ઓનલાઇન વિશ્વ પર યૌવન રાજ કરે છે. એનો એવો અર્થ નથી કે મોટી ઉંમરની વ્યક્તિ આ ક્ષેત્રમાં કાઠું કાઢી ના શકે. એવા પણ વડીલો છે જેમણે ઓનલાઇન માધ્યમો પર છવાઈને જિંદગી ગુલઝાર કરી છે
ભારતમાં આશરે એક-સવા લાખ લોકો ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ‘સેલિબ્રિટી સ્ટેટસ’ ધરાવે છે. આ સેલિબ્રિટીનું કદ નાનુંય હોય કે મોટું પણ હોય. એમાંના મોટાભાગના યુવાન છે. એટલે અન્ડર ૩૫ કે ૪૦. ટેકનોલોજીએ યુવાનોને આપબળે આગળ આવવા બારી ઉઘાડી આપી છે. થોડી ક્રિએટિવિટી અને હૈયામાં અપને દમ પર કશુંક કરવાની તમન્ના હોય એ લોકો ઓનલાઇન વિશ્વમાં કૂદકો મારી શકે છે. લાગ્યું તો તીર. અલબત્ત, તીર નિશાને લાગવા માટે સાતત્ય, સખત મહેનત, નવું કરી શકવાની ત્રેવડ અને પ્રમોશન અનિવાર્ય છે.
આ દુનિયામાં પ્રવેશો ત્યારે સમજી લેવાનું કે, લોગ ક્યા કહેંગે એ ડર તડકે મૂકી દેવાનો. ઓનલાઇન સેલિબ્રિટી બનતા શરૂઆતમાં હાંસીપાત્ર બનવું પડી શકે છે. લોકો ટોણા મારી શકે છે કે આ શું માંડયું છે. શત્રુઘ્ન સિંહા નવાનવા હતા ત્યારે એમને પોતાને એમના ચહેરા પરનો ઘાનો નિશાન કારકિર્દીમાં આડો આવશે એવી ભીતિ હતી. પછી એ ઘા એમની ઓળખ બન્યો. કલાકાર કે પબ્લિક ફીગર માટે આ સહજ છે. બોલવાની આગવી શૈલી, સારી કે ખરાબ, શરીર સૌવ (અમિતાભ બચ્ચનની હાઇટ), કેશકલાપ (શાહરુખના વાળ), નાકનકશો (સૈફ કે રણવીરનું નાક) અને બીજું ઘણું બધું નવોદિતની વિરુદ્ધ જઈ શકે છે. એ બધું ત્યારે સ્વીકાર્ય અને લોકચાહનાનું કારણ બની જાય જ્યારે જીદ હોય અને મનગમતું કરવાને દ્રઢ મનોબળ હોય.