ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સમાં અકાઉન્ટ ખોલાવવું, પૈસા ભરવા, ટ્રેક રાખવો એના કરતાં એક અકાઉન્ટથી અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ માણવાં વધારે માફક આવે. એગ્રિગેટર કંપનીઓ આ કામ કરે છે. એગ્રિગેટર્સની સેવા ઓટીટી વિશ્વનું ભવિષ્ય છે
હાથમાં રિમોટ હોય. ફુરસદ હોય. ઓટીટી જોવાની તાલાવેલી હોય. ત્યારે મૂંઝવણ એ થઈ શકે કે શું જોવું? સરેરાશ વ્યક્તિ શું જોવું એ નક્કી કરવામાં આશરે ખાસ્સો સમય કાઢી નાખે છે. બીજી મૂંઝવણ કે જે જોવું હોય એ કયા ઓટીટી પ્લેટફોર્મ પર છે. પછી એ પણ વિચારવાનું કે જોવું છે એ ફલાણા ઓટીટી પર છે તો ખરું પણ એ પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લીધું છે કે નહીં. નથી લીધું તો ભરો પૈસા, બનાવો અકાઉન્ટ, કરો મહેનત.
એક પછી એક નવાં ઓટીટી પ્લેટફોર્મ્સ આવી રહ્યાં છે ત્યારે યુઝર્સ માટે કેટલાં લવાજમ ભરવાં, કેટલાં ખાતાં મેનેજ કરવાં એ મોટી મુશ્કેલી છે. ઓટાટી પાછળ સામાન્ય માણસનો થઈ રહેલો ખર્ચ પણ વધવા માંડ્યો છે. વિવિધ પ્લેટફોર્મ્સ પર અકાઉન્ટ બનાવ્યા પછી એમનો ટ્રેક રેકોર્ડ રાખવો પણ કડાકૂૂટ છે. આ બધાંથી આપણને બચાવી શકે છે એગ્રિગેટરની સેવા.
એગ્રિગેટર એટલે એવું પ્લેટફોર્મ જે એક અકાઉન્ટમાં અનેક ઓટીટી સેવા પૂરી પાડે. ઘડીકમાં પ્રાઇમ વિડિયો, ઘડીકમાં નેટફ્લિક્સ, એમએક્સ પ્લેયર, ઘડીકમાં ઝીફાઇવ એમ ગોળગોળ ફરવાની ઝંઝટથી જે આપણને બચાવે. બસ એક પ્લેટફોર્મ, એક લવાજમ અને અનેક ચોઇસ. આવું કરવા એગ્રિગેટર વિવિધ ઓટીટી સાથે હાથ મિલાવીને એમની સેવા પોતાના પ્લેટફોર્મ પર મૂકી દે છે. પછી એ કાં તો પોતે સિંગલ લવાજમ લઈને એ ઓટીટી જોવાની સગવડ પૂરી પાડે, કાં પછી જે તે લવાજમ પોતાને ત્યાંથી સીધા ભરવાની સગવડ કરી આપે.
ઓટીટી પ્લેટફોર્મ અને એગ્રિગેટર વચ્ચેના કરારને લીધે યુઝરને ઘણા લાભ મળે છે. પહેલો લાભ, ઉપર જણાવ્યું તેમ, અનેક ખાતાં ખોલવાં અને મેનેજ કરવાની ઝંઝટમાંથી મળતી મુક્તિ છે. બીજો લાભ વિવિધ લવાજમ પાછળ એકંદરે થતા ખર્ચ કરતાં ઓછો ખર્ચ થવાની શક્યતા છે. એગ્રિગેટર કંપનીઓ રિડિસ્ટ્રિબ્યુટર તરીકે પણ ઓળખાય છે.
સરળ શબ્દોમાં સમજવા ઉદાહરણ – કિરાણાની નાનકડી દુકાન અને નવા જમાનાના સુપર સ્ટોરનું લઈએ. સુપર સ્ટોરમાં અનાજ-કરિયાણા ઉપરાંત અનેક ચીજો ખરીદી શકાય. એના માટે દુકાને દુકાને ફરવાની જરૂર રહેતી નથી. એગ્રિગેટર્સ ઓટીટીના સુપર સ્ટોર્સ છે એમ સમજી લો. તેઓ અનેક ઓટીટીને એક એપ કે પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. પછી એ બધાંનાં લવાજમ પોતાના પ્લેટફોર્મ પર ભરવાની સગવડ કરી આપે છે. એમાં ડિસ્કાઉન્ટ પણ લાવી આપે છે. ગ્રાહકને ખાતું બનાવ્યા પછી એક કે વધારે ઓટીટીના વપરાશમાં જો કોઈ અડચણ પડે તો એનું નિવારણ પણ એ શોધી આપે છે.
ઓટીટી પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (હવે આ કમાલથી સૌ થોડેઘણે અંશે પરિચિત છે) થકી દર્શકની પસંદ કે નાપસંદની નાડ પારખતાં હોય છે. દર્શકે પહેલાં શું જોયું હતું એના આધારે એ એક યાદી બનાવીને એમને હવે શું જોઈ શકાય એની ભલામણ કરતાં હોય છે. કોમેડી જોનારને એ કોમેડીના અને થ્રિલર જોનારને થ્રિલરના વિકલ્પો દર્શાવે છે. એગ્રિગેટર પણ આ કામ કરે છે અને કદાચ વધારે સારી રીતે કરે છે. એગ્રિગેટર પાસે યુઝરે એક કરતાં વધારે ઓટીટી પર શું જોયું એનો ડેટા હોય છે. એના આધારે એ રિકમેન્ડેશન કે ભલામણ વધુ સારી રીતે કરી શકે છે.
તમે પૂછશો વિશ્વસનીય એગ્રિગેટર્સ કયા? જવાબમાં કહી શકાય કે ટોચની કંપનીઓમાંથી વિકલ્પ શોધો. એમેઝોનના પ્રાઇમ, એરટેલ, ટાટા પ્લે બિન્જ, જિયો વગેરે સહિતની જે કંપનીઓ પ્રસ્થાપિત છે એ આ મોરચે કાર્યરત છે. એમેઝોને આઠેક મહિના પહેલાં અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સના કોન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર ઉપબલ્ધ કરાવવાની સેવા શરૂ કરી હતી. પ્રાઇમ વિડિયો એપથી સીધા અન્ય ઓટીટીમાં જવાની સગવડ એ પૂરી પાડે છે. અન્ય કોઈ ઓટીટીનું લવાજમ ભરવાનું હોય તો એ પણ સીધું ભરી શકાય છે. અમુકમાં ડિસ્કાઉન્ટ મળે છે. ટાટા પ્લે બિન્જમાં પણ અનેક ઓટીટી માણવાની વ્યવસ્થા છે. ગયા વરસે લૉન્ચ થયેલી એની સેવામાં એ સમયે 17 પ્લેટફોર્મ્સ હતા અને હવે 26 છે.
જિયો અને એરટેલ પણ એગ્રિગેટર છે. જેઓ પાસે એનું કનેક્શન હોય તેમને આ ચોઈસ મળે છે. જિયો સૌથી વધુ ટીવી ચેનલ્સ એક જ જગ્યાએ માણવાની ચોઇસ પણ ધરાવે છે. એરટેલ પણ એવી જ કામગીરી કરે છે. આ બેમાંથી કોઈ પણ કંપનીનું જેમનું અકાઉન્ટ હોય છે એમણે આ સેવા વાપરી હશે. બસ, કદાચ એ ખ્યાલ ના હોય કે એ શક્ય થાય છે એમની એગ્રિગેટર તરીકેની ભૂમિકાથી.