ક્રિસમસ આવી રહી છે ત્યારે મધર મેરી વિશેની એક ફિલ્મની વાત કરીએ. સાથે વાત કરીએ ઓટીટી પર જમાવટ કરનારા મનોજ બાજપાયીની લેટેસ્ટ ફિલ્મની. બેમાંથી શું જોવાય એ જાણો

એક ફિલ્મમાં સર્જનની સરસ ગુણવત્તા હોય પણ કથાનકની દ્રષ્ટિએ એ ખિન્ન કરે ત્યારે થાય, “કાશ, કથાના મામલે દમ હોત તો…” નેટફ્લિક્સની ફિલ્મ ‘મેરી’ની વાત કરીએ. ફિલ્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસનાં માતા મેરીના જીવનને સાકાર કરે છે. એની સ્ક્રિપ્ટમાં શૂટિંગ પહેલાં 74 વખત સુધારાવધારા થયે રાખ્યા હતા. છતાં, દિગ્દર્શક ડેનિયલ જે. કુરાસો અને લેખક ટિમોથી માઇકલ હેયસની ફિલ્મનું પરિણામ પોરસાવા જેવું નથી.

ઇઝરાયલના નગર નાઝારેથમાં વાર્તા એની આકાર લે છે, જે રાજા હેરોડ (એન્થની હોરપકિન્સ)ના સામ્રાજ્યનો હિસ્સો હતું. વિશાળ સ્થાપત્યોના નિર્માતા ઉપરાંત હેરોડ દમનકારી શાસક હતા. નાઝારેથમાં સંતાનવિહોણું યુગલ યોકિમ (ઓરી ફેફર) અને એન (હિલા વિડોર) રહે છે. ઈશ્વરના દૂત ગેબ્રિયલ (ડડલી ઓ’શૌઘ્નેસી) એમને જણાવે છે કે તેઓને દીકરી થશે, એ શરતે કે એમણે દીકરીને ઈશ્વરની સેવામાં સોંપવાની રહેશે. અને તેમને દીકરી જન્મે છે, મેરી (નોઆ કોહેન).

ફિલ્મની કથા મધર મેરીના જન્મથી જિસસના જન્મ સુધીની છે. એમાં વણાય છે મેરીનું પુરુષના સહવાસ વિનાનું માતૃત્વ, જોસેફ (ઇડો ટાકો) સાથેના દામ્પત્ય જીવન અને હેરોડના રંજાડની વાત. દ્રશ્યોના મામલે નયનરમ્ય ‘મેરી’ સાથે દર્શકોને જોડી રાખવાનું કામ બે પરિબળો કરે છે. એક તો મેરી તરીકે નોઆનો અભિનય. એ ઇઝરાયલી અભિનેત્રી છે. એની કારકિર્દીનો આ પહેલો મહત્ત્વપૂર્ણ રોલ છે. મેરીના પાત્ર માટે એનો દેખાવ બંધબેસતો છે. બીજું પરિબળ છે એન્થની હોપકિન્સની હાજરી. હેરોડ તરીકે જેટલી વખતે તેઓ પડદે આવે છે એટલી વખત, અન્યથા સાધારણ લાગતી ફિલ્મમાં જાન રેડાઈ જાય છે.

ફિલ્મમાં અડધો ડઝનથી વધુ ઇઝરાયલી કલાકારો છે. મેરી તરીકે નોઆ પહેલાં 75 અભિનેત્રીઓનાં ઓડિશન્સ થયાં હતાં. કુરાસોએ એ વિશે કહ્યું હતું, “અમારા માટે જરૂરી હતું કે મેરી સહિત મુખ્ય પાત્રો ઇઝરાયલી હોય જેનાથી કથા વાસ્તવિકતાસભર લાગે.” જોકે એમની સાથે પેલેસ્ટિનિયન કલાકારો હોવા જોઈતા હતા એ મુદ્દે સોશિયલ મીડિયા પર વિવાદ પણ ચગ્યો હતો. ઇઝરાયલી કલાકારોની હાજરીથી ફિલ્મને ખાસ ફાયદો નથી થયો. કારણ નબળી પટકથા છે.

ધાર્મિક વિષયની ફિલ્મને વિશ્વસનીય બનાવવી પડકારજનક કામ છે. એમાં મેરીની વાત હોય ત્યારે વિષય બાબતે જ્ઞાન-અજ્ઞાન બેઉથી દર્શકોમાં અપેક્ષાઓ સર્જાય છે. અહીં બેઉ પ્રકારના દર્શકોને નિરાશા મળે છે. જેઓ મેરીના જીવન, માતૃત્વથી અજાણ હોય તેઓ ફિલ્મની કંટાળાજનક રજૂઆતથી થાકે છે. જાણકાર હોય તેઓને ફિલ્મની સત્યતા વિશે જાતજાતના પ્રશ્નો થાય છે. એમાં ઉમેરી દો મનમાં અંકિત થઈ જાય એવાં દ્રશ્યોનો સદંતર અભાવ. સરવાળે, જે પરિણામ આવે છે એ સાવ એટલે સાવ અર્થવિહોણું છે. સિવાય કે મધર મેરી વિશે થોડુંઘણું પણ જાણવાનું મન હોય કે પછી, ઇતિહાસને આવરી લેતી ફિલ્મોમાં રસ હોય, ‘મેરી’ જોવાનું બિલકુલ ટાળી શકાય છે.

બીજી ફિલ્મ ‘‘ડિસ્પેચ’ની વાત કરીએ. એ ઝી સિનેમા પર આવી છે. એને જોઈને પણ સવાલ થાય કે આ ફિલ્મ શાને બનાવી હશે. ફિલ્મ જોવાનું એકમાત્ર કારણ મનોજ બાજપાયી હોઈ શકે. પણ જોયા પછી મનમાં થાય કે કરિયરના આમને આવી ફિલ્મ કરવાની શાને જરૂર પડી હશે.

કનુ બહેલ દિગ્દર્શિત ફિલ્મમાં કથા છે જોય બાગ (બાજપાયી)ની. ડિસ્પેચ નામના અખબારમાં એ ક્રાઇમ રિપોર્ટર છે. પત્ની શ્વેતા (શહાના ગોસ્વામી) સાથેનું એનું લગ્નજીવન ભંગાણને આરે છે. પ્રેરણા (અર્ચિતા અગ્રવાલ) સાથે એનો લગ્નેતર સંબંધ છે. એ નૂરી (રિતુપર્ણા સેન) જેવી કન્યાઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધે છે. ડિજિટલ જર્નલિઝમના વધતા પ્રભાવ વચ્ચે પ્રિન્ટ મીડિયાના પત્રકાર જોય પર ટકી રહેવાનું દબાણ છે. ઘટમાળ વચ્ચે એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટના નાતે મોટી સ્ટોરી પર કામ કરે છે. એની શોધખોળ એને મુંબઈના અંડરવર્લ્ડ સહિત રાજકારણ સહિતનાં રહસ્યો તરફ દોરી જાય છે…

મોળા માહોલ અને છાપેલાં કાટલાં જેવાં દ્રશ્યો સાથે ફિલ્મ શરૂ થાય છે. બહુ જલદી સમજાવા માંડે છે કે ફિલ્મમાં ભલીવાર હોવાની શક્યતા પાંખી છે. પત્રકારત્વ ફિલ્મનું હાર્દ હોવા છતાં જોયનું પાત્ર ક્યાંય એ મામલે એવું કશું કરતું નથી જેના લીધે ફિલ્મ ઉકળે અને ઉત્સાહ કરાવે. ટુજી કૌભાંડ, આઈપીએલના કાવાદાવાની અછડતી ખેંચતાણ, અંડરવર્લ્ડની વાતો વગેરે બધું નિરર્થક અને નિસ્તેજ રહે છે. ક્લાઇમેક્સમાં તો કંઈક થશે એવી આશા પણ કથાંતે ઠગારી પુરવાર થાય છે.

ફિલ્મમાં સેક્સનાં દ્રશ્યો પણ ઠઠારવામાં આવ્યાં છે. એનાથી ફિલ્મ વધુ અર્થવિહોણી બને છે. એક દ્રશ્યમાં મનોજ બાજપાયી નગ્ન દર્શાવાયા છે. એ દ્રશ્ય શા માટે લેવાયું, કોને ખબર. એવું જ ગાળાગાળીનું છે. ફિલ્મને મુંબઈના ક્રાઇમ રિપોર્ટર જે ડેની હત્યા સાથે પણ આડકતરું કનેક્શન છે. બહેલે ઇશાની બેનર્જી અને વિપિન અગ્નિહોત્રી સાથે લખેલી ફિલ્મનાં બે-પાંચ દ્રશ્યો પણ એવાં નથી જેની તારીફ કરવી પડે.

‘ડિસ્પેચ’ બાજપાયીનું હાલનું સૌથી નબળું કામ છે. અન્ય કલાકારોનાં પાત્રો ખાસ્સાં નબળાં છે. સર્જકે આવી ટાઇપની ફિલ્મોમાં અનેક વખત જોયેલાં પાત્રો અને દ્રશ્યોને થાગડથીગડ જોડીને ફિલ્મ છાપી નાખી હોય એવી ફીલિંગ થાય છે. કેટલાં બધાં દ્રશ્યો નબળાં છે. જોયના ઘરમાં થતી દોસ્તોં વાલી પાર્ટી, દિલ્હીમાં ગુંડાના ઘરે જોયની વિઝિટ, દેશની ત્રીજી સૌથી ટોચની કાયદાકીય ફર્મમાં ફાઇલ મેળવવા વાટાઘાટ કરતો જોય, સંવેદનશીલ ડેટા સેન્ટરમાં ઘૂસણખોરી કરીને આસાનીથી ત્યાંથી સરકી જતો જોય… થાકી જવાશે ઉલ્લેખ કરતાં. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એની જગ્યાએ છે. સારી ફિલ્મ પણ સંશોધન અને કલ્પનાશીલતા માગે છે. એ સિવાય ફિલ્મ કેવી રીતે માણવાલાયક બને? અહીં એ મામલે મોળાશ સાથે કલાકારો પણ એવા જાણે એમને કામ સાથે કોઈ ખાસ નિસબત ના હોય.

ટેક્નિકલી ફિલ્મ સાધારણ છે. ગતિ બોરિંગ છે. એમ થાય કે વાર્તા એક તસું આગળ વધે તો રિમોટ કન્ટ્રોલનો સદુપયોગ કરવાનું ટાળીને ફિલ્મ જોતા રહીએ. ‘ડિસ્પેચ,’ ઇન શોર્ટ, નહીં જોઈ તો ગુમાવવાનું કશું નથી.

નવું શું છે?

  • ડિરેકટર શુચી તલાટી અને પ્રીતિ પાણિગ્રહી, કેશવ બિનય કિરણ અને કની કુસરુતિ અભિનિત ઇન્ડો ફ્રેન્ચ ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ 18 ડિસેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે.
  • અમેરિકન વોર ડ્રામા ‘ધ સિક્સ ટ્રિપલ એઇટ 855 આજે નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મમાં કેરી વોશિંગ્ટન, ઓપ્રાહ વિન્ફ્રે, એબોની ઓબ્સિડિયન, સારાહ જેફરી, મોરિયા બ્રાઉન અને મિલોના જેક્સન છે.
  • ‘મૂનવોક’ બે ચોરોના જીવન પર આધારિત વેબ સિરીઝ છે. એમાં સમીર કોચર, અંશુમાન પુષ્કર અને નિધિ સિંહ છે. આજથી એ જિયો સિનેમા પર આવી છે.
  • જીમી ડોનાલ્ડસન (મિસ્ટર બીસ્ટ)ની ‘બીસ્ટ ગેમ્સ’ ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવી છે. રિયાલિટી શોના દસ એપિસોડ હશે.

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/20-12-2024/6

Share: