‘એક ફિલ્મમાં છે નવાઝુદ્દીન સિદ્દિકી તો બીજીમાં છે સાક્ષી તન્વર, સંયમી ખેર અને દિવ્યા દત્તા સહિતની અભિનેત્રીઓ. ઓટીટીની આ લેટેસ્ટ મૂવીઝ એટલે ‘રૌતુ કા રાઝ’ અને ‘શર્માજી કી બેટી’  

એવી ઘણી ફિલ્મો બની રહી છે જેને લોકો સુધી પહોંચવા માટે બિગ બજેટ રિલીઝની જરૂર નથી. કારણ સિમ્પલ છે. આ ફિલ્મો સીધી પહોંચી જાય છે ઓટીટી પર. સર્જકોએ બસ એટલું કરવાનું કે કોઈક ઓટીટી કંપની સામે સરસ પ્રેઝન્ટેશન કરવાનું, સેટ-અપ ઊભું કરવાનું અને નિર્માણ પતાવીને ફિલ્મ પકડાવી દેવાની સીધી ઓટીટી રિલીઝ માટે. એ આપણી કમનસીબી કે આવી ફિલ્મો જોવા આપણે સબસ્ક્રિપ્શન ફી ભરી હોય છે. એવી આશા સાથે કે ઘેરબેઠા લગાતાર કંઈક સારું જોવા મળતું રહેશે. સીધી ઓટીટી પર આવતી ઘણી ફિલ્મો આપણી આ અપેક્ષા પર પોતું ફેરવતી રહે છે એ હવે સમજાવા માંડ્યું છે.

આનંદ સુરાપુર આ પહેલાં ‘ધ ફકીર ઓફ વેનિસ’ નામની ફિલ્મ દિગ્દર્શક તરીકે અને ‘ક્વિક ગન મુરુગન’ નિર્માતા તરીકે બનાવી ચૂક્યા છે. બેઉ ફિલ્મો ખાસ કશું ઉકાળી શકી નહોતી. એમની લેટેસ્ટ ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ છે. એમાં સ્ટાર એટ્રેક્શન નવાઝુદ્દીન સિદ્દીકી છે. ઉત્તરાખંડમાં એ શૂટ થઈ છે. ત્યાં છે રૌતુ નામનું ગામ. એમાં છે અંધ વિદ્યાર્થીઓ માટે એક શાળા, જ્યાં વૉર્ડન સંગીતા (નારાયણી શાસ્ત્રી)નું મૃત્યુ થયું છે. ઇન્સ્પેક્ટર દીપક નેગી (નવાઝુદ્દીન)ને દાળમાં કાળું હોવાની શંકા છે. તો, શરૂ થાય છે તપાસ. શંકાની સોય તણાઈ રહી છે સ્કૂલના માલિક મનોજ કેસરી (અતુલ તિવારી) તરફ, કારણ સ્કૂલની જમીન છે કરોડોની. પછઈ એ તણાય છે અમુક બીજાં પાત્રો તરફ પણ.

શરૂ થવાની સાથે જ ફિલ્મની વાર્તા આગળ વધવા છટપટિયાં મારતી હોય એનો ખ્યાલ આવવા માંડે છે. એથી, બે વિદ્યાર્થીઓ, રજત (પ્રથમ રાઠોડ) અને દિયા (દ્રષ્ટિ ગબા)ની ખંડિત પ્રેમકથાનો પણ એ આશરો લે છે. નેગી બેઉ બાબતોને સાંકળતો સત્ય જાણવા અહીંતહીં ભટક્યા કરે છે. છેવટે જે નિષ્પન્ન થાય છે એ બિલકુલ એવું નથી જે એક મર્ડર મિસ્ટ્રીને મજેદાર બનાવે. પરિસ્થિતિ પાની કમ જ રહે છે. ક્લાઇમેક્સ આવે ત્યારે થાય કે…

કથા તરીકે જુઓ તો એક સારી સસ્પેન્સ ફિલ્મને લાયક પ્લોટ ફિલ્મમાં છે જ. પણ પટકથા અને અસરકારક સંવાદોના મામલે એ સાવ રાંક છે. ટ્રીટમેન્ટ પણ ફિલ્મી ઓછી અને નબળી સિરિયલ કે સાધારણ નાટક જેવી વધારે છે. એટલે ફિલ્મ મંથર ગતિએ આગળ વધતી રહે છે. રોમાંચ સર્જવા એ સંપૂર્ણપણે નેગીના પાત્ર પર મદાર રાખે છે. એટલો મદાર કે અન્ય કોઈ કરતાં કોઈ પાત્ર પળવાર માટે પણ મતલબ રાખતું નથી. વળી, નેગી જ્યાં જાય ત્યાં ડિમરી (રાજેશ કુમાર), લતા (સમૃદ્ધિ ચાંદોલા) સહિતનાં ઇન્સ્પેક્ટર્સ લટકણિયાંની જેમ સાથે ને સાથે જ હોય છે. કઈ દુનિયામાં પોલીસ વિભાગ આ રીતે કામ કરતો હશે?

ફ્રેન્કલી સ્પીકિંગ, જેને જોવા માટે સમય ના બગાડાય એવી ફિલ્મ છે ઝીફાઇવની ‘રૌતુ કા રાઝ.’ નવાઝુદ્દીન પણ એમાં એવું કશું નથી કરી શક્યો જે આ પહેલાં એણે ના કર્યું હોય. મુદ્દે, સ્કિપ કરો.

એનાથી થોડી સારી છે ‘શર્માજી કી બેટી.’ એ છે પ્રાઇમ વિડિયો પર. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ડિરેક્ટર છે. એમાં વાત છે વિવિધ સ્ત્રીપાત્રોની જે બધી શર્મા છે, અર્થાત્ એમની અટક કોમન છે. ક્રિકેટર તન્વી (સંયમી ખેર), શિક્ષિકા જ્યોતિ (સાક્ષી તન્વર), એની લઘુતાગ્રંથિથી પીડાતી દીકરી સ્વાતિ (વંશિકા તાપરિયા), સ્વાતિની સખી અને ગૃહિણી કિરણ (દિવ્યા દત્તા)ની દીકરી ગુરવીન (આરિસ્તા મહેતા), આ બધી છે શર્માઝ. દરેકને પોતીકી સમસ્યાઓ છે. જ્યોતિની સમસ્યા દીકરી સ્વાતિ સાથે ટ્યુનિંગનો અભાવ છે. સ્વાતિનો પ્રોબ્લેમ મનમાં ઘર કરી ગયેલી ગાંઠ છે કે એ કદરૂપી અને અન્ય કન્યાઓ કરતાં નબળી છે. એને એ પણ ખટકે છે કે એના પિરિયડ્સ શરૂ થયા નથી. કિરણનો પ્રોબ્લેમ છે શહેર પટિયાલાથી આવીને મુંબઈ વસ્યા પછી અનુભવાતી બેરહેમ જીવનશૈલી. બીજો પ્રોબ્લેમ છે પતિ વિનોદ (પરવીન ડાબસ)નું એની સાથેનું ઝીરો એટેચમેન્ટ. સંયમીનો પ્રોબ્લેમ છે બોયફ્રેન્ડ માટે પ્રેમ હોવા છતાં બેઉ વચ્ચે પ્રવર્તતા મતમતાંતરો. સૌથી ઓછા પ્રોબ્લેમ છે ગુરવીનને.

વિવિધ પાત્રો જેના કેન્દ્રસ્થાને છે એવી આ ફિલ્મમાં સબપ્લોટ્સને સાંકળતી વાર્તા આગળ વધે છે. સૌથી વધુ ફોકસ સ્વાતિ અને કિરણના સબપ્લોટ્સ પર છે. સ્કૂલગર્લ સ્વાતિને પિરિયડ્સ શરૂ નહીં થવાથી અનુભવાતી અકળામણનો મુદ્દો, યંગ જનરેશનના વ્યુઅર્સના એન્ગલથી જોઈએ તો, સાંપ્રત છે. હવે તો આવા મુદ્દાને પડદે સવિસ્તર રજૂ કરવામાં છોછ પણ રહ્યો નથી. તો પણ, જે રીતે રજૂઆત થઈ છે એ રસપ્રદ નથી. ગૂંથણી પણ સાધારણ છે. કિરણકથામાં નાનાં નાનાં દ્રશ્યોથી (જેમ કે ડબ્બાવાળા સાથે એ રસ્તાકિનારે પત્તાં રમવા બેસી જાય) રોચકતા આણવાનો પ્રયાસ થયો છે. કિરણને વળી આડાઅવળા ભાસ પણ થયે રાખે છે. જેમ કે ડાઇનિંગ ટેબલ પર એ પતિનું ખૂન કર્યું, કે બાલ્કનીમાંથી પોતે આત્મહત્યા કરી એવી કલ્પના કરે. સ્વાતિ અને જ્યોતિ વચ્ચેનો જનરેશન ગેપ ફિલ્મમાં પ્રસ્થાપિત કરવાનો કાચો પ્રયાસ થયો છે. એક દ્રશ્યમાં સ્વાતિ જેવી ટેણકી માને લાંબો, મેચ્યોર્ડ ડાયલોગ ઝીંકીને હતપ્રભ કરી નાખે છે. એ બધાં પછી પણ આ ટ્રેક કશે પહોંચતો નથી કે નથી એનો કોઈ લોજિકલ એન્ડ આવતો. જ્યોતિ ટીચર છે એ બાબત ફિલ્મને કોઈ રીતે ઉપયોગી થતી નથી. એમાં પણ એ બેસ્ટ ટીચરનો એવોર્ડ જીતે એ જોઈને થાય કે આવી માનું દીકરી સાથે ટ્યુનિંગ કેમ નહીં થતું? અને બની શકે ના પણ થાય તો એ સારી રીતે આપણા સુધી કેમ નહીં પહોંચતું? ડિટ્ટો એવું તન્વી અને એના બોયફ્રેન્ડના ટ્રેકનું છે. એમની વાત શરૂ જ એવી રીતે થાય છે કે ખબર હોય કે આગળ શું થશે.

પોતાના વિચારવસ્તુને લાગણીસભર અદામાં, ટચી સ્ટાઇલમાં પેશ કરવામાં ‘શર્માજી કી બેટી’ ઊણી ઊતરે છે. બેશક, કલાકારોનો અભિનય અને ક્યાંક ક્યાંક વર્તાતા ચમકારાને લીધે ગાડી ગબડતી રહે છે. અભિનયમાં સૌથી સંયમિત છે સાક્ષી. વંશિકા સહજ છે. સંયમી, દિવ્યા મજાની છે. આરિસ્તા કોન્ફિડન્ટ અને મીઠડી છે. જ્યોતિના પતિ સુધીર તરીકે શારીબ હાશમી ધ્યાન ખેંચે છે.

‘શર્માજી કી બેટી’નો પ્રયત્ન વિવિધ કન્યાઓ-સ્ત્રીઓના જીવનને સ્પર્શતી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવાનો છે. એમાં એ સફળ એટલે નથી થતી કે તમામ સ્ત્રીપાત્રો અર્બન છે અને એમની સમસ્યાઓ આપણે એક અથવા બીજી ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ. કદાચ શહેરી અને ગ્રામીણ, ગરીબ અને અમીર, આત્મવિશ્વાસસભર અને લઘુતાગ્રંથિથી ત્રસ્ત… એમ વિરોધાભાસી પાત્રોથી વાત રજૂ થઈ હોત તો ફરક પડી જાત. છતાં, આગળ કહ્યું એમ, જો બેમાંથી એક ફિલ્મ જોવાની હોય તો બીજી જોવી. મહિલાવર્ગને એ વધુ પોતકી લાગશે અને માણવા જેવી પણ, એ પણ રહે યાદ.

નવું શું છે?

  • વિડિયો પછી હવે ઓડિયો ઓટીટી પ્લેટફોર્મ આવી રહ્યું છે‌ રેડિયો ઓરેન્જ નામની કંપની સાથે રેડિયો ઇન્ડસ્ટ્રીના ત્રણ અનુભવીઓ આ પ્લેટફોર્મ લાવી રહ્યા છે. વધુ વિગતો ટૂંક સમયમાં જાણવા મળશે.
  • ‘કિલ’ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કશું ઉકાળી શકી નહીં. કરણ જોહર સહિતનાં મોટાં માથાંઓ નિર્માતા હોવા છતાં. હવે નિર્માતાઓ આ ફિલ્મને અમેરિકામાં ઓટીટી મારફત રજૂ કરવા વિચારી રહ્યા છે. ત્યાં આ ફિલ્મ જોવા મળશે લાયન્સગેટ પર. નિર્માતાઓના મતે આવી ખૂનામરકી ભરેલી ફિલ્મ ત્યાં દર્શકો વધાવી લેશે.
  • સુપર ડિરેક્ટર એસ. એસ. રાજામોલી વિશેની એક ડોક્યુમેન્ટરી બીજી ઓગસ્ટથી નેટફ્લિક્સ પર આવશે. એ બનાવી છે પત્રકાર અનુપમા ચોપરાએ. એમાં જો રૂસો, જેમ્સ કેમેરોન અને કરણ જોહર જેવા સર્જકોએ રાજા મમૌલી વિશે પોતાનાં મંતવ્યો વહેંચ્યાં છે.
  • નેટફ્લિક્સ પર બારમી જુલાઈથી વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મહારાજા’ સ્ટ્રીમ થશે. બોક્સ ઓફિસ પર એ યેનકેન રીતે રૂ. 100 કરોડના કલેક્શન સુધી પહોંચી હતી.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 12 જુલાઈ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/12-07-2024/6

Share: