સોશિયલ મીડિયાની શરૂઆતથી લઈ આજ સુધીમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. આ દુનિયામાં બધું બહુ મજેદાર છે અને વિસ્મયજનક પણ
કલ્પના કરો કે તમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. મેટ્રો, લોકલ, લાંબા અંતરની ટ્રેન… કોઈ પણ. સવાર, બપોર, સાંજ અને રાત… ગમે તે સમય છે. આસપાસ અનેક પ્રવાસીઓ છે. બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર… એમાંના મોટા ભાગના લોકોમાં એક વાત કોમન હશે. એ કઈ? બધાનું મોબાઇલ કે લેપટોપ જેવા સાધનમાં ઊંધું ઘાલીને પ્રવૃત્ત રહેવું. એમાં મોબાઇલનો કે ગેજેટનો ઉપયોગ કરી નક્કર કામ કરનારા બહુ ઓછા હશે. એમાં સોશિયલ મીડિયાએ એમના પર થોપેલો સારો-ખરાબ માલ (ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો વગેરે) વાપરવામાં વ્યસ્ત લોકો મહત્તમ હશે. એમાં પણ, જેમાં ઓછી મહેનત પડે એવા શોર્ટ્સ કે રીલ્સ જેવા ટૂંકા વિડીયો જોવામાં ગુલતાન લોકોની સંખ્યા તો સૌથી વધુ હશે.
હવે ટ્રેનમાંથી ઊતરો અને બસમાં ચડો. અથવા પાર્કમાં જઈને બેસો, લગ્નપ્રસંગમાં મહાલો અથવા ગમે ત્યાં જાવ પણ કલ્પના કરો. માણસનો પોતાની વાસ્તવિક (ખરા માણસો સાથે) સોશિયલાઇઝિંગ કરવાનો સ્વભાવ ડિજિટલ સોશિયલ મીડિયાએ છીનવી લીધો છે. એમાં પણ, લાંબા અને ટૂંકા વિડીયોએ લિટરલી દાટ વાળ્યો છે. એવો કે જીવનમાં કરવા જેવું જો કાંઈ બચ્યું છે તો એ છે વિડીયો બનાવવા અને જોવા.
વિડીયો સુધી પહોંચેલી સોશિયલ મીડિયાની પ્રગતિ કમાલ છે. એની તવારીખ સાથેના બોક્સમાં છે. ૨૦૧૩માં ટ્વિટરની સહયોગી કંપની વાઇન પર ટૂંકા વિડીયોની શરૂઆત થઈ હતી. એ વિડીયો છ સેકન્ડના હતા પણ ઇન્ટરેક્ટિવ નહોતા. એ નિષ્ફળ પ્રયાસે એટલું કર્યું કે સોશિયલ મીડિયામાં વિડીયો આવરવાના વિચારને રમતો કરી દીધો.
૨૦૧૬માં મ્યુઝિકલી આવ્યું. ૨૦૧૮માં દોઉયિન નામની ચીની કંપની સાથે ભેળવીને ટિકટોક સર્જવામાં આવ્યું. એમાં યુઝર્સને ૬૦ સેકન્ડના વિડીયો માટે સાઉન્ડ, એડિટિંગ, ક્રિએટિવિટીનો અવકાશ મળ્યો. એનાથી આવેલા આમૂલ પરિવર્તને સોશિયલ મીડિયાની ઓળખ, ઉપયોગિતા, એનો અતિરેક અને એની ઘૂસણખોરી બદલી નાખી. પરિણામ અને દુષ્પરિણામ આપણે જોઈ અને જીવી રહ્યા છીએ.
ટિકટોકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટયુબ, સૌની નીંદર હરામ કરી નાખી. એમની પાસે પોતપોતાની રીતે શોર્ટ વિડીયો ફોરમેટમાં ઝંપલાવવા સિવાય વિકલ્પ રહ્યો નહીં. હવે એવી સિચ્યુએશન છે કે નાનું બચ્ચું શોર્ટ જોતાં જોતાં જમે છે અને દાંત વગરનાં ડોસીમા તડકે બેસે તો હાથમાં ધામક સાહિત્યની જગ્યાએ મોબાઇલ છે અને એમાં વિડીયો છે.