ગયા અઠવાડિયે દેશી ફિલ્મો અને શોઝની આપણે વાત કરી. આ અઠવાડિયે 2022ને આવજો કહેતા જાણીએ વૈશ્વિક દ્રષ્ટિકોણથી. કયા શોઝ સૌથી વધુ જોવાયા અને કઈ ફિલ્મોએ અપરાંપાર સફળતા મેળવી એ જાણ્યા પછી ઉપાડો રિમોટ અને જુઓ કાંઈક મનગમતું…
‘મની હાઇસ્ટ’ અને ‘સ્ક્વિડ ગેમ’ જેવા શોઝ સૌને યાદ છે. આખી દુનિયામાં આ શોઝે અકલ્પનીય સફળતા મેળવી. આ શોઝ એવી પકડ ધરાવતા હતા કે જેમની ઇચ્છા ના હોય એ પણ બિન્જ વોચિંગ કરવા મજબૂર થઈ જાય. મતલબ એકવાર શરૂ કર્યા પછી એને પૂરો જોયા વિના જીવને જંપ વળે નહીં. 2022માં કયા વિદેશી શોઝ કે કઈ ફિલ્મો દેશમાં અને વિશ્વમાં આવી અથવા નોંધનીય સફળતા મેળવી શક્યા એ જાણીએ.
‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ રહ્યો સુપર સફળ
વરસનો સૌથી વધુ જોવાયેલો શો છે આ. એક અમેરિકન ફેન્ટસી, શો જે ‘ગેમ ઓફ થ્રોન્સ’ નામના પહેલાંના શોની પ્રિક્વલ છે. ઓગસ્ટ 2022માં રિલીઝ અને કુલ 10 એપિસોડ્સ. એચબીઓનો આ શો ડિઝની હોટસ્ટાર પર છે. આ સિરીઝ જો માણી નથી તો નવા વરસને વધાવતી વખતે માણી લો.
‘મૂન નાઇટ’ લોકોના દિલમાં વસ્યો
જેરેમી સ્લેટરનું સર્જન આ સિરીઝ પણ અમેરિકન છે. એ પણ ડિઝની હોટસ્ટાર પર જોઈ શકાય છે. માર્વેલ કોમિક્સના આધારે એ સિરીઝ માર્વેલ સ્ટુડિયોઝે બનાવી છે.
‘હૉકઆય’ વખણાઈ મેકિંગ માટે
‘હૉકઆય’ પણ અમેરિકન સિરીઝ અને એ પણ છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. 2019ની ‘એવેન્જર્સ’ ફિલ્મ પછી થતી ઘટનાઓ એની વાર્તામાં વણી લેવાઈ છે. એની એક્શન સિકવન્સીસના ખૂબ વખાણ થયાં છે.