રંગભૂમિ પર બધું ફાઇન છે એ સિદ્ધ કરતા આ નાટકનું નામ જ યોગાનુયોગે ‘બધું ફાઇન છે’ છે. નખશિખ પારિવારિક મનોરંજન અને ભાવનાત્મક ઘટનાઓથી તરબતર આ નાટક તમે જોયું કે નહીં?

પતિપત્ની અલગ થાય ત્યારે બે વ્યક્તિ જુદી પડતી નથી. ત્યારે વિખેરાય છે પરિવાર, પરિવારજનોની લાગણીઓ, સંતાનોનું બાળપણ અને ભવિષ્ય. લેખક-પત્રકાર સંજય શાહ (આ બસ નર્યો યોગાનુયોગ કે આ લખનાર લેખક-પત્રકાર સંજય શાહ છે પણ એને આ નાટક સાથે કોઈ સીધું કનેક્શન નથી!) અને પત્ની સુલેખા થોડાં વરસ પહેલાં છુટ્ટાં પડ્યાં છે. એમને બે સંતાન, મોટી દીકરી ઋચા અને નાનો દીકરો યશ. જુદાં પડતાં સંજયના ભાગે ઋચા અને સુલેખાના ભાગે યશ આવ્યો હતો. નાટકની કથા એ સમયે શરૂ થાય છે જ્યાં પ્રેમાળ પિતા સંજય દીકરીના હાથ પીળા કરવાનો વિચાર શરૂ કરે છે. ઋચાની ચિંતા છે કે મારાં લગ્ન પછી એકલા પડી જનારા ભોળા, ભુલકણા પિતાની દેખભાળ કોણ કરશે? એમાંથી સર્જાય છે તરંગો. ઋચા પિતાને યેનકેન રીતે મનાવે છે બીજાં લગ્ન કરવા. એ સાથે સંજય મેરેજ બ્યુરો પહોંચે છે. ત્યાં એનો ભેટો થાય છે એની જ ભૂતપૂર્વ જીવનસંગિની સુલેખા સાથે!

કથાનો આટલો ઉલ્લેખ ‘બધું ફાઇન છે’ની વાત કરવા પર્યાપ્ત છે. મુખ્ય વાત છે નાટકની ખૂબીઓની. બાપદીકરીના પ્રગાઢ સંબંધો સાથે શરૂ થયા પછી નાટક સ્નિગ્ધતાથી અન્ય પાત્રોને એકરસ કરતું જાય છે. પાત્રો અને ઘટનાઓનું આ પરસ્પર સહજ ભળી જવું મજાનું છે. સુલેખા અને યશનાં પાત્રો કથામાં ઉમેરાયા પછીના વળાંકો નાટકને વધુ રસપ્રદ બનાવે છે. મધ્યાંતર પછી, સંબંધોનાં સમીકરણો જિજ્ઞાસા કરાવે છે કે આ તૂટેલો પરિવાર ક્યારેય સંધાશે કે કેમ.

આ બધાંમાં નાટકને પીઠબળ મળે છે સુંદર લેખન (મુકેશ જોષી)નું. મોંમાંથી વાહ સરી પડે એવા સંવાદો સાથે નાટકમાં પાત્રસહજ, નૈસર્ગિક સ્મિત અને હાસ્ય પણ છે. ક્યાંક કાવ્યાત્મક અદાવાળા સંવાદો ખાસ નોંધવા જેવા છે. મુકેશ ઉમદા કવિ હોવાથી આવું થવું એકદમ સહજ છે. એમાં અભિનય ઉમેરી દો. આ નાટકથી લોકપ્રિય ફિલ્મ અને ટીવી અભિનેતા સચીન પરીખે બારેક વરસે રંગભૂમિ પર પુનરાગમન કર્યું છે. સચીન સંજયના પાત્રના આયામો અને ઊંડાણને અનુભવ અને પ્રતિભાથી વિશેષ પરિમાણોથી જવી જાય છે. એટલે જ આ પાત્ર સતત બિલિવેબલ લાગે છે. દીકરીને એકલા ઉછેરનારા પિતા તરીકેની ચિંતા હોય કે ચિંતાઓને હરાવવાની ઝિંદાદિલી, બેઉ એ સરસ રીતે પેશ કરે છે. ઋચા તરીકે વિધિ ચિતલિયા પણ નોંધનીય છે. રંગભૂમિ પર એનું પ્રથમ નાટક છતાં જીવંતતા અને ઉત્સ્ફુર્તતાથી એ દિલ જીતી લે છે. યશના પાત્રથી રંગભૂમિ પર પદાર્પણ કરે છે યુવા કલાકાર શિવમ પરમાર. એ પણ પેચીદા પાત્રને પરફેક્શનથી દર્શકો સુધી પહોંચાડે છે. અને હા, સુલેખા તરીકે ભૂમિ શુક્લના ભાગે વિવિધ રંગોને ખીલવવાની જવાબદારી આવી છે.  એકલે હાથે સમાજમાં ટકી રહેવા ઝઝૂમતી મહિલાના પડકારો અને ખુમારીને એ સહજતાથી રજૂ કરે છે.

નાટકની શરૂઆત સિગ્નેચર સોંગ (ગીતકાર છાયા વોરા અને સંગીતકાર ઉર્વાક વોરા) સાથે થાય છે. પરંપરાગત અને આધુનિક શબ્દો-સંગીતના સુમેળથી એ માહોલ ગોઠવે છે. કલા અજય પુજારેની છે. સંજયના ઘર ઉપરાંત અન્ય મજાનાં લોકાલ્સ (સુલેખાનું ઘર, મેરેજ બ્યુરો…) એમણે ખૂબસુરત બનાવ્યાં છે. રોહિત ચિપલુણકરની પ્રકાશરચના ઘટનાઓ અને સંવેદનોને નિખારવાનું કામ કરે છે. રાહુલ સોલંકીનું પાર્શ્વસંગીત નાટકની મહત્ત્વની ક્ષણોને ખીલવે છે.

કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત આ નાટકની નિર્માતાત્રિપુટી કમલેશ દાવડા, મયૂર સોલંકી અને કૌશલ શાહ છે. ઘરેડથી અલગ, દમદાર નાટકના નિર્માણ માટે સૌને અભિનંદન આપવા રહે. દિગ્દર્શક જય કાપડિયાએ દર્શકોને સો ટચનું પારિવારિક મનોરંજન પીરસ્યું છે. વ્યસ્તતા, ટેક્નોલોજી, ભૌતિકતા વચ્ચે ભુંસાતી જતી સંબંધોની ગરિમાને એણે મનોરંજનાત્મક રીતે મંચસ્થ કરી છે.

‘બધું ફાઇન છે’ એ તમામ દર્શકો માટે ઉત્તમ પસંદગી છે જેઓ નાટક નર્યા હાસ્ય માટે નહીં પણ એની સંપૂર્ણતા, સત્ત્વ અને રંગભૂમિના અસલ સૌંદર્ય માટે માણે છે. તમારી એક સાંજ આખા પરિવાર સાથે ‘બધું ફાઇન છે’ને નામે કરજો. ખરેખર ખુશ થશો.

  • સંજય શાહ (નોંધઃ નાટકના મુખ્ય પાત્રનું નામ સંજય શાહ છે પણ એને આ લખનાર સાથે કોઈ સંબંધ નથી)
Share: