આ ફિલ્મે સાડાત્રણ ડઝનથી વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મેદાન માર્યું છે. 2024ની આ ફિલ્મે આપણને પાયલ કાપડિયા નામની દિગ્દર્શિકાનો પરિચય કરાવ્યો છે. ફિલ્મની ભાષા મલયાલમ છે. ફિલ્મમાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને પ્રારંભમાં ગુજરાતી સંવાદ પણ આવે છે.
આ ફિલ્મને ભારતની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી બનાવવા અમુક સર્જકોએ ભલામણ કરી હતી. એવું નથી થયું એ અલગ વાત છે. ભારતે મોકલાવી ‘લાપતા લેડીઝ’. ઘણાને પ્રશ્ન થશે કે જેને દુનિયાએ વખાણી એવી આ ફિલ્મને આપણે કેમ ઓસ્કારમાં નહીં મોકલી? તો, ફિલ્મનું નામ છે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’. હવે જાણીએ ફિલ્મમાં શું છે. અરે હા, ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર આવી છે.
મુંબઈની એક હોસ્પિટલમાં પ્રભા (કની કસરુતી), અનુ (દિવ્યા પ્રભા) અને પાર્વતી (છાયા કદમ) નર્સ છે. ત્રણેયની પોતપોતાની જિંદગી અને સમસ્યાઓ છે. પ્રભા અને અનુ સાથે રહે છે. પ્રભાનો પતિ માત્ર લગ્ન કરવા જર્મનીથી ભારત આવ્યો હતો. એ પાછો ગયો પછી બેઉ વચ્ચે હવે ફોન વ્યવહાર પણ બંધ છે. અનુ મુસ્લિમ યુવક શિયાઝ (હ્રિદુ હારૂન) પ્રેમમાં છે. હોસ્પિટલમાં એના વિશે તરેહતરેહની વાતો થઈ રહી છે. પાર્વતી જે ચાલીમાં રહી છે એને એક બિલ્ડર હડપી રહ્યો છે. સામે એ પાર્વતીને ઘર પણ આપવાનો નથી.
હોસ્પિટલનાં કામ, અનુના પ્રણયફાગ અને પ્રભાના એકલવાયાપણા વચ્ચે પાર્વતી ઠરાવે છે કે મુંબઈમાં ઘર ના હોય તો જતી ઉંમરે વતન રત્નાગિરી સ્થળાંતરિત થઈ જવું સારું. એને વતન મૂકવા પ્રભા અને અનુ એના સાથે જાય છે. એમની પાછળ શિયાઝ પણ પહોંચી જાય છે. ત્યાં એક કોતરમાં અનુ અને શિયાઝ વચ્ચે બંધાતો શારીરિક સંબંધ પ્રભા જોઈ જાય છે. ઉપરાંત, દરિયામાં તણાયેલા એક શખસ (આનંદ સામી)ને પ્રભા બચાવે છે. એ શખસ એની યાદશક્તિ ખોઈ બેઠો છે. પ્રભા એના મનમાં ઠસાવે છે કે એ એનો જર્મની વસતો પતિ છે. અને છેલ્લે…
‘ઓલ વી ઇમેજિન…’ પાંચ દેશોનું સહિયારું સર્જન છે. નિર્માતા તરીકેનાં વિવિધ નામની યાદી જોઈએ તો 17 નામ છે. એમાંના બે નિર્માતા અને સાત સહનિર્માતા છે. પરદે દેખાતો ફિલ્મનો ટોન અંધારિયો છે. અસલ દેશી દર્શકની અદામાં કહીએ તો ફિલ્મ મુંબઈ શહેરના વિવિધ રંગ દર્શવાતાં દ્રશ્યોનો કોલાજ કે સમૂહ છે. જે વસ્તુ આપણું ધ્યાન ખેંચે છે એ છે એની સાઉન્ડ ડિઝાઇન. ઓલિવર વોઇસિન સાઉન્ડ એડિટર છે. ઉત્તમ કામ માટે એમની નોંધ લેવી રહી. રાણાબીર દાસ સિનેમોટિગ્રાફર છે. એમણે સર્જેલી અસર વિદેશીઓને ભલે અપીલ કરી ગઈ હોય પણ આપણને બહુ જચે એવી નથી.
સાઉન્ડ ઉપરાંત ફિલ્મને જોતા રહેવા પ્રેરતી બીજી બે બાબત એટલે કલાકારોનો અભિનય અને ફિલ્મની રિયલિસ્ટિક માવજત. કની, દિવન્યા, છાયા ફિલ્મની જાન છે. ત્રણમાંથી કોની વધુ પ્રશંસા કરવી? બિલકુલ બિનફિલ્મી રીતે પડદે વહેતાં દ્રશ્યો આપણને એ ફિલ્મ કરતાં ડોક્યુમેન્ટરી હોવાની ફીલ વધુ કરાવે છે.
છતાં, ફિલ્મે ભારત (કે ફ્રાન્સ વતી પણ) ઓસ્કારમાં સત્તાવાર નોમિનેશન નથી મેળવ્યું. ભલે અમુક લોકોને એ ઓસ્કાર માટે ફિટ લાગી. ભારત વતી ઓસ્કાર માટે ફિલ્મ ઠરાવતી જણની જ્યુરી હોય છે. એના વડા ફિલ્મમેકર જાનુ બરુઆ છે. એમણે કરેલી ટિપ્પણી એકદમ બરાબર છે, “જ્યુરીને લાગ્યું હતું કે ફિલ્મ ટેક્નિકલી બહુ નબળી છે.” ઓલ વી… જોતી વખતે એની પ્રતીતિ કોઈનેય થઈ શકે છે. ઘણાને આ ફિલ્મ પૂરતી ભારતીય પણ નથી લાગી. એનું કારણ કે એનું અર્થઘટન સૌનું પોતપોતાનું હોઈ શકે છે.
એમાં ઉમેરી દો ફિલ્મનો કળાત્મક અભિગમ અને કાવ્યાત્મક અંડરટોન. ભલે બૌદ્ધિકો માટે એ સુંદર ગણાય તો શું? વળી એ એટલો સુંદર નથી કે એના માટે હોહા કરવી જોઈએ. ફિલ્મના એવા પ્રયાસોમાં અમુક ટ્રેક્સ દ્રશ્યો આવી જાય છે. દાખલા તરીકે, પ્રભાના ઘરે અજાણ્યા માણસે મેઇડ ઇન જર્મનીનું ઇલેક્ટ્રિક રાઇસ કૂકર, કે પાર્વતી અને પ્રભા, પાર્વતીનું ઘર પચાવી પાડનારા, બિલ્ડરના બોર્ડ પર પથરા ઝીંકે છે, કે પછી ક્લાઇમેક્સ આસપાસ પ્રભા અજાણ્યા જણને એનો પતિ હોવાનું મનમાં ઠસાવે છે, એ બધું કળાત્મક કહી શકાય એવું છે. આવું જોકે કમર્શિયલ ફિલ્મોમાં પણ હોય જ છે, રાઇટ?
રત્નાગિરીમાં શૂટ થેયલાં ફિલ્મનાં અમુક દ્રશ્યો, લોકેશનના નાવીન્યને કારણે, મજાનાં લાગે છે. અનુ અને શિયાઝ વચ્ચે જ્યાં પ્રણય ખીલે છે અને તેઓ શારીરિક સંબંધ બાંધે છે, એ લોકેશન આકર્ષક છે.
‘ઓલ વી ઇમેજિન’ માટે પાયલને ઓસ્કારમાં શ્રેષ્ઠ દિગ્દર્શિકા તરીકે નોમિનેશન મળે એવી સંભાવના ઘણાએ વ્યક્ત કરી છે. બીજી તરફ ‘લાપતા લેડીઝ’ ઓલરેડી ઓસ્કારની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આશા રાખો કે પાયલને નોમિનેશન મળે કારણ, આમ નહીં તો તેમ દેશને નોમિનેશન કે એવોર્ડ મળે એ પોરસાવાની વાત તો હોય જ. રહી વાત દર્શક તરીકે ફિલ્મને મૂલવવાની, તો એટલું કહેવું બિલકુલ યોગ્ય રહેશે કે આપણી આંખો, સંવોદનાઓ માટે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એક સામાન્ય ફિલ્મ છે. ધેટ્સ ઇટ.
કોણ છે પાયલ કાપડિયા? 1986માં જન્મેલી પાયલ મુંબઈગરી છે. ગુજરાતી પિતાની આ દીકરી એ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ફિલ્મમેકિંગ શીખી હતી. ‘ઓલ વી ઇમેજિન’ પહેલાં એણે ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવી હતી. 2017માં એની શોર્ટ ફિલ્મ ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી. એવી જ રીતે 2021માં ફિલ્મ એ ‘નાઇટ ઓફ નોઇંગ નથિંગ’ માટે એ કાન્સમાં ગોલ્ડન આય એવોર્ડ જીતી હતી. પોતાની લેટેસ્ટ ફિલ્મ માટે એણે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સન્માન અને એવોર્ડ્સ પટકાવ્યાં છે.નવું શું છે?
- ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ શુક્રવારથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના, રિદ્ધિ ડોગરા, બરખા સિંહ અને નાઝનીન પટની છે.
- ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ની ચોથી સીઝન સોની લિવ પર આવી છે. આ વખતે પણ શોમાં નવા નિર્ણાયકો છે.
- 2023ની સિરીઝ ‘ગૂઝબમ્પ્સ’ની બીજી સીઝન ‘ધ વેનિશિંગ’ ગઈકાલથી ડિઝની પલ્સ હોટસ્ટાર પર આવી છે. સિરીઝમાં ડેવિડ સ્વિમર, એના ઓર્ટીઝ અને સેમ મેક્કાર્થી છે.
- અમેરિકન સિરીઝ ‘ઓન કોલ’ ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવી છે. પહેલી સિરીઝમાં આઠ એપિસોડ છે. ટ્રોયન બેલિસારિયો, બ્રાન્ડોન લેરાક્યુએન્ટ, એરિક લાસેલે, લોરી લોફલિન અને રિચ ટિંગ કલાકારો છે.
- રાકેશ રોશન, હ્રિત્વિક રોશન, રાજેશ રોશન પહેલાં પણ સંગીતકાર રોશન બોલિવુડમાં પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હતા. રોશન પરિવારના જીવનમાં ડોકિયું કરવા મળશે ડોક્યુમેન્ટરી ‘ધ રોશન્સ’થી. 17 જાન્યુઆરીથી એ નેટફ્લિક્સ પર આવશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment