રિમોટ હાથમાં લીધા પછી મનમાં થાય કે ઝટપટ અને ઓછા સમયમાં કંઈક જોવું છે પણ શું… તો ચિંતા નથી. ઘણું એવું છે જે કલાકો નથી માગતું, જે ટૂંકું ને ટચ છે અને માણવા જેવું પણ છે. એમાં પસંદગીનો વ્યાપ પણ વિશાળ છે અને પસંદગીઓ ઘણીવાર રિફ્રેશિંગ પણ છે
કાજલના હાથમાં રિમોટ હતું. મનમાં હતો ઉચાટ. કલાકેકમાં એને ફોન આવવાનો હતો અને જવાનું હતું કશેક બહાર. એ પહેલાં એ કંઈક તો જોવા માગતી હતી પણ આખેઆખું જોવાય તો. ઇન્સ્ટા અને ટ્વિટર અને એફબી વગેરે કરીકરીને એ કંટાળી ગઈ હતી. ડાબા હાથમાં મોબાઇલ અને અંગૂઠાથી સ્વાઇપ કરકર કરીને હવે એનું માથું ભમી રહ્યું હતું. ભંગાર મેસેજિસ, નક્કામા શોર્ટ્સ… એને થયું કેવું એડિક્શન છે સોશિયલ મીડિયાનું. જોકે થાય પણ શું? ફિલ્મ કે વેબ સિરીઝ લગાડે તો કલાકમાં એ ખતમ ના થાય તો? એણે તેમ છતાં રિમોટનાં બટન્સ દબાવ્યે રાખીને વિચાર્યે રાખ્યું, “મળ યાર, કંઈક તો એવું મળ જે મારા આ બોરિંગ કલાકને એન્જોયેબલ બનાવી દે.”
તમારી પણ ક્યારેક કાજલવાળી થતી હશે, રાઇટ? ડિજિટલ એડિક્શન એવું છે કે હાથમાંથી પુસ્તકો સરી ગયાં છે, અમસ્તા ગીતો ગણગણવાનું ગાયબ થઈ ગયું છે, બાલકનીમાં સાવ અકારણ ઊભા રહીને બહારનાં દ્રશ્યો જોતાં જોતાં પણ મન પ્રફુલ્લિત થઈ શકે છે એ હવે તડકે મુકાઈ ગયું છે. બચ્યાં છે તો નર્યાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. ઘડીકમાં મોબાઇલ તો ઘડીકમાં રિમોટ. એમાં પણ ઓછા સમયમાં, આખેઆખી સિરીઝ કે ફિલ્મ પતાવી નાખવાનો મનસૂબો પૂરો ના થઈ શકે ત્યારે, અને લોકોની નિરર્થક પોસ્ટ્સ જોઈ, વાંચી, સાંભળી કે લાઇક કરીને ધરવ થઈ જાય ત્યારે શું કરવું?
છે, ઘણી પસંદગીઓ છે ભાઈ (અને બહેન પણ). ચાલો ચાલો, થોડીક તપાસીએ.