એસ. એસ. રાજામૌલીને હજી થોડાં વરસ પહેલાં માત્ર દક્ષિણ ભારતીય દર્શકો પિછાણતા હતા, એ પણ ઠીકઠીક. ‘મગાધીરા’ અને ‘ઇગા’ પછીની ફિલ્મોએ, ખાસ તો ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’એ એમને વૈશ્વિક નામના અપાવી. આ ડોક્યુમેન્ટરી એટલે એમની એ સફળતાનું સેલિબ્રેશન
કપૂર ખાનદાન બોલિવુડનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. આ ખાનદાનની મહત્તમ વ્યક્તિઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. કપૂર્સ આ ઉદ્યોગનાં અભિનય, નિર્માણ, દિગ્દર્શન વેગેરે પાસાં સાથે કનેક્ટેડ છે. દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પરિવાર એવા છે જેની અનેક વ્યક્તિ ફિલ્મ ઉદ્યોગમાં છે. જોકે આ એક ડોક્યુમેન્ટરી, ‘મોડર્ન માસ્ટર્સઃ એસ. એસ. રાજામૌલી’ જોયા પહેલાં ઘણાને રાજામૌલીના પરિવારના ફિલ્મી ફેલાવાની ખબર નહીં જ હોય. તો, એમના પરિવારમાંથી કોણ કોણ છે આ ઉદ્યોગમાં?
રાજામૌલીનાં પત્ની રમા કોસ્ચ્યુમ્સ ડિઝાઇનર છે. એમના પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદ લેખક છે. રાજામૌલીની ઘણી ફિલ્મોના એ લેખક છે. રાજામૌલીનો સાવકો દીકરો એસ. એસ. કાર્તિકેય છે. એ પ્રોડક્શન સંભાળે છે. કાર્તિકેય પરણ્યો છે અભિનેતા જગતપતિ બાબુની ભત્રીજી-ભાણી પૂજા પ્રસાદને. રાજામૌલીના 91 વરસના કાકા કોદુરી સિવા શક્તિ દત્તા ગીતકાર અને લેખક છે. એમણે બાહુબલી, આરઆરઆરનાં ગીતો લખ્યાં છે. ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીતકાર એમ. એમ. કિરાવાનીના તેઓ પિતા છે. કિરાવાની એમ રાજામૌલીના કઝિન છે. રાજામૌલીનાં અન્ય કઝિન્સ પણ ઇન્ડસ્ટ્રીમાં છે. કલ્યાણી મલિક સાઉન્ડ સુપરવાઇઝર છે. બાહુબલીઃ ધ બિગિનિંગમાં એમણે આ કામ સંભાળ્યું હતું. એમ. એમ. શ્રીલેખા ગાયિકા અને સંગીતકાર છે. એસ. એસ. કાંચી લેખક અને અભિનેતા છે. રાજામૌલીની ફિલ્મોમાં એણે સ્ક્રિપ્ટ ડૉક્ટરની જવાબદારી નિભાવી છે…
‘મોડર્ન માસ્ટર્સઃ એસ. એસ. રાજામૌલી’ આપણને રાજામૌલીની ફિલ્મો, એમના પરિવાર, એમની વિચારધારાના અંતરંગ વિશ્વમાં લટાર કરાવે છે.
રાઘવ ખન્ના અને તન્વી અજિંક્ય ડિરેક્ટર્સ છે. નેટફ્લિક્સ પર આવેલી આ ડોક્યુમેન્ટરી રાજામૌલી વિશે રસપ્રદ વાતો જાણવાનો પરફેક્ટ રસથાળ છે. ઘણી વાતો એવી છે કે આ ડોક્યુમેન્ટરી જોયા વિના કશેય જાણવા ના મળે.
હૈદરાબાદ, ટોક્યો અને લોસ એન્જલસમાં શૂટ થયેલી ડોક્યુમેન્ટરીમાં જાણીતી જર્નલિસ્ટ અનુપમા ચોપરા એન્કર છે. શરૂઆતમાં આપણને રાજામૌલી વિશે કરણ જોહર અને જેમ્સ કેમેરોન (ઓફ ટર્મિનેટર અને અવતાર ફેમ), જો રુસો જેવા સર્જકનાં મંતવ્યો દર્શાવવામાં આવે છે. તેઓ બેમોઢે રાજામૌલીનાં વખાણ કરે છે. સાથે લોસ એન્જલેસમાં ચોપરા-રાજામૌલીનો સંવાદ વણાય છે. ચોપરા સવાલ કરે અને રાજામૌલી જવાબ આપતાં જીવનનાં પડળ ખોલતા જાય.
ધીમેધીમે ડોક્યુમેન્ટરીમાં એમનાં પત્ની અને પિતા, સાવકા દીકરા, કિરાવાની સહિત પ્રભાસ, રાણા દગુબત્તી, એનટીઆર જુનિયર અને રામ ચરણ રાજામૌલી વિશેનાં પોતાનાં મંતવ્યો અને નિરીક્ષણો શેર કરવા જોડાય છે. એનાથી આપણી સમક્ષ આવે છે એક સર્જકની અજાણી વાતો. એનાથી ખ્યાલ આવે કે જિંદગીમાં પેશન જ્યારે પ્રોફેશન બને ત્યારે કેવો જાદુ સર્જાય છે. આપણે એને સરળ શબ્દોમાં સમજીએ.
માંડ બારમું પાસ રાજામૌલી સ્કૂલ-કોલેજના સમયથી ભણવામાં ઓછી અને વાર્તા કહેવા-સાંભળવામાં ઝાઝી રુચિ ધરાવતા હતા. એમનાં દાદી એમને જે વાર્તા સંભળાવતાં એ રાજામૌલીને અતિશય સ્પર્શી જતી. પછી રાજામૌલી એમના મિત્રોને આગવી અદામાં (કહો કે ફિલ્મમેકિંગનાં બીજ એમનામાં ત્યારથી રોપાયાં) એ કથા સંભળાવતા પણ ખરા. વળી મા ઇચ્છતી કે દીકરો અંગ્રેજીમાં પાવરધો થાય એટલે એ રાજામૌલીને મોકલે અંગ્રેજી ફિલ્મો જોવા અને પ્રેરે કોમિક્સ-કથા વાંચવા. પિતા-કાકા ફિલ્મલેખક હોવાથી ઘરમાં ફિલ્મી માહોલ હતો જ. પિતાની એક ફિલ્મમાં રાજામૌલીએ બાળકૃષ્ણ તરીકે અભિનય પણ કર્યો હતો.
રાજામૌલીના દાદા મોટા જમીનદાર હતા પણ સમય સાથે પરિવાર સખત આર્થિક ભીંસમાં આવી ગયો. રાજામૌલીની યુવાનીમાં પિતાએ પોતાની બચત દાવ પર લગાડીને ‘અર્ધાંગી’ નામની ફિલ્મ બનાવી હતી. એમાં રાજામૌલી અસોસિયેટ ડિરેક્ટર હતા. ફિલ્મ રહી સુપર ફ્લોપ. પરિવાર આવી ગયો દેવાના બોજતળે.
રાજામૌલીએ ચેન્નાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની પા પા પગલી ભરી હતી. પછી શિફ્ટ થયા હૈદરાબાદ. ત્યાં એમના હજી એક કઝિન ગન્નમ ગંગારાજુ લેખક-નિર્માતા તરીકે ફિલ્મોમાં પ્રવૃત્ત હતા. એમણે રાજામૌલીને ફિલ્મમેકિંગની પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડી. પછી જાહેરાતો, સામાજિક સંદેશાવાળી શોર્ટ ફિલ્મો, તેલુગુ દેસમ પાર્ટીની જાહેરાતો ડિરેક્ટ કરતાં કરતાં તેઓ પહોંચ્યા ટીવી સુધી. ટીવી પર એમણે ડિરેક્ટ કરી ‘સાંતિ નિવાસમ’ સિરિયલ.
રાજામૌલીની આજે જે નામના છે એના અંદેશા એ સિરિયલથી દેખાતા થયા હતા. ‘મોડર્ન માસ્ટર્સ’માં રાજામૌલીના જે પહેલા કામ પર પ્રકાશ પથરાય છે એ એમની ટીવી સિરિયલ છે. એ વરસ 1999નું હતું. આપણે, એટલે બિનતેલુગુ દર્શકો રાજામૌલીના નામથી પહેલીવાર પરિચિત થયા એમની આઠમી, 2009ની ફિલ્મ ‘મગાધીરા’થી. એમાં રામ ચરણ, શ્રીહરિ, કાજલ અગ્રવાલ હતાં. રૂપિયા પચાસ કરોડથી ઓછામાં બનેલી એ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રણગણા પૈસા છાપી લીધા હતા. એ હતી નેશનલ અને ગ્લોબલ રાજામૌલીને દિશા દેખાડનારી ફિલ્મ પણ.
ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવે છે રાજામૌલીના બાળપણ, દિશાહીન યુવાનીથી લઈને એમની લાર્જર ધેન લાઇફ ફિલ્મો સુધીની એક્સાઇટિંગ સફર. ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ વિશે પણ ઘમી મજાની વાતો એમાં વણી લેવાઈ છે. જેમ કે, ઓસ્કર એવોર્ડ જીતનારા ગીત નાતુ નાતુની કોરિયોગ્રાફી વિશે રાજામૌલી કેવી બારીકી રાખતા હતા એ ડોક્યુમેન્ટરીમાં છે. એક એક સ્ટેપસાથે શૂટિંગ થાય પછી તેઓ ફૂટપટ્ટીથી પડદે માપતા કે મારા બેઉ સ્ટાર્સના સ્ટેપ્સ બરાબર મેચ થાય છે કે નહીં. એમની 2012ની એક નોખી જ ફિલ્મ ‘ઇગા’ હતી. એમાં વાત હતી એક માણસના મર્ડર અને પછી, માખી તરીકે પુનર્જન્મ અને એ માખી કેવી રીતે એના હત્યારા સામે બદલો લઈને પોતાની પ્રેમિકા સાથે સાયુજ્ય સાધે છે એની. આવું કંઈ થતુપં હશે, એવું વિચારીએ ત્યારે ફિલ્મ જોઈને ઘડીકવાર તો માની લેવું પડે કે રાજામૌલીએ કલ્પનાશીલતાથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. વિષય અઘરો હતો. રાજામૌલીએ એને એટલી બખૂબી ન્યાય આપ્યો કે ફિલ્મે એકલી તેલુગુ વર્ઝનમાં રોકાણ કરતાં ચારગણી કમાણી કરી. અન્ય ભાષામાં અલગ. સ્પેશિયલ ઇફકેટ્સ, દિગ્દર્શન, અભિનય જેવા મોરચે એ બેહદ પ્રશસ્તિ પામી.
પછી ‘બાહુબલી’ અને છેલ્લે, ‘આરઆરઆર.’ આ ફિલ્મોથી રાજામૌલી વૈશ્વિક ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત થયા છે. ઘણા એમને દેશના સમકાલીન સર્વશ્રેષ્ઠ ડિરેક્ટર તો ઘણા ઇન્ડિયન જેમ્સ કેમેરોન કહે છે. નિર્માતાઓ એમની ફિલ્મ બનાવવા નાણાંનો ધોધ વહાવવા ખડેપગે ઊભા રહે છે. દર્શકો એમનું નામ પડતાં ફિલ્મ જોવા આતુર રહે છે. કલાકાર-કસબીઓ એમની ફિલ્મમાં નાનામાં નાનું કામ કરવા મળે તો વિનાશરતે હા પાડી દે છે. રાજામૌલીની ચોકસાઈનો આગ્રહ અને દર્શકોની નાડ પારખવાની શક્તિએ એમને આ સન્માન કમાઈ આપ્યાં છે.
છેલ્લે એક વાત. ‘મોડર્ન માસ્ટર્સઃ એસ. એસ. રાજામૌલી’ જોતી વખતે ઉપર લખેલી ઘણી વાતો વધુ વિગતવાર માણવાનો લહાવો લઈ શકશો. અમુક વાતો એવી પણ નોંધી છે જે ડોક્યુમેન્ટરીમાં નથી. સૌથી મહત્વનું જે જાણવા મળે એ છે માણસની પેશન માટેની લગનથી સર્જાતું પરિણામ. નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી જરૂર જોજો. બાળકો, યુવાનોને પણ બતાવજો. સાથે ઠરાવજો કે એમનામાં જે કામ માટે પેશન હોય એ કામ માટે એમને પ્રોત્સાહિત કરવાનાં છે. કારણ કે કામ ગમે તે હોય, એમાં વ્યક્તિની સફળતા એની પોતાની મહેનત અને એના આપ્તજનોના પ્રોત્સાહનથી પોસિબલ થાય છે.
નવું શું છે?
● કલ્કિ ૨૮૯૮ એડીને મોટા પડદે જોવાનું ચૂકી ગયા? ગઈકાલથી ફિલ્મ ઓટીટી પર આવી ગઈ છે. એમાં ચે પ્રભાસ, અમિતાભ બરચન, કમાલ હસન એન્ડ દીપિકા પદુકોણ.
● અતરંગી પહેરવેશ માટે લાઇમલાઇટમાં રહેતી ઊર્ફી જાવેદ‘ફોલો કર લો યાર’ સીરીઝ લઈને આવી રહી છે. નવ એપિસોડવાળી આ સીરીઝ ૨૩ ઓગસ્ટ એટલે કે આજથી પ્રાઇમ વિડિયો પર આવી છે.
● ધનુષ, એસ. જે. રાજ અને પ્રકાશ રાજ અભિનિત તામિલ ફિલ્મ ‘રાયન’ ૨૬ જુલાઈએ રિલીઝ થઈ હતી. રૂ. ૯૬ કરોડનો વકરો એણે કર્યો હતો. આ એક્શન ડ્રામા આજથી પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.
● અમિત સિયાલ, દિવ્યાંશ દ્વિવેદી, આરોહી સૌદ અને અરિષ્ટા જૈનની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘તિકડમ’ આજથી જિયો સિનેમા પર આવી ગઈ છે.
● કિમ યુન-સીઓક, યુન કી-સંગ, ગો મિન-સી અને લી જુંગ-યુનની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ ફ્રોગ’ મજાની છે. આજથી એ નેટફ્લિક્સ પર આવી છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 22 ઓગસ્ટ 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/22-08-2024/6
Leave a Comment