વારાણસી રેલવે સ્ટેશન બહાર પડતાંની સાથે ચાની કીટલી દેખાઈ. ભાઈ ભાઈ! “તીન કટિંગ દેના,.” પેલાએ ચા આપી, પીધી કે અંગેઅંગમાં સ્ફૂર્તિનો ચમકારો થયો. દસ-બાર દિવસ દિલ્હીમાં જે ચા પીધી હતી એની વાત કરવા જેવી નથી. વારાણસીની આ પહેલી મુલાકાતમાં ખબર નહોતી કે દિલ્હીવાળી થશે કે ગુજરાતી ચા-બાજ મોંની લાજ રહી જશે. લાજ બિલકુલ રહી. ટેસડો પડી ગયો, ટેસડો.
આનંદ વિહારથી શરૂ થનારી ટ્રેન નામ પ્રમાણે સમયસૂચકતામાં ગરીબ હતી. “યે હમેશા લેટ ચલતી હૈ,” જાણતલ પ્રવાસીઓએ શરૂઆતમાં જ ટ્રેનની ખ્યાતિથી વાકેફ કરી દીધા. પહેલું સ્ટૉપ હતું મોરાદાબાદ. આખા પ્લેટફોર્મ પર ખાવાની કોઈ ચીજ ના મળે. એક પડીકાછાપ સ્ટૉલ અને એક રેંકડી જેમાં પુરી અને છોલે મળતાં હતાં. જનતા ખાના, યુ સી. જનતાએ નાછુટકે ખાધું, ભલે પેટનું કલ્યાણ થાય. સાથે ટ્રેનની કેટરિંગ સેવામાં મળતી બિરયાનીમાં પણ બિસમિલ્લાહ કર્યું. ટૂંકમાં, કડકડતી ઠંડીમાં પાછલા દિવસથી લઈને 14 જાન્યુઆરીની સવારે સાડાઅગિયાર સુધી, પેટની વેઠ ઊતરી. એને ટાઢક (ખરેખર તો ગરમી) છેક વારાણસીની ધરતી પર પગ મૂક્યા પછી વળી.
એક આડ વાત. કોઈક ગુજરાતીએ દિલ્હી જઈને અમદાવાદી ચાની કીટલી કરવા જેવી છે. એવો તડાકો પડશે કે પેઢી તરી જશે. હશે. તો, વારાણસી… દુનિયાનું એવું શહેર જેના અસ્ખલિત અસ્તિત્વને અપરંપાર વરસો થઈ ગયાં. જેના મરણને આપણે ઈશ્વરકૃપાથી ઓછું નથી ગણતા. વારાણસીમાં, બનારસમાં, કાશીમાં પહેલીવાર જીવતેજીવત જવાનો આ પહેલો યોગ. સ્વાભાવિક છે મનમાં ઉત્કંઠા હોય. મોદીકાળમાં વારાણસીની ખાસ્સી કાયાપલટ થઈ છે એવું પણ સાંભળ્યું હોય, ત્યારે કુતૂહલ પણ હોય કે જોઈએ તો ખરા કે કેવુંક ચકાચક અને ટકાટક થયું છે શહેર.
શ્રીગણેશ થયા એક નંબર ચા સાથે. પ્રથમ ગ્રાસે મક્ષિકા નહીં, કેવું સરસ!
દોસ્ત કૌશિકના મિત્રની ફાંકડી હોટેલ શહેરમાં હતી. રિક્શા મારીને પચાસની પત્તી (મુંબઈમાં જે રાઇડના વીસેક રૂપિયા થાય એના) ખર્ચીને પહોંચ્યા હોટેલ. મસ્ત રૂમ, અને એનાથી મસ્ત, મળતાવડો, સેવાતત્પર સ્ટાફ. રૂમમાં સૌપ્રથમ પ્રવાસની જે વાસ શરીરે બેસી હતી (સુપર ઠંડીમાં વાસ જ બેસે) એનાથી પોતાને મુક્ત કર્યા. બાથટબ સાથેના મોટા બાથરૂમમાંથી નહાઈને બહાર પડ્યા કે ત્રણેત્રણ ચકા થઈ ગયા.
હવે ચાલો, વારાણસી ખેડીએ.
દિલ્હી અને વારાણસીની ઠંડીમાં કોઈ ફેર નહીં. આ લખાય છે ત્યારે દિલ્હીમાં 14 તો વારાણસીમાં 13 ડિગ્રી ચાલે છે. છતાં દિલ્હી કરતાં મારી બેટી અહીં વધારે ઠંડી લાગે. કારણ તો ખબર નથી પણ હવા વધારે ચોખ્ખી એ કારણ હોઈ શકે. ભરબપોરે અમે ટાઢમાં ધ્રૂજી રહ્યા હતા. દિલ્હીના દિવસોમાં જે કાનટોપીને મર્દાનગી સાથે છુટાછેડા આપ્યા હતા, એની સાથે નાકલીટી તાણીને પુનર્વિવાહ કર્યાં. આવ વહાલી, ક્યાં હતી તું આટલા દિવસ, હેં?
હોટેલમાંથી બહાર પડ્યા ત્યારે ભોજનનો સમય પતુંપતું કરી રહ્યો હતો. ગઈકાલથી પેટમાં જેએનયુવાળી કરી રહેલા ઉંદરડા (જોકે પેટના મામલામાં ઉંદરડાનો ઇરાદો નેક હતો) ઝાઝા બગડે એ પહેલાં શોધી એક રેસ્ટોરાં, બિગ ચિલીઝ. વણખેડેલા શહેરમાં નડતી સમસ્યા એટલે ખાયે તો ખાયે કહાં… પણ દાવ સફળ રહ્યો. પંજાબી ફૂડ મગાવ્યું તો પણ. ગંગાની સહયોગી નદી વરુણા પરના બ્રિજ નજીકની એ નાનકડી હોટલના કર્તાહર્તા, તારું કલ્યાણ થાવ.
પછી કશેય ફરવાનો પ્રશ્ન રહ્યો નહીં. ટ્રેનની ઊંઘ કાંઈ ઊંઘ ના કહેવાય. અને મુંબઈગરાને ખાધા પછી રાજકોટિયાની જેમ લોટી જવાની તક મળે તો એ કોઈ કાળે એળે ના જવા દેવાય. અમે પહોંચી ગયા હોટેલ અને લંબાવી દીધું… જે થવું હોય તે થાય.
થયું એટલું જ કે એકાદ મોંઘેરી ઊંઘ ખેંચ્યા પછી, મોબાઇલની કલાકેક મેથી માર્યા પછી, ગાદલું છોડ્યું ત્યારે લગભગ સાત વાગી ગયા. અજવાળાએ શિયાળાની આદત પ્રમાણે ધરતી સાથે કિટ્ટા કરી લીધા હતા. ઠંડીએ વધારે જમાવટ કરી હતી. હવે? અમારી હોટેલ અને દશાશ્વમેધ ઘાટ સુધી જવા કોઈક એવોર્ડ આપે તો પણ જવાનો વિચાર નહોતો. જોકે રૂમ તો છોડી જ. ફરવા નીકળીએ અને રૂમવાન થવાનો મતલબ શો? વરુણા બ્રિજ જઈને બબ્બે ચા ઠપકારી નાખી. કુલ્હડની એ ચા એટલે ચા બાકી, એય છ રૂપિયામાં. ચાવાળાને પૂછીને અમે આગળના કોર્ટ વિસ્તાર ગયા. ઉદ્દેશ હતો શાકાહારી રેસ્ટોરાં શોધવાનો. ત્યાં મેળ ના પડ્યો એટલે વળી એક બાઇકસવારને પૂછ્યું. એ કહે સામેથી રિક્શા લો, તાજ કહો અને ઊતરી જાવ ત્યાં. પાંચ-પાંચ રૂપિયા સવારી લેશે.
ઇલેક્ટ્રિક રિક્શામાં પોણોએક કિલોમીટરે આવેલા પેલા વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં ચાર-પાંચ નાની-મોટી રેસ્ટોરાં હતી. શાકાહારી એકાદ જ હતી. જોઈશું, બાકી છેલ્લે હોટેલની રેસ્ટોરાંમાં જમી લેશું. વળતામાં અમે રિક્શા ના લીધી. શું છે કે નાના શહેરમાં બાઇક લઈને સૌ અહીંતહીં ફરે, એટલે એમને મન અડધો-પોણો કિલોમીટર પણ અંતર કહેવાય. મુંબઈગરા આટલા અંતરને ઘોળીને પી જવાય. અમે પણ પી ગયા, ટેસથી, મોજથી અને હોટેલ પહોંચી ગયા.
પહેલી નજરે જેટલું પણ બનારસ જોયું એ માટે મત એવો કે સ્વચ્છતા, સારા રસ્તાની બાબતમાં શહેર ખરેખર ખાસ્સું બદલાયું હશે. આવી ચોખ્ખાઈ દિલ્હીમાં પણ બધે નથી. માણસો એકદમ મિલનસાર અને સરળ. એક પર્યટકને લવ એટ ફર્સ્ટ સાઇટ માટે આનાથી વધારે શું જોઈએ?
આવતીકાલનું શું? ઠંડી એનું કામ કરે, આપણે કાશી માણવું પડે. બને તો સવારના પહોરમાં ઘાટ વિસ્તારે બોટમાં ચડી જવું છે. જોઈએ તો ખરા કે થરથરતા શરીરે ગંગામાં બોટસવારી કરીને કેવીક તૃપ્તિ વળે. જોઈએ તો ખરા કે જે ઘાટ જોવા અને જ્યાં થઈને મોક્ષમાર્ગે જવા અગણિત જીવ તલપાપડ હોય એ ઘાટ જિંદગીમાં પહેલીવાર જોઈએ તો કેવું લાગે. તો, વહેલી પડે સવાર. (ક્રમશઃ)
(14.01.2020)
Leave a Comment