બોલિવુડની (આખા ઇન્ડિયાની?) સફળતમ લેખકબેલડી સલીમ-જાવેદ શા માટે તૂટી? એમનો સિતારો એવો તે કેવો બુલંદ થયો કે સુપરસ્ટાર્સ કરતાં એમને વધુ પૈસા મળતા? દર્શકો એમની લખેલી ફિલ્મો સારી જ હોય એવું શાને માનતા?
ફિલ્મો, વેબ સિરીઝ વગેરેની ખળખળ વહેતી નહેરમાં જ્યારે ‘એન્ગ્રી યંગ મેન’ જેવી, રિયલ લાઇફને ઉજાગર ડોક્યુમેન્ટરી આવે ત્યારે તાજગીની અલગ લહેરખી વહી હોય એવું પ્રતીત થાય છે. આપણે ત્યાં રિયલ માણસોની સિદ્ધિઓની સમીક્ષા કરતી, એમનાં જીવન, કાર્યો વગેરેની બારીકીમાં જતી ડોક્યુમેન્ટરીઝનો ટ્રેન્ડ હજી પા પા પગલી ભરી રહ્યો છે. સલીમ ખાન અને જાવેદ અખ્તરના સંઘર્ષ, એમની સફળતા, એમના યૌવનથી લઈને વૃદ્ધત્વ અને એમના પરિવારની અંગત વાતોને વણી લેતી નાનકડી પણ મજ્જાની સિરીઝ પ્રાઇમ વિડિયો પર આવી છે. એમાં ત્રણ એપિસોડ્સ છે પણ ત્રણેય સ્ટાર-સ્ટડેડ છે. ત્રણેયમાં ઘણી અજાણી વાતો સામે આવે છે જેને મમળાવવી ગમે. સિરીઝ ખરેખર તો આ ચેમ્પિયન લેખકોને જીવતેજીવત આપવામાં આવેલી ઉમદા અંજલિ છે, કહો કે એમને ફિલ્મરસિયાઓની સલામી છે.
સિરીઝના કેન્દ્રસ્થાને ખુદ સલીમ અને જાવેદ છે. એમના કોસ્ટાર્સ એમના પરિવારજનો ઉપરાંત એમની સાથે વરસોથી સંકળાયેલા બોલિવુડના બિગેસ્ટ કલાકાર-કસબીઓ છે. એમાં સલીમપુત્ર સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન, રિતિક રોશન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, રાજકુમાર હીરાણી, અભિજાત જોશી, હેમા માલિની… ઘણા સામેલ છે. સાથે, સલીમનાં પત્ની હેલન, જાવેદનાં એક્સ અને વર્તમાન પત્ની, અનુક્રમે હની ઇરાની અને શબાના આઝમી, એમનાં સંતાનો, અરબાઝ ખાન, ઝોયા અખ્તર, ઝોયાની સાથી રીમા અને ફિલ્મમેકર રીમા કાગતી, ફરહાન અખ્તર વગેરે છે. પણ જેમના મોઢે એમના જીવનની રસાળ વાતો માણવાનો મહત્તમ આનંદ મળે છે એ સલીમ-જાવેદ પોતે છે.
જાવેદ અખ્તર 79ના થયા અને સલીમ ખાન 88ના છે. એમની કારકિર્દીનો સુવર્ણકાળ એટલે 1971થી 1987નો સમયગાળો. સિરીઝમાં જેના પર મેક્ઝિમમ ફોકસ કરાયું છે એ આ આખો, લાંબો પિરિયડ નથી. એમાં મુખ્યત્વે ‘શોલે’થી ‘શક્તિ’ સુધીના સલીમ-જાવેદને પ્રાધાન્ય અપાયું છે. જે ફિલ્મો વિશે સર્વાધિક વાત થાય છે એ ‘શોલે’ ઉપરાંત, ‘દીવાર’, ‘ત્રિશૂલ’ વગેરે છે. બીજા શબ્દોમાં કહીએ તો જોડીના ચાહકોને કે લેખનક્ષેત્ર સાથે સંકળાયેલા, જેમને એમની લખાણ પ્રક્રિયાની બારીકી જાણવામાં રસ હોય, એમને એ વિશે ખાસ જાણવાની તક મળતી નથી.
સિરીઝ રસાળ છે. ‘એન્ગ્રી યંગ મેન’ સાથે દર્શકોની દોસ્તી કરાવનારા આ જૈફ વયના લેખકો નિખાલસતા સાથે દર્શકો સાથે તાદાત્મ્ય સાધે છે. એના લીધે બેઉ માટે ખાસ્સું માન અને પ્રેમ ઉભરાય છે. મુંબઈમાં એમણે ખેડેલા સંઘર્ષની અમુક વાતો સિરીઝથી જાણવા મળે છે. સફળતાની શરૂઆતમાં એમણે કેવી રીતે સિક્કો જમાવ્યો, કેવી રીતે પેઇન્ટર રાખીને અને જાતે ઢસરડા કરીને તેઓ જ્યાંત્યાં ચોંટાડેલાં ફિલ્મ પોસ્ટર્સ પર, રસ્તે રસ્તે ફરીને, એના પર રંગથી પોતાનાં નામ ચીતરાવતા (કારણ લેખકનું નામ પોસ્ટર પર શાનું હોય એ જક્કીપણું બોલિવુડમાં ત્યારે પણ હતું અને આજે પણ છે), એ જાણવું રસપ્રદ છે. એ સંદર્ભમાં સલીમ ખાન એક ચોટદાર વાક્ય કહે છે, “ગીતકાર એક પાનાનું ગીત લખે અને પોસ્ટર પર એનું નામ છપાય. લેખક આખેઆખી સ્ક્રિપ્ટ લખે પણ એનું નામ ના છપાય…” એક વાત નોંધજો. સિરીઝમાં જાવેદ સતત વિચારશીલ, કંઈક અંશે માપીતોળીને પોતાની વાત માંડતા હોય એવું અનુભવાશે. બીજી તરફ, સલીમ ખાનનો ચહેરો સતત હસતો અને તેઓ દિલથી વાત કરતા હોય એવું અનુભવાય છે. એમના સ્વભાવનો ફરક એમની કારકિર્દીમાં ખૂબ કામ આવ્યો હશે. બિલકુલ.
‘શોલે’ વિશે ખાસ્સી ચર્ચા છે. એની રિલીઝ સાથે ઇન્ડસ્ટ્રીએ એને સુપર ફ્લોપ કરાર કરી દીધી હતી. એ વખતે સલીમ-જાવેદ, અમિતાભ, રમેશ સિપ્પી વગેરે વચ્ચે વિચારણા થઈ કે ક્લાઇમેક્સમાં અમિતાભના પાત્ર જયને મારી નાખ્યું એ ખોટું થયું. એની બદલે જય જીવે છે એવું શૂટ કરીને ક્લાઇમેક્સ બદલાવી નાખીએ. સલીમ-જાવેદે કહ્યું કે સોમવાર સુધી રાહ જુઓ, અમને ભરોસો છે કે ફિલ્મ ઉપડશે. ખરેખર, સોમવારે ‘શોલે’ ઉપડી અને એવી ઉપડી કે આજ સુધી ફિલ્મલેખનના મામલે એ પુસ્તક તરીકે પૂજાય છે. ઉપરાંત, ફિલ્મ વિશે ઘણી નવી વાતો જાણવા મળે છે. એવી જ રીતે સારી એવી વિગતો ‘દીવાર’ અને ‘ત્રિશૂલ’ વિશે પણ છે. સિરીઝમાં ફિલ્મ સમીક્ષકો, ઉભરતા લેખકો, દર્શકો વગેરેના પોઇન્ટ ઓફ વ્યુને સ્થાન અપાયું છે. આર્કાઇવ્ઝ એટલે કે જૂના ફૂટેજનો ઉપયોગ થયો છે. ફિલ્મફેર એવોર્ડ્સની ક્લિપ્સ, યશ ચોપરા કહે કે મારી સર્વોત્તમ ફિલ્મોમાં એક ‘દીવાર’ છે, એ બધું પણ છે.
કારકિર્દીના એ દોરમાં આ લેખકો પોતાની પ્રશંસા કરતી જાહેરાતો પોતે છપાવતા હતા. સમય જતાં, લગાતાર સફળ ફિલ્મોથી એમના મગજમાં રાઈ ભરાઈ ગઈ હતી. પરિણામે, ‘ઇમાન ધરમ’ નિષ્ફળ ગઈ અને ‘શાન’ બીજી ‘શોલે’ નહીં બની શકી ત્યારે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો રાજી થયા હતા. એમને ખુશી હતી કે સલીમ-જાવેદ પીટાયા. આ ગુમાનની વાત સિરીઝમાં છે.
બોલિવુડની જાણીતી એડિટર નમ્રતા રાવે ડિરેક્ટ કરેલી સિરીઝ માણવામાં નડતી એક સમસ્યા સાઉન્ડ ક્વોલિટી છે. એટલી હદે કે આ લખનારે સિરીઝને અંગ્રેજી સબટાઇટલ્સ સાથે જોઈ, કારણ હિન્દી કે અંગ્રેજીમાં પડદે શું બોલાઈ રહ્યું છે એ સમજવામાં વારંવાર અડચણ આવી રહી હતી. 45 મિનિટના માત્ર ત્રણ એપિસોડની આ સિરીઝ એક બેઠકે જોઈ શકાય એ એનો પ્લસ પોઇન્ટ છે.
સલીમ-જાવેદની જોડી તૂટ્યા પછી બેઉએ પોતપોતાની રીતે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. જાવેદ અખ્તરે ગીતકાર ઉપરાંત સોલો રાઇટર તરીકે અઢળક કામ કર્યું છે. જાવેદસા’બની એવી ઘણી ફિલ્મો સફળ અને યાદગાર રહી છે. એમાં ‘બેતાબ,’ ‘દુનિયા,’, ‘મશાલ’, ‘સાગર’, ‘અર્જુન’, ‘મેરી જંગ’ અને છેલ્લે, ‘લક્ષ્ય’ અને ‘ડોનઃ ધ ચેઝ બિગેન્સ’ સામલ છે. સલીમ ખાને ‘મિસ્ટર ઇન્ડિયા’ પછી ભાગ્યે જ લેખક તરીકે કામ કર્યું છે. ઉપર કહ્યું તેમ, બે-ત્રણ ફિલ્મો આસપાસ સિરીઝ ફરતી હોવાથી આ ફિલ્મો, આ દોર વિશે ભાગ્યે જ ઉલ્લેખ છે.
અન્ય મિસિંગ બાબતોની વાત કરીએ. સિરીઝમાં ક્યાંય ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી કલ્ટ ફિલ્મ વિશે હરફ ઉચ્ચારાયો નથી. એ ફિલ્મ જોડીની છેલ્લી ફિલ્મ છતાં એને કેમ ચર્ચામાંથી બાકાત રખાઈ હશે? એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘મગધીરા’ની પ્રેરણા જેના પરથી લેવાઈ એવી સલીમ-જાવેદની કન્નડ ફિલ્મ ‘રાજા નન્ના રાજા’ વિશે સિરીઝમાં કશું નથી. સલીમ ખાનનાં પ્રથમ પત્ની સલમા ખાન અને સોહેલ ખાન પણ ઓલમોસ્ટ મિસિંગ છે. સૌથી મોટી મિસિંગ વાત કે સિરીઝ જોયા પછી પણ એ સમજાતું નથી કે શા માટે, આખરે શા માટે સલીમ-જાવેદ છુટા પડ્યા? આ મુદ્દે થોડી ચર્ચા જરૂર છે, થોડી પણ સ્પષ્ટતા છે છતાં, ટકોરાબંધ ચોખવટ નથી. આશા રાખીએ કે કે ભવિષ્યમાં માત્ર એ વાતને આવરી લતો બોનસ એપિસોડ આવે કે પછી આવે નવા એપિસોડ્સ.
નવું શું છે?
- કોલિવુડની નવી બ્લોકબસ્ટર, ‘થંગાલન’ બોકસ ઓફિસ રૂ. 100 કરોડ કમાઈ. એ નેટફિલક્સ પર 20 સપ્ટેમ્બરે આવશે. ફિલ્મ હિન્દીમાં પણ જોઈ શકાશે. ડિરેકટર છે પા રંજીત અને મુખ્ય ભૂમિકામાં ચિયાન વિક્રમ છે.
- સત્યઘટના પર આધારિત ડિરેકટર આદિત્ય નિમ્બાલિકરની વેબ ફિલ્મ ‘સેકટર 36’ નેટફિલક્સ પર આવી છે. વિક્રાંત મેસી સાથે દીપક ડોબરિયાલ અને આકાશ ખુરાના અભિનેતા છે.
- માર્વેલની મિની સીરીઝ ‘અગાથા ઓલ અલોન્ગ’ના ડિરેક્ટર જેક શેફર, રશેલ ગોલ્ડબર્ગ અને ગાંડજા મોન્ટેરો છે. એની કેથરીન હેન,પટ્ટી લ્યુપોન અને ઓબ્રે પ્લાઝા અભિનિત પહેલી સીઝન નવ એપિસોડની છે. 18 સપ્ટેમબરથી એ ડિઝની પ્લસ હોટસ્ટાર આવશે.
- હોરર ફિલ્મ ‘લેટ નાઈટ વિથ ધ ડેવિલ’ 2023માં આવી હતી. એ હવે લાયન્સગેટ પ્લે પર આજથી જોઈ શકાશે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 13 સપ્ટેમ્બર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/13-09-2024/6
Leave a Comment