વાત એ ન હોવી જોઈએ કે સાઉથની ફિલ્મોનો ડંકો વાગી રહ્યો છે. વાત એ હોવી જોઈએ કે બોલિવુડનો ઢોલ આગળ જતાં કેટલો બોદો થઈ શકે. ભવિષ્ય ચોખ્ખું છે. દેશમાં ફિલ્મોની મુખ્ય ભાષા હિન્દી રહેશે પણ, હાલના મુઠ્ઠીભર અને જળોની જેમ ઇન્ડસ્ટ્રીને વળગી રહેલા સર્જકોના હાથમાં એની કમાન રહેવાની નથી
કન્નડ ફિલ્મોનો સ્ટાર છે સુદીપ. થોડા દિવસ પહેલાં ભાઈએ બિનજરૂરી ટિપ્પણી કરી કે હિન્દી હવે આપણી રાષ્ટ્રીય ભાષા નથી રહી. અજય દેવગણે એના જવાબમાં સણસણતો સવાલ કર્યો, “અચ્છા?! તો તું તારી ફિલ્મોને હિન્દીમાં ડબ શાને કરે છે?”
આટલી અમથી બેઉની શાબ્દિક (કે ટ્વીટિક) આપલેમાં હિન્દી ભાષા નહીં, હિન્દી ફિલ્મો વર્સીસ દક્ષિણી ફિલ્મો વિશે ઘણું બધું કહેવાઈ ગયું. કારણ ગઈકાલ સુધી બોલિવુડની ફિલ્મોનો જે દબદબો દેશભરમાં હતો એના પર હવે રીતસર હાવી થઈ રહી છે દક્ષિણી ફિલ્મો. આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળની ફિલ્મો વર્સીસ બોલિવુડની ફિલ્મોનો આવો મોરચો આ પહેલાં કદાચ ક્યારેય મંડાયો નહોતો. ઓવર ધ ટોપ એટલે ઓટીટી પ્લેટફોર્મ્સ, મલ્ટીપ્લેક્સિસ, ઇન્ટરનેટ વેબસાઇટ્સ વગેરેએ હિન્દી ફિલ્મોની જાણીતી અને બોલિવુડ સ્ટાર્સની માનીતી મોનોપોલી પર કચકચાવીને હથોડો માર્યો છે. અને, ફિલ્મી ભાષામાં કહીએ તો, આ તો માત્ર શરૂઆત છે, પિક્ચર તો અભી બાકી હૈ…
વિગતે કરીએ વાત.
ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત આ કળાના જન્મ પછી તરત અને ઝડપભેર થઈ. બહુભાષી હિંદુસ્તાનમાં ત્યારથી ફિલ્મોએ પાછા વળીને જોયું નથી. પરિણામે, સંખ્યાનો સવાલ છે ત્યાં સુધી વરસોથી આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ છે. 2019માં (પછીનાં બે વરસ કોવિડે પાણી ફેરવ્યું એટલે એની વાત કરવી નથી) ભારતમાં બની 2,446 ફિલ્મો. પછીના ક્રમે આવે નાઇજિરિયા (1,599ફિલ્મો), પછી ચીન (874 ફિલ્મો), પછી જાપાન (689 ફિલ્મો), પછી છેક આવે અમેરિકા (660 ફિલ્મો).
સંખ્યા કરતાં નાણાં વધુ અગત્યના હોવાથી અમેરિકન ફિલ્મો વિશ્વ પર રાજ કરે છે. હોલિવુડે જ તો દુનિયાને શીખવ્યું છે કે ફિલ્મ ભલે ગમે તે ભાષામાં બને પણ એને ડબ કરીને ઘણી બધી ભાષામાં વેચી જાણો તો બોક્સ ઑફિસ ટંકશાળ બની શકે છે. ડબિંગને આપણે જે રીતે જાણીએ છીએ એનાથી જરા જુદો અને વિપરીત એનો ઇતિહાસ છે. એનો પ્રારંભિક વિકાસ પણ અમેરિકામાં નહોતો થયો. 1922થી 1943 સુધી ઇટાલી પર રાજ કરનારા બેનિતો મુસોલિનીના સમયમાં એ દેશમાં અને સમાંતરે સ્પેનમાં ડબિંગે કાઠું કાઢવાની શરૂઆત કરી હતી. મુસોલિની ફાસિસ્ટ શાસક હતો. એના રાજમાં ઇટાલીમાં રિલીઝ થનારી અમેરિકન ફિલ્મોનું ડબિંગ સિફત અને ગણતરી સાથે થતું. જ્યાં જ્યાં ઇટાલી અથવા મુસોલિનીનો નકારાત્મક ઉલ્લેખ આવે એને ડબિંગમાં બદલી નાખવામાં આવતો. વિદેશી શબ્દો ઇટાલિયન ભાષામાં ઘૂસણખોરી ના કરે એ માટે અસ્સલ દેશી શબ્દોનો ડબિંગમાં પ્રયોગ થતો.
નજીકના દેશ સ્પેનમાં, 1939થી સત્તા સંભાળનાર ફ્રાન્સિસ્કો ફ્રાન્કોએ પણ ડબિંગનો આવો જ કંઈક ઉપયોગ કર્યો. ડબિંગમાં ત્યાં મુખ્ય પ્રવાહની ભાષાને પ્રાધાન્ય અપાયું અને કેટલન, બાસ્ક, ગિલશન જેવી લઘુમતીની ભાષાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવતી. દેશના નાઝી ભૂતકાળનો ઉલ્લેખ પણ ફિલ્મોમાંથી ઉડાડી દેવામાં આવતો.
બીજા વિશ્વયુદ્ધ પછી ફિલ્મોના ડબિંગ પાછળનો એક આશય વિવિધ સરકારો પાસેથી ફિલ્મો માટે મળતી આર્થિક સહાય અંકે કરવાનો અને વિવિધ દેશના કલાકાર-કસબીઓને એકતાંતણે બાંધવાનો હતો.
ડબિંગ પહેલાંનો સમય સબટાઇટલ્સનો હતો. એ છેક 1980ના દાયકા અને પછી પણ ચાલ્યો. અમેરિકામાં ત્યારે સબટાઇટલ્સ અને ડબ્ડ ફિલ્મોના ઘણા અખતરા થયા. એમાં નિષ્ફળતા પણ મોટા પાયે મળતી કેમ કે ઘણીવાર ડબ્ડ ફિલ્મો ખરાબ રીતે પીટાઈ જતી. આપણે ત્યાં પણ ઓરિજિનલ ફિલ્મોની તુલનામાં ડબ્ડ હોલિવુડ ફિલ્મોને પહેલાં ભયંકર જાકારો મળતો. 1982ની ફિલ્મ ગાંધી એમાં અપવાદ એટલે રહી કેમ કે એમાં વાત મૂળે આપણા રાષ્ટ્રપિતાની હતી, ભારતની હતી.
અંગ્રેજીનો ઉપયોગ કરનારા બે મુખ્ય દેશ બ્રિટન અને અમેરિકામાં ઉચ્ચારનો ફરક હોવાથી બ્રિટિશ ફિલ્મો અમેરિકામાં નવેસરથી ડબ કરીને રિલીઝ થતી, ભાષા ભલે અંગ્રેજી જ હોય.
વાત એમ પણ ખરી કે ડબિંગનો આખો આ અખતરો સરવાળે મોટા ઉદ્યોગમાં ફેરવાયો એ માટે સિંહફાળો આપ્યો એન્સિલરી માર્કેટ ગજવે કરવાની ગણતરીએ. સરળ શબ્દોમાં સમજીએ આ વાત. બોક્સ ઑફિસ એટલે ફિલ્મો માટે મુખ્ય માર્કેટ. એન્સિલરી માર્કેટ એટલે ટેલિવિઝન, હોમ વિડિયો, પે પર વ્યુ, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ, એરલાઇન, ક્રૂઝ અને હવે, ઓટીટી માર્કેટ. એ અલગ વાત કે ઓટીટીને ભૂલમાં પણ એન્સિલરી માર્કેટ કહેવાનો સવાલ નથી હવે. ડબિંગનું ચલણ વધ્યું કેમ કે નિર્માતાઓ મૂળ ભાષામાં થતા વકરા પછી આ બધી એન્સિલરી માર્કેટમાંથી થતી આવક વધારવા ઇચ્છતા. નવાઈની અથવા સહજ વાત એ હતી કે બોક્સ ઑફિસ પર પીટાઈ જતી ડબ્ડ ફિલ્મો એન્સિલરી માર્કેટમાં મસ્ત ચાલતી.
બોલિવુડ વર્સીસ સાઉથની ફિલ્મોની વાત કરીએ તો ડબ્ડ ફિલ્મો બતાવતી સેટેલાઇટ ચેનલ્સ અને પછી ઓટીટી પ્લેટફોર્મ્સના છપ્પરફાડ વિકાસે હાલની સિચ્યુએશન સર્જવામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. એને વિગતે સમજીએ એ પહેલાં એક હજી વાત ભૂતકાળની. દક્ષિણની ફિલ્મોનો બોલિવુડમાં દબદબો એ આજની હકીકત નથી. આવું તો પહેલાં પણ હતું. ફરક એટલો હતો કે 1980 પછીના સમયમાં ત્યાંના નિર્માતાઓ ત્યાંની સફળ ફિલ્મો અથવા બોલિવુડને લાયક વિષય પરથી હિન્દી ફિલ્મો બનાવતા. બોલિવુડની બાપ ફિલ્મોમાં જેમનાં વળતા પાણી થતાં લાગે અથવા જે સાવ ફેંકાઈ જાય એવા સિતારા સાઉથના નિર્માતાઓનું શરણ લેતા. ક્યારેક વળી ત્યાંના ઊગતા અથવા પ્રસ્થાપિત સિતારા હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરી એમાં પણ નામ, દામ, શોહરત કમાવાની કોશિશ કરતા. મિથુન ચક્રવર્તી, જિતેન્દ્ર પહેલા પ્રકારના દાખલા અને રજનીકાંત, કમલ હસન, ચીરંજીવી, નાગાર્જુન બીજા પ્રકારના દાખલા. ખેર, ત્યારે હિન્દી અને દક્ષિણી ફિલ્મો એવા બે પાક્કા ફાડચા હતા એ નક્કી.
આજે એવું નથી.
દેશ આખાના દર્શકોએ દક્ષિણની ઢગલો ફિલ્મો જુદી જુદી ચેનલ્સમાં વારંવાર જોઈ છે. બાકી હતું તે ઓટીટી પ્લેટફોર્મ્સે પૂરું કર્યું. નટ હોય કે નટી, સાઇડ કેરેક્ટર હોય કે વિલન, ઓરિજિનલી સાઉથના હોય કે બોલિવુડથી ઇમ્પોર્ટ કરેલા કલાકાર, બધાંને લાભ થયો ચેનલ્સ અને ઓટીટીથી. એટલો બધો કે આજે ચર્ચા પહોંચી ગઈ હિન્દી વર્સીસ સાઉથ સુધી.
ડબિંગનો રેલો ટેલિવિઝન સિરિયલ્સ સુધી પણ પહોંચ્યો છે. એની પસ્તાળ ઘણી ભાષા પર પડી છે. ગુજરાતી ટેલિવિઝન ચેનલ્સનો દાખલો લઈએ. આપણી ભાષા માટે ગંજાવર ચેનલ્સ નિર્માતાને એક એપિસોડ બનાવવા માટે એટલા ઓછા પૈસા ઓફર કરે છે કે સાંભળો તો આઘાત લાગી જાય. એને કારણે આપણા શ્રેષ્ઠ અને વિચારશીલ નિર્માતાઓ પણ સારી ગુજરાતી સિરિયલ્સ બનાવી શકતા નથી. જે કંપની એની હિન્દી ચેનલ પર એક એપિસોડ માટે પંદર-વીસ લાખ રૂપિયા પટ્ દઈને વેરે છે એ પોતાની ગુજરાતી ચેનલ માટે નિર્માતાને કહે છે કે અમારું બજેટ તો એંસી હજાર છે, એમાં બનાવી શકતા હોવ તો બનાવો ગુજરાતી સિરિયલનો એક એપિસોડ. દર્શક તરીકે સમજી લો કે આને લીધે આપણે ત્યાં મજ્જાની ગુજરાતી સિરિયલ્સનો અભાવ છે. એના તોડ તરીકે હવે ચેનલ્સે અન્ય ભાષાની સિરિયલ્સને ગુજરાતીમાં ડબ કરીને ટેલિકાસ્ટ કરવા માંડી છે. સરવાળે, ભાષા ગઈ તેલ પીવા અને સ્થાનિક દર્શકોને જીતવાની કે બજારને વિચક્ષણપણે વિકસાવવાની વાતમાં પૂળો મેલો.
ડબિંગ અને એનાથી થનારાં પરિવર્તનોની ચર્ચા ગંભીર પણ છે. એનો આગળનો રંગ (દર્શકો માટે) વધુ રોચક અને (બોલિવુડ માટે) ખતરનાક પણ હોઈ શકે છે. કેવી રીતે એ સમજી લો.
દક્ષિણની ફિલ્મો દેશ આખાની બોક્સ ઑફિસમાં પચાસથી સાંઠ ટકા હિસ્સો ધરાવે છે. બીજો એક મોટો હિસ્સો જાય છે હોલિવુડની ફિલ્મોના ભાગે, જેની ટકાવારી ડબ્ડ ફિલ્મોના ઘોડાપૂરમાં સતત વધી રહી છે. 2021ને જોઈએ તો દેશમાં હોલિવુડ અને બોલિવુડની આવકમાં માત્ર ચાર ટકાનો ફરક રહ્યો હતોઃ 18% ગયા બોલિવુડના ભાગે તો 14% ગયા હોલિવુડના. બેઉ મળીને 32% લઈ ગઈ પણ એ પણ ચોખ્ખુંચણાક છે કે બોક્સ ઑફિસની બાકીની 68% આવક ગઈ દેશની અન્ય ભાષાની ફિલ્મોને. એમાંથી એકલા સાઉથની ફિલ્મો લઈ જતી હતી 50%, જે બાહુબલી અને ટ્રિપલ આર અને કેજીએફની કરામત સાથે 60% આંબી ગઈ છે. વાત અહીંથી ક્યાં પહોંચશે?
હજી તો મરાઠી, ગુજરાતી, ભોજપુરી, બંગાળી, પંજાબી, આસામી, ઓડિયા અને અન્ય ભાષાની ફિલ્મો ડબંગની દુનિયામાં ડૂબકી લગાવવાની બાકી છે. આ બધા વાઘોએ હજી આ લોહી ચાખ્યું નથી. ધારો કે આ બધી ફિલ્મો પણ ડબ થવા માડે તો?
તો નટરંગ, સૈરાટ, નટસમ્રાટ (ત્રણેય મરાઠી), ચલ મન જીતવા જઈએ, હેલ્લારો, એમેઝોન ઓભીજાન (બંગાળી), સસુરા બડા પૈસેવાલા અને ગંગા (ભોજપુરી), ઇશ્ક તુ હી તુ (ઓડિયા), કેરી ઓન જટ્ટા, ચલ મેરા પુત્ત 2, હૌસલા રખ્ખ (ત્રણેય પંજાબી)… આવી અનેક ફિલ્મોએ જે વેપલો કર્યો છે એના કરતાં ક્યાંય વધારે કરવા માંડશે. એમાં બોલિવુડ સાથે દક્ષિણની ફિલ્મોને પણ નુકસાન થશે.
તકલીફ તો હોલિવુડને પણ થશે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે. ઓટીટી પ્લેટફોર્મ્સ જુઓ. સ્કવિડ ગેમ (કોરિયન) મની હાઇસ્ટ (સ્પેનિશ) જેવી સિરીઝને મળેલી સફળતા આવનારા સમયની ઘંટી છે. કોરિયન ફિલ્મો તો ઘણા વખતથી ભારત સહિતના દેશોમાં ડંકો વગાડી રહી છે. ચાઇનીઝ ફિલ્મોએ બેએક વરસથી હોલિવુડને પડકાર ફેંકવા માંડ્યો છે. 2021માં હાઈ મોમ અને ધ બેટલ એટ લેક ચેંગ્જિન જેવી ચાઇનીઝ ફિલ્મોએ સ્વદેશમાં બમ્પર સફળતા મેળવી. એ સાથે ચીની ફિલ્મો અને બોક્સ ઑફિસનું વિદેશી (ખાસ કરીને અમેરિકન ફિલ્મો પરનું) દર્શકો અને આવકો પરનું અવલંબન ઘટ્યું છે એ સ્પષ્ટ થવા માંડ્યું છે.
સબટાઇટલ્સ, ડબિંગ પછી ફિલ્મોને વધુ લોકભોગ્ય બનાવતું પરિબળ લોકલાઇઝેન છે. એનો રાફડો હજી બરાબર ફાટવાનો બાકી છે. લોકલાઇઝેશનને સમજી લો. ડબિંગમાં ફિલ્મના સંવાદો જેમના તેમ બીજી ભાષામાં બોલવામાં આવે. લોકલાઇઝેશનમાં એને સ્થાનિક લોકોના ગળે ઊતરે એમ બોલવામાં આવે. દાખલો લઈએ. એક મરાઠી ફિલ્મમાં વાર્તા પુણે શહેરની હોય તો એમાં પાત્રો અને સ્થળોનાં નામ વગેરે બધું મરાઠી દર્શકો સમજે એ રીતે અને શહેર, પશ્ચાદભૂને સુસંગત હોય. એક પાત્ર પાટીલ અને એક સ્થળ સ્વારગેટ હોય. એ ફિલ્મનું ગુજરાતીમાં લોકલાઇઝેશન થાય તો પાટીલ બની જાય પટેલ અને સ્વારગેટ બની જાય અમદાવાદનું સેટેલાઇટ. કોઈક મરાઠી કહેવત વળી અસ્સલ ગુજરાતી લોકોક્તિમાં ફેરવાઈ જાય. આ લોકલાઇઝેશન બહુ તાકાતવાળી ચીજ છે. એનાથી પરદેશી કથા વધુ પોતીકી થઈ જાય. એનો દોર હવે જામવાનો છે. જેવો જામશે એવો ડબ્ડ ફિલ્મોનો દબદબો ઘણો વધશે.
એટલું સમજી લો કે દક્ષિણની ફિલ્મોએ બોલિવુડને જે ચેલેન્જ આપી છે એ અસ્થાને નથી. બોલિવુડની ફિલ્મો અનેક મોરચે એની દક્ષિણી જ નહીં અન્ય પ્રતિસ્પર્ધી ફિલ્મોથી પાછળ રહી ગઈ છે. સારી વાર્તા, સામાન્ય ભારતીયોને શું માણવું ગમે છે એની સમજ. ટેક્નિક અને સૌથી અગત્યનું એટલે સંપૂર્ણ ફિલ્મને જે ઊંડી સમજણ સાથે રજૂ કરવાની હોય એ સમજણ… બધે બોલિવુડ નબળું છે. એમાં પણ હિન્દી ફિલ્મોમાંથી લાગણી અને બારતીયતાનો એકડો નીકળી ગયાથી વાત સાવ વણસી ગઈ. ઇન ફેક્ટ, હિન્દી સુપરસ્ટાર્સના કહેવાતા અને સાવ જુઠ્ઠા સુપર સ્ટારડમને કારણે બે-ત્રણ દાયકા પહેલાં બોલિવુડની વ્યવસ્થિત અને સરખાઈની પડતી શરૂ થઈ હતી. એનો જબ્બર ફાયદો પ્રાદેશિક ફિલ્મોને થયો, જે ભારતની વાત કરીને નવેસરથી બેઠી થઈ શકી. ગુજરાતી, મરાઠી, ભોજપુરી, પંજાબી ફિલ્મોના રિવાઇવલમાં બોલિવુડનું ગુમાન કામ આવ્યું છે. એક તરફ કહેવાતા સુપરસ્ટાર્સ, બીજી તરફ સેક્સ, મારધાડ, અકર્ણપ્રિય અથવા નબળું સંગીત, અડબંગ વાર્તાઓ અને રજૂઆત, બધાંના કોમ્બિનેશનથી બોલિવુડની ફિલ્મોનાં વળતાં પાણી શરૂ થયાં. તમે જો બોલિવુડની ફિલ્મોના દીવાના હોવા છતાં જો સત્ય સમજતા હોવ તો સ્વીકારશો કે જેને યાદગાર કહી શકાય એવી હિન્દી ફિલ્મોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ રહી છે. એ અલગ વાત કે બેફામ પબ્લિસિટી અને ગણતરીબાજ રજૂઆતને લીધે ઘણી ફિલ્મો એકાદ અઠવાડિયામાં સારામાં સારી આવક બોક્સ ઑફિસ પર રળી લે.
ટૂંકમાં, હવે પછીનો સમય એકલી હિન્દી ફિલ્મોનો તી રહેવાનો એ પાકું પણ કન્નડ સ્ટાર સુદીપની ડંફાશ જેવું કશું થવાનું નથી. આ દેશમાં મેક્ઝિમમ દર્શકો ગજવે કરવા હોય તો હિન્દીનું તરણું ઝાલ્યા વિના ચાલવાનું નથી. એટલે તો સાઉથની ફિલ્મોએ પણ રાષ્ટ્રભાષાનું શરણું લેવું પડ્યું છે. આગળ જતાં ભાષા તો હિન્દી જ રહેવાની પણ ફિલ્મ કે વેબ સિરીઝ મૂળ કઈ ભાષાની એનું મહત્ત્વ નહીં રહે. રહી વાત બોક્સ ઑફિસની તો પાંચ કે દસ વરસમાં એમાં ઓરિજિનલ હિન્દી ફિલ્મોનો કેટલો ભાગ રહેશે એની માત્ર કલ્પના કરવી રહી.
(સ્વામી સહજાનંદ મેગેઝિનની કૉલમ ઇન્ટરવલમાં એપ્રિલ 2022 એ પ્રસિદ્ધ થયેલો લેખ)
Leave a Comment