ગયા અઠવાડિયે એવા સોશિયલ સ્ટાર્સની આપણે વાત કરી જેઓએ ઓનલાઇન દુનિયામાં આગવું સ્થાન બનાવ્યું છે. એને એવો સરસ પ્રતિસાદ મળ્યો કે થયું આજે ફરી એવા બીજા થોડા સ્ટાર્સની અને ડિજિટલ સ્ટાર કેવી રીતે બનવું એની વાત કરીએ

વાઇરલ થયેલા વિડિયોથી વ્યક્તિનું વિકિપીડિયા પર આવી જાય એ ઘણું કહેવાય. કારણ ઘણા સેલિબ્રિટીઝ છે, જેમાં એક્ટર્સ, લીડર્સ, ક્રિકેટર્સ વગેરે વગેરે પણ સામેલ છે, જેમનું વિકિપીડિયા પેજ નથી. એ બધા વચ્ચે આ ડાન્સિંગ અંકલ એટલે સંજીવ શ્રીવાસ્તવ છે. ભોપાલની એક યુનિવર્સિટીમાં એ પ્રોફેસર છે. ગ્વાલિયરમાં એક લગ્ન હતાં, એમાં સંગીતનો કાર્યક્રમ હતો. સંજીવ અંકલે એમાં એક ડાન્સ કર્યો અને એ કોઈકે મૂક્યો ઇન્ટરનેટ પર. પત્યું, એક વિડિયોથી સંજીવ અંકલ જાણીતા થઈ ગયા. એમના નામે વિકિ પેજ પણ બોલે છે. એ એક વિડિયોની તાકાત એવી કે સંજીવ અંકલ એના લીધે ગોવિંદા (જેના એક ગીત પર એમણે ડાન્સ કર્યો હતો) એ સલમાન ખાન સહિતના સ્ટાર્સને મળી શક્યા અને ટીવી પર પણ ઝળક્યા.

સુરતમાં રહેતો એક ફુટડો યુવાન રોહિત ઝિંઝુરકે છે. એ રિએક્શનબોય તરીકે પણ ઓળખાય છે. એના ઇન્સ્ટાગ્રામ પર અઢી કરોડથી વધુ ફોલોઅર્સ છે. યુટ્યુબ, ટિકટોક વગેરેના ફોલોઅર્સ અલગ. રોહિત ગીતો સહિત વિવિધ પ્રકારના વિડિયો બનાવતો રોહિત સોશિયલ પ્લેટફોર્મ્સથી સરસ આવક રળે છે.  ઓનલાઇન સ્ટાર બન્યા પહેલાં એ કપડાંની દુકાનમાં કામ કરતો હતો. પછી બીજી એક કંપનીમાં કામ કર્યું. સાધારણ પરિવારના આ ટીનએજરને બહુ જલદી એ જાણ થઈ ગઈ હતી કે પૈસા કમાવવા પડશે, બોસ. એ માટે કંઈક હટ કે કરવું પડશે. એમાંથી એણે શરૂ કર્યા ઓનલાઇન અખતરા. એ અખતરા એને ફળ્યા અને સુપર ફળ્યા. આજે એ જાણીતો ઇન્ફ્લુએન્ઝર છે અને આર્થિક રીતે સંપન્ન છે.

સુરતની એક વાત કરીએ. ઇન્ટરનેટ પર ગુજરાતી ઇન્ફ્લુએન્ઝર્સ સર્ચ કરતાં સુરતના ઘણા યુવાનોનાં નામ જડી આવે છે. રિયા ઝા, બાર્બી, સચીન તિવારી, શિવમસિંઘ રાજપુત, વીતરાગ મહેતા, સની પરમાર, મિતેશ, ગોપાલી તિવારી વગેરે એમાં સામેલ છે. અમદાવાદની તુલનામાં કદાચ આ મામલે સુરત આગળ છે. જોકે એમ તો ગુજરાતનાં નાનાં શહેરો અને ગામોમાં પણ ઓનલાઇન પ્રતિભાઓ છે.

ઓનલાઇન નામના કોઈને સાવ અચાનક અને અનાયાસ મળે એ નવી વાત નથી. યાદ કરો પેલું મલયાલમ ગીત, મનિક્યા મલરાયા, જેમાં એક અભિનેત્રી નામે પ્રિયા પ્રકાશ વારિયર હતી. નામ વાંચીને ઘંટડી ના વાગે તો યાદ કરો એ વિડિયો ક્લિપ જેમાં એક ફુટડી કન્યા આંખ મિચકારતી હતી. એનું એ આંખ મિચકારવું આખા ગીત કરતાં વધુ પોપ્યુલર રહ્યું હતું. એ એક દ્રશ્યથી પ્રિયા નેશનલ સ્ટાર બની હતી. મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી પ્રિયાને જે નામના મળી એની કલ્પના એણે કે પેલું ગીત બનાવનાર કોઈએ કરી જ નહોતી.

ભુવન બદયાકર નામના શિંગ વેચતા બંગાળી માણસનો કિસ્સો પ્રમાણમાં તાજો છે. બાવન વરસનો આ આમ આદમી મૂળે પશ્ચિમ બંગાળના કુરાલજુરી ગામનો સૂકા મેવા વેચનારો એક નાનકડો ફેરિયો. એણે પોતાની શિંગ વેચવા ગીત ગાવાનું શરૂ કર્યું અને થયો જાદુ. કચ્ચા બદામ (એટલે શિંગ) ગીત ઓનલાઇન આવ્યું અને જોતજોતામાં સરહદો વળોટતાં સૌના મોઢે ચડી ગયું. એક ગીતના પ્રતાપે એ સેલિબ્રિટી બન્યો, ટીવી સિરિયલનો અભિનેતા, સિંગર બની ગયો.

2021માં છત્તીસગઢના એક 12 વરસના છોકરા નામે સહદેવ દિરડોએ બચપન કા પ્યાર ગીત પોતાની આગવી અદામાં ગાયું. કારણ હતું સહદેવની ગાવાની આગવી અદા. ગીત વાઇરલ થયું. એવું કે બાદશાહ જેવા ટોચના સિંગરે એના પરથી વિડિયો બનાવ્યો. સહદેવે એવી નામના કમાઈ કે એ ઘણા ટીવી શોઝમાં પણ ઝળક્યો છે.

સવાલ એ થાય કે આવી નામના, આવો પૈસો, આવો સર્જનાત્મક આનંદ અંકે કરવા કોઈ માસ્ટર કી હોઈ શકે ખરી? જવાબ છે હા અને ના. હા એટલા માટે કે જેમની પાસે સાધન, ટીમ, ક્રિએટિવ ફિલ્ડનો અનુભવ અને ગણતરીઓ છે તેઓ આ ક્ષેત્રમાં વ્યવસ્થિત આયોજન સાથે આગળ વધીને પોતાની કેડી કંડારી શકે છે. એક કંપનીએ બનાવેલા કામવાલીના વિડિયો એનું ઉદાહરણ છે. એમાં કામવાલીનું પાત્ર ભજવતી પુણેની અપર્ણા ટંડલે ખાસ્સી જાણીતી થઈ છે. એના વિડિયો બેહદ લોકપ્રિય છે અને અપરંપાર વખતો જોવાયા છે.

જવાબ ના એટલે છે કે વગર સાધન અને આર્થિક તાકાત પણ આ ક્ષેત્રમાં અસંખ્ય લોકોએ પોતાનું દ્રઢ સ્થાન બનાવ્યું છે. ઉપર આપણે મમળાવેલાં મોટાભાગનાં ઉદાહરણો એ પ્રકારનાં છે. જાત પર વિશ્વાસ રાખીને અને કર્મણ્યેવાધિકારસ્તે શ્લોકને સાંગોપાંગ અપનાવીને પણ ઓનલાઇન દુનિયામાં સફળ થઈ શકાય છે.

સૌથી પહેલાં એ નક્કી હોવું જોઈએ કે એકાએક મન થાય અને મસ્તી ઊપડે ત્યારે જ વિડિયો મૂકવાના નથી. આ કામ સિસ્ટમેટિક અને ગંભીરતાપૂર્વક કરવું જોઈએ. કોઈની નકલ કરવાની કે કોઈના કંડારેલા રસ્તે ચાલવાની પણ જરૂર નથી. સાવ વિચિત્ર અને અન્યોને અડબંગ લાગતો વિચાર પણ, જો પોતાના પર વિશ્વાસ હોય, તો ઓનલાઇન દુનિયામાં અજમાવી જોવા જેવો છે. નિષ્ફળતા મળે અથવા ધાર્યું પરિણામ ના મળે તો પણ મુંઝાવાની જરૂર નથી. એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો આઇડિયા અજમાવતા રહેવાનું. એમ કરતાં કરતાં ઓનલાઇન દુનિયાથી સુપરિચિત થવાશે એ પાકું છે.

માત્ર ગુણવત્તા નહીં, નસીબ પણ થોડો સાથ આપે તો કશું પણ થઈ શકે છે. સાથે જોઈએ વિડિયો વાઇરલ કરવાની સમજણ. એક રીતે એ આપોઆપ થઈ શકે છે અને બીજી રીતે એ ડિજિટલ ટ્રિક્સનો ઉપયોગ કરીને પણ થઈ શકે છે. આ બધું આવડતું ના હોય તો પણ શીખી જરૂર શકાય છે. સૌથી સારી વાત એ છે કે આવું જ્ઞાન અર્જિત કરવા હજારો કે લાખો રૂપિયા ખર્ચવાની ખરેખર જરૂર નથી. ઓનલાઇન માસ્ટરી મેળવવા માટે આવશ્યક જ્ઞાન ઓનલાઇન દુનિયામાં જ સાવ મફતમાં મળે છે. બસ, નિષ્ણાતોએ બનાવેલા વિડિયો જુઓ, લેખ વાંચો, એનાથી જે સમજાય એ પ્રમાણે પ્રયોગ કરો અને આગળ વધો.

જરા વિચારો કે સાવ નાનકડા ગામમાં રહેતા કે સાવ સાધારણ પરિસ્થિતિ ધરાવતા કોઈ બાળકે કે કોઈ યુવાને ઓનલાઇન સેન્સેશન બનવા શું કર્યું હશે? નવી પેઢીની એક સારી વાત એ છે કે એ ખણખોદ કરીને પણ શીખવા ઉત્સુક છે. જિજ્ઞાસા અને જીદ ઓનલાઇન સફળતામાં કામ આવે છે. એટલે જ, એમાં ઝંપલાવતી વખતે એ ઠરાવી લો કે જો એકવાર મેદાનમાં ઊતર્યા તો પીછેહઠ કરવી નથી એના સંકલ્પ સાથે જ ઊતરવું છે. દરેક વ્યવસાયની જેમ આ પણ એક સિરિયસ વ્યવસાય છે. એમાં પણ નેટવર્કિંગ અને પોતાને અપડેટેડ રાખવા મહેનત કરવી પડે છે. તો નીકળી પડો અને કરો ફતેહ.

નવું શું છે?

  • સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જોવા થિયેટરમાં મહેરામણ ઉમટ્યો નહોતો. ઝીફાઇવ પર આજથી એનું આગમન થયું છે ત્યારે મેકર્સ આશા રાખી શકે કે દર્શક ભાઈઓ અને બહેનો એને વધાવશે. તમારે એમાંના એક બનવું હોય તો રિમોટ ઉપાડજો.
  • કંગના રનૌતની નિર્માત્રી તરીકેની અને ઘણા વખતથી આવું આવું કરતી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરૂ’ આજથી આવી ગઈ છે. જોવા માટે જવાનું છે પ્રાઇમ વિડિયો પર. નવાઝુદ્દીન સિદ્દીકી, અવનીત કૌરને ચમકાવતી ફિલ્મની ડિરેક્ટર સાંઈ કબીર છે.
  • ‘દંગલ’ ફેમ નિતેશ તિવારીની આશાસ્પદ ફિલ્મ છે ‘બવાલ.’ એમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર બે સિતારા છે. નિર્માતા પણ મોટા ગજાના છે, સાજિદ નડિયાદવાલા. ફિલ્મ થિયેટર સુધી પહોંચવાને બદલે સીધી ઓટીટી પર આવશે. આવતા મહિને એ સ્ટ્રીમ થવાની શરૂ થશે પ્રાઇમ વિડિયો પર.
  • સુપર હિટ ‘સ્કેમ’ની પહેલી સીઝનમાં પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાના પાત્રને ન્યાય આપ્યો હતો. હંસલ મહેતાની સીરિઝની નવી સીઝનમાં અબ્દુલ કરીમ તેલગીના સ્ટેમ્પ પેપરના સ્કેમની વાત છે. સિરીઝ આવશે સોની લિવ પર, સપ્ટેમ્બરમાં.
  • સુહાના ખાન, અગત્સ્ય નંદા, ખુશી કપૂર સહિતનાં ફિલ્મી પરિવારનાં સંતાનોને ચમકાવતી ઝોયા અખ્તરની બહુચર્ચિત ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર આવી ચૂક્યું છે. 1960ના દાયકાના બેકડ્રોપમાં એની વાર્તા ચાલે છે. આર્ચીઝ જેવી લોકપ્રિય કોમિક સિરીઝથી એ પ્રેરાયલી છે. ટ્રેલર જોઈને એમ લાગે છે જાણે ફિલ્મ કરણ જોહર્સ, આદિત્ય ચોપરાઝની ટિપિકલ કોલિજિયન ટાઇપ્સની ફિલ્મો જેવી હશે. નેટફ્લિક્સ પર ફિલ્મની પધરામણી થાય ત્યારે સાચી ખબર પડશે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.23 જૂન, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/23-06-2023/6

Share: