ઇન્ડસ્ટ્રીમાં દાયકો થવા છતાં યામી લૉ-પ્રોફાઇલ છે. એને દેખાડા કદાચ આવડતા નથી. ઓટીટી પર એણે સફળ ફિલ્મોની હારમાળા સર્જી છે. બીજી તરફ ઓટીટી સેન્સરશિપનો મુદ્દો છે. વરવી વાસ્તવિકતા એ કે હવે આવી સેન્સરશિપ લાદવી આસાન રહી નથી
2012માં ‘વિકી ડોનર’ આવી હતી. એને એક દાયકાથી વધુ સમય થયો. દરમિયાન ફિલ્મના હીરો આયુષ્માન ખુરાના બેન્કેબલ સ્ટાર બન્યા પછી હવે કસોટીજનક કાળમાં પસાર થઈ રહ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી યામી ગૌતમ પણ હતી. એ આવી હતી ટેલિવિઝનથી. એનો સુવર્ણકાળ શરૂ થયો છે. ખાસ કરીને ઓટીટીને લીધે. એમની લેટેસ્ટ ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ નેટફ્લિક્સ પર પ્રથમ બે અઠવાડિયાંમાં સૌથી વધુ (ઓલમોસ્ટ ત્રણ કરોડ વખત) જોવાનારી ફિલ્મ બની છે. એણે ‘આરઆરઆર’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને પાછળ મૂકી છે. યામી હેઝ અરાઇવ્ડ એન્ડ હાઉ!
34 વરસની ઉંમર છે એમની. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એમનો જન્મ અને ઉછેર ચંદીગઢમાં. પિતા મુકેશ ગૌતમ, પંજાબી ફિલ્મોના ડિરેક્ટર. ‘એક નૂર’, ‘અંખિયાં ઉડીકદિયાં’ જેવી પંજાબી ફિલ્મો એમણે આપી છે. કાયદાનું ભણતાં ભણતાં યામીને આઈએએસ અધિકારી બનવાના ઓરતા હતા. પછી, 20 વરસની ઉંમરે ઠરાવ્યું, “અભિનેત્રી બનવું છે.” યામી આવ્યાં મુંબઈ. એનડીટીવી ઇમેજિનની ટીવી સિરિયલ ‘ચાંદ કે પાર ચલો’ માં લીડ રોલ મળ્યો. દરમિયાન કન્નડ ફિલ્મ ‘ઉલ્લાસ ઉત્સાહ’માં ચમકવાની તક મળી. પછી મોટો વળાંક આવ્યો શૂજિત સરકારે ‘વિકી ડોનર’ માટે સાઇન કરી ત્યાંથી. જોકે ફિલ્મની રિલીઝ પછી યામી બે વરસ મોટા પડદે આવી નહોતી. પછી ‘ટોટલ સિયાપા’, ‘બદલાપુર’ જેવી ફિલ્મો અને 2017માં સંજય ગુપ્તાની, રિતિક રોશન સાથેની ‘કાબિલ’ ફિલ્મે યામીને ઝળકાવી દીધી. આદિત્ય ધારની ‘ઉરી’માં પણ યામી હતાં. ફિલ્મે અપ્રતિમ સફળતા મેળવી. સાથે યામીએ આદિત્યના રૂપમાં જીવનસાથી મેળવ્યો. બેઉએ 2021માં લગ્ન કર્યાં.
કોવિડ વખતે એમની ફિલ્મ ‘ગિની વેડ્સ સની’ સીધી ઓટીટી પર આવી. એ વરદાન સાબિત થઈ. યામીની એ પહેલી એવી ફિલ્મ જે સીધી ઓટીટી પર આવી. પછી ‘ભૂત પોલીસ’ સીધી ઓટીટી પર આવી.
ગયા વરસે ‘અ થર્સ્ડે’ સાથે એમની સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મની હેટટ્રિક થઈ. ફિલ્મ બેહદ સફળ રહી. ઓટીટી પર સૌથી વધુ જોનારી ફિલ્મોની યાદીમાં એણે સ્થાન મેળવ્યું. યામીના અભિનયનાં ખાસ્સાં વખાણ થયાં. ઘણા એને યામીનો ત્યાર સુધીનો બેસ્ટ પરફોર્મન્સ પણ ગણાવે છે. ફિલ્મ હતી જોવાયોગ્ય. પછી અભિષેક બચ્ચન સાથે ‘દસવીં’, ‘લોસ્ટ’ અને હવે ‘ચોર નિકલ કે ભાગા.’ બીજી કોઈ બોલિવુડ અભિનેત્રી એવી નથી જેની ફિલ્મો આટલા સાતત્ય સાથે ઓટીટી પર આવી અને જોવાઈ.
ઇન્સ્ટા પર પોણાબે કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી યામી ન્યુઝમાં નથી રહેતી. સામાન્યપણે બોલિવુડ સેલિબ્રિટીઝ કંગના રનૌતની ખફગીનો ભોગ બનતા હોય છે. યામી એમાં અપવાદ છે. કંગનાએ યામીની તારીફ કરતાં જણાવ્યું કે કોઈ હોહા વિના યામી એક પછી એક ફિલ્મોથી દિલ જીતી રહી છે. યામીએ છ ભાષામાં ફિલ્મો કરી છે. વાંચન એનો શોખ છે. ફિલ્મોની લાગલગાટ સફળતાએ યામીને આઈએમડીબી પર બોલિવુડની બીજી સૌથી લોકપ્રિય સેલિબ્રિટી બનાવી છે.
ઇન્ડસ્ટ્રીમાં કામની કમી નથી એવું માનતી યામીની નજર શોધતી રહે છે સારી સ્ક્રિપ્ટ અને ટીમ. એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું, “મને નરેશન કરતાં વધુ સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મ કેવીક બનશે એની કલ્પના કરવી ગમે. કોઈ ફિલ્મ કે સ્ક્રિપ્ટ સદંતર પરફેક્ટ ના હોઈ શકે એ કબૂલ પણ વાંચીને એટલું સમજી શકું કે ફિલ્મ બનાવવા પાછળ સર્જકનો આઇડિયા અને હેતુ શો છે.”
યામીની જેમ હમણાં ફરી ચર્ચામાં છે ઓટીટી પ્લેટફોર્મ્સને સેન્સરશિપ હેઠળ લાવવાનો મુદ્દો. બે કારણસર. એક સુપરસ્ટાર સલમાન ખાને એ વિશેનું સ્ટેટમેન્ટ આપ્યું એટલે અને બીજું, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે પણ ઉલ્લેખ કર્યો એટલે.
બોલિવુડના ભાઈજાને એક પ્રેસ કોન્ફરન્સમાં કંઈક આવી ટિપ્પણી કરી, “મને લાગે છે ઓટીટી પર સેન્સરશિપ લદાવી જોઈએ. આ વલ્ગરિટી, નગ્નતા વગેરે બંધ થવું જોઈએ. સાવ પંદર-સોળ વરસનાં ટીનએજર્સ બધું જોઈ શકે છે. તમને ગમશે કે તમારી નાનકડી દીકરી આ જુએ?”
એના પ્રત્યાઘાતરૂપે ઓછા જાણીતા અભિનેતા પણ અમરીશ પુરી જેવા દિગ્ગજના પૌત્ર વર્ધન પુરીએ નો સેન્સરશિપનો નારો કર્યો. એમણે કહ્યું, “હું સૌના વિચારનું સન્માન કરું છું. મને લાગે છે કે સેન્સરશિપનો અર્થ ક્રિએટિવિટીનું કાસળ કાઢી નાખવું. હું એની વિરુદ્ધ છું. મને પ્રમાણપત્ર, માર્ગર્શિકા હોય એ યોગ્ય લાગે છે.” અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ઓટીટી પર અસભ્ય ભાષા અને વલ્ગરિટીનો અતિરેક સ્વીકાર્ય નથી.