ઓટીટી અને ઇન્ટરનેટ પર લોકો સામાન્યપણે એ જુએ જે લાઇમલાઇટમાં હોય. જેઓ જુદું જોવા તલસતા હોય એમણે કરવી પડે શોધખાળ. એમ કરતાં મળી આવે કશુંક નોખું

ફિલ્મ હોય કે ઓટીટી શો, દરેકના કેન્દ્રસ્થાને એક વાર્તા, એક વિચાર હોય. કોઈક પ્રણયકથા, કોઈક હોરર, કોઈક સામાજિક તો કોઈક કોમેડી. કહે છે કે વાર્તા આ વિશ્વમાં સાત જ છે. એને જ આમતેમ ફેરવીને સર્જાતી રહે છે નવી નવી વાર્તાઓ.

ઓટીટી અને ઓનલાઇન પ્લેટફોર્મ્સે આ વાર્તાબાજીને નવા ટ્વિસ્ટ આપ્યા છે. ફિક્શન એટલે કાલ્પનિક વાર્તા અને નોન-ફિક્શન એટલે હકીકત પરથી સર્જાયેલી વાર્તા કે એવું સર્જન. બેઉ મોરચે ગજબનું વૈવિધ્ય ઓનલાઇન મનોરંજનને કારણે આવ્યું છે. માત્ર ફિલ્મ કે ટેલિવિઝનમાં જે બનાવવું કે, જોવું શક્ય નહોતું એ આ બધાંને કારણે શક્ય થયું છે. વાત કરીએ એવા અમુક શોઝની જેનાં કદાચ નામ ના સાંભળ્યાં હોય છતાં, એ છે અલગ જ પ્રકારના. એના દર્શકો પણ ઘણા છે. અને વિષય? વાંચો એટલે ખબર પડશે.

માય સ્ટ્રેન્જ એડિક્શનઃ ટીએલસીની યુટ્યુબ ચેનલ પર આ નામનો એક શો છે. એમાં સતત નવા એપિસોડ્સ ઉમેરાતા રહે છે. એકાદ મહિના પહેલાં એમાં ઉમેરાયેલો એપિસોડ અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગ શહેરના એક યુગલનો છે. પતિ-પત્ની બેઉને શી આદત છે જાણો છો? ગુરુશંકા કરવા માટે કોફીવાળું એનિમા લેવાની!

‘ટ્રિના અને માઇક’ની આ વાત છે. છેલ્લાં અઢીએક વરસમાં બેઉએ સાતેક હજાર વખત કોફી એનિમા લીધા છે. એમને આ વિધિનું એવું સખત વળગણ છે કે કોફીનું પાણી બનાવવું, એનિમા લેવું, એને ગુદાવાટે પિચકારીથી શરીરમાં દાખલ કરવું… એમાં ભલે કલાકો બગડે તો પણ એમને કબૂલ છે.

એમાં એક કરોડ લોકોએ જોયેલો એક એપિસોડ ‘હીથર’ નામની મહિલાનો છે. એને રોજ પેઇન્ટ એટલે ભીંત પર લગાડાતો રંગ પીવાની વિચિત્ર આદત છે. કલર પીધા વિના એનો દિવસ પૂરો થતો નથી. બોલો! રોજ એક નાનકડી ટ્યુબમાં કલર લઈને એ ધડાધડ ગટગટાવી જાય છે.

એંસી લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી આ યુટ્યુબ ચેનલમાં આવા ઘણા આવા ઘણા વિચિત્ર આદતોવાળા લોકોની વાત છે. 2010થી આ શો સ્ટ્રીમ થઈ રહ્યો છે. જોવી છે? જુઓ તો ધ્યાન રહે કે કોઈની આડીઅવળી આદતની નકલ કરવાની કોઈ જરૂર નથી.

ટ્વિન પીક્સઃ આમ જુઓ તો એ માત્ર એક મિસ્ટ્રી-હોરર ડ્રામા પણ એના જેવા શોઝ બહુ ઓછા. એની વાર્તા આકાર લે છે ‘ટ્વિન પીક્સ’ નામના કાલ્પનિક નગરમાં. એફબીઆઈ એજન્ટ એક ટીનએજરના મર્ડરની તપાસ કરવા નગર પહોંચે છે. આટલી સરળ વાર્તા છતાં, એની રજૂઆત, એનો ટોન, એના સુપરનેચરલ તત્ત્વો એને એકદમ નોખો બનાવે છે. છેક 1991માં આવેલા આ શોને પહેલીવાર જોનારા ઘણા નવાઈ પામી જાય છે. એના સંવાદો પણ નોખા છે. એની બે સીઝન પછી પણ વાર્તામાં એવા વળાંક હતા જેનાં લોજિકલ એન્ડ નહોતાં આવ્યા. એટલે એને વાળવા, પતાવવા બની હતી એક ફિલ્મ. એ આવી હતી 1992માં. બને તો સિરીઝ અને પછી ફિલ્મ, બધું જોઈ નાખવું. ફિલ્મ બોક્સ ઓફિસે સફળ નહોતી પણ, સિરીઝને કારણે લોકોનું ધ્યાન જરૂર ખેંચી શકી હતી. સીરીઝ છે પ્રાઇમ વિડિયો પર.

બ્લેક મિરરઃ ચાર્લી બ્રૂકર નામના સર્જકની આ સિરીઝ નેટફ્લિક્સ પર છે. 27 એપિસોડ્સ છે. કુલ છ સીઝન છે. સાતમી સીઝન પણ આવતા વરસે આવવાની અપેક્ષા છે. સાયન્સ ફિક્શન એનો પ્રકાર છે. આતંક ખદબદતા કાલ્પનિક રાજ્યોમાં વાર્તા આકાર લે છે. એમાં વણી લેવામાં આવ્યા છે સાંપ્રત સામાજિક મુદ્દા. સિરીઝની પ્રેરણા, ‘ધ ટ્વિલાઇટ ઝોન’ પરથી લેવામાં આવી હતી. એ પણ એક સિરીઝ હતી અને 195-60ના દાયકામાં ટેલિકાસ્ટ થઈ હતી. મજાની વાત એ હતી કે બ્રૂકર આ સિરીઝ પહેલાં રમૂજના લેખક તરીકે જાણીતા હતા. તેઓ એક મેગેઝિન માટે વિડિયો ગેમ્સના રિવ્યુઝ લખતા હતા. પછી એમણે ટેલિવિઝન માટે લખવાનું શરૂ કર્યું. મૂળે ટીવી પર શરૂ થનારી આ સિરીઝને નેટફ્લિક્સે ઉપાડી લીધી પછી એ આખી દુનિયામાં પહોચી.

ધ ફોક્સઃ આ એક ગીત ખરેખર વિચિત્ર છે. યુટ્યુબ પર એ જોઈ શકાય છે. નોર્વેજિયન કલાકાર યિલ્વિસે એને રિલીઝ કર્યું હતું 2013માં. આમ તો ગીત બે ભાઈઆનું સહિયારું કામ છે. આજ સુધીમાં એક અબજ કરતાં વધારે વખત એ જોવાઈ-સંભળાઈ ગયું છે. એની સફળતા ગીતની અને એના વિડિયોની વિચિત્રતાને આભારી છે. બાકી પહેલીવાર જોશો તો ઘડીકવાર થશે કે લે, આમાં વળી એવું શું છે કે આને આવી સફળતા મળી છે? ઇન્ટરનેટના જમાનામાં સફળ થનારી દરેક ચીજ મહાન હોય એ જરૂરી નથી. એનો એક દાખલો આ ગીત છે. નોવેલ્ટી માટે એને જોઈ શકાય છે.

કાર્નિવેલઃ 1930ના દાયકામાં જેની વાર્તા આકાર લે છે એવી આ અમેરિકન સિરીઝમા એ સમયની ભયંકર મંદીનો મુદ્દો છે. ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ અને ગ્નોસ્ટિસિઝમ (પહેલી અને બીજી સદીમાં એવી માન્યતાઓ જેને ખ્રિસ્તી અને યહૂદીઓએ વિકસાવી હતી)નો આધાર લઈને સિરીઝ બની હતી. એચબીઓએ એનું નિર્માણ કર્યું હતું. 2003 અને 2005 વચ્ચે બનેલી સિરીઝની બે સીઝનમાં 24 એપિસોડ્સ છે. એને એમી એવોર્ડ્સમાં પંદર નોમિનેશન સાથે પાંચ એવોર્ડ્સ મળ્યા હતા. એ સિવાય પણ બીજી ઘણા એવોર્ડ્સ પણ ખરા જ. વાર્તામાં બહેન હોકિન્સ નામનું પાત્ર છે જેની પાસે લોકોનો ઇલાજ કરવાની શક્તિ છે. એ પ્રવાસીઓની એક વણજારમાં જોડાય છે. પ્રવાસમાં એને જાતજાતનાં સપનાં આવે છે. અને એ શોધવાનો પ્રયાસ કરે છે હેન્રી સ્કડર નામના માણસને. બીજી એક કથા એમાં છે ખ્રિસ્તી ધર્મગુરુ જેવા પાત્રની જે એની બહેન સાથે રહે છે. એની મનઃસ્થિતિ પણ બહેન જેવી છે અને ધીમેધીમે એને ખ્યાલ આવે છે કે એનામાં પણ કંઈક અનોખી શક્તિ છે. આ સિરીઝ પણ પોતાનામાં અનોખી છે. જિયો સિનેમા પર સિરીઝ જોઈ શકાય છે.

ઇન શોર્ટ, ઇન્ટરનેટ અને ઓટીટી પર એવું ઘણું બધું છે જે આપણી સમક્ષ હોવા છતાં આપણે એમના વિશે ખાસ જાણતા નથી. શું છે કે આપણા માથા પર રોજેરોજ એટલી બધી માહિતી ઝીંકાઈ રહી છે, એટલા બધાં નવાં મનોરંજન આવી રહ્યાં છે કે મતિ મુંઝાઈ જાય. જેઓ સરેરાશ, બીબાઢાળ ચીજો જોઈને થાક્યા, કંટાળ્યા હોય અને કંઈક અલગ જોવા તલસતા હોય એમણે જરા સર્ચ કરવી રહે છે. કોને ખબર ક્યાંથી કશુંક સાવ જુદું જડી આવે.

નવું શું છે?

  • 27 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી ‘દેવારા પાર્ટ વન’ ઠીકઠીક ચાલી હતી. એ નેટફિલ્ક્સ પર આવી ગઈ છે. જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન, પ્રકાશ રાજ અને જાહ્નવી કપૂર અભિનિત ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં માણી શકાશે.
  • છ એપિસોડવાળી એકશન થ્રિલર વેબ સિરીઝ ‘સિટાડેલ હની બની’ના ગઈકાલથી પ્રાઇમ વિડીયો પર આવી છે. વરુણ ધવન, સામંતા રુથ પ્રભુ, કે. કે. મેનન, સિમરન, સાકિબ સલીમ, સિકંદર ખેર એમાં છે.
  • સપનાં જોવાની કોઈ ઉંમર નથી હોતી. આ મુદ્દા પર આધારિત અને અનુપમ ખેર અભિનિત, ‘વિજય 69’ ફિલ્મ આજથી નેટફિલ્કસ પર સ્ટ્રીમ થવા માંડી છે. ચંકી પાંડે અને મિહિર આહુજા પણ એમાં છે. ડિરેકટર છે અક્ષય રોય.
  • મલયાલમ એક્શન એડવેન્ચર ફિલ્મ ‘એઆરએમઃ અજયંતે રેન્ડમ મોશનમ’ ડિઝની પ્લસ હોટસ્ટાર આજથી આવી છે. એને હિન્દીમાં પણ જોઈ શકાય છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/08-11-2024/6 

Share: