દુબઈ જનારના મનમાં જે જગ્યાએ જવાની તાલાવેલી હોય એવી એક જગ્યા બુર્જ ખલીફા છે. 829.8 મીટર કે 2,717 ફૂટ ઊંચી આ ઇમારત હાલમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. એનો રેકોર્ડ તોડે એવી પ્રસ્તાવિત અને અંડર કન્સ્ટ્રક્શન ઇમારતોમાંની એક સાઉદી અરેબિયાની જેદ્દાહ ટાવર છે. એનું બાંધકામ હમણાં ખોરંભે ચડેલું છે. એના અને બુર્જ ખલીફાના ડિઝાઇનર કે આર્કિટેક્ટ એક જ છે. બીજી પ્રસ્તાવિત ઇમારત દુબઈ ક્રીક ટાવર છે જે બુર્જ ખલીફાથી અગિયારેક કિલોમીટરના અંતરે બનશે. જેદ્દાહ ટાવર એક કિલોમીટર ઊંચો અને દુબઈ ક્રીક ટાવર 1,345 મીટર ઊંચો હશે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચું છે. એક માથે એક 7.40 સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો એક દુબઈ ક્રીક ટાવર બને. ગગનચુંબી અને સીમાચિહ્નરૂપ ઇમારતોના મામલે મિડલ ઇસ્ટના દેશો એકમેક અને આખી દુનિયા સાથે સ્પર્ધા કરી રહ્યા છે…
એક આડ વાત. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં નેઓમ સિટી નામનો અકલ્પનીય અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એમાં કાચની બાહ્ય ભીંતોવાળી બે સમાંતર ઇમારતો હશે, જેમનું નામ છે ધ લાઇન. એ લંબાઈમાં 170 કિલોમીટર (હા, 170 કિલોમીટર),પહોળાઈમાં માત્ર 200 મીટર એટલે કે 660 ફૂટ હશે. ઊંચાઈ હશે 500 મીટર એટલે 1,600 ફૂટ. એમાં કુલ ત્રણ લેવલ હશે. જમીન પરનું લેવલ માણસોની આવજા માટે હશે. એની નીચે પહેલું અંડરગ્રાઉન્ડ લેવલ માળખાકીય સુવિધાઓ માટ અને નીચે ત્રીજું લેવલ હાઈ સ્પીડ ટ્રેન માટે હશે. પ્લાનિંગ અનુસાર 2030માં આ ઇમારત જો તૈયાર થઈ જાય તો એ અનેક રીતે અજાયબી હશે. એમાં વાહનો નહીં હોય. શહેરમાં કશે પણ રહેતી વ્યક્તિ માટે દરેક સુખસગવડ કે જરૂરિયાતની ચીજ પગપાળા પાંચ મિનિટ કે ઓછા અંતરે ઉપલબ્ધ હશે. પર્યાવરણના મામલે એ નિસર્ગનો ખજાનો હશે. આખી ઇમારતની વીજળીની જરૂરિયાત માત્ર અને માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરી પાડવામાં આવશે. એમાં પ્રતિ કિલોમીટર 2,60,000 માણસો વસતા હશે. વિશ્વના હાલના સૌથી ગીચ એવા ફિલિપાઇન્સના મનીલા શહેરમાં પ્રતિ કિલોમીટર 44,000 માણસો રહે છે. કલ્પના કરો કે સાઉદીના શાસકોએ કેવી ઇમારત પ્લાન કરી છે. આ ઇમારત બને જશે ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં બારમા સ્થાને હશે.