રણમાં માટીના ઢૂવા તો હોય જ. યુએઈની એંસી ટકા જમીન રણપ્રદેશ છે. એંસી ટકા ફળદ્રુપ જમીન ધરાવતા અનેક દેશો કરતાં એણે પ્રશંસનીય પ્રગતિ સાધી છે. યુએઈમાં રણપ્રદેશનો વિશિષ્ટ અનુભવ માણવા ડેઝર્ટ સફારી, ડ્યુન બેશિંગ એટલે રેતીના ઢૂવા પર વાહનમાં પ્રવાસ કરવો અને ક્વૉડ બાઇક એટલે મોટ્ટા ટાયરવાળા વાહનને રેતી પર ચલાવવાનો અનુભવ કરવો.
દુબઈપ્રવાસમાં એક દિવસ સફારીનો હતો. શરૂઆત બપોરથી હતી. સવારે ગયા દુબઈ ફેસ્ટિવલ સિટી મૉલ. આ અને આવા બીજા મૉલમાં આંટો મારતા ટાંટિયાની કઢી થઈ શકે છે. સોળ લાખ ચોરસ ફૂટથી મોટા આ મૉલમાં આઇકિયાનો સ્ટોર પણ હતો. જાતજાતની ચીજો જોઈ. ખરીદીનો પ્રશ્ન નહોતો કેમ કે મુંબઈમાં ક્યાં આઇકિયા નથી? અમુક ચીજો એવી હતી જે કદાચ આપણા આઇકિયામાં ના હોય છતાં, ફ્લાઇટમાં પાછા ફરતા જેટલો સામાન ઓછો એટલી શાંતિ એ મારી જડ માન્યતા છે. વળી શૉપિંગનો સમય હજી આવ્યો નહોતો.
આઇકિયા સામે કેરફોરનો સ્ટોર હતો. આ ફ્રેન્ચ કંપની ભારતમાં આવીને જતી રહી છે. આપણા બિગ બાઝાર (હવે સ્માર્ટ બાઝાર), ડીમાર્ટ વગેરેને ટક્કર આપે એવી સાઇઝ અને ચીજોની વરાઇટી ધરાવતા કેરફોર જેવા બીજા મેગા સ્ટોર્સ પણ છે. અનાજ, કરિયાણાં સહિતની તમામ ખરીદી માટે ત્યાં મેગા સ્ટોર્સ જ મુખ્ય છે. શેરીએ શેરીએ કે રસ્તે રસ્તે હારબંધ દુકાનો નથી. ઘર નજીકની દુકાનો પણ મોટા સ્ટોર હોય. કેરફોરમાં જઈને અમે પરચૂરણ શૉપિંગ કરતાં સમય વિતાવ્યો.
શૉપિંગની વાત વખતે કેરફોર, ડે ટુ ડે, ગિફ્ટ્સ વિલેજ જેવા સ્ટોર્સની વાત કરશું.
ડેઝર્ટ સફારીના એડવાન્સ બુકિંગમાં વિવિધ પેકેજિસ મળે છે. એમાં સામાન્યપણે સામેલ બાબતો છેઃ ઘર કે હોટેલથી પિકઅપ અને ડ્રોપ, ડ્યુન બેશિંગ, ઊંટસવારી (તસવીર ખેંચાવી શકાય એટલા પૂરતી), આરબ વસ્ત્રોમાં ફોટો, મેંદી, સાંજ પછી મ્યુઝિકલ શૉ સાથે ડિનર. પ્રવાસમાં પાણીની બોટલ્સ પણ મળે. સફારી ક્વૉડ બાઇક સહિત કે વગર બુક કરી શકાય. વગર ક્વૉડ બાઇક બુકિંગ કરો તો પહોંચીને બાઇક ભાડે લઈ શકાય. જેવી તમારી ચોઇસ. શહેર પૂરું થાય ત્યાં જુદા જુદા સ્થળે વિવિધ કંપનીઓ સંચાલિત સફારી કેમ્પ્સ છે.