પહેલાં ક્યારેય ના માણી હોય એવી વાત આ સિરીઝ એની પહેલી સીઝનમાં લાવી હતી. બીજી સીઝનની પ્રતીક્ષા આખી દુનિયાને હતી. જોઈએ, એમાં શું છે
દરેક ફિલ્મ કે સિરીઝ ફ્રેન્ચાઇઝ બનવાને લાયક નથી હોતી. પરાણે ફ્રેન્ચાઇઝ ઊભી કરવામાં આવે તો વાત બગડી શકે છે. ‘સ્ક્વિડ ગેમ’ની હાલત બિલકુલ એવી છે. 2021માં એની સુપર એવી પહેલી સીઝન સાથે વાતનો માંડવાળ થઈ જાત તો આજે દર્શકોએ એની નબળી અને કંટાળાજનક બીજી સીઝન જોવાની જરૂર પડત નહીં.
નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાનારી સિરીઝ બનવાનું બહુમાન જેવુંતેવું નથી. દક્ષિણ કોરિયન સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ એ સિદ્ધિ હાંસલ કરી શકી એ મોટી વાત ગણાય. એ જવા દો. એને આઈએમડીબી પર ફાંકડું આઠ રેટિંગ મળે એ કેવું. એનો એવો અર્થ થયો કે સિરીઝ જોનારા દર્શકોએ એને ખોબલે ખોબલે વધાવી હતી. એમાં ઉમેરી દો એણે જીતેલા છ પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સ સહિત, કુલ 44 એવોર્ડ્સ અને 92 નોમિનેશન્સ.
‘સ્ક્વિડ ગેમ’ના સર્જક હ્વાન્ગ દોન્ગ-હ્યુન્ક માટે એ જેવીતેવી વાત ના ગણાય. 2011માં ‘ધ ક્રુસિબલ’ (સાઇલેન્સ્ડ) નામની એમની ફિલ્મ દક્ષિણ કોરિયાની એક સફળતમ ફિલ્મ હતી. પછી ‘મિસ ગ્રેની’ અને ‘ધ ફોરટ્રેસ’ જેવી સારી ફિલ્મો એમણે આપી. છતાં, વિશ્વને એમના અસ્તિત્વની, સર્જનશીલતાની જાણ ‘સ્ક્વિડ ગેમ’થી થઈ.
હ્વાન્ગ વિશે એક રસપ્રદ વાત કર્યા પછી ‘સ્ક્વિડ ગેમ’ની વાત કરીશું. 2008 સુધી હ્વાન્ગે એમની ફિલ્મો માટે નાણાં ઊભાં કરવાં નિષ્ફળ છટપટિયાં માર્યા હતાં. એમની આર્થક સ્થિતિ નબળી હતી. ઘર ચલાવવા એમનાં મમ્મી અને દાદીએ ખાસ્સી લોન લીધી હતી. એ સમયે દક્ષિણ કોરિયાની આર્થિક હાલત પણ ખસ્તા હતી. દેશ દેવામાં ડૂબેલો હતો. ત્યારે હ્વાન્ગ કલાકો સુધી માન્હ્વાબાન્ગ તરીકે ઓળખાતા કેફેમાં બેઠા રહેતા. આ કેફેમાં લોકો બેઠા રહે, ઇન્ટરનેટ ફંફોળ્યા કરે અથવા વાંચન કર્યા કરે. એવું કરનારા હ્વાન્ગ પણ હતા. ત્યાં તેઓ જાપાનના ‘મેન્ગા’ તરીકે જાણીતાં પુસ્તકો વાંચતા. એ પુસ્તકોની વાર્તા સામાન્યપણે અકલ્પનીય કસોટીઓ અને એમાં ટકી જનારા નાયકોની હોય છે. એને કહેવાય સર્વાઇવલ સ્ટોરીઝ. તેઓ એ કથાઓને મનોમન પોતાના દેશનાં પુસ્તકો અને સ્થિતિ સાથે સરખાવતાં વિચારે, “એક એવી સ્ટોરી લખવી જોઈએ જેમાં મૂડીવાદી માટે સૂગ છલકતી હોય, સાથે પરાકાષ્ઠાને આંબતી સ્પર્ધા હોય જે જીવનના સંઘર્ષનો પરોક્ષ આયનો હોય. પણ મારે એવી કથા લખવી જેમાં પાત્રો એકદમ સાચુકલા જીવન જેવાં હોય.”
એમણે ત્યારે કથા લખી અને વેચવાની કોશિશ કરી. એમની તમામ કોશિશ ઊંધા માથે પછડાઈ. સો કહેતા કે આટલી ક્રૂર, લોહીયાળ સ્ટોરી કોણ જોવાનું? ખેર, એ સ્ટોરીને અભેરાઈ પર ચડાવીને એમણે ત્રણ ફિલ્મો બનાવી. એમને સારી સફળતા અને નામના મળી. ત્યાં…
પેલી તરફ અમેરિકામાં નેટફ્લિક્સે એની વૈશ્વિક તાકાત અને પહોંચ વધારવાનું વિચાર્યું. 2018માં કંપનીના સીઈઓ ટેડ સારાન્ડોસે એવું નિવેદન પણ આપ્યું કે ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ જેવી નેક્સ્ટ સિરીઝ અમેરિકા બહાર કોઈ બનાવશે તો એમને ખૂબ આનંદ થશે. નોંધનીય છે કે દુનિયામાં સૌથી દમદાર, ખર્ચાળ ફિલ્મો-સિરીઝ વગેરે બનાવવામાં બહુ લાંબા અરસા સુધી હોલિવુડનું એકહથ્થું શાસન રહ્યું હતું. તો, દક્ષિણ કોરિયામાં ત્યારે નેટફ્લિક્સની ટેમ્પરરી ઓફિસ હતી. એમાં કિમ મિનયંગ નામે કંપનીના અધિકારીને ‘ધ ફોરટ્રેસ’ ફિલ્મને લીધે હ્વાન્ગની પ્રતિભાનો ઠીકઠીક અંદાજ હતો. તેથી, હ્વાન્ગે એક વિચિત્ર લગાતી અને ખૂનામરકીથી છલોછલ એવી ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કિમને થયું, “યે હુઈ ના બાત!”
જોકે નેટફ્લિક્સે હ્વાન્ગની કથાને ફિલ્મમાંથી નવ એપિસોડમાં પરિવર્તિત કરાવી. 120 મિનિટની ફિલ્મમાં વિષયને જોઈતો ન્યાય નહીં મળે એવો નેટફ્લિક્સનો અંદાજ હતો. છેવટે, કોવિડ વગેરે પડકારો પાર પડ્યે, સપ્ટેમ્બર 2021માં ‘સ્ક્વિડ ગેમ’ આવી. એને મળેલી અમાપ સફળતાએ હ્વાન્ગને બીજી સીઝન બનાવવાની આડકતરી ફરજ પાડી. હવે એની વાત.
પહેલી સીઝનમાં 456 સ્પર્ધકોમાંથી વિજેતા બનનારા સ્યોંગ ગી-હન (લી જંગ-જે)થી સાત એપિસોડની આ સીઝન શરૂ થાય છે. ત્રણ વરસનો ગાળો પસાર થઈ ગયો છે. અબજો રૂપિયા મળવા છતાં ગી-હનને અફસોસ છે કે કેટલાયનાં રક્તથી એ નાણાં રંજિત હતાં. તેથી, ગી-હન કૃતનિશ્ચય છે આવી ક્રૂર રમતના આયોજકોને શોધીને ગેમ બંધ કરાવવા. એની એ જીદ એને ફરી ગેમ રમવા સુધી દોરી જાય છે. ત્યાં એ નવા ખેલાડીઓ સાથે ફરી ‘સ્ક્વિડ ગેમ’ રમે છે અને…
‘સ્ક્વિડ ગેમ’ સીઝન ટુની મુશ્કેલીઓ વાર્તાના પ્લોટ સાથે શરૂ થઈ જાય છે. એક તરફ એની એ સ્પર્ધા, બીજી તરફ સ્પર્ધા ક્યાં રમાઈ રહી છે એ શોધવા દરિયો ખેડતા ગી-હને કામે લગાડેલા માણસોનો નીરસ ટ્રેક અને ત્રીજી તરફ કશેય નહીં પહોંચતી વાર્તા. શરૂઆતમાં કહ્યું તેમ, ‘સ્ક્વિડ ગેમ’ જો પહેલી સીઝન સાથે દર્શકોને રામરામ કરી ગઈ હોત તો બહુ સારું થાત. ખેર.
નવી સીઝનમાં માણવા જેવું કશું હોય તો કલાકારોનો અભિનય અને ઉત્તમ નિર્માણકક્ષા છે. એ બેઉ બાબતો પહેલી સીઝનમાં પણ આટલી જ સારી હતી. લી જંગ-જે, વિ હા-જૂન, લી બ્યુંગ-હુન, ઇમ સિ-વાન, લી સ્યો-હ્વેન સહિતના કલાકારોએ નવી સીઝનને સહ્ય બનાવવામાં ભરપૂર ફાળો આપ્યો છે. છતાં, પ્રોબ્લેમ જ્યાં કથા હોય ત્યાં વાત કેવી રીતે બને?
વર્ષાંતે આવેલી સૌથી આશાસ્પદ સિરીઝમાં ભલે સ્ક્વિડ ગેમ હોય પણ એ દર્શકો માટે એટલી જ નિરાશાજનક પુરવાર થઈ છે. પહેલા ત્રણેક એપિસોડ સુધી વાર્તા ગેમ રમવા સુધી પહોંચે છે. પછી ગઈ સીઝનની રેડ લાઇટ ગ્રીન લાઇટ ગેમથી મામલો જરાતરા મજાનો થાય છે પણ, એ પછી ભોપાળું. આ સીઝનમાં ગેમ કરતાં વધુ ધ્યાન ગી-હનના રમત રોકવાના પ્રયાસો, ખેલાડીઓના એની તરફેણ અને વિરુદ્ધના મતદાન વગેરે પર રહે છે. ખેલાડીઓમાં જ એક વિલન છે જેની ગી-હનને જાણ નથી. સરસ એવી આ વાતનો પણ પટકથા કે પ્રવાહમાં કોઈ ખાસ કસ નીકળતો નથી.
સરવાળે, સ્ક્વિડ ગેમના ચાહકો માટે નવી સીઝન હતોત્સાહ કરનારી સાબિત થઈ છે. ના જુઓ તો ચાલે. અને હા, એની ત્રીજી સીઝનનું શૂટિંગ પણ બીજી સીઝન સાથે થઈ ચૂક્યું છે. જોવાનું એ રહે છે કે એમાં શું નીકળે છે.
નવું શું છે?
- ‘પાતાલ લોક’ની નવી સીઝન 17 જાન્યુઆરીથી પ્રાઇમ વિડીયો પર આવશે. સિરીઝમાં આઠ એપિસોડ હશે. મુખ્ય કલાકારોમાં જયદીપ અહલાવત, ઇશ્વાક સિંહ, ગુલ પનાગ, તિલોતમા શોમ, નાગેશ કુકુનૂર અને જાનુ બરુઆ છે.
- લી મિન-હોની સ્પેસ થીમ પર આધારિત સાઉથ કોરિયન સિરીઝ ‘વ્હેન ધ સ્ટાર્સ ગોસિપ’ ગઈકાલથી નેટફિલ્કસ પર આવી છે.
- નિર્માતા વિક્રમાદિત્ય મોટવાણીની સિરીઝ ‘બ્લેક વોરંટ’ 10 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સિરીઝમાં શશી કપૂરના પૌત્ર ઝહાન કપૂર અભિનય કરતા દેખાશે.
- ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ત્રીજી જાન્યુઆરીથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મમાં દિવ્યા પ્રભા, કની કુસરુતિ, હૃદુ હારૂન, છાયા કદમ અને ટીન્ટુમોલ જોસેફ મુખ્ય ભૂમિકામાં છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/03-01-2025/6
Leave a Comment