ્રધાન બ્રિજભૂષણ (રઘુવીર યાદવ), મંજુદેવી (નીના ગુપ્તા), સહાયક વિકાસ (ચંદન રોય) વગેરે સૌ એકદમ રિયલ લાગનારાં હતાં. ત્યારે જીતેન્દ્ર કુમારને કોઈ ઓળખતું નહોતું. એ અજાણ્યો ચહેરો હતો. પણ એના અંડરપ્લેએ, એણે લાવેલી તાજગીએ રંગ રાખ્યો. પંચાયત અકલ્પનીય હદે સફળ રહી. આ સફળતાએ નીનાને પણ સ્તબ્ધતા અને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હશે. હવે તો એ ઓટીટીની અત્યાર સુધીની એક સૌથી લોકપ્રિય સિરીઝનું સ્થાન મેળવી ચૂકી છે.
હવે આવી છે એની સીઝન ત્રણ. પહેલી સીઝન પતી રિન્કુ (સાન્વિકા)ની એન્ટ્રીના સસ્પેન્સ સાથે. બીજી પતી ઉપપ્રધાન પ્રહ્લાદ (ફૈઝલ મલિક)ના સૈનિકપુત્ર રાહુલ (શિવસ્વરૂપ પાંડે)ના અણધાર્યા અવસાનના આઘાતજનક સમાચાર સાથે. ત્રીજી સીઝનમાં શરૂ થાય છે સચિવની ટ્રાન્સફર પછીની મનઃસ્થિતિ અને એના સ્થાને ફુલેરા ગામે આગમન કરતા નવા સચિવ (વિનોદ સૂર્યવંશી) સાથે. ગામનો એક પક્ષ નવા સચિવની હકાલપટ્ટી માટે રણે ચડ્યો છે તો પ્રધાનવિરોધી ભૂષણ (દુર્ગેશ કુમાર) અને મંડળી મરણિયો થયો છે નવા સચિવને ટકાવવા અને એના થકી, વિધાયક ચંદ્રકિશોર (પંકજ ઝા)ની રહેમનજર પામવા. છેવટે જોકે પદ પર પાછો તો જૂનો સચિવ અભિષેક જ આવે છે.
સિરીઝ આઠ એપિસોડની છે. એમાં પહેલાં ભાગ્યે જ કે નહીં દેખાયેલાં પાત્રો પણ લાઇમલાઇટમાં છે. એમાં પહેલાં ક્યારેય નહીં સાંભળેલી પૂર્વ અને પશ્ચિમ ફુલેરા એવી ભાગલાવાદની વાત પણ છે. એની લીધે ફુલેરાની ટીચકા જેવડા ગામની છબિ વિશે શંકા થાય છે. આ પહેલાં વિધાયક ચંદ્રકિશોર સિંઘ (પંકજ ઝા) અને એની ખુન્નસ હતાં પણ એ કથાનકમાં સર્વસ્વ નહોતાં. આ વખતે બધું ઉપરતળે થયું છે.
આ વખતે નિર્દોષતા અને સહજ હાસ્ય માત્ર વરખ બનીને રહી ગયાં છે. રાજકારણ બની છે મીઠાઈ. એમાં મીઠાશ ઓછી અને કડવાશ ઝાઝી છે. સચિવપદની ખેંચતાણ પછી આવે છે ડોસીમા દમયંતી દેવી (આભા શર્મા)નો પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મફત ઘર પડાવાનો દાવ. એ થાળે પડે છે ત્યાં ફુલેરાના પ્રધાનની ચૂંટણી સાથે વિધાયક પુરાણ શરૂ થઈ જાય છે. છેલ્લે ગોળીબાર સુધી વાત પહોંચે છે.
‘પંચાયત’નાં પાત્રો સાથે દર્શકોનો સજ્જડ ઘરોબો થયો છે. કોઈ પણ શો કે સિરીઝ માટે પ્રમાણમાં નબળી સીઝનમાં પણ સિક્સર મારવી એનાથી આસાન થાય છે. ઉપરાંત, જે તરેહની આ સિરીઝ છે એવી સિરીઝ આપણે ત્યાં ખરેખર બહુ ઓછી છે. એટલે પણ ‘પંચાયત’ પોતીકી લાગે છે. આ સીઝનમાં જો રાજકારણ થોડું ઓછું હોત, સચિવ અને રિન્કુના પ્રણયના રંગ થોડા વધુ વેરાયા હોત.
‘પંચાયત’ને માણવા જેવી બનાવતું એક અંગ પાત્રવરણી અને અભિનય છે. મુખ્ય પાત્રો તો ઠીક, સાથી પાત્રો અને કલાકારો પણ બિલિવેબલ છે. પ્રહ્લાદ તરીકે ફૈઝલ અને ભૂષણની પત્ની ક્રાંતિ દેવી તરીકે સુનિતા રાજવર આ સીઝનનાં બે ધ્યાન ખેંચતાં પાત્રો છે. ફૈઝલ પ્રતીક ગાંધીની લેટેસ્ટ ઓટીટી ફિલ્મ ‘ડેઢ બિઘા ઝમીન’માં પણ મહત્ત્વના પાત્રમાં છે. સાથે, ભૂષણના પોઠિયા બિનોદ તરીકે અશોક પાઠક અને ભુકટુન તરીકે કુમાર પાસવાન પણ સરસ છે. બમ બહાદુર તરીકે અમિત કુમાર મૌર્ય, રિન્કુની સખી રવિના તરીકે આંચલ તિવારી અને એના પતિ ગણેશ તરીકે આસીફ ખાન પણ નોંધ લેવડાવે છે. રહી વાત મુખ્ય પાત્રોની તો, રઘુબીર, નીના, જીતેન્દ્ર વગેરે સૌ પહેલાંની જેમ જ પોતપોતાના પાત્રમાં એકરસ છે. એમના લીધે આ શો જાનદાર હતો અને છે.
ગઈ બે સીઝન કરતાં આ વખતે શોમાં ભપકો અને ખર્ચો પણ વધુ છે જે ઊડીને આંખે વળગે છે. રસ્તાથી લઈને પંચાયત ઓફિસની ચીજો, બધું ધ્યાનથી જોશો તો એનો ખ્યાલ આવશે. વસ્ત્રો પણ વધુ વરણાગી થયાં છે. એટલે ક્યાંક ક્યાં આ ગામડિયા બ્રાન્ડેડ સિરીઝ થોડીક તો થોડીક પણ પોશ થઈ છે.
ટૂંકમાં, ‘પંચાયત’ની નવી સીઝનનાં બે મોઢે વખાણ શક્ય નથી પણ એને ઉતારી પાડવી ઇમ્પોસિબલ છે. સિરીઝ શરૂ કરવા સાથે એની પાછલી વાતોનું સંસ્મરણ અને કશુંક નવું, રસાળ જોવાની ઉત્કંઠા આપણને એના સાથે તાદાત્મ્ય રાખવાને મજબૂર કરે છે. આ પહેલાંની બે સીઝન તમે જો જોઈ નથી તો પહેલું કામ એ જોવાનું રાખો, પછી આવી પહોંચો ત્રીજી સીઝન પર.
પંચાયતની જાણી-અજાણી
- ‘પંચાયત’ની પ્રેરણા દૂરદર્શનના ક્લાસિક શોઝ, જેમ કે ‘માલગુડી ડેઝ’, ‘પોટલી બાબા કી’, ‘સ્વામી’, ‘તેલાની રામા’ વગેરે છે. સિરીઝના દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ ‘પંચાયત’ પહેલાં પડદા માટે ડિરેક્શન કર્યું નહોતું.
- દીપક અભિનેતા પણ છે. પંચાયતની પહેલી સીઝન સહિત ‘ગુલ્લક’, ‘પરમાનન્ટ રૂમમેટ્સ’, ‘ધ ઇન્ટર્ન્સ’, ‘હોસ્ટેલ ડેઝ’ વગેરેમાં એમણે નાનાં પાત્રો ભજવ્યાં છે.
- એસી રૂમમાં પિત્ઝા ખાતા ખાતા અને મોટી મોટી ડિંગ હાંકતા કોન્સેપ્ટ બનાવવાને બદલે મિશ્રા અને લેખક ચંદન કુમારે પંચાયતની પ્રેરણા મેળવવા ઘણાં ગામડાં ખૂંદી નાખ્યાં હતાં. એમાંથી એક વાક્યમાં એમણે કોન્સેપ્ટ તૈયાર કર્યો, “એન્જિનિયરિંગનો એક ગ્રેજ્યુએટ કોઈક સુદૂર ગામડે ઓછા પગારની નોકરી સ્વીકારે તો?”
- સિરીઝનું નામ એ સમયે એસડીઓ સાહેબ હતું અને પછી બદલાવીને કરવામાં આવ્યું ‘પંચાયત’.
- પંચાયતમાં દેખાડેલી પંચાયત ઓફિસ અને પ્રધાનનું ઘર, બેઉ ખરેખર એ જ છે. એ માટે પરમિશન મેળવીને ત્યાં શૂટિંગ કરવામાં આવ્યું. ફુલેરા છે મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાનું મહોદિયા ગામ. ભોપાલથી એ 40 કિલોમીટરે છે. ત્યાં શૂટિંગ કરવું શક્ય નહોતું. એ માટે ગામ સુધી પહોંચવાના રસ્તાથી માંડીને બીજું ઘણું બધું બનાવ્યું નિર્માતા ધ વાઇરલ ફીવર કંપનીએ.
- પ્રહ્લાદ બનતો ફૈઝલમલિક નિર્માતા પણ છે અને એમની નિર્માણ કંપનીનું નામ હમારી ફિલ્મ કંપની છે.
નવું શું છે?
- પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ડેઢ બિઘા ઝમીન’ ઓટીટી પર જોવી છે? તો જિયો સિનેમાને ચૂકવવાના રહેશે રૂ. એ છે પે પર વ્યુ ફિલ્મ. એના લેખક-દિગ્દર્શક છે પુલકિત.
- સ્વિડિશ ડ્રામા મૂવી ‘અ પાર્ટ ઓફ યુ’ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી છે. એમાં ફેલિશિયા મેક્ઝિમ, એડવિન રાયડિંગ અને ઝારા લાર્સન છે.
- ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘કેમડેન’ નામે મ્યુઝિક ડોક્યુમેન્ટરી આવી છે. એ છે લંડનના કુખ્યાત કેમડેન ટાઉન વિશે.
- અનુષ્કા શર્માને ચમકાવતી ફિલ્મ ‘છકડા એક્સપ્રેસ’ ઓરિજિનલી આવવાની હતી નેટફ્લિક્સ પર. એ પણ ગયા વરસે. જોકે બેઉ પક્ષ વચ્ચે સોદો થઈ નહીં શકવાથી હવે ફિલ્મ કોઈક અન્ય પ્લેટફોર્મની તલાશમાં છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.07 જૂન, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment