ફિલ્મોની સ્થિતિ એવી છે કે ઓટીટી પર એમનો દેખાવ બોક્સ ઓફિસ કરતાં અલગ સાબિત થઈ રહ્યો છે. આ બે ફિલ્મોની સ્થિતિ કંઈક એવી જ છે

મનોજ બાજપાયી સલમાન ખાન નથી. સાઉથનો એક્શન હીરો પણ નથી જ. ‘ભૈયાજી’માં બાજપાયીને બેઉ બનવાની તક મળી છે. નવાઈ લાગે છે? ફિલ્મ જુઓ. અપૂર્વ સિંઘ કાર્કી ડિરેક્ટેડ આ ફિલ્મ ઘડીકમાં સરસ તો ઘડીકમાં વિચિત્ર લાગશે. પહેલાં વાત કરીએ ‘ભૈયાજી’ની અને પછી કરીશું બીજી એક ફિલ્મની.

રામ ચરણ ત્રિપાઠી ઉર્ફે ભૈયાજી સીધોસાદો માણસ છે. એટ લીસ્ટ, ફિલ્મની શરૂઆતમાં તો ખરો જ. એનો સાવકો ભાઈ વેદાંત (આકાશ મખીજા) દિલ્હીથી ઘેર પાછો આવી રહ્યો છે. એટલે, ભૈયાજી, એની સાવકી મા (ભાગીરથી કદમ) અને થવાવાળી પત્ની મિતાલી (ઝોયા હુસેન), સહિત આખું ગામ ઉત્સાહિત છે. ત્યાં દિલ્હી રેલવે સ્ટેશને અણધારી ઘટનામાં ગુંડો અભિમન્યુ (જતીન ગોસ્વામી) વેદાંતને પતાવી નાખે છે. નાજુક થતી જોઈને વેદાંતના બેઉ મિત્રો પણ એને મદદ કરવાને બદલે નાસી જાય છે. આ અભિમન્યુનો બાપ ચંદ્રભાન (સુરિન્દર વિકી) પણ માથાભારે તત્ત્વ છે. વેદાંતની હત્યા ભૈયાજીને, પરિવારને હચમચાવી નાખે છે. એ સાથે ભૈયાજી હથિયાર ઉપાડે છે અને પ્રણ લે છે અભિમન્યુને પતાવી નાખવાનું. ત્યારે આપણને જાણ થાય છે કે એક સમયે ભૈયાજી પણ માથાભારે તત્ત્વ હતો પણ સારી ક્વોલિટીનો. એટલે, લોકોના હિત માટે ગુંડાગીરી કરતો જણ. બિલકુલ એવો જેવો આપણી નાઇનટીઝની ફિલ્મનો કોઈક હીરો હતો.

‘ભૈયાજી’ની વાર્તા ટિપિકલ મસાલા એન્ટરનેઇનર છે. એની શરૂઆત ઠીકઠીક છે. થોડી મિનિટો પછી ફિલ્મ ઉત્સુકતા જગાડે છે. શોટ ટેકિંગ, શરૂઆતમાં આવતું એકાદ ગીત વગેરે બધું સરસ માહોલ જમાવે છે. ભૈયાજી ચંદ્રભાન એન્ડ કંપની સામે રણશિંગું ફૂંકે છે ત્યાં સુધી બધું બરાબર છે. પછી વાર્તાને દમદાર બનાવવા માટે પડ ખુલતાં જાય છે. એક તો કહી જ દીધું કે સીધોસાદો ભૈયાજી કેમ ગુંડાગીરી પર ઊતરી આવે છે. એવી જ રીતે સાવકી મા, થનાર પત્ની વગેરેના નવા કલર્સ પણ સામે આવે છે. ભૈયાજીના ગામવાળા પણ ગાંજ્યા જાય એવા નથી. એ પણ ધીમેધીમે ફલિત થાય છે. ઇન્ટરવલના ટ્વિસ્ટમાં ગુંડા ભૈયાજીને નદીમાં ફગાવી દે છે અને એને ગોળીએ પણ દે છે. ઇન્ટરવલ પછી વાર્તા લથડિયાં ખાય છે. કારણ ભૈયાજી હીરોમાંથી ઝીરો હોય એ રીતે ફિલ્મનાં અન્ય પાત્રો સિચ્યુએશન્સ કંટ્રોલ કરે છે. ઘડીકમાં મા, પત્ની અને ઘડીકમાં ચંદ્રભાન. ભૈયાજીએ ભાઈના મર્ડરનો બદલો લેવાનો છે પણ એ પોતે ડ્રાઇવિંગ સીટ પર આવે ત્યાં સુધીમાં તો ખાસ્સી ફિલ્મ પતી જાય છે. એનાથી ફિલ્મ ફિસ્સી પડી જાય છે.

સારા સ્ક્રીનપ્લે સાથે, બાજપાયીની જગ્યાએ અન્ય કોઈક કલાકાર સાથે (જે આ પાત્રમાં વધુ ફિટમફિટ લાગત) ફિલ્મ બેટર બની હોત. પાત્રાલેખનમાં ઘણી ખામીઓ છે. આવી ફિલ્મ જોતાં જે ઝણઝણાટી થવી જોઈએ, ભયની, રોમાંચનું, લખલખું પસાર થવું જોઈએ એ થતું નથી. ટેક્નિકલી ફિલ્મ ક્યાંક સશક્ત તો ક્યાંક નબળી છે. અભિનયમાં બેશક બાજપાયીએ જીવ રેડ્યો છે પણ આ પાત્ર માટે એ બન્યો જ નથી. અન્ય કલાકારોમાં સુરિન્દર અને ઝોયા ધ્યાન ખેંચે છે. ભાગીરથીનું ઠીકઠીક રહે છે.

મનોજ અને અપૂર્વ સિંઘ કાર્કીની જોડીએ આ પહેલાં ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ આપી હતી. એ સફળ હતી, સરસ પણ હતી. એનાં વખાણ પણ થયાં હતાં. એમની જોડી ફરીવાર બની ત્યારે મળેલું પરિણામ પ્રમાણમાં ઠીકઠીક છે. ફિલ્મ માટે ઇમોશનનો અભાવ મોટો માઇનસ પોઇન્ટ છે. ફિલ્મ છે ઝીફાઇવ પર.

હવે વાત કરીએ એવી ફિલ્મની જે બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફળ રહી પણ ઓટીટી પર દિલ જીતી રહી છે. એ તેલુગુ ફિલ્મ છે, નામે ‘હાઈ નન્ના’ અને હિન્દીમાં, ‘હાઈ પાપા.’ તેલુગુમાં મોટું નામ છતાં હિન્દી બેલ્ટમાં જેની હજી તગડી પિછાણ નથી એવો સ્ટાર નાની (મૂળ નામ ઘંટા નવીન બાબુ) એમાં મૃણાલ ઠાકુર અને બાળકલાકાર કિયારા ખન્ના સાથે મુખ્ય ભૂમિકામાં છે. કથા મજાની છે. સેલિબ્રિટી અને શ્રીમંત ફોટોગ્રાફર વિરાજ (નાની) અને દીકરી માહી (કિયારા)ના પરિવારમાં માહીના દાદા અને શ્વાન પ્લુટો છે. માહી કિસ્ટિક ફાઇબ્રોસીસ નામની બીમારીથી પીડાય છે. એના લીધે એનું આયુષ્ય અઘરું છે. એટલે વિરાજ એને ખૂબ લાડ લડાવે છે. એકવાર પિતાએ આપેલી ચેલેન્જ જીતતાં માહી સ્કૂલમાં ફર્સ્ટ આવે છે અને ડિમાન્ડ કરે છે, “ચાલો, મને મમ્મીની વાર્તા કહો જોઉં.” વિરાજ પત્નીના ભૂતકાળને ઉખેળવાનું ટાળે છે. નારાજ માહી ઘરેથી નાસી જાય છે. માર્ગમાં એને મળે છે યશ્ના (મૃણાલ). બેઉ કેફેમાં હોય છે ત્યાં વિરાજ પહોંચી જાય છે. બેઉના આગ્રહે વિરાજે નાછૂટકે ભૂતકાળ ઉખેળવો પડે છે. એક પોઇન્ટ પર આપણને ખબર પડે છે કે વિરાજની પત્ની વર્ષા બીજી કોઈ નહીં પણ આ, સામે બેસેલી યશ્ના જ છે. એ કેવી રીતે શક્ય છે? ‘હાઈ પાપા’ એનો જવાબ છે.

ડ્રામા અને ઇમોશનના પ્રોપર કોમ્બિનેશનવાળી આ ફિલ્મ પ્રમુખ કલાકારોની મસ્ત સ્ક્રીન પ્રેઝન્સ, ખર્ચાળ પ્રોડક્શન અને દેખાવડા આર્ટ ડિરેક્શનને લીધે, દર્શકને પડદા સાથે વફાદાર રહેવા પ્રેરે છે. બીજી તરફ, અટપટી વાર્તામાં આવતા ટર્ન્સ અસરકારક નહીં લાગવાથી ફિલ્મ વારંવાર ફસકી પડે છે. આખી વાતમાં સૌથી મુખ્ય મુદ્દા બાપ-દીકરીનો પ્રેમ અને વિરાજ-વર્ષાની પ્રણયકથા છે. એમાં વિલન બનતી વ્યક્તિ અને એવાં પરિબળો ફિલ્મની પટકથાનું કેન્દ્ર છે. એમાં ગોટાળા છે. દર્શકને માહીની બીમારી, વર્ષા-વિરાજનું અલગ થવું અને ફરી મળવું, એ બધું જોઈએ એટલું અપીલ કરતું નથી. શરૂઆતમાં એમ લાગે કે આ ફિલ્મ તો બાપ-દીકરીની વાત છે. થોડીવારમાં સ્થિતિ બદલાય છે. ખબર પડે છે કે ફિલ્મ મૂળે એક લવ સ્ટોરી છે. ખેર.

નાની, મૃણાલ અને કિયારા, ત્રણેય દેખાવડાં અને પાત્રોચિત છે. કિયારા બહુ એટલે બહુ ક્યુટ હોવા સાથે એનો અભિનય પ્રભાવશાળી છે. અન્ય કલાકારોમાં જેમને પ્રમાણમાં સારાં પાત્ર અને ફૂટેજ મળ્યાં છે એ છે ડો. રંજન તરીકે નાસર અને યશ્નાની મા તરીકે જયારામ. યશ્નાના વાગ્દત્ત તરીકે અંગદ બેદી અને મહેમાન કલાકાર તરીકે શ્રુતિ હાસન અને નેહા શર્મા પણ ફિલ્મમાં છે.

શોર્યુવ દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સારી રહી નહોતી જેટલી અપેક્ષા હતી. જોકે ફિલ્મ ફ્લોપ નહોતી જ. હા, નેટફ્લિક્સ પર એ સરસ જઈ રહી છે. હિન્દી દર્શકો એને વખાણી રહ્યા છે.

સરવાળે, આ બે એવી ફિલ્મો ઓટીટી પર છે જેમણે બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહોતો કર્યો અને બેઉ, ઘેરબેઠા જોવામાં ખાસ વાંધો નથી. એકમાં મનોજ બાજપાયી તો બીજામાં નાની અને મૃણાલ ઠાકુરની જોડી છે. જોઈને ઠરાવો કે કેવીક લાગી.

નવું શું છે?

  • રૂ. 70 કરોડની વિસાખ દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ ટર્બો ઓટીટી પર આવી છે. થિયેટરમાં એણે ઠીકઠીક પ્રદર્શન કર્યું હતું. એમાં છે મામુટી. ફિલ્મ આજથી સોની લિવ પર જોઈ શકાય છે.
  • કોમિક બુક આધારિત સુપર હીરો સિરીઝ ‘ધ અમ્બ્રેલા એકેડમી’ અંતિમ ચોથી અને સીઝનમાં પહોંચી છે. એની વાર્તા એમ શરૂ થઈ હતી કે દુનિયમાં અલગ અલગ જગ્યાએ પહેલી ઓક્ટોબરે, 43 સ્ત્રીઓ બાળકને જન્મ આપે. એ પણ બાળજન્મ સુધી કોઈ સ્ત્રીને એની જાણ કે પ્રસુતિપીડા ના હોય એમ! છ એપિસોડવાળી સીઝન નેટફ્લિક્સ પર આવી છે.
  • બિનોય ગાંધી દિગ્દર્શિત ફિલ્મ ‘ઘુડચઢી’માં સંજય દત્ત, રવિના ટંડન, પાર્થ સમથાન, ખુશાલી કુમાર અને અરુણા ઇરાની છે. આ રોમાન્ટિક કોમેડી જિયો સિનેમા પર આજથી જોઈ શકાશે.
  • ટ્રાવેલ સિરીઝ ‘આર યુ શ્યોર?’માં જંગકૂક અને જિમિન વિશ્વભરના વિવિધ પ્રદેશોએ જશે. એમાં ન્યુ યોર્ક, દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ અને જાપાનના સપ્પોરો સામેલ છે. સિરીઝ આઠ ઓગસ્ટથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા માંડી છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 09 ઓગસ્ટ 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/09-08-2024/6

Share: