એઆઈ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીો સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર સકારાત્મક અસર કરી રહી છે. અન્ય વ્યવસાયોથી વિપરીત શેર બજાર સાથે સંકળાયેલા કામકાજ માટે આ ટેક્નોલોજી વિકાસમાં પૂરક બની રહી છે. એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ની ઇવેન્ટ સ્ટોકટેક 2024માં આ વિશે અગત્યના મુદ્દા ઉજાગર થયા હતા 

ટેક્નોલોજીના બદલાતા રૂખ અને શેર બજાર તથા બ્રોકિંગ બિઝનેસ પર એના પ્રભાવ વિશે શુક્રવારે મુંબઈના ગોરેગામમાં સ્ટોકટેક 2024નું આયોજન થયું હતું. નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ના નેજા હેઠળ આયોજિત સ્ટોકટેકમાં સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરવા સાથે બિઝનેસ માટે એની ઉપયોગિતા અને મહત્તા વિશે પણ વિમર્શ થયો હતો .

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સ્ટોકટેક 2024માં એક અગત્યનો મુદ્દો હતો. અનેક વેપારોનાં સમીકરણો એઆઈને લીધે બદલાવાનો ભય પ્રવર્તી રહ્યો છે. એનાથી વિપરીત, સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર એના નકારાત્મક પરિણામો થવાને બદલે સકારાત્મક ફેરફાર થવાનો મત ઘણા સહભાગીઓનો હતો. એનું કારણ કે એલ્ગોરિધમ સહિતનાં ટેક્નોલોજી આધારિત સંશોધનોને કારણે શેર ટ્રેડિંગ વધુ ધારદાર થઈ શકે છે. ઘણા બ્રોકર્સ પહેલેથી જ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા સહિત શેર ટ્રેડિંગથી વધુ સારો નફો રળવામાં સહાયરૂપ થઈ રહ્યા છે.  

એએનએમઆઈમાં 900થી વધુ સ્ટોક બ્રોકર્સ સભ્યો છે. ડિજિટાઇઝેશન તરફ આગળ વધવાની સ્ટોક બ્રોકિંગની ગતિ પણ વધી રહી છે. માત્ર શેરની લેવેચ નહીં પણ અન્ય બાબતોમાં પણ આ વ્યવસાયમાં ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 

આ અવસરે ઉપસ્થિત સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. એસ. સુંદરસેને જણાવ્યું હતું, “જ્ઞાનના આદાનપ્રદાન માટે સ્ટોકટેક એક અત્યંત ઉપયોગી મંચ છે. ટેક્નોલોજી અપનાવતી વખતે આવશ્યક દક્ષતા અને જોખમોની સમજણ રાખવાથી એ વધુ સારું પરિણામ આપે છે. તેજ ગતિથી થતા આવિષ્કારોના આ સમયમાં વિકાસ અને વિવેક વચ્ચે સંતુલન જાળવવાનું દાયિત્વ એના સર્જકો અને વપરાશકર્તાઓની સમાન ધોરણે છે. ”

એન્મીના વેસ્ટર્ન રિજનના ચેરમેન મિલન પરીખે જણાવ્યું હતું કે એપીઆઈ આધારિત બ્રોકરેજ કંપનીઓ એમના ગ્રાહકોને ખાતું ખોલવાથી માંડીને તમામ કાર્યો અને સેવા વધુ સારી રીતે ટેક્નોલોજીને લીધે પૂરી પાડવા સક્ષમ બની છે. દરેક પસાર થતા દિવસ સાથે એલ્ગોરિધમ ટ્રેડિંગ વધી રહ્યું છે. સોફ્ટવેરથી સ્વયંચાલિત ટ્રેડિંગ આસાન બન્યું છે. 

એન્મીના કન્વિનર અને વેસ્ટર્ન રિજનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય મહેશ દેસાઈએ ડેટા એનાલિટિક્સ, એઆઈ, મશીન લર્નિંગ વગેરેની વિશિષ્ટતાઓ વિશે ઉપયોગી જાણકારી વહેંચતાં જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટના વિકાસ માટે એ અગત્યનાં પરિબળો છે. એમનવા મતે, “મશીન લર્નિંગ અને એઆઈને લીધે બજારમાં સર્જાતાં અસાધારણ જોખમો વિશે પહેલાંથી વધુ સારી રીતે સતર્ક અને સુસજ્જ રહેવું શક્ય બન્યું છે.”

ઇવેન્ટમાં એનસીડીઆએક્સના ચીફ ટેકનોલોજી ઓફિસર વિરલ દાવડા, ટીએસએસના સ્થાપક સાગર તન્ના, સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરા, બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામનન કિષ્નમૂર્તિ, સેબીના જનરલ મેનેજર શ્રી અવનીશ પાંડે, એન્મીની નેશનલ કાઉન્સિલના ડિરેક્ટર નીરવ ગાંધી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સના ચીફ જનરલ મેનેજર દીપક ત્રિવેદી સહિત અનેક મહત્ત્વના લોકો ઉપસ્થિત હતા.

બદલાતી ટેક્નોલોજી અને શેર ટ્રેડિંગ વિશે એએનએમઆઈએ એક મહત્ત્વપૂર્ણ સર્વેક્ષણ કર્યું હતું. અનેક બ્રોકર્સ એમાં સહભાગી થયા હતા. સર્વેક્ષણમાં જાણવા મળેલાં અમુક અગત્યનાં તારણો આ મુજબ છે.

  • એએનએમઆઈના વેસ્ટર્ન રિજનના 82% બ્રોકર્સ સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા અને સુરક્ષા પૂરો પાડવાની તત્પરતા ધરાવે છે. આઈટીમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની તત્પરતા 71.1% ધરાવે છે.
  • 82.3% સહભાગીઓના મતે સાઇબર સિક્યોરિટીના મોરચે યોગ્ય પગલાં લેવાથી એમના બિઝનેસ સાઇબર એટેકનો વધુ સુસજ્જતા સાથે સામનો કરી શકશે.   એઆઈને લીધે બિઝનેસ પર નકારાત્મક અસર નહીં પડે એવો મત 62% બ્રોકર્સનો હતો.
  • 53.1% સહભાગીઓએ જણાવ્યા પ્રમાણે 2023માં તેમણે આઈટી સંબંધિત સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. સામે પક્ષે, આઈટી માટે થતા ખર્ચમાં વીતેલા વરસમાં 20% વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
Share: