ઓડિયો ફોરમેટમાં ઓટીટી લગાતાર પ્રગતિ સાધી રહ્યાં છે. મજાની વાત એ પણ કે વિદેશીઓ કરતાં ભારતીયો શ્રવણાનંદમાં વધુ રુચિ લઈ રહ્યા છે અને સમય પણ વધુ ખર્ચી રહ્યા છે
ઓટીટી એટલે શું? સામાન્ય જવાબ છેઃ કંઈક ગમતીલું જોવું. થોડો અલગ જવાબ છેઃ કંઈક સરસ સાંભળવું. ક્યારેક ઘરમાં ટેલિવિઝન અને રેડિયો સાથેનું ટેપ રેકોર્ડર, એમ બે અલગ સાધન હતાં. આ બે સાધનો દર્શન અને શ્રવણનો આનંદ પીરસનારાં ખેરખાં હતાં. સમય સાથે ઓડિયો ઇન્સ્ટ્રુમેન્ટનું સ્થાન મોબાઇલ, કોમ્પ્યુટર, ટેલિવિઝને લીધું. પહેલાં એવું પણ હતું કે દર્શન એટલે કંઈક જોવા માટેના વિકલ્પો આટલા ધોધમાર વરસતા નહોતા. એટલે લોકો શ્રવણને પણ પ્રાધાન્ય આપતા. આજે તો માત્ર ગીત સાંભળવા પણ લોકો યુટ્યુબ પર પહોંચી જાય છે. ગીત હોય ઓડિયો ફોરમેટમાં. એની વચ્ચે ઓટીટી પર અનેક એપ્સે પોતપોતાનું સ્થાન બનાવ્યું, જેનો ઉદ્દેશ માત્ર શ્રવણાનંદનો છે. આવી એપ્સ ધીમી પણ મક્કમ ગતિએ આગેકૂચ કરી રહી છે.
ઓડિયો ઓટીટી પ્લેટફોર્મ્સ પણ વિડિયો જેટલાં અગત્યનાં છે. એમાં સાઉન્ડની ગુણવત્તા બહેતર મળે છે. એમાં સ્ટ્રીમિંંગ વખતે ઓછા ડેટાનો ખપ પડે છે. એના પર આંખો ખોડી રાખવાની ગરજ પડતી નથી. લવાજમ ભરીને અથવા અમુક કિસ્સામાં મફતમાં એમાં જાહેરાતોના આક્રમણ વિના નોન સ્ટોપ સંગીત માણી શકાય છે. ઓડિયો ઓટીટી માત્ર ગીત-સંગીત નહીં, બીજું ઘણું પીરસે છે. એટલે એમની મહત્તા વધી રહી છે. બેશક, ઓડિયો ઓટીટી ક્યારેય વિડિયો ઓટીટીનું સ્થાન લઈ શકે નહીં પણ એમ તો વિડિયો ઓટીટી પણ ઘણી વાતે ઓડિયો ઓટીટીની તોલે આવી શકે નહીં.
ઓડિયો ઓટીટીની સિચ્યુએશનની વાત કરીએ. પાછલાં ત્રણ વરસમાં આપણે ત્યાં એના વપરાશકર્તા વીસ-ત્રીસ કરોડ પહોંચ્યા છે! આંકડો મોટો છે. કોવિડકાળથી એના વિકાસની નક્કર શરૂઆત થઈ હતી જે આજ સુધી જારી છે.