ઓટીટી પર મફતમાં ફૂટબોલ વર્લ્ડ કપ, પછી ડબલ્યુપીએલ અને હવે આઈપીએલ! આ નિર્ણયે ટીવી અને ઓટીટી જગતને હચમચાવી નાખ્યું છે
આઈપીએલ જામી રહી છે. ૧૦ ટીમ આઈપીએલ ૨૦૨૩ની ટુર્નામેન્ટમાં વિજેતા થવા મરણિયા થવાની છે. ભારતીયો સ્ક્રીન સામે ખોડાઈ ગયા છે. ક્રિકેટને ભારતમાં નરી રમત ગણીએ તો નગુણામાં ખપી જઈએ. ખેર, ૨૮ મેએ કોણ કપ ઉઠાવીને એને ચુંબન કરશે એ સમય આવ્યે ખબર. આજની વાત કરો તો રિલાયન્સની વાયાકોમ ૧૮, જિયો સિનેમા અને મુકેશભાઈ ઓલરેડી વિજેતાની રૂપે મંદ મંદ સ્મિત રેલાવી રહ્યા છે.
વાયાકોમ ૧૮એ રૂપિયા ૨૩,૭૫૮ કરોડનો ચેક આઈપીએલના પાંચ વરસના ડિજિટલ પ્રસારણ માટે બીસીસીઆઈના નામે ફાડયો છે. ટીવી પ્રસારણના અધિકારો માટે સ્ટાર સ્પોર્ટ્સે રૂપિયા ૨૩, ૫૭૫ ચૂકવ્યા છે, મતલબ ડિજિટલ રાઇટ્સ કરતાં ઓછા. પ્રસારણકર્તા તરીકે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલની સબસ્ક્રિપ્શન ફી સહિત જાહેરાતોથી કમાણી કરશે. સ્ટાર પાસે પહેલાં ડિજિટલ પ્રસારણના અધિકારો પણ હતા. ત્યારે એણે એના ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શનથી પણ કમાણી કરી હતી. જિયો સિનેમા આઈપીએલ મફતમાં દેખાડે છે. એણે વિમેન પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પહેલી સીઝન અને ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ વખતે પણ આમ જ કર્યું. ઓટીટીનાં મોટાં માથાં સ્તબ્ધ છે કે મુકેશભાઈ કરવા શું બેઠા છે?
આઈપીએલના ઇતિહાસમાં (કદાચ કોઈપણ રમતની મોંઘી, પ્રતિતિ ટુર્નામેન્ટમાં પણ) પહેલીવાર કોઈ કંપની આખી સ્પર્ધાઓ મફતમાં દર્શાવી રહી છે. એનું ગણિત આમ સમજવું અઘરું, પણ રિલાયન્સની રણનીતિમાં ઊંડા ઊતરો તો થોડું સહેલું છે.
૨૮ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ ધીરુભાઈ અંબાણીની ૭૦મી જન્મજયંતીએ દેશમાં (અવિભાજિત) રિલાયન્સ જૂથે સીડીએમએ મોબાઇલ લાન્ચ કર્યો હતો. મોબાઇલ ત્યારે લક્ઝરી હતો. ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ના નારા સાથે રિલાયન્સ ફોન આવ્યો માત્ર રૂ. ૫૦૧માં અને ધરતી રસાતળ થઈ. પછીનાં છ વરસમાં છ કરોડ ભારતીયો રિલાયન્સ ફોનધારી હતા. જે કામ એસ્સાર (સ્વિસ પીટીટી સાથે દેશમાં પહેલવહેલી મોબાઇલ સેવા રજૂ કરનાર) કે હચીસન (જેની સાથે એસ્સારે ભાગીદારી કરી અને સ્વિસ પીટીટીએ વિદાય લીધી) કે બીપીએલ મોબાઇલ ૧૯૯૫થી ૨૦૦૨ વચ્ચે કરી શકી નહી એ રિલાયન્સ મોબાઇલે ફટાફટ કરી નાખ્યું. મોબાઇલ ક્રાંતિનું બીજું મોજું આવ્યું ૨૦૧૭માં જ્યારે ઇન્ડિયા કા ફોન તરીકે જિયો ફોન રજૂ થયો. બે ક્રાંતિથી મોબાઇલ લક્ઝરીમાંથી જરૂરિયાતની ચીજ બની ગયો.
રિલાયન્સે જિયો માર્ટે પણ ઇ-કોમર્સમાં ક્રાંતિ કરી. મિનિમમ ઓર્ડર અને ડિલિવરી ચાર્જ વિના એ સેવા આપે છે. અન્ય કોઈ કંપનીને આવું પોસાતું નથી કે કેમ કરવું એની ટપ પડતી નથી. જિયો ફોનનું રોકાણ નીકળતા અને એને નફાકારક થતા લાંબો સમય જશે એવી એક ગણતરી હતી. એ ખોટી પાડતાં જિયો સડસડાટ નંબર વન મોબાઇલ સેવા સાથે નફાકારક સાહસ પણ બની ગયું.
હવે ઓટીટીની વાત. ડિઝની પ્લસ હોટસ્ટાર, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, એમએક્સ વિડિયો વગેરે સૌ પાકે પાયે પ્રસ્થાપિત ઓટીટી બ્રાન્ડ બની ચૂકી ત્યારે જિયો સિનેમા બચ્ચું હતું. જિયો કનેક્શન સાથે એપ મફત મળવા છતાં વાસ્તવિક યુઝર્સ ઓછા હતા. એક્સક્લુઝિવ કોન્ટેન્ટ અને બ્રાન્ડ પાવરના મામલે એ લાંબો સમય ટાઢીબોળ એપ રહી. રિલાયન્સ માટે એ સમસ્યા નહીં, રણ રણનીતિ રહી. રણનીતિ એવી કે એકવાર ગામેગામ, હાથેહાથ જિયો ફોન પહોંચવા દો, ફિર દેખા જાયેગા. આજે દેખા જાયેગાની ટર્મ દિખા દો સુધી પહોંચી છે.