“છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.”

“ક્યૂં નહીં ચલેગા?”

“કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.”

વારાણસીમાં ત્રીજા દિવસની આ પહેલી પહેલી હતી. એક રૂપિયાનો નાનો સિક્કો અહીં ચાલતો નથી. 

હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું. 

ગઈકાલનો રિક્શાવાળો બાબુ આજે પણ સાથી અને સારથિ હતો. નવદુર્ગા મંદિર અને દુર્ગાકુંડ મંદિર બેઉ એક જ સ્થાનક છે. ભેલુપુર વિસ્તારમાં સ્થિત આ મંદિર વ્યસ્ત માહોલ વચ્ચે પાવનતા અનુભવાય છે. સંલગ્ન સરોવર છે. ચોતરફ પાકી દીવાલો અને જાળી સાથેના સરોવરનું પાણી પણ ચોખ્ખું. 

નવદુર્ગા મંદિર

મૂળ બંગાળના નાતોરની રાણી ભવાનીએ મંદિરનું નિર્માણ અઢારમી સદીમાં કરાવ્યું હતું. દુર્ગાકુંડનો ઇતિહાસ કાશીનરેશ સુબાહુ સાથે સંકળાયેલો છે. મંદિર બહારની તકતી મુજબ સુબાહુને શશીકલા નામે દીકરી હતી. એના સ્વયંવરની તૈયારી વચ્ચે રાજકુમારીએ વનવાસી રાજકુમાર સુદર્શન સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજાએ વિવાહ કરાવી દીધાં. એનાથી ગિન્નાયેલા અન્ય રાજાઓએ સુદર્શન સાથે યુદ્ધ છેડવા ચાહ્યું. ત્યારે સુદર્શને માતાનું ધ્યાન ધર્યું. માતાએ શત્રુઓથી રક્ષા કરીને તેને વિજય અપાવ્યો. સુદર્શને માતા પાસે વરદાન માગ્યું કે તમે કાશીપુરીમાં રહીને સદૈવ રક્ષા કરો. અહીં માતા જગદંબા દુર્ગારૂપે બિરાજ્યાં.  

મંદિર સંલગ્ન સરોવર એક જમાનામાં ગંગા નદી સાથે જોડાયેલું હતું. આજે નથી. મંદિરમાંની માતાજીની મૂર્તિ સ્વયંભૂ હોવાની માન્યતા છે. પરિસર નાનો છે. પ્રાચીનતા અને રચના મોહક છે. ગર્ભગૃહ આસપાસ પૂજાપાઠ કરવા માટે બેઠક છે. અમુક વિદેશીઓ પણ સાધનામાં વ્યક્ત હતા. પરિસરમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર હતું. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે થયું, “કાશીમાં એવી કઈ જગ્યા, શેરી, રસ્તો હશે જ્યાં મંદિર નહીં હોય?”

પછીનો મુકામ કાશી વિશ્વનાથ મંદિર હતો. કાશી વિશ્વનાથનાં બે મંદિર છે, એક પ્રાચીન અને બીજું નવું. પ્રાચીન મંદિરે લગભગ બે વાગ્યે પહોંચવાના હતા. બાબુ કહે, “ત્યારે મંદિર બંધ હશે.” એને ખ્યાલ નહોતો કે અમારા પર વિશ્વનાથ મહાદેવની થોડી વધારે કૃપા છે. મંદિરના કર્મચારીગણમાં મિત્ર શૈલેષ ત્રિપાઠી છે. ગઈ રાતે શૈલેષ સાથે વાત થઈ ચૂકી હતી. એણે જણાવ્યું હતું કે બપોરે આવશો તો નિરાંતે દર્શન કરાવીશ. અમારી રિક્શા પીડીઆર મૉલ સુધી ગઈ. આગળ ત્રણ પૈડાંવાળી પરંપરાગત રિક્શાને નો એન્ટ્રી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારના સંસદસભ્ય તરીકે, કાશી વિશ્વનાથ પરિસરમાં કરાવેલા ફેરફારો પછી નિયમ અમલમાં આવ્યો છે. એકાદ કિલોમીટરનું અંતર પગપાળા કાપવાનું હતું. મજા પડી ગઈ. નવા શહેરમાં ચાવનું એટલે અનુભવવું. દુકાનો, વાહનો, વટેમાર્ગુઓ, જાતજાતની ચહલપહલ વચ્ચે નિરીક્ષણ અને આનંદના સમન્વય સાથે મંદિરના ચાર નંબર ગેટ પહોંચ્યા. શૈલેષ ત્યાં મળવાનો હતો. ગેટ પર મોબાઇલ સહિત ઇયરફોન સુધ્ધાં લૉકરમાં જમા કરાવવાનાં હતાં. જડબેસલાક સુરક્ષાના ઉપલક્ષમાં આ ગોઠવણ છે. 

 

જણસો જમા કરાવી ત્યાં શૈલેષ આવી ગયો. સુરક્ષા તપાસમાં પાસ થઈને અમે ગણતરીની પળોમાં મંદિરમાં હતા. અમારા જેવા કંઈક લોકો દર્શને આવ્યા હતા. લાભ એ હતો કે ગિરદીનો ખાસ સામનો કરવાનો નહોતો. દર્શન સારાં થવાનાં હતાં. શૈલેષે અમને પંડિત વિવેક તિવારી સાથે મેળવી આપ્યા. દર્શન કરાવવાની જવાબદારી તેમણે ઉઠાવી લીધીય અમે દર્શન કરી લઈએ ત્યાં સુધી શૈલેષ એનાં કામ ગયો. 

એક આડવાત. મંદિરે મકરસંક્રાંતિ પછી ગમે ત્યારે દર્શન માટે ડ્રેસ કૉડ લાગુ થવાની વાત હતી. (સ્પર્શ દર્શન માટે) ડ્રેસ કૉડ થવાનો હતોઃ પુરુષો માટે ધોતિયું અને ઝબ્બો, મહિલાઓ માટે સાડી. અમે જીન્સમાં હતા. અમને દર્શન અને સ્પર્શ દર્શન બેઉમાં તકલીફ નહીં નડી એ રાહત હતી. 

કાશી વિશ્વનાથ મંદિર વિશે થોડી વાતો કરીએ.

કાશીવિશ્વનાથ મંદિર

બાર જ્યોતિર્લિંગોમાંનું એક અને સૌથી પ્રમુખ એવું જ્યોતિર્લિંગ એટલે કાશી વિશ્વનાથ મંદિર. ગંગાના જમણા કાંઠે એ સ્થિત છે. દિવ્ય દરબાર તરીકે ઓળખાતા આ સ્થાનકને વિશ્વૈશ્વરા પણ સંબોધવામાં આવે છે. મોક્ષ ઇચ્છુક માટે ગંગાસ્નાન અને કાશી વિશ્વનાથનાં દર્શન સૌથી ઉપયુક્ત છે. સંત એકનાથે એકનાથ ભાગવત અહીં લખી હતી, જેના આધારે મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાય સર્જાયો. હાલના મંદિરનું નિર્માણ રાણી અહલ્યાબાઈ હોળકરે સન 1780માં કરાવ્યું હતું. મહારાજ રણજીતસિંહે સન 1853માં મંદિરનાં દ્વારને એક હજાર કિલો સોનાથી શોભાયમાન કરાવ્યાં હતાં. 

પંડિતજી સાથે ગર્ભગૃહ સુધી ફટાફટ પહોંચી ગયા. ભગવાનને ચઢાવવા અમે દૂધ લીધું હતું. આમ તો મન માનતું નહોતું, કારણ આસ્થાના નામે દૂધ, ફળ, ફૂલ સહિત ચીજોનો કચ્ચરઘાણ નીકળે એ વાત હવે ખટકે છે. બાળક હતા, અક્કલ નહોતી ત્યારની વાત જુદી હતી. છતાં મહાદેવને મહાદેવને દૂધ ધર્યું, એવી પ્રાર્થના કરતાં કે હવે એવું ચક્કર ચલાવ કે અમે આવા બગાડથી તોબા પોકારી જઈએ. પરિસરમાં બીજાં પણ મંદિરો હતાં. ત્યાં પણ માથું ટેકવ્યું. પંડિતજીને દક્ષિણા આપીને છેવટે પહોંચી ગયા શૈલેષ પાસે.    

મોદીએ સંસદસભ્યના નાતે પોતાના પ્રથમ કાર્યકાળમાં મંદિર નજીકની લગભગ ત્રણસો ઇમારતો ખાલી કરાવી હતી. એ જગ્યાએ કાશી વિશ્વનાથ કૉરિડોરની યોજનાને આકાર અપાઈ રહ્યો છે. ઇમારતો તોડી પાડતા વચ્ચે છુપાયેલાં, ધરબાયેલાં અને ઉપેક્ષિત આશરે 43 મંદિરો મળ્યાં. હસ્તગત કરવામાં આવેલી 45,000 ચોરસ મીટર જમીન પર વિકાસકાર્યો જારી છે. અમને એના પર દૃષ્ટિપાત કરવાની તક મળી.

મંદિર લગોલગની જમીન પર ધરબાયેલાં એ મંદિરો સુસ્પષ્ટપણે જોઈ શકાય છે. એમાંનાં અમુક મોર્ય કે ગુપ્તા કાળનાં હાવોની વાત છે. એ સાચું એટલે નથી લાગતું કેમ કે મોર્યકાળમાં મંદિરોના નિર્માણનું ચલણ નહોતું. કદાચ કોઈક મંદિર કે મંદિરો ગુપ્તાકાળનાં હોઈ શકે. મોટાભાગનાં મંદિરો એ સમયનાં  હશે જ્યારે વારાણસી મોગલોના સકંજામાંથી મુક્ત થયું અને મંદિરો બાંધવાની હોડ લાગી હતી. જ્યારે કૉરિડોર સાથે તૈયાર હશે ત્યારે કાશી વિશ્વનાથ મંદિર સહિત આસપાસના આખા વિસ્તારની કાયાપલટ થઈ જવાની છે. 

એક મંદિર એવું પણ મળ્યું છે જેના ગર્ભગૃહે પહોંચવા જમીન સ્તરથી બેએક માળ નીચે જવું પડે. એક વળી નીલકંઠ મોહલ્લામાંથી મળ્યું છે જે કાશી વિશ્વનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ છે. એ વિસ્તારને નિહાળતાં, વટાવતાં કાઠમાંડુના પશુપતિનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિરે પહોંચ્યા. સાઇઝમાં નાનું છતાં ભવ્ય હતું. ભીંતો પરનાં કામયોગ સંબંધિત શિલ્પો ધ્યાનાકર્ષક હતાં. શૈલેષે કહ્યું, “ઘણા કહે છે કે મોદીજીએ વારાણસીના સંસદસભ્ય હોવા છતાં કામ કર્યાં નથી. હું મૂળ વારાણસીનો છું. જેઓ નિરાશાવાદી અને ખણખોદિયા છે તેમને મોદીજીએ કરેલાં કામ ક્યારેય ગમવાનાં કે દેખાવાનાં નથી. આવતીકાલે એરપોર્ટ જાવ ત્યારે જોજો, મોદીજીનો વારાણસીનો જાદુ દેખાઈ જશે. બધાં કામ મોદીજી કે સરકાર કરે એવી ધારણા રાખીએ તો વારાણસી તો છોડો, દેશમાં ક્યાંય કશું થવાનું નથી. નાગરિકોની કોઈ જવાબદારી નથી દેશ બદલવા વિશે?”

રાજકારણમાં ઊંડે ઊતરવાનો અમારો મૂડ નહોતો. અમે વાત પડતી મૂકીને ઘાટ પહોંચી ગયા. શૈલેષે એક નાવિકને સાધ્યો. અમે ગંગામાં પહોંચી ગયા. અજવાળામાં ગંગાના વહેણ વચ્ચે હોવાની અનુભૂતિ ગઈકાલ કરતાં જુદી હતી. હોડી પણ જુદી હતી. અમારો હાથ રમતવાતમાં ગંગાજળને સ્પર્શી શકતો હતો. સાઇબેરિયા અને અન્ય સ્થળોએથી આવેલાં અસંખ્ય પક્ષીઓ ઘડીકમાં પાણી પર તો ઘડીકમાં હવામાં ખેલી રહ્યાં હતાં. દૂર ઘાટ દેખાઈ રહ્યા હતા. એમાં એક મણિકર્ણિકા હતો, જ્યાં મોક્ષાર્થે અંતિમસંસ્કારની વિધિ લગાતાર જારી હતી. ચિતાઓ બળી રહી હતી. હવામાં એના ધુમાડાના ગોટેગોટા હતા. ખાસ યાદ રાખવા જેવું છે કે વારાણસી જનારે ગંગામાં હોડીમાં બેસવાનો અનુભવ ઓછામાં ઓછો બે વખત માણવો, એક ઉજાસમાં અને એક અંધકારમાં. 

કિનારે હોડી લાંગરી પછી મણિકર્ણિકા ઘાટ ગયા. જિંદગી કેટલી ક્ષુલ્લક છે એ જાણવા માટે એના જેવું કોઈ સ્થળ નહીં હોય. થોડીવાર ત્યાં બેસો કે તુરર્મ ખાં, માલેતુજાર, નામી, મહત્તવના હોવાનો ભ્રમ તૂટી જશે. ત્યાંથી સાંકડી, ચાર-પાંચ ફૂટની, શેરીઓ વટાવતાં ગેટ નંબર ચાર તરફ ગયા. વચમાં શિવ ભંડાર નામની એક જૂની ને જાણીતી દુકાનમાં શૈલેષે બે-ત્રણ મીઠાઈઓ ખવડાવી, નામ યાદ ના રહ્યાં પણ સ્વાદ યાદ રહી ગયો. અમારી આંખ સામેથી ચાર-પાંચ અંતિમયાત્રા પણ નીકળી. દરેક શબને રેશમનાં વસ્ત્રોથી સજાવવામાં આવ્યું હતું. ચહેરો પણ ઢાંકેલો. કોઈ ડાઘુના મોં પર શોક નહીં. કાશીના મરણનો મહિમા! 

કાશી વિશ્વનાથ મદિર નજીક મળેલો જ્ઞાની

શૈલેષ અમને ગેટ પર મૂકીને ફરજને ન્યાય આપવા ચાલ્યો ગયો. અમે લૉકર કાઉન્ટર પાસે ઊભા હતા. રિક્શાને એક મૉલથી કાળભૈરવ મંદિરે બોલાવવાની હતી. કોઈકને પૂછ્યું કે કાળભૈરવ ચાલતા જવા કયા રસ્તે જઈએ. ત્યાં એક મુફલીસ આવીને ઊભો રહ્યો. નિખાલસતાથી કહું તો એમ લાગ્યું કે ફક્કડ ગિરધારી દસ-વીસ રૂપિયાની લાલચે ઊભો છે. અમે એની ઉપેક્ષા કરી રહ્યા હતા. સવાલ પૈસાનો નહોતો. એ ડબડબ કરી રહ્યો હતો એનો હતો. છેવટે એની તરફ જોઈને પછ્યું, બોલો ભાઈ, શું છે. એણે અમને એક પેપર પ્લેટ પકડાવી દીધી. એના પર કશુંક લખવા માંડ્યો. અમે જોયું એ લખે છે કે નખરા કરી રહ્યો છે. અમારી ન વાઈ વચ્ચે એણે પેપર પ્લેટ પર કાળભૈરવ કેવી રીતે પહોંચવું એની વિગત અંગ્રેજીમાં લખી. પ્લેટ પકડાવીને એ જતો રહ્યો. અમને મદદ કરવાની એની ભાવના પૂરી થઈ એના સંતોષ સાથે. 

અમે કાળભૈરવ તરફ આગળ વધ્યા. શૈલેષની ભલામણ મુજબ માર્ગમાં મલાઇયો નામની મીઠાઈ માણી. દૂધની, પીળા રંગની, ફીણવાળી મલાઇયો માત્ર વારાણસીમાં અને શિયાળામાં જ મળે. એને મીઠાઈ કદાચ ના કહી શકાય એવું એનું બંધારણ છતાં જરૂર ચાખવા જેવી. 

એમ કાળભૈરવ પહોંચ્યા, જેને કાશીના કોતવાલ પણ કહે છે. સાંકડી શેરીમાં સ્થિત એ મંદિર નાનું અને પ્રાચીન હતું. એ વિશ્વેશ્વરગંજમાં અને કાશી વિશ્વનાથ મંદિરથી પગપાળા પહોંચી શકાય તેટલા અંતરે છે. સાંજ પડી ચૂકી હતી. મોહલ્લા અસ્સી અને બીજાં સ્થળો અમારી યાદીમાં વણજોયેલાં હતાં. ઠંડીનો ચમકારો આજે વધારે હતો. આવતીકાલે વહેલી સવારે મુંબઈ પ્રયાણ હોવાથી અમે હોટેલ ભેગા થવાનું નક્કી કર્યું. વારાણસી માટે ત્રણ દિવસ બહુ ઓછા છે. ફરીવાર આવવાની તક મળે તો કાર્યક્રમ લાંબો ગોઠવવાનું ઠરાવી લીધું. સાથે વિશ્વના એક સૌથી પ્રાચીન અને સતત ધબકતા રહેલા શહેરને આવજો કરવાનો સમય થઈ ગયો હતો. હર હર મહાદેવ. (સંપૂર્ણ)

(16.01.2020)

Share: