ત્રીજી જાતિને કેન્દ્રમાં રાખીને બનતા વિષયો હમણાંથી થોડા વધ્યા છે. એમાં બે લેટેસ્ટ વિકલ્પ છે સુસ્મિતા સેનવાળી સિરીઝ અને નવાઝુદ્દીન સિદ્દિકીવાળી ફિલ્મ
છ એપિસોડ્સ અને એમાં સુસ્મિતા સેન લીડમાં. શ્રીગૌરી સાવંત અને દેશમાં વ્યંઢળોને કાયદેસર ત્રીજી જાતિ તરીકે 2014માં સર્વોચ્ચ અદાલતે આપેલી માન્યતા. એ વિષયની સિરીઝ એટલે તાલી. ઓટીટી પર ‘આર્યા’ જેવી દમદાર સિરીઝની બે સીઝનથી દિલ જીતી લેનારી સુસ્મિતાની ઉપસ્થિતિમાત્ર સિરીઝને આશાસ્પદ બનાવે. એમાં નોખો, વાસ્તવિક બીના પર આધારિત વિષય ઉમેરાતા તાલાવેલી વધી જાય શું હશે સિરીઝમાં? પછી રિમોટ ઉપાડી સિરીઝ જોવાનું શરૂ કરતાં આશાના મિનારા ધ્વસ્ત થવા માંડે. લે, આ શું?
એક પ્રસ્તાવના બાંધીને, શ્રીગૌરીની એકોક્તિ સાથે, ‘તાલી’ શરૂ થાય છે. પુરુષના દેહ સાથે જન્મ લેનાર ગણેશ ઉર્ફે ગણ્યાને શમણાં છે સ્ત્રી જેવા જીવનનાં. એને મા બનવું છે. એનાં માબાપ એની કાલીઘેલી વાતોને હળવાશથી લે છે. પછી તરત કથા પહોંચે છે પુખ્ત શ્રીગૌરી અને 2014ના સમયમાં. સર્વોચ્ચ અદાલત ત્રીજી જાતિના કેસ વિશે ફેસલો સુણાવે એની ઘડીઓ ગણાઈ રહી છે. ફેસલો સકારાત્મક આવતા ત્રીજી જાતિના સભ્યો ખરા અર્થમાં દેશના નાગરિકો તરીકે માન્યતા મેળવવાના છે. શ્રીગૌરી સાથે વિદેશી મહિલા પત્રકાર છે. ત્યાંથી કથા વર્તમાન અને ભૂતકાળમાં ઝૂલતી રહે છે. આજની શ્રાગૌરી અને ગઈકાલના ગણ્યા વચ્ચે. પહેલા એપિસોડના અંતે અદાલતના પ્રાંગણમાં શ્રીગૌરીના ચહેરાને એક ખેપાની શાહી ફેંકીને ખરડી નાખે કે અંદેશો થઈ જાય કે કંઈક ખૂટી રહ્યું છે અહીં.
કમનસીબે, એ લાગણી છેલ્લે સુધી બદલાતી નથી. કારણ નબળું લખાણ. એમાં વળી શ્રીગૌરીના સંવાદો શાને કાવ્યાત્મક છે એ સમજાતું નથી. “વરદી દેખ કર દરદી હો જાતી હૂં મૈં”, અને, “યે વકીલ કમ શકીલ ઝ્યાદા લગતા હૈ”, આ છે ઉદાહરણો. સિરીઝનો પ્રવાહ પણ કંટાળો ઉપજાવે એવો ધીમો અને વિચિત્ર છે. કોઈ સુપર રોચક ઘટના પણ નથી. પુરુષના હૃદયમાં સ્ત્રીનો જીવ લઈને મોટો થતો ગણેશ, પિતાની ઘૃણા, ગણેશનું ઘરેથી નાસી જવું, વ્યંઢળો સાથે જોડાવું, સેક્સ પરિવર્તન પછી મા બનવાની ઇચ્છા સેવવી… બધું ઉપરછલ્લું છે. શ્રીગૌરી એક્ટિવિસ્ટ તરીકે ઉભરવા માંડે છે ત્યારની સિરીઝ ઊંચકવાની તક પણ એળે જવા દેવાઈ છે.