નિર્માતાઓ, સ્ટાર્સ જેવી તેવી ફિલ્મો ઓટીટીને પધરાવી શકે પહેલો દોર સમાપ્ત થવાને છે. વાહિયાત સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મો પાણીમાં બેસી ગઈ એ પછી સમજદારીનું રાઉન્ડ શરૂ થવાને છે. એટલે જ ઓટીટીઝે ઠરાવ્યું છે કે ફિલ્મો સૌપ્રથમ મોટા પડદે જ, પછી ખરીદવાની વાત.
ફિલ્મો મોટા પડદે જ પીટાઈ રહી છે એવું કોણે કહ્યું? એકવાર આપણે વાત કરી હતી કે સીધી ઓટીટી પર આવતી ફિલ્મો પણ પીટાય છે. એની જાણ ઓટીટીવાળા થવા દેતા નથી. જોકે સત્ય છેવટે પ્રકાશે જ છે. સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોના મામલામાં એવો પ્રકાશ દિવાળી આસપાસ પથરાયો. એ પ્રકાશમાં ઉજળું દેખીને ઓટીટીઝે ઠરાવ્યું છે કે જ્યાં સુધી ફિલ્મ થિયેટરમાં ના આવે ત્યાં સુધી ખરીદવાની નહીં. આ નિર્ણય સાથે જાણે એક અગત્યનું ચક્ર લગભગ અઢી વરસે પતવાને છે. ચાલો, આ ચક્ર ભેદીએ.
બાવીસ માર્ચ 2020 તો યાદ હશે જ. વડા પ્રધાન મોદીએ એ દિવસે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવા સાથે બધું થંભી ગયું. બોલિવુડ પણ. એ સ્તબ્ધતા, ભય અને અનિશ્ચિતતામાં બોલિવુડની વલે થઈ. પડદે જવા થનગનતી કેટલીયે ફિલ્મોનાં મિસકેરેજ થવાને હતાં. ત્યારે એમની વહારે ઓટીટી આવ્યાં. એમણે રેડી ફિલ્મો ઊંચી કિંમતો આપીને ગજવે કરી અને રિલીઝ કરવા માંડી. સીધી ઓટીટી પર આવનારી પહેલી મોટી ફિલ્મ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ‘ગુલાબો સીતાબો’ હતી. પછી લાંબી કતાર અને એ વધુ લાંબી થતી જ ગઈ. ફિલ્મોને જાણે મોટો પડદો ગમતો ના હોય એમ નિર્માતાઓ ઓટીટીની દાઢીમાં હાથ નાખવા માંડ્યા.
એ સમયગાળામાં કાગનું બેસવું અને ડાળનું પડવું જેઓ ઘાટ પણ થયો. એ દુઃખદ ઘટના સાથે સંકળાયેલો હતો. સુશાંત સિંઘ રાજપુતના અકાળ અવસાન પછી એમની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ સીધી ઓટીટી પર આવી. એણે વ્યુઅરશિપના રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરી દીધા. લૉકડાઉન જારી હતો. સિનેમાઘરો ક્યારે ખુલશે કોઈ જાણતું નહોતું. એમાં ઇન્ડસ્ટ્રી અને ઓટીટીએ લવ મેરેજ કરી લીધાં.
પછી તો નાણાકીય ભીંસમાં અને પાકી ગણતરી સાથે નિર્માતાઓએ ઓટીટીને ફિલ્મો વેચવા માંડી. એમને તો આવક થઈ અને અદ્ધરતાલ રિલીઝથી મુક્તિ મળી. પ્રમોશનના પૈસા બચવા માંડ્યા એ અલગ. ભેરવાઈ જવાનો વારો ઓટીટીનો આવવા માંડ્યો.
પ્રારંભિક ઉછળકૂદ અને ઉન્માદ પછી સીધી ઓટીટીએ આવતી ફિલ્મોથી દર્શકો ધરાવા માંડ્યા. મફતમાં હોય તો શું, ખરાબ ફિલ્મ જોવામાં સમય શું બગાડવાનો, એ સમજણ દર્શકોમાં વિકસતી ગઈ. પરિણામ અપેક્ષા મુજબનું રહ્યું. નબળી ફિલ્મો નાના પડદે પણ પીટાવા માંડી. એના ઓફિશિયલ આંકડાઓ નથી તો શું. કોમન સેન્સ પણ કોઈક ચીજ છે. 2022ના પસાર થયેલા મહિના યાદ કરો. એમાં ઘણી ફિલ્મો સીધી ઓટીટી પર આવી. કેટલી જોઈ? કેટલી યાદ રહી? કેટલી માટે કોઈને ભલામણ કરી કે આ ફિલ્મ જરૂર જોજો? બહુ ઓછાં નામ યાદ આવશે.
દર્શકોને મતલબ એન્ટરટેઇનમેન્ટથી છે. સારી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ ગમે ત્યાંથી રસ્તો બનાવી લે છે. વગર પ્રચાર અને બિગ સ્ટારની ‘કૌન પ્રવીણ તાંબે’ અને ‘અ થર્સ્ડે’ દર્શકોની પરસ્પર ભલામણથી હિટ થઈ જાય છે. ફિલ્મ અપેક્ષાનુસાર ના હોય તો કાર્તિક આર્યની ‘ધમાકા’ની જેમ સૂરસૂરિયું થઈ જાય છે. કોરોનાકાળમાં ઘણા નિર્માતાઓએ એમની સૂરસૂરિયાંછાપ ફિલ્મો ઓટીટીને આંબલીપીપળી બતાવીને પધારવી હતી. ઓટીટીઝ પણ જાણે હું રહી ગયો એક ધડાધડ શૉપિંગ કરવામાં ઊતરી પડ્યાં હતાં.કોના બાપની દિવાળી?