આખા દેશમાં નહીં, આખી દુનિયામાં પણ કોન્ટેન્ટનો એવો ખજાનો બહુ ઓછી કંપનીઓ પાસે હશે જેવો પ્રસાર ભારતી પાસે છે. આવતા વરસે પોતાના ઓટીટીનું સપનું સાકાર કરીને આ સ્વદેશી, સરકારી બ્રાન્ડ ઓટીટીની દુનિયામાં રીતસરની ક્રાંતિ આણી શકે છે
દૂરદર્શન, આકાશવાણી અને એવી સરકારી સગવડોથી આપણે પરિચિત છીએ. કોઈ સેટેલાઇટ ચેનલ નહોતી, મોબાઇલ અને ઓટીટી ગર્ભમાં પણ નહોતાં ત્યારે દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, વિવિધભારતી દેશના 3,287,263 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ્ઞાન અને મનોરંજનનો મહાસાગર પહોંચાડતાં હતાં. આજે પણ પ્રસાર ભારતીની સેવાઓ સખત શક્તિશાળી છે. બની શકે શહેરી પ્રજા તરીકે ઘણા આ તાકાતથી વાકેફ ના હોય. આવતા વરસે સ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે. બધું સમુંસુતરું પાર પડતાં આવતા વરસે આ સરકારી ઉદ્યમ ઓટીટીની દુનિયામાં એવું કામ કરશે જે આ સેવાઓને નવી ઊંચાઈએ પહોંચાડી દેશે.
પ્રસાર ભારતી પાસે એવું શું છે જે એને સૌથી અનન્ય બનાવે છે?
ઓલ ઇન્ડિયા રેડિયોની લાઇબ્રેરીમાં મહાત્મા ગાંધીજીનાં ભાષણોનો અલાયદો વિભાગ છે. એમાં ગાંધીજીની કલકત્તાના સોદેપુર આશ્રમમાં, 11 મે 1947ની પહેલી પ્રાર્થના અને 29 જાન્યુઆરી 1948ના રોજ, એમની નિઘૃણ હત્યાની પૂર્વસંધ્યાએ, દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના પૂર્વેનું ભાષણ, બેઉ સામેલ છે. ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર જીવનમાં માત્ર એકવાર, 12 નવેમ્બર 1947ના રોજ વક્તવ્ય આપ્યું એ પણ સચવાયેલું છે. રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોસ, ડો. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ જેવાં સ્વાતંત્ર્યનાયકોનાં ભાષણ પણ સામેલ છે. ભારતના તમામ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનાં ભાષણોનાં રેકોર્ડિંગ્સ ખરાં જ.